પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય

February, 1999

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય : વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો અને રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી અને મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ચાલતી સંસ્થા. આ સંસ્થા 1936–37માં દાદા લેખરાજ નામના ઝવેરાતના વેપારીએ 60 વર્ષની વયે સ્થાપેલી. દાદા લેખરાજ 1877માં જન્મેલા. એમને 60 વર્ષની વયે એકવીસમી સદીમાં મૂલ્યનિષ્ઠ, નૈતિક, ધાર્મિક અને સમૃદ્ધ સમાજની સ્થાપના માટે ઈશ્વરીય માધ્યમ બનવા માટેનો આદેશ દિવ્ય અને આધ્યાત્મિક સાક્ષાત્કારો દ્વારા મળ્યો. તેમણે પોતાની સ્થાવર અને જંગમ મિલકતો માટે સ્ત્રીઓનું એક ટ્રસ્ટ બનાવ્યું અને સ્ત્રીઓને વિશ્વના ઉત્થાન માટે નીતિમત્તા તથા રાજયોગનું જ્ઞાન આપવાનું અને વિશ્વમાં તેના પ્રસાર અને પ્રચારનું કાર્ય સોંપ્યું. દાદા લેખરાજ આ સંસ્થામાં ‘બ્રહ્મા’ કે ‘પ્રજાપિતા બ્રહ્મા’ – એ નામે ઓળખાયા. એનું કારણ એ હતું કે જેમ બ્રહ્માનાં ચાર મુખ દ્વારા ચાર વેદોનું જ્ઞાન પ્રકાશિત થયું તે રીતે દાદા લેખરાજ દ્વારા આ સંસ્થાની મુખ્ય વિચારધારા શરૂ થઈ. પ્રજાપિતા બ્રહ્મા અર્થાત્ દાદા લેખરાજ પાસેથી નીતિમત્તા અને રાજયોગનું જ્ઞાન મેળવી મૂલ્યનિષ્ઠ જીવન પામનારી સ્ત્રીઓ બ્રહ્માકુમારી કહેવાઈ. આવું મૂલ્યનિષ્ઠ જીવન પામનારા અલ્પસંખ્યક પુરુષો બ્રહ્માકુમાર કહેવાયા.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સ્થાપક દાદા લેખરાજ

આ સંસ્થા 1937માં તે સમયના સિંધ પ્રાન્તના હૈદરાબાદ શહેરમાં એકવીસમી સદીમાં વિશ્વનું ઉત્થાન કરે તેવો સતયુગ આવે તેને માટે સ્થપાઈ. તેનું 1950માં માઉન્ટ આબુ(રાજસ્થાન)માં સ્થળાંતર થયું.

આધ્યાત્મિક અને રાજયોગના જ્ઞાન વડે વિશ્વમાં શાંતિની સ્થાપના આ સંસ્થાનું મુખ્ય લક્ષ્ય છે. વિશ્વબંધુત્વ, શાંતિમય સહ-અસ્તિત્વ, વિશ્વની ઉન્નતિ, સંવાદિતા, ઉત્તમ જીવન, ભ્રષ્ટાચારનો નાશ, નૈતિક મૂલ્યોની પ્રસ્થાપના, દુ:ખવિહીન–સુખમય જીવન, વ્યક્તિપરિવર્તન દ્વારા વિશ્વપરિવર્તન વગેરે આ સંસ્થાના ઉદ્દેશો છે. તે પાર પાડવા નાત, જાત, સંસ્કૃતિ, વંશ, ઉંમર, ધર્મ, સંપ્રદાય, બિરાદરી, વ્યવસાય, રાજનીતિ, રાજ્ય કે રાષ્ટ્રના ભેદભાવ વગર સ્ત્રીપુરુષોને આ સંસ્થા આવકારે છે.

