પાઠકજી, વ્યોમેશચંદ્ર જનાર્દન (જ. 15 માર્ચ 1895, મુંબઈ; અ. 23 માર્ચ 1935, સૂરત) : ગુજરાતી નાટકકાર, વિવેચક. વતન સૂરત. સૂરતની સાર્વજનિક હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થઈ 1917માં વડોદરા કૉલેજમાંથી બી.એ.. પછી મુંબઈ જઈ એલએલ.બી. થઈ 1921માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર લઈ એમ.એ.. 1918માં સાક્ષર મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી જયમનગૌરી (1902-1984) સાથે લગ્ન. 1921 પછી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક 1925 સુધી. અધ્યાપન દરમિયાન વિદ્યાર્થી-પ્રવૃત્તિને ઉત્તેજન આપી ગુજરાતી સાહિત્ય સમિતિ, કલા મંદિર, કૉલેજ પાર્લમેન્ટ, કૉલેજ યુનિયન આદિ સંસ્થાઓ સ્થાપી હતી. પ્રાધ્યાપક તરીકે છૂટા થયા બાદ ઇંગ્લૅન્ડ જઈ બાર-ઍટ-લૉ થયા. ત્યાંથી પાછા આવી મુંબઈની હાઇકોર્ટમાં વકીલાત કરી. પછીથી સૂરતની અનેક જાહેર પ્રવૃત્તિમાં જોડાયા. સૂરત સાહિત્ય મંડળના પ્રમુખ, સૂરત યુવક સંઘના પ્રમુખ, ગુજરાત કલાપ્રદર્શનના મંત્રી, સાહિત્ય પરિષદના ટ્રેઝરર આદિ સ્થાન એમણે શોભાવ્યાં હતાં. તેઓ પ્રભાવશાળી વક્તા અને સંસ્કૃતના સારા જ્ઞાતા હતા. સંસ્કૃતમાં જ જ્યાં ભાષણો થતાં એવી સૂરતની ગીર્વાણવાગ્વિલાસિની સભાના તેઓ પ્રમુખ હતા. તેમનું સંગીતશાસ્ત્રનું જ્ઞાન પ્રશંસનીય હતું.
સાહિત્યક્ષેત્રે એમનું અર્પણ નોંધપાત્ર છે. દલાલકૃત ‘બુદ્ધિસ્ટ ઇન્ડિયા’(1921)નું સંપાદન એમણે કર્યું હતું. ‘ગોયટેનાં જીવનસૂત્રો’ (1922) એમનો અનુવાદગ્રંથ છે. ‘ગુજરાતમિત્ર હીરક મહોત્સવ અંક’(1924)નું સંપાદન પણ એમણે કરેલું. અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી (1885-1963) સાથે એમણે કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી(1857-1925)ના ‘કાવ્ય-સાહિત્ય-મીમાંસા’ (1930) ગ્રંથનું અને મોહનલાલ પાર્વતીશંકર દવે સાથે ‘ગદ્યકુસુમ’(1931)નું દીર્ઘ ટિપ્પણ સહિત સંપાદન કર્યું હતું.
એમનું સ્વતંત્ર સર્જન એમના મૃત્યુ બાદ એમનાં પત્ની જયમનગૌરીએ પ્રકાશિત કર્યું છે. ‘વહેમી’ (પ્ર. આ. 1937, દ્વિ. આ. 1940) ત્રીસ મિનિટમાં પૂરું થાય એવું એમનું નાટક શંકાશીલ માનસ ધરાવતા વૃદ્ધ પતિની યુવાન પત્ની પરત્વે વહેમનજરને વિષય કરીને લખાયેલું પ્રહસન છે. ‘જીવતી જુલિયટ’ (1936) નવાં પ્રેમમાં પડેલાંની આવેશયુક્ત મૂર્ખતા અને ઉન્માદને લક્ષ્ય કરીને લખાયેલ નાટક છે. તેમનાં નાટકોમાં પરિહાસ હોવા છતાં સુરુચિભંગ થતો નથી. ‘સંવાદો’ (પ્ર. આ. 1938, દ્વિ. આ. 1955) પૌરાણિક, મહાકાવ્યગત, ઐતિહાસિક, સામાજિક આદિ પાત્રોના સંવાદોનું પુસ્તક છે. એમાં લેખકની કટાક્ષદૃષ્ટિ અને વિનોદવૃત્તિ પ્રગટ થાય છે. પ્રથમ આવૃત્તિમાં 12 અને દ્વિતીય આવૃત્તિમાં 13 સંવાદો છે. ‘પરાગ’ (1940) નામે એમનાં વિવેચનો તથા અન્ય લેખોનો સંગ્રહ છે. તેમાં નર્મદ, ન્હાનાલાલ, નૃસિંહદાસ વિભાકર, કમળાશંકર ત્રિવેદી આદિ સાહિત્યકારો વિશે વિવેચન પ્રાપ્ત થાય છે, જેમાં વ્યાપક દૃષ્ટિ તથા સ્પષ્ટ કથનશક્તિ વર્તાય છે. ‘સમાજનાં મૂળ’(1942)માં સામાજિક લેખો સંગ્રહાયેલા છે.
મનોજ દરુ