પ્રજનનતંત્ર (માનવેતર)

February, 1999

પ્રજનનતંત્ર (માનવેતર)

સજીવોમાં પોતાના જેવાં લક્ષણો ધરાવતી પ્રજા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા અને તેને લગતું તંત્ર. બધાં સજીવો પોતાની પુખ્તાવસ્થા દરમિયાન પોતાનાં જેવાં સંતાન નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી દરેક વ્યક્તિના મૃત્યુ પછી પણ વંશવેલો ચાલુ રહે છે.

પ્રજનનના બે પ્રકાર છે : અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનનમાં માત્ર એક જ વ્યક્તિ સંકળાયેલી રહે છે. જ્યારે લિંગી પ્રજનનમાં પ્રજોત્પત્તિ દરમિયાન એક જાતની નર અને માદા એમ બે વ્યક્તિઓ સંકળાયેલ હોય છે. સજીવોનાં લક્ષણો માટે દરેક સજીવમાં આવેલ જનીનદ્રવ્યો અગત્યનો ભાગ ભજવે છે. અલિંગી પ્રજનકનાં સંતાનો વંશપરંપરાગત એક જ પ્રકારનું જનીનદ્રવ્ય ધરાવતાં હોવાથી, મોટાભાગનાં સંતાનોનાં લક્ષણો તેમના પૂર્વજોને મળતાં આવે છે. જો એકાદ સંતાનના જનીનદ્રવ્યમાં ક્ષતિનિર્માણ થાય તો તે ક્ષતિને અધીન તે પ્રજા ખામીવાળી હશે. કદાચ એવું સંતાન ન પણ જન્મે, અથવા તો તે અકાળ મૃત્યુ પામે.

એક જ જાતની હોવા છતાં બે વ્યક્તિઓનાં જનીનદ્રવ્યોમાં સમાનતા ન હોવાથી તેમનાં લક્ષણોમાં પણ ભિન્નતા જોવા મળે છે. દા.ત., એક વ્યક્તિમાં આવેલાં જનીનદ્રવ્યો ત્વચાના શ્યામ રંગ માટે જવાબદાર હોય તો બીજી વ્યક્તિમાં આવેલાં જનીનદ્રવ્યો શ્વેતત રંગને લગતાં હોઈ શકે. તે જ રીતે એક વ્યક્તિના વાળ સીધા હોય તો બીજાના વાંકડિયા હોઈ શકે. આવા સંજોગોમાં આવી વ્યક્તિનાં સંતાનો શ્યામવર્ણી કે શુભ્રવર્ણી હોય તેમજ સંતાનના વાળ સીધા હોય કે વાંકડિયા. પરિણામે લૈંગિક પ્રજનનથી જન્મેલાં બાળકોનાં લક્ષણો માતાપિતા કરતાં પણ સહેજ ભિન્નતા ધરાવે છે. તેમનાં કેટલાંક લક્ષણો માતાનાં જેવાં, કેટલાંક પિતાનાં જેવાં અથવા બંનેનાં કરતાં સહેજ ભિન્નતા ધરાવતાં હોય છે.

લૈંગિક પ્રજનનમાં બે પ્રકારના જનનકોષો(gametes)ના મિલનથી ગર્ભ બંધાય છે. એક પ્રકારમાં જનનકોષો સામાન્યપણે પ્રચલનક્ષમતા ધરાવે છે. આવા જનનકોષોને શુક્રકોષ (sperm) કહે છે. બીજા પ્રકારમાં સામાન્યપણે જનનકોષ આકારે ગોળ હોય છે અને ગર્ભના વિકાસાર્થે પોષક દ્રવ્યો પણ ધરાવે છે. આ જનનકોષને અંડકોષ (ovum) કહે છે. શુક્રકોષ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિ નર (male) તરીકે, જ્યારે અંડકોષનું નિર્માણ કરનાર વ્યક્તિ માદા (female) તરીકે ઓળખાય છે. કેટલાંક પ્રાણીઓ બંને પ્રકારના જનનકોષો નિર્માણ કરી શકે છે. આવાં પ્રાણીઓને ઉભયલિંગી (hermaphrodite) કહે છે. આમ પ્રાણી એકલિંગી અને ઉભયલિંગી એમ બે પ્રકારનાં હોય છે. અનુક્રમે શુક્રકોષ અને અંડકોષ નિર્માણ કરનાર અંગોને શુક્રપિંડ (testes) અને અંડપિંડ (ovary) કહે છે.

માતા અને પિતાનાં લક્ષણોમાં તફાવત હોવાને કારણે જન્મેલાં બાળકોમાં પણ વિવિધતા જોવા મળે છે. તેથી સામાન્યપણે પ્રાયોજિત સંતાનોનાં લક્ષણો ઇષ્ટતમ હોવાની શક્યતા વધે છે. એકાદ પ્રજનકના લક્ષણમાં સહેજ ખામી હોય તોપણ બાળકનું શરીર તંદુરસ્ત હોય છે. સજૈવ ઉત્ક્રાંતિ મુખ્યત્વે લિંગી પ્રજનનને આભારી છે, જે એક નોંધપાત્ર હકીકત છે.

અલિંગી પ્રજનનના કેટલાક પ્રકાર :

દ્વિભાજન (binary fission) : આ પ્રકારમાં પ્રથમ કોષકેન્દ્ર અને ત્યારબાદ કોષરસનું વિભાજન થતાં એક શરીરના વિભાજનથી સંતાનો નિર્માણ થાય છે; દા.ત., અમીબા.

બહુભાજન : આ પ્રકારમાં શરીર બે કરતાં વધારે ભાગોમાં વહેંચાઈ જતાં એક શરીરના વિભાજનથી બે કરતાં વધુ સજીવો નિર્માણ થાય છે.

બીજાણુ-જનન : વિપરીત સંજોગોમાં શરીર નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશે છે. તેમ છતાં ધીમી ગતિએ તેના કોષકેન્દ્રનું વિભાજન 2–4–8ના ગુણકમાં થવાની શક્યતા રહે છે. આ નવાં કોષકેન્દ્રો પોતાની આસપાસ આવેલા કોષરસથી વીંટળાઈ જતાં બીજાણુ(spore)ઓનું નિર્માણ થાય છે. અનુકૂળ સંજોગોમાં પ્રત્યેક બીજાણુમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે.

નવસર્જન (regeneration) : વાદળી કે પ્લેનેરિયા જેવાં પ્રાણીઓનું શરીર ટુકડાઓમાં વહેંચાઈ જતાં આ ટુકડાઓ નવસર્જનથી ગુમાવેલ ભાગનું સર્જન કરી પૂર્વવત્ સંપૂર્ણ પ્રાણીમાં રૂપાંતર પામે છે.

કલિકા-પદ્ધતિ (budding) : કોષ્ઠાંત્રી સમુદાયનાં જળવ્યાળ જેવાં પ્રાણીઓમાં સૌપ્રથમ એક ફણગો નીકળે છે. તેને કલિકા કહેવામાં આવે છે. આ કલિકાના વિકાસથી એક નવું સંતાન નિર્માણ થાય છે. કાળક્રમે તે પ્રજનકના શરીરમાંથી અલગ થતાં તેનો વિકાસ સ્વતંત્ર પ્રાણી તરીકે થાય છે.

આકૃતિ 1

સમગ્ર પ્રાણીસૃષ્ટિ અનેક સમુદાયોમાં વહેંચાયેલી છે, જેમાંથી કેટલાક મુખ્ય સમુદાયોમાં જોવા મળતી પ્રજનનક્રિયા અંગે થોડી માહિતી અત્રે આપેલ છે.

1. પ્રજીવ (protozoa) સમુદાયનાં પ્રાણીઓ મોટેભાગે અલિંગી દ્વિભાજન પ્રજનનપદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે. આમ, બે બાળ-પ્રજીવોનું નિર્માણ થાય છે. આમ છતાં કેટલાંક પ્રજીવો (દા.ત. પૅરામીશિયમ) એકબીજા સાથે જોડાઈ, સંયુગ્મન (conjugation) દ્વારા જનીનદ્રવ્યોનું આદાનપ્રદાન કરી તેમના જનીનબંધારણમાં વિવિધતા મેળવે છે અને બદલાતા જતા પરિસરતંત્રને અનુરૂપ અનુકૂલનો મેળવવામાં મદદ કરે છે. પરિણામે આ પ્રાણીઓ તેમના ક્ષીણ થઈ ગયેલા કોષકેન્દ્રને સ્થાને સક્ષમ નવા કોષકેન્દ્રનું નિર્માણ કરે છે.

પ્લાઝમોડિયમ (મલેરિયાનો જંતુ) જેવાં પરજીવી પ્રજીવોમાં લિંગી પ્રજનન જોવા મળે છે. આ પ્રાણીઓમાં જીવનચક્રમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એકાંતરે થતું હોય છે, અને તે માનવ તેમજ મચ્છર એમ બે જુદા જુદા યજમાનના દેહમાં થતું જોવા મળે છે.

2. સમુદાય છિદ્રકાય (porifera) પ્રાણીઓ નવસર્જન તેમજ કલિકા-પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે. તેઓમાં નવસર્જન પામવાની ઘણી ક્ષમતા જોવા મળે છે. આ પ્રાણીઓ લિંગી પ્રજનન દ્વારા પણ પ્રજનન કરે છે. લિંગી પ્રજનન માટે તેઓ હંગામી ધોરણે જનનપિંડો ધારણ કરે છે. તેઓમાં ચોક્કસ પ્રજનનતંત્રની કાયમી રચના જોવા મળતી નથી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં મીઠા જળનાં સછિદ્રો અંત:કલિકા દ્વારા પણ પ્રજનન કરે છે.

