પ્રજનનદર (fertility rate) : બાળકોને જન્મ આપી શકે એવી દર 1,000 સ્ત્રીઓ દીઠ દર વર્ષે જીવંત જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યા. આને સામાન્ય પ્રજનન દર (general fertility rate) તરીકે ઓળખવામાં આવે છે અને તે સામાન્ય રીતે 15થી 49 વર્ષની વયજૂથની સ્ત્રીઓના સંદર્ભમાં ગણવામાં આવે છે. દેશમાં વસ્તીવૃદ્ધિનાં ભાવિ વલણો જાણવાની ર્દષ્ટિએ આ દરને ઓછો ઉપયોગી લેખવામાં આવે છે. તે હેતુ માટે કુલ પ્રજનનદર (total fertility rate)ના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે. દેશમાં પ્રવર્તમાન વયલક્ષી પ્રજનનદર પ્રમાણે સ્ત્રીઓ બાળકોને જન્મ આપતી હોય તો, સ્ત્રી તેના સમગ્ર આયુષ્ય દરમિયાન સરેરાશ જે સંખ્યામાં બાળકોને જન્મ આપે તેને કુલ પ્રજનનદર કહેવામાં આવે છે. આની સાથે સંકળાયેલો ખ્યાલ વયલક્ષી પ્રજનનદર-(age-specific fertility rate)નો છે. આમાં બાળકોને જન્મ આપવાના વયજૂથમાં (15થી 49 વર્ષ) રહેલી સ્ત્રીઓને 15થી 19, 20થી 24 એવાં વયલક્ષી જૂથોમાં વહેંચીને પ્રત્યેક વયજૂથમાં દર હજાર સ્ત્રીઓ દીઠ વર્ષે કેટલાં જીવતાં બાળકોનો જન્મ થાય છે તે તપાસવામાં આવે છે. દેશમાં વસ્તીવૃદ્ધિનાં ભાવિ વલણોના વિશ્ર્લેષણ માટે કુલ પ્રજનનદરના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં કુલ પ્રજનનદર 1982માં 4.5 હતો, જે ઘટીને 1995માં  3.2 થયો. કેટલાક અન્ય દેશોના 1995ના વર્ષ માટેના કુલ પ્રજનન દરના આંકડાઓ આ પ્રમાણે છે : ચીન : 1.9, શ્રીલંકા : 2.2, બાંગ્લાદેશ 3.3 અને પાકિસ્તાન : 5.3. એકંદરે જોઈએ તો જે 34 વિકાસશીલ દેશોમાં  ઊંચી માત્રામાં માનવવિકાસ સધાયો છે તેમાં (સરેરાશ) કુલ પ્રજનનદર 2.5 હતો, જ્યારે જે 44 વિકાસશીલ દેશોમાં અલ્પ માત્રામાં માનવવિકાસ સધાયો છે, તેમાંથી ભારતને બાકાત રાખતાં કુલ પ્રજનન દર 5.4 હતો.

ભારતનાં વિવિધ રાજ્યોમાં પ્રવર્તતા પ્રજનનદરમાં નોંધપાત્ર તફાવતો માલૂમ પડે છે. 1992 ના વર્ષમાં કેરળમાં કુલ પ્રજનનદર 1.7 હતો, ત્યારે ઉત્તર પ્રદેશમાં તે 5.2 હતો, ગુજરાતમાં 3.2 હતો, જ્યારે તામિલનાડુમાં તે 2.2 હતો. કુલ પ્રજનનદર 2.0 પર પહોંચે ત્યારે દેશની વસ્તી વધતી અટકી જાય છે. આ રીતે જોઈએ તો મૂકવામાં આવેલા અંદાજો પ્રમાણે ભારત દેશમાં ઈ.સ. 2015માં પણ કુલ પ્રજનન દર 2.52  હશે, ગુજરાતમાં તે 2.11, કેરળમાં 1.60 અને તામિલનાડુમાં 1.65 હશે. આમ ઈ.સ. 2015માં પણ દેશની તથા ગુજરાતની વસ્તી સ્થિર નહિ થઈ હોય, જ્યારે કેરળ તથા તામિલનાડુમાં વસ્તી ઘટતી જતી હશે.

રમેશ ભા. શાહ