પાઠક, દીના (. 4 માર્ચ 1921, અમરેલી; . 11 ઑક્ટોબર 2002 બાંદ્રા, મુંબઈ) : હિંદી-ગુજરાતી રંગભૂમિ, ચલચિત્રો અને ટીવી શ્રેણીઓનાં ગુજરાતી અભિનેત્રી. ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવામાં પાયાનું કામ કરનાર દીનાબહેન મુંબઈ યુનિવર્સિટીનાં સ્નાતક હતાં.

દીના પાઠક

મુંબઈમાં કૉલેજના સમયથી નાટકોમાં ભાગ લેવા સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં રહ્યાં. ડાબેરી વિચારસરણી ધરાવતાં દીનાબહેનને હડતાલ વગેરે પ્રવૃત્તિઓને કારણે કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. 1941માં તેઓ, પાછળથી ખ્યાતનામ બનેલી સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ‘ઇપ્ટા’(ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)નાં સ્થાપક સભ્ય બન્યાં. મુલ્કરાજ આનંદ, બલરાજ સહાની, ચેતન આનંદ વગેરે તેમના સાથીદારો હતા. લગ્નસાથી બદલાયાથી તે `સંઘવી’ અને `પાઠક’ અટકોથી ઓળખાયાં.

આઝાદી પહેલાંનાં વર્ષોમાં ‘યહ કિસ કા ખૂન હૈ?’, ‘જાદૂઈ ખુરસી’, ‘ઝુબેદા’ વગેરે હિંદી નાટકો અને ‘ઢીંગલીઘર’, ‘આગગાડી’, ‘નર્મદ’ વગેરે ગુજરાતી નાટકો ઉપરાંત મરાઠી નાટકોમાં અને નૃત્યનાટિકાઓમાં કામ કર્યું હતું. આઝાદી બાદ 1949માં સરકારે ડાબેરીઓની ધરપકડ કરી ત્યારે દીનાબહેને નવ મહિના કારાવાસ પણ ભોગવ્યો. મુક્ત થયા બાદ ફરી નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. 1949માં ‘લોકભવાઈ’ નાટક લખ્યું, દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ નાટક ખૂબ વખણાયું. 1950માં તેઓ અમદાવાદ આવ્યાં અને ગુજરાત વિદ્યાસભાના નાટ્યવિદ્યામંદિરમાં નાટ્યશિક્ષિકા તરીકે જોડાયાં. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. 1957 સુધી અમદાવાદ રહ્યાં. એ દરમિયાન ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘મેના ગુર્જરી’, ‘મિથ્યાભિમાન’ વગેરે નાટકોમાં કામ કર્યું અને કેટલાંકનું દિગ્દર્શન પણ કર્યું. 1957માં ફરી મુંબઈ ગયાં અને ત્યાં નાટ્યપ્રવૃત્તિ ચાલુ જ રાખી ગુજરાતી, હિંદી અને મરાઠી નાટકોમાં કામ કર્યું. આ વર્ષો દરમિમ્યાન તેમને હિંદી ચલચિત્રોની ઑફરો મળતી હતી, પણ તેમણે સ્વીકારી નહોતી, પણ આર્થિક સંકટને કારણે 1965માં બાસુ ભટ્ટાચાર્યે ‘ઉસ કી કહાની’ ચલચિત્ર માટે ઑફર કરતાં સ્વીકારી લીધી. પછી તો હિંદી-ગુજરાતી મળીને 150થી વધુ ચલચિત્રોમાં તેઓ કામ કરી ચૂક્યાં છે. ‘કોશિશ’, ‘જલ બિન મછલી નૃત્ય બિન બિજલી’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘ભવની ભવાઈ’, ‘મિર્ચ મસાલા’, ‘મોહન જોશી હાજિર હો’ તેમનાં નોંધપાત્ર ચલચિત્રો છે. ‘ખૂબસૂરત’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફૅર ઍવૉર્ડ પણ તેમને છે. ગુજરાત અને કેન્દ્રની સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડ ઉપરાંત વિશ્વગુર્જરી સન્માન પણ તેમને મળેલ છે. તેમની બે પુત્રીઓ રત્ના અને સુપ્રિયા પણ જાણીતી અભિનેત્રીઓ છે.

હરસુખ થાનકી