પ્રજાતિ (genus) : કોઈ એક કુળમાં આવેલાં સામાન્ય લક્ષણ ધરાવતાં સજીવોના સમૂહો. દાખલા તરીકે બિલાડી (Felidae) કુળમાં Felis (બિલાડાં), Panthera (વાઘ, સિંહ, દીપડા) અને Acinyx (ચિત્તા) જેવી પ્રજાતિઓ આવેલી છે. જોકે Equidae કુળ એક જ Equus (ઘોડા, ઝીબ્રા, ગધેડા) પ્રજાતિનું બનેલું છે. પ્રજાતિમાં એક અથવા એક કરતાં વધારે જાતિઓ(species)નો સમાવેશ થાય છે.

Panthera : 1. P. leo (સિંહ), 2. P. tigris (વાઘ) અને 3. P. pardus (દીપડો).

Equus : 1. E. callabus (ઘોડો), 2. E. asinus (ગધેડો) અને E. zebra (ઝીબ્રા) વગેરે.

એક જ પ્રજાતિની બે જાતનાં પ્રાણીઓ વચ્ચે પ્રજનન થઈ શકે છે, દાખલા તરીકે ઘોડા અને ગધેડાના સંકરણથી ખચ્ચર (mules) જન્મે છે, પરંતુ તે વંધ્ય હોય છે.

માનવીનો સમાવેશ Homo પ્રજાતિમાં થાય છે. હાલમાં Homoની  એક જ જાત હયાત છે અને તે છે આધુનિક માનવી (H. sapiens). આજથી વીસેક લાખ વર્ષો પૂર્વે H. habilis અને 15થી 10 લાખ વર્ષો પૂર્વે H. erectus માનવી જીવતા હતા, જે આજે લુપ્ત છે. Homo પ્રજાતિમાં આધુનિક માનવી બુદ્ધિવિકાસની ર્દષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે.

મ. શિ. દૂબળે