એમાં ગુલામીરહિત, અહિંસક, યોગ વગેરેના જ્ઞાનવાળું, વ્યસનરહિત, મન, વાણી અને કર્મની પવિત્રતા તથા સદગુણોથી ભરેલું જીવન ગાળવા વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ, ટીવી, કૅસેટ જેવાં વિવિધ માધ્યમો; સંમેલન, કાર્યશાળા અને શિબિર જેવાં સમૂહમાધ્યમો તથા પત્રાચાર અને પુસ્તકો દ્વારા આ સંસ્થામાં જ્ઞાન અપાય છે. તેમાં ડિગ્રી, ડિપ્લોમા કે પ્રમાણપત્ર અપાતાં નથી. આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેનું મુખ્યાલય માઉન્ટ આબુના પાંડવભવનમાં છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ, ન્યૂયૉર્કમાં; બ્રિટનમાં લંડનમાં પણ તેનાં કાર્યાલયો છે. 72થી વધુ દેશોમાં તેનાં પાંચ હજારથી વધુ સેવાકેન્દ્રો છે. તેમાં પાંચ લાખ જેટલાં મનુષ્યો અભ્યાસ કરે છે. દસ હજાર જેટલાં સમર્પિત બ્રહ્માકુમારીઓ અને બ્રહ્માકુમારો આ બધાં કેન્દ્રોમાં પૂર્ણ સમય સેવાઓ આપી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બિનસરકારી સંસ્થા તરીકે અને સલાહકાર તરીકે, યુનિસેફમાં સલાહકાર તરીકે, મૉરેશ્યસમાં સરકારની માન્યતા-પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે આ સંસ્થા કાર્ય કરે છે. આ સંસ્થાને 1981 અને 1986માં યુ.એન. શાંતિપદક અને શાંતિદૂત ઍવૉર્ડ મળ્યાં હતાં. આ સંસ્થાનાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી ડૉ. પ્રકાશમણિજીને ઉદેપુરની યુનિ.ની ‘ડી. લિટ્.’ની માનદ પદવી પ્રાપ્ત થયેલ છે. રાજયોગિની દાદી જાનકીજી તેનાં સંયુક્ત મુખ્ય પ્રશાસિકા છે. આ સંસ્થાને બીજાં ચંદ્રકો અને સન્માનપત્રો પણ મળ્યાં છે. સંસ્થા દ્વારા ગુજરાતી અને હિંદી ભાષામાં ‘જ્ઞાનામૃત’ તથા ‘જ્ઞાનવીણા’, મરાઠીમાં ‘અમૃતકલશ’,  કન્નડમાં ‘વિશ્વ નવનિર્માણ’, અંગ્રેજીમાં ‘પ્યૉરિટી’ અને ‘વર્લ્ડ રિન્યુઅલ’ વગેરે સામયિકો પ્રગટ થાય છે. આ સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુમાં ‘મધુબન’ એવા નામથી ઓળખાતા પરિસરમાં વિશાળ સભાગૃહો, ભોજનસંકુલો અને નિવાસગૃહો રહેલાં છે. ત્યાંથી ચાર કિલોમીટર દૂર આવેલા ‘જ્ઞાન સરોવર’  નામના પરિસરમાં આ સંસ્થાએ ‘એકૅડેમી ફૉર એ બેટર વર્લ્ડ’ સ્થાપી છે. તેમાં ધ્યાનગૃહો, નિવાસગૃહો અને સભાગૃહો તથા આર્ટ-ગૅલરી વગેરે આવેલાં છે. ટૂંકમાં, આ સંસ્થા સામાજિક, આધ્યાત્મિક અને ક્રાન્તિકારી સંગઠન હોવા સાથે વૈચારિક શિષ્ટ આંદોલન જગાવનાર પણ છે.

બ્રહ્માકુમારી સરલાદેવીજી

મંગળભાઈ પુરુષોતમદાસ પટેલ

પ્ર. ઉ. શાસ્ત્રી