પંડિત, રામનારાયણ (. 25 ડિસેમ્બર 1927, ઉદેપુર) : સારંગીના સરતાજ ગણાતા વિખ્યાત ભારતીય સંગીતકાર. તેમના પિતા નાથુરામ પોતે સારંગી તથા દિલરુબાના જાણીતા વાદક હતા. કુટુંબનું સંગીતમય વાતાવરણ તથા નિસર્ગદત્ત પ્રતિભાને કારણે ખૂબ નાનપણથી તેમણે સંગીતની સાધના શરૂ કરી હતી. 6-7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સારંગી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ મહેબૂબખાં, ઉદયલાલજી, પંડિત માધોપ્રસાદ, ભીષ્મદેવ વેદી તથા લાહોરના ઉસ્તાદ અબ્દુલ વહીદખાં જેવા અગ્રણી સારંગીવાદકો પાસેથી ઉચ્ચતમ શિક્ષા પ્રાપ્ત કરી. 1946માં તેઓ લાહોર રેડિયો કેન્દ્રની નોકરીમાં દાખલ થયા. 1947માં ભારતનું વિભાજન થતાં તેઓ દિલ્હી આવ્યા અને ત્યાંના આકાશવાણી કેન્દ્રની નોકરીમાં દાખલ થયા. 1949માં તે મુંબઈ આવ્યા અને ચલચિત્ર-ક્ષેત્રે સંગીતનિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી. અન્ય ચલચિત્રો ઉપરાંત તેમણે સત્યજિત રેનાં ‘અભિયાન’ તથા ‘અપૂર સંસાર’ ચલચિત્રોમાં પણ સંગીત-નિર્દેશન કર્યું હતું. તેમના સંગીતનિર્દેશન હેઠળનું બીજું જાણીતું ચલચિત્ર ‘ક્ષુધિત પાષાણ’ છે.

તેમણે અત્યાર સુધી દેશવિદેશમાં સારંગીવાદનના ઘણા કાર્યક્રમો આપ્યા છે. 1954માં ભારત સરકાર દ્વારા ચીન અને મંગોલિયા મોકલાયેલ સાંસ્કૃતિક પ્રતિનિધિ-મંડળના સભ્ય તરીકે તેમણે આ દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. તે ઉપરાંત તેમણે ઑસ્ટ્રિયા, અમેરિકા, ઇંગ્લૅડ, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડનો પ્રવાસ પણ ખેડ્યો છે, જ્યાં તેમણે અનેક નગરોમાં કાર્યક્રમો યોજ્યા હતા. અમેરિકાના પ્રવાસ દરમિયાન ‘બાખ ફેસ્ટિવલ’ તથા ઇંગ્લૅંડના પ્રવાસ દરમિયાન તેમણે ‘લંડન સિટી ફેસ્ટિવલ’માં ભાગ લીધો હતો. ઇગ્લડમાં તેમણે સંગીતની કાર્યશાળા ચલાવી હતી અને અમેરિકામાં સોસાયટી ફૉર ઈસ્ટર્ન આર્ટના નેજા હેઠળ ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપ્યું હતું. વિદેશના પ્રવાસ દરમિયાન તેમના ભાઈ અને સુપ્રસિદ્ધ તબલાવાદક ચતુરલાલ સાથે ‘ડ્રમ્સ ઑવ્ ઇન્ડિયા’ તથા ‘ડ્રમ્સ ઑવ્ સાઉથ ઍન્ડ નૉર્થ’ શીર્ષક હેઠળની કૅસેટો બહાર પાડી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી.

1974માં રાજસ્થાન સંગીત અકાદમીનો તથા 1976માં ભારતીય સંગીત અકાદમીનો ઍવૉર્ડ તેમને એનાયત થયેલ. ભારત સરકારે તેમને 1976માં ‘પદ્મશ્રી’, 1991માં `પદ્મભૂષણ’ અને 2005માં `પદ્મવિભૂષણ’થી સન્માન્યા હતા. 1991-92માં મધ્યપ્રદેશની સરકાર કાલિદાસ સન્માનથી, 2013માં `રાજસ્થાનરત્ન’થી તેઓ સન્માનિત થયા હતા.

સારંગી એ સામાન્ય રીતે કંઠ્યસંગીતકાર માટે સંગતના વાદ્ય તરીકે ઓળખાય છે; પરંતુ પંડિત રામનારાયણ તેના સ્વતંત્ર (solo) વાદક તરીકે ખ્યાતિ ધરાવે છે. સારંગી ઉપરાંત તેઓ દિલરુબા, બાંસુરી, સિતાર અને બેલા (વાયોલિન) પણ વગાડે છે.

તેમનાં પુત્ર તથા પુત્રી બંનેય સારંગીનાં જાણીતાં વાદક છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે