પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર

January, 1999

પાઠકજી, જયમનગૌરી વ્યોમેશચંદ્ર (. 15 સપ્ટેમ્બર 1902, સૂરત; . 22 ઑક્ટોબર 1984, સૂરત) : ગુજરાતી કવયિત્રી. વતન સૂરત. સાક્ષર શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી. અભ્યાસ સૂરત, અમદાવાદ, મુંબઈની શાળાઓમાં જૂના અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો. 1918માં સાહિત્યકાર વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી (1895-1935) સાથે લગ્ન. સૂરતની યુવતી મંડળમાં થોડાં વર્ષ પ્રમુખ. ગુજરાતી અને હિન્દી કવિતાનાં રસિક. તત્કાલીન સામયિક ‘ગુણસુંદરી’માં છપાયેલાં એમનાં કાવ્યોમાંથી પસંદગીનાં કાવ્યોનો સંગ્રહ ગુણસુંદરી કાર્યાલયે ‘ગુણસુંદરીના રાસ’ (1931) નામે પ્રગટ કર્યો હતો. આ પૂર્વે એમનાં સુરદાસનાં કાવ્યોનો અનુવાદ ‘સુરદાસ ને તેનાં કાવ્યો’ (1927) નામે પ્રગટ થયેલો. એમણે રાસ વિશેની સમજ આપતી રસપ્રદ પુસ્તિકા ‘રાસવિવેચન’ (1932) લખી છે.

એમના કાવ્યસંગ્રહો ‘તેજછાયા’(1940) કેશવ શેઠ(1888-1947)ની દીર્ઘ પ્રસ્તાવના સહિત અને કાવ્યસંગ્રહ ‘સોણલાં’ (1957) અનંતરાય રાવળ(1912-1988)ની પ્રસ્તાવના સહિત પ્રગટ થયા હતા. ‘તેજછાયા’માં 39 છંદોબદ્ધ કાવ્યો અને 30 ગીતકાવ્યો છે. ‘સોણલાં’માં છંદોબદ્ધ કાવ્યો અને ગીતો છે. એમના ભગવતીકુમાર શર્માના પ્રવેશક સાથે પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘પ્રપા’(1980)ની 46 રચનાઓમાં મોટા ભાગની ગરબા અને ગીતોની છે. સ્ત્રીકવિઓમાં એમની પ્રતિભા નોંધપાત્ર રહી છે. એમનાં કાવ્યોમાં ભાવની કુમાશ અને ભાવનાની સુવાસ છે. પર્વોત્સવનાં, પ્રભુપ્રીતિનાં, મહાકાવ્યોનાં પાત્રોની મન:સ્થિતિનાં, પ્રકૃતિલીલાનાં અને આત્મલક્ષી ભાવોનાં કાવ્યો રમણીય અને સુકુમાર છે. પૌરાણિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પ્રસિદ્ધ સ્ત્રીપાત્રો વિશે લાક્ષણિક પ્રસંગકાવ્યો એમણે રચ્યાં છે તે અને કૃષ્ણ-રાધા-જશોદા-દેવકીનાં સંવેદનોનાં કાવ્યો રસપ્રદ છે.

તેઓ બાળગીતકાર પણ છે. ‘બાલરંજના’ (1944) અને ‘ભૂલકાં’ એમનાં બાલકાવ્યોના સંગ્રહો છે. ‘બાલરંજના’માં બાળગમ્ય ગીતો, અભિનયગીતો, રાસગીતો અને નૃત્યગીતો મળી 26 રચનાઓ છે. ‘ભૂલકાં’ વિશેષ નાનાં બાળકોના રસકેન્દ્રને લક્ષમાં રાખી રચાયેલાં 26 ગીતોનો  સંગ્રહ છે. એમાં તહેવારો, રમકડાં, ખાવાનું, કળા, કુદરત, પંખી આદિ બાળમાનસને રુચિકર વિષયો કવનસ્થાન પામ્યા છે.

મનોજ દરુ