3. કોષ્ઠાંત્રિ (coelenterata) સમુદાયનાં પ્રાણીઓમાં લિંગી તેમજ અલિંગી પ્રજનન જોવા મળે છે. આ પ્રાણીઓમાં કલિકા-પદ્ધતિ તેમજ નવસર્જનપદ્ધતિ દ્વારા સામાન્યપણે પ્રજનન થતું જોવા મળે છે. વળી આ પ્રાણીઓ વિશિષ્ટ સમય દરમિયાન જનનપિંડો ધારણ કરે છે અને લિંગી પ્રજનન પણ કરે છે. આ સમુદાયનાં કેટલાંક પ્રાણીઓ લિંગી પ્રજનન કરતી અવસ્થા અને અલિંગી પ્રજનન કરતી અવસ્થા એમ બે અલગ અવસ્થાઓ ધરાવે છે. એટલે કે તેમના જીવનચક્ર દરમિયાન એકાંતર-જનનની પ્રક્રિયા જોવા મળે છે.

4. પૃથુકૃમિ (platyhelminthes) સમુદાયનાં પ્રાણીઓ અલિંગી તેમજ લિંગી પ્રજનન દ્વારા સંતતિનિર્માણ કરે છે. ફલનક્રિયા સ્વફલન કે પરફલનથી થાય છે; જ્યારે અંત:ફલનથી ફલિતાંડોનું નિર્માણ થાય છે. સામાન્યપણે અંડકોષો જરદીથી સમૃદ્ધ હોય છે અને કવચ વડે ઢંકાયેલા રહે છે. મોટાભાગનાં પ્રાણીઓ પરજીવી જીવન પસાર કરતાં હોય છે અને ફલિતાંડોનો ત્યાગ યજમાનના શરીરમાં કરે છે. ફલિતાંડો પાણી જેવા યોગ્ય પર્યાવરણમાં સંપર્કમાં આવે તો તેમનો વિકાસ મુક્ત ડિમ્ભોમાં થાય છે. તેમનું જીવનચક્ર સંકીર્ણ સ્વરૂપનું હોય છે અને તેઓ એક કરતાં વધારે યજમાનનાં શરીરમાંથી પસાર થાય છે.

સ્વતંત્રજીવી પૃથુકૃમિઓનું શરીર ટુકડાઓમાં વહેંચાઈ જતાં પ્રત્યેક ટુકડાના સંપૂર્ણ વિકાસથી નવા સંતાનનું નિર્માણ થાય છે. દ્વિભાજનથી પણ તેઓ ગુણન પામતા હોય છે.

5. ગોળકૃમિ (nemathelminthes) સમુદાયનાં પ્રાણીઓ પરજીવી અને એકલિંગી હોય છે. અંડપિંડો લાંબા હોય છે અને અંડવાહિનીનો અમુક ભાગનો વિકાસ ગર્ભાશય તરીકે થયેલો હોય છે. ગર્ભાશય પછી આ અંડવાહિનીઓ વિલયનથી એક સામાન્ય યોનિમાર્ગમાં વિકાસ પામે છે. નરમાં જનનમાર્ગ પશ્ચ છેડા તરફ ખૂલે છે. ગોળકૃમિઓ ઉભયલિંગી હોય છે. તેમનામાં સ્વફલન કે બાહ્યફલનથી ફલિતાંડો નિર્માણ થતાં હોય છે. તેમનું જીવનચક્ર સહેજ જટિલ સ્વરૂપનું હોય છે.

6. નૂપુરક (annelida) સમુદાયનાં પ્રાણીઓ એકલિંગી (દા.ત., નીરિસ) અથવા ઉભયલિંગી (દા.ત., અળસિયાં) હોય છે. ઉભયલિંગી પ્રાણીઓમાં માત્ર પરફલન દ્વારા ફલિતાંડોનું નિર્માણ થાય છે. દા.ત. પ્રજનનકાળ દરમિયાન બે પુખ્ત અળસિયાંના આલિંગન દરમિયાન એક પ્રાણીનાં નરજનનછિદ્રો બીજા પ્રાણીના ગાઢ સંપર્કમાં આવે છે. દરમિયાન શુક્રકોષોની આપ-લે થાય છે. એટલે કે એક અળસિયાના શુક્રકોષો બીજા અળસિયાના શરીરમાં પ્રવેશે છે. આમ નૂપુરકોમાં પરફલનથી ફલીકરણ પ્રક્રિયા થાય છે.

7. સંધિપાદ (arthropoda) સમુદાયના સ્તરકવચી (crustacea) વર્ગનાં પ્રાણીઓ એકલિંગી હોય છે. આ પ્રાણીઓના જનનપિંડો ઉરસ પ્રદેશમાં આવેલા હોય છે. જ્યારે નરમાં આવેલી શુક્રવાહિનીઓ છેલ્લા પ્લવનપાદક પાસે ખૂલે છે. માદામાં અંડવાહિનીનું બાહ્ય દ્વાર ત્રીજા પ્લવનપાદ સુધી લંબાયેલું હોય છે. બાહ્ય લક્ષણો પરથી નરને માદાથી જુદો પાડી શકાય છે. આલિંગન દરમિયાન શુક્રકોષોનો ત્યાગ અંડકોષો પર કરવામાં આવે છે. પરિણામે બાહ્ય ફલનના કારણે નિર્માણ થયેલા ફલિતાંડો સમૂહમાં પ્લવનપાદકો વચ્ચે ગુચ્છ રૂપે જોડાયેલાં દેખાય છે. ફલિતાંડના વિકાસથી નૉપ્લિયસ ડિમ્ભ ઉત્પન્ન થાય છે, જ્યારે ડિમ્ભના ક્રમશ: થતા વિકાસથી પુખ્ત પ્રાણી ઉત્પન્ન થાય છે.

વીંછી એકલિંગી પ્રાણી છે. આ પ્રાણીઓમાં નર એક જોડ શુક્રપિંડો ધરાવે છે. પ્રત્યેક શુક્રપિંડમાંથી આવતી શુક્રવાહિની ભેગી મળી શરીરની વક્ષબાજુએ પહેલાં ઉદરીય ખંડમાં આવેલા જનનછિદ્ર દ્વારા બહાર ખૂલે છે. જનનછિદ્ર ઉપર ઢાંકણ આવેલું હોય છે. માદા પ્રાણીઓમાં માત્ર એક જ અંડપિંડ આવેલું હોય છે. અંડપિંડની નલિકાઓ અનેક નાના અંડાશયો ધરાવે છે. અહીં અંડકોષોનું નિર્માણ થાય છે. અંડપિંડની પાર્શ્વ આયામનલિકાઓ અગ્ર છેડે અંડનલિકા સાથે જોડાય છે. બંને અંડનલિકાઓ જોડાઈ શરીરની વક્ષબાજુએ પ્રથમ ઉદરીય ખંડમાં એક જ સામાન્ય જનનછિદ્ર દ્વારા ખૂલે છે. પ્રત્યેક અંડનલિકા–અંડવાહિની તેના દૂરસ્થ છેડે સહેજ ફૂલે છે અને આદાન અંગ તરીકે કાર્ય કરે છે. તે મૈથુનક્રિયા દરમિયાન શુક્રકોષો મેળવે છે. વીંછી જીવતાં બચ્ચાંને જન્મ આપે છે.

કીટકોમાં પ્રજનન : કીટકોનું પ્રજનન વૈવિધ્યપૂર્ણ હોય છે. ઘણા કીટકોમાં પ્રજનનપ્રક્રિયા તેની વિશિષ્ટ ખોરાકપ્રાપ્તિ સાથે સંકળાયેલી હોય છે. દા.ત., પરાગકણમિશ્રિત ખોરાક આપતાં કામગાર મધમાખીમાંથી રાણી ઉત્પન્ન થાય છે. રાણી સંતાન માટેનું પોષણદ્રવ્ય માત્ર ‘મધ’નું બનેલું હોય છે. ઘઉંના લોટનો આહાર કરવાથી ધનેરાં(tribolium)ની પ્રજનનક્ષમતા વધે છે. યજમાનના શરીરના લોહીમાં આઇસોલ્યુસિનનું પ્રમાણ વધવાથી ઇડિસ મચ્છરનાં ઈંડાં વિકાસ પામે છે. માંકડની પ્રજનનની પ્રક્રિયા માટે યજમાનના શરીરમાં થાયમિનનું પ્રમાણ વધુ હોય તે અગત્યનું છે.

આકૃતિ 2 : સમાગમમાં રોકાયેલા કીટકો

કીટકોની પ્રજનનક્ષમતા તાપમાન, પ્રકાશ, વરસાદ જેવાં પર્યાવરણિક પરિબળોને અધીન પણ હોય છે. શુષ્ક પ્રદેશના કીટકો વરસાદથી પ્રજનનપ્રક્રિયા માટે ઉત્તેજાય છે. ઊધઈ તેમજ ઘણી કીડીઓ વરસાદની શરૂઆત થતાં પ્રજનન માટે પ્રેરાય છે. તે જ પ્રમાણે ઊંચા તાપમાને તીડ ઈંડાં મૂકે છે.

મોટાભાગના કીટકો રૂપાંતરણથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. જોકે ચમરી (lepisma) જેવા નિમ્ન કક્ષાના કીટકોમાં રૂપાંતરણ થતું નથી, જ્યારે સંપૂર્ણ રૂપાંતરણથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતા કીટકો ઈંડાં, ડિમ્ભ (કે ઇયળ) અને કોશેટો એમ ત્રણ અવસ્થામાંથી પસાર થતા હોય છે.

ઈંડાં : ઈંડાં હંમેશાં મોટી સંખ્યામાં મુકાય છે. કેટલાંકમાં તો તેની ગણતરી હજારોમાં કરી શકાય છે. ઈંડાંં છૂટાંછવાયાં સમૂહોમાં મુકાય છે. ઈંડાંં જમીન ઉપર, ડાંખળી ઉપર કે પાણીમાં પણ મુકાય છે. દા.ત. મચ્છરનાં ઈંડાં પાણીમાં મુકાય છે. માખીઓ છાણ જેવી વસ્તુ પર ઈંડાં મૂકે છે, જ્યારે ફૂદાં જેવાં પ્રાણીઓ ડાંખળી કે પાંદડાં પર ઈંડાં મૂકે છે.

ડિમ્ભો અને તેના કેટલાક પ્રકારો :

1. ઇયળ કે કાતરા નામે ઓળખાતાં ડિમ્ભો લાંબાં, કૃમિ જેવાં માંસલ અને પાતળી ચામડીવાળાં હોય છે. ઉદરના ભાગમાં આવેલા આદિપાદો (prolegs)ની મદદથી તેઓ પ્રચલન કરતાં હોય છે.

2. કૅમ્પોડિફૉર્મ ડિમ્ભો : ઢાલિયા (beetles) જેવા કીટકોનાં ડિમ્ભો લાંબાં શરીરવાળાં અને ચપટાં હોય છે. ઉરસપ્રદેશમાં પગની એક જોડ ધરાવતાં આ ડિમ્ભો ખૂબ ચપળ અને ખાઉધરાં હોય છે.

3. સ્કેબિફૉર્મ ડિમ્ભ : કૅમ્પોડિફૉર્મને સહેજ મળતાં આ ડિમ્ભો ઉરસમાં પગની ત્રણ જોડ ધરાવે છે. ઢાલિયાનાં આ ડિમ્ભો જમીન કે ખાતરમાં વાસ કરીને મગફળી, બાજરી, ડાંગર જેવાનાં મૂળ કાપી ખાય છે.

4. એપોડસ ડિમ્ભ : ભમરી, માખી જેવાનાં ડિમ્ભો આ પ્રકારનાં હોય છે. શરીર નળાકાર અગ્ર છેડે સાંકડું અને 13 ખંડવાળું હોય છે. 2 થી 13 ખંડોમાં શ્વસનછિદ્રો આવેલાં હોય છે.

5. પ્રોટોપૉડ ડિમ્ભ : મધમાખીનાં ડિમ્ભો આ પ્રકારનાં હોય છે. ખંડવિહોણું શરીર ધરાવતાં આ ડિમ્ભોમાં શીર્ષ અને ઉરસપ્રદેશમાં અલ્પવિકસિત ઉપાંગો આવેલાં હોય છે.

6. કોશેટો : એક રીતે આ અવસ્થાને સુપ્તાવસ્થા તરીકે વર્ણવી શકાય છે. કોશેટા ખોરાક લેતા નથી, જ્યારે વિકાસ અંત:સ્થ ભાગ પૂરતો મર્યાદિત હોય છે. મચ્છરના કોશેટા પાણીમાં તરે છે. વંદા જેવાં પ્રાણીઓના કોશેટા જમીન પર એકાદ ખૂણે મૂકવામાં આવે છે. રેશમ-કીટકોના શરીરની ફરતે રેશમ વીંટળાયેલું હોય છે. માત્ર સંપૂર્ણ રૂપાંતરણમાંથી પસાર થતા કીટકોમાં કોશેટા જોવા મળે છે.

7. કીટકો અને લૈંગિક આકર્ષણ : સંમોહકો (pheromones–કીટાકર્ષકો) નામે ઓળખાતા જૈવિક અણુઓ પ્રજનનતંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને સંમોહકોનો વિકાસ રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં પતંગિયાં અને ફૂદાંમાં સારી રીતે થાય છે. દા.ત., રેશમની ફૂદી બૉમ્બિકોલનો સ્રાવ કરે છે, જેથી દૂર વસતા નરને તે આકર્ષી શકે છે. તે જ પ્રમાણે આ જ શ્રેણીના કેટલાક નર-કીટકો માદાના સ્પર્શક પર સંમોહક લગાડે છે.

8. મૃદુકાય સમુદાયનાં કેટલાંક પ્રાણીઓ ઉભયલિંગી હોય છે તો અન્ય કેટલાંક એકલિંગી. ઉભયલિંગી પ્રાણીઓ પણ પરફલન દ્વારા જ પ્રજનન કરે છે. મૈથુનક્રિયા દરમિયાન માદાના શરીરમાં દાખલ કરવા માટે મૈથુનઅંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રાણીઓમાં આંતરિક ફલન થાય છે.

9. શૂળત્વચી સમુદાયનાં પ્રાણીઓમાં પાંચ જોડ જનનપિંડો જોવા મળે છે. જનનપિંડો દ્વારા નિર્માણ પામેલા જનનકોષો પાણીમાં છોડવામાં આવે છે અને તેમનું ફલન પણ ત્યાં જ થાય છે. ફલિતાંડના વિકાસથી ડિમ્ભો જન્મે છે. આ ડિમ્ભો સ્વતંત્રજીવી જીવન પસાર કરતાં હોય છે. યોગ્ય પર્યાવરણમાં તેઓ સ્થાયી બની પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.

10. મેરુદંડી સમુદાયનાં પ્રાણીઓનું પ્રજનન : મેરુદંડી પ્રાણીઓમાં નમૂનારૂપ ગણી શકાય તેવા ઍમ્ફિયૉક્સસમાં પ્રજનનતંત્ર નિમ્ન કક્ષાનું અને આદિમ કહી શકાય એવું હોય છે. આ પ્રાણીઓ એકલિંગી હોય છે. જનનપિંડો ખંડીય ગોઠવણી ધરાવે છે. જનનપિંડો સરળ કોથળી જેવી રચના ધરાવે છે. પરિપક્વ થતાં જનનપિંડો ફાટે છે અને જનનકોષોનું વિમોચન સીધું પાણીમાં થાય છે. નર અને માદા પ્રાણીઓ મોટી સંખ્યામાં સૂર્યાસ્ત સમયે એકઠાં થાય છે અને પાણીમાં કોઈ એક જ સ્થળે જનનકોષોનો ત્યાગ કરે છે.

પૃષ્ઠવંશી પ્રાણીઓ એકલિંગી હોય છે. મોટાભાગનાં પ્રાણીઓનાં ગૌણ લક્ષણો પરથી નર અને માદાને જુદાં પાડી શકાય છે. શુક્રકોષ તેમજ માદા કોષનું સંયોજન અંત:ફલન કે બાહ્યફલન દ્વારા થાય છે. ફલિતાંડનો વિકાસ ગર્ભ તરીકે થાય છે અને ગર્ભના વિકાસથી સંતાન નિર્માણ થાય છે. ગર્ભનો વિકાસ માતાના શરીરની અંદર થાય તેવાં પ્રાણીઓ અપત્ય-પ્રસવી (viviparous) તરીકે ઓળખાય છે. પક્ષી જેવાં પ્રાણીઓમાં ગર્ભનો વિકાસ શરીરની બહાર થાય છે, તેથી તેમને અંડપ્રસવી (oviparous) કહે છે.

આકૃતિ 3 : દેડકો (લૈંગિક પ્રજનન)

પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ઉત્સર્ગતંત્ર અને પ્રજનનતંત્ર એકબીજા સાથે સંકળાયેલાં હોય છે. તેથી આ તંત્રને ઉત્સર્ગ-જનનતંત્ર (urino-genital system) પણ કહેવામાં આવે છે. માનવ(નર)માં મૂત્ર અને શુક્રકોષોનો ત્યાગ એક જ સામાન્ય બાહ્ય-છિદ્ર વાટે થાય છે. ઉચ્ચ કક્ષાનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મૂત્રપિંડ અનુક્રમે પ્રમૂત્રપિંડ (pronephros), મધ્યમૂત્રપિંડ (mesonephros) અને અનુમૂત્રપિંડ (metanephros) – આવી ત્રણ અવસ્થાઓવાળું હોય છે. જડબાવિહીન હૅગ માછલીમાં, પ્રમૂત્રપિંડ રુધિરમાંથી મૂત્રને ભેગું કરે છે. જ્યારે પ્રમૂત્રનલિકા (pro-nephric duct) વડે તેનું વહન થાય છે. જડબાંવાળી માછલીઓ અને ઉભયજીવીઓમાં પ્રમૂત્રપિંડ લોપ પામે છે, જ્યારે પ્રમૂત્રનલિકાના વિકાસથી મધ્યમૂત્રનલિકાનું નિર્માણ થાય છે. મધ્યમૂત્રનલિકા વૂલ્ફિયન નલિકા નામે પણ ઓળખાય છે અને તે ઉત્સર્ગદ્રવ્યોનું વહન પણ કરે છે. નર માછલીઓ અને દેડકામાં તે શુક્રકોષોનું વહન પણ કરે છે. તેથી આ પ્રાણીઓમાં આ નલિકા મૂત્રજનનનલિકા (urino-gential duct) તરીકે ઓળખાય છે. નર સરીસૃપો, પક્ષીઓ અને સસ્તનોમાં વૂલ્ફિયન નલિકા માત્ર શુક્રકોષોનું વહન કરે છે. માદામાં મ્યૂલેરિયન નલિકા નામે ઓળખાતી એક નલિકાનો વિકાસ થાય છે અને તે અંડવાહિની (oviduct) તરીકેનું કામ કરે છે. સરીસૃપો, પક્ષીઓ અને સસ્તનોમાં વૂલ્ફિયન નલિકામાંથી એક ફણગો ઊગે છે અને તેનો વિકાસ સ્વતંત્ર મૂત્રનલિકા (ureter) તરીકે થાય છે.

આકૃતિ 4 : પક્ષી (લૈંગિક પ્રજનન)

પૃષ્ઠવંશી પ્રાણીઓની અંડવાહિનીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સસ્તનોમાં બંને બાજુએથી નીકળતી અંડવાહિનીઓ એકબીજીમાં વિલયન પામે છે. માનવ-સ્ત્રીમાં વિલયન પામેલ અંડવાહિનીનો વિકાસ ગર્ભાશયમાં થયેલો હોય છે.

અંડપિંડ : મોટાભાગનાં પૃષ્ઠવંશીઓની માદા અંડપિંડોની એક જોડ ધરાવે છે. પક્ષીઓમાં અંડપિંડોનો વિકાસ માત્ર સંવનનકાળ દરમિયાન થાય છે. કેટલાંક પ્રાણીભક્ષી સિવાયનાં અન્ય પક્ષીઓમાં જમણી બાજુએ આવેલ અંડપિંડ અપકર્ષ પામે છે અને માત્ર ડાબું અંડપિંડ સક્રિય બને છે. વિકાસની ર્દષ્ટિએ સસ્તનોનું અંડપિંડ સહેજ ભિન્ન પ્રકારનું હોય છે. અહીં અંડપુટિકાઓ વિકાસની જુદી જુદી અવસ્થાએ જોવા મળે છે. પુખ્તાવસ્થા દરમિયાન માત્ર જૂજ પરિપક્વ અંડકોષોનું વિમોચન શરીરગુહામાં થાય છે. માનવ-સ્ત્રીમાં મહિનાદીઠ માત્ર એક પરિપક્વ અંડકોષનું વિમોચન થાય છે. સસલું કે બિલાડી જેવાં પ્રાણીઓમાં માત્ર સમાગમ થતાં અંડકોષોનો વિકાસ થાય છે. સસ્તનોની અણ-વિકસિત પુટિકાઓ પીતપિંડ(corpus luteum)માં વિકાસ પામે છે. જો પ્રાણી ગર્ભ ધારણ કરે તો પીતપિંડ ગર્ભકાળ દરમિયાન સ્થાયી બને છે અને અંત:સ્રાવી ગ્રંથિ તરીકે તે પ્રોજેસ્ટેરૉન અંત:સ્રાવનું વિમોચન કરે છે.

આકૃતિ 5 : (1) દ્વિભાજન, (2) કલિકા પદ્ધતિ

અંડવાહિની : કેટલીક માછલીઓમાં અંડકોષોનું વિમોચન શરીરગુહામાં કરવામાં આવે છે અને ત્યાંથી ઉદર-છિદ્ર (abdominal pore) વાટે તે બહાર નીકળે છે. કાસ્થિમીનોમાં અંડવાહિનીઓ પશ્ચ છેડે વિલયન પામી એક સામાન્ય છિદ્ર વાટે અંડકોષોનો ત્યાગ કરે છે. અસ્થિમત્સ્યોમાં બંને વાહિનીઓ અલગ રહી સ્વતંત્ર રીતે બહાર ખૂલે છે. કેટલીક માછલીઓ અપત્યપ્રસવી હોય છે અને તેમના ગર્ભનો વિકાસ અંડાશય કે અંડવાહિનીમાં થાય છે. ઉભયજીવીઓમાં અંડવાહિનીઓ અવસારણીમાં ખૂલે છે. સરીસૃપોમાં અંડવાહિનીઓનો વિશિષ્ટ ભાગ ગર્ભાશયમાં પરિવર્તન પામે છે, જ્યાં ફલિતાંડ ફરતે એક કવચ બંધાય છે. પક્ષીઓમાં માત્ર એક અંડવાહિની આવેલી હોય છે. સરીસૃપો અને પક્ષીઓની અંડવાહિનીઓની અંદર અંત:ફલનથી ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ પોષકતત્વોનો સંગ્રહ કરે છે અને કવચયુક્ત ઈંડાં તરીકે શરીરમાંથી તે બહાર નીકળે છે. આ બંનેમાં ગર્ભનો વિકાસ શરીરની બહાર થાય છે. સસ્તનોમાં અંડવાહિનીઓનો આગલો ભાગ ફેલોપિયન નલિકા તરીકે  એક સ્વતંત્ર નલિકા તરીકે હસ્તી ધરાવે છે. સામાન્યપણે ત્યારપછીની અંડવાહિનીનો શેષ ભાગ વિલયન પામી ગર્ભાશય તરીકે વિકાસ પામે છે. નીચલી કક્ષાનાં સસ્તનોની માદામાં બે સ્વતંત્ર ગર્ભાશયો આવેલાં હોય છે. ગર્ભાશય પછીના શેષ ભાગને યોનિમાર્ગ કહે છે.

શુક્રપિંડ : શુક્રપિંડો શુક્રજનક નલિકાઓના બનેલા હોય છે. ત્યાં શુક્રકોષોનું નિર્માણ અને તેનો વિકાસ થતાં હોય છે. માછલીઓ અને ઉભયજીવીઓમાં સામાન્યપણે શુક્રપિંડોનો વિકાસ સંવનનકાળ પૂરતો મર્યાદિત હોય છે. સરીસૃપોના શુક્રપિંડોમાં પણ સામયિક ફેરફારો જોવા મળે છે. પક્ષીઓમાં માત્ર સંવનનકાળ દરમિયાન શુક્રપિંડો વિકાસ પામતા હોય છે. દિવસો લાંબા બનતાં પક્ષીઓમાં શુક્રકોષોનું નિર્માણ અને તેમનો વિકાસ વેગીલાં બને છે. સસ્તનોમાં સામાન્યપણે શુક્રપિંડો શરીરની બહાર વૃષણ-કોથળી (scrotal sac) દ્વારા લટકતા હોય છે. કેટલાંક સસ્તનોમાં શરીરગુહાની અંદર શુક્રપિંડો આવેલા હોય છે. એ માત્ર સંવનનકાળ દરમિયાન તેઓના શરીરની બહાર લટકતા જોવા મળે છે. શરીર કરતાં સહેજ ઓછા તાપમાને શુક્રકોષો વિકાસ પામતા હોય છે.

આકૃતિ 6(અ) : આલિંગન. દેડકો અને મેંડક બંને મજબૂત રીતે માદાને પકડે છે.

અગાઉ જણાવ્યા પ્રમાણે વૂલ્ફિયન નલિકાઓ શુક્રકોષોનું વહન કરી છેવટે શરીરની બહાર તેમનો ત્યાગ કરે છે. કાસ્થિમીનોમાં શુક્રીય નલિકા (seminal vesicle) નામે ઓળખાતી વાહિનીઓ શુક્રકોષોને સામાન્ય મૂત્રજનનનલિકા(urino-genital duct)માં ઠાલવે છે. ઉભયજીવીઓમાં પણ વૂલ્ફિયન નલિકા મૂત્ર-જનનનલિકાની ગરજ સારે છે. સરીસૃપો અને પક્ષીઓમાં વૂલ્ફિયન નલિકા આગલા ભાગમાં અધિવૃષણ નલિકા (epidydimis) નામે ઓળખાતું એક ગૂંચળું બનાવે છે. કેટલાંક પૅસરાઇન પક્ષીઓ નલિકાને છેડે પણ એક ગૂંચળું બનાવે છે, જે અવસારણીમાં વિસ્તરેલું હોય છે.

સસ્તનોમાં શુક્રીય નલિકા સારી રીતે વિકાસ પામેલી હોય છે અને તે સ્ખલનવાહિની(ejaculatory duct)માં ખૂલે છે. નરમાં વધારાની ગ્રંથિ તરીકે પ્રૉસ્ટેટ-ગ્રંથિ હોય છે, જે શુક્રીય પ્રવાહી(વીર્ય)માં ઉમેરો કરે છે. તદુપરાંત કાઉપર-ગ્રંથિ નામની એક ગ્રંથિ ચીકણા પ્રવાહીનો સ્રાવ કરે છે. આ બધી વાહિનીઓ મૂત્રનલિકા(urethra)માં ખૂલતી હોય છે, જે શુક્રીય પ્રવાહીને બહાર ઠાલવે છે. મૂત્રનલિકાનો શેષ ભાગ શરીરની બહાર શિશ્ર્ન કહેવાતા અંગમાં વિકાસ પામેલો હોય છે. તેનું મુખ્ય કાર્ય મૈથુનાંગ (copulatory-organ) તરીકેનું છે.

આકૃતિ 6(આ) : મૈથુનિક પ્રક્રિયામાં રોકાયેલાં બતકો

મૈથુનાંગો : શુક્રકોષોનો ત્યાગ માદાના શરીરમાં થતાં શરીરની અંદર ફલિતાંડનું નિર્માણ થાય છે. આમાં શિશ્ર્ન જેવાં મૈથુનાંગો શુક્રકોષોનો ત્યાગ માદાના શરીરમાં કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. માછલીઓ મીનપક્ષોમાં સહેજ ફેરફારો (નિતંબપક્ષ કાસ્થિમીનોમાં અને ગુદાપક્ષ અસ્થિમીનોમાં) થતાં મૈથુનાંગો બને છે. ઉભયજીવીઓમાં બાહ્ય ફલન દ્વારા ફલિતાંડ બનતાં હોવાથી તેઓ મૈથુનાંગો ધરાવતાં નથી. સાપ અને કાચિંડા જેવાં સરીસૃપોમાં અવસારણી પાસે અર્ધશિશ્ન (hemipenis) મૈથુનાંગ આવેલું હોય છે. તે કોથળી જેવા આકારનું હોય છે અને તેમાં એક ખાંચ આવેલી હોