પંડિત, વિજયાલક્ષ્મી (જ. 18 ઑગસ્ટ 1900, અલ્લાહાબાદ; અ. 1 ડિસેમ્બર 1990, દહેરાદૂન) : સ્વાતંત્ર્યસૈનિક, યુનાઇટેડ સ્ટેટ્સ તથા સોવિયેત સંઘમાં ભારતનાં રાજદૂત, યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગવર્નર. તેમના પિતા મોતીલાલ નહેરુ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ વકીલ હતા. તેમનો ઉછેર શ્રીમંતાઈમાં પશ્ચિમની ઢબથી થયો હતો. તેમણે બધું શિક્ષણ પોતાના ઘરમાં જ લીધું હતું. મે, 1921માં તેમનાં લગ્ન રણજિત સીતારામ પંડિત સાથે અલ્લાહાબાદમાં થયાં. રણજિત સૌરાષ્ટ્રના વતની અને બૅરિસ્ટર થયેલા હતા. વિજયાલક્ષ્મી સ્ત્રીઓની સમાનતામાં માનતાં હતાં. નહેરુ પરિવારમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી તહેવારો ઊજવવામાં આવતા હતા. તેથી સર્વધર્મ-સમાનતાના સંસ્કારો તેમના કુટુંબમાંથી તેમને મળ્યા હતા. સરોજિની નાયડુ સ્ત્રીઓની સમાનતા તથા તેમના ઉત્કર્ષમાં રસ લેતાં હતાં, તેનાથી વિજયાલક્ષ્મી પ્રભાવિત થયાં હતાં.
તેમણે ભગવદગીતા અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથો વાંચ્યા હતા; છતાં તેમનું કુટુંબ આધુનિક હતું અને તેમણે પોતાની ત્રણેય પુત્રીઓને અભ્યાસ કરવા પરદેશ મોકલી હતી. ઈ. સ. 1919માં ગાંધીજી અલ્લાહાબાદ ગયા અને આનંદભવનમાં રહ્યા. તેમના પ્રભાવથી વિજયાલક્ષ્મી રાજકારણમાં પ્રવેશ્યાં. એક અહિંસક સત્યાગ્રહી તરીકે તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો. 1929માં મોટા ભાઈ જવાહરલાલ નહેરુના પ્રમુખપદે મળેલા કૉંગ્રેસના લાહોર ખાતેના અધિવેશનમાં સંપૂર્ણ સ્વતંત્રતાના કૉંગ્રેસના ધ્યેયનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તે સાથે રાષ્ટ્રીય ચળવળમાં તેઓ સક્રિય બન્યાં. તેમણે પ્રભાવક પ્રવચનો કર્યાં, હડતાળો પડાવી, સરઘસોની આગેવાની લીધી. 27 જાન્યુઆરી, 1932ના રોજ તેમની ધરપકડ થઈ અને તેમને એક વરસની સખત કેદની સજા અને દંડ કરવામાં આવ્યાં. ઈ. સ. 1936ની ચૂંટણીમાં તેઓ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં ચૂંટાયાં અને ગોવિંદવલ્લભ પંતના મંત્રીમંડળમાં સ્થાનિક સ્વરાજ અને જાહેર આરોગ્ય ખાતાનાં મંત્રી બન્યાં. કૉંગ્રેસી મંત્રીમંડળોએ 1939માં રાજીનામાં આપ્યાં. ત્યારબાદ કૉંગ્રેસે શરૂ કરેલ વ્યક્તિગત સત્યાગ્રહ(1940-41)માં ભાગ લેવા માટે તેમની ધરપકડ કરીને ડિસેમ્બર, 1940માં ચાર મહિનાની સજા કરવામાં આવી. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન તેમની ફરી ધરપકડ થઈ અને નવ મહિના સુધી અટકાયતમાં રાખવામાં આવ્યાં. 1943માં બંગાળમાં પડેલા દુષ્કાળ માટે તેમણે નાદુરસ્ત તબિયત હોવા છતાં રાહતકાર્યોની વ્યવસ્થા કરી.
1940થી 1942 સુધી તેમણે ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરસનું પ્રમુખપદ સંભાળ્યું. વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફૉર પીસ ઍન્ડ ફ્રીડમનાં તેઓ ઉપપ્રમુખ હતાં. ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ અફેર્સ દ્વારા પુરસ્કૃત ભારતીય પ્રતિનિધિમંડળનાં આગેવાન તરીકે યુનાઇટેડ સ્ટેટ્સના વર્જિનિયા રાજ્યના હૉટ સ્પ્રિંગમાં યોજાયેલ પૅસિફિક રિલેશન્સ કૉન્ફરન્સમાં તેમણે હાજરી આપી હતી. યુનાઇટેડ નૅશન્સની સ્થાપના માટે સાન ફ્રાંસિસ્કોમાં પ્રથમ સભા મળી ત્યારે તેઓ ત્યાં જ હતાં. તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરવાના બ્રિટિશ પ્રતિનિધિઓના હકને ત્યાં યોજેલ જાહેર સભાઓમાં પડકાર્યો હતો. યુનાઇટેડ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનાં નેતા તરીકે તેમણે 1946થી 1948, 1950 તથા 1963માં કામગીરી બજાવી હતી. 1953થી 1955 સુધી યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં તેઓ પ્રમુખ હતાં. તેઓ 1947થી 1949 સુધી સોવિયેત સંઘમાં; 1949થી 1952 સુધી યુનાઇટેડ સ્ટેટ્સ અને મેક્સિકોમાં (1949-51) એકસાથે તથા 1954થી 1961 સુધી ઇંગ્લૅન્ડ, આયર્લૅન્ડ અને સ્પેનમાં (એકસાથે) ભારતનાં રાજદૂત હતાં. 1952 તથા 1964ની ચૂંટણીમાં તેઓ લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. 1962થી 1964 સુધી તેઓ મહારાષ્ટ્ર રાજ્યનાં રાજ્યપાલ હતાં. તેમને ભારતની તથા વિદેશોની યુનિવર્સિટીઓ તરફથી ડૉક્ટરેટની માનાર્હ ઉપાધિઓ તથા સમાજસેવા માટેના ચન્દ્રકો મળ્યા હતા. વિજયાલક્ષ્મી ઉત્તરપ્રદેશમાં પ્રથમ આરોગ્ય મંત્રી હતાં ત્યારે ગામડાંઓમાં પીવાનું પાણી, બાળકો માટે દૂધની યોજના, ગામડાંઓમાં યુવકો માટે રમતનાં મેદાનો, મેળા-બજારો અને પ્રદર્શનો માટેની જગ્યાની વ્યવસ્થા – આ બધાં માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી. વહીવટદાર અને સંસદનાં સભ્ય તરીકે તથા અંગ્રેજી અને હિન્દુસ્તાની ભાષાનાં જાહેર વક્તા તરીકે તેમણે નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેમણે દુનિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમણે લખેલા ગ્રંથોમાં ‘સો આઇ બિકેમ અ મિનિસ્ટર’, ‘ધી ઇવૉલ્યુશન ઑવ્ ઇન્ડિયા’, ‘પ્રિઝન ડેઝ’ અને ‘રોલ ઑવ્ વિમેન ઇન ધ મૉડર્ન વર્લ્ડ’નો સમાવેશ થાય છે.
જયકુમાર ર. શુક્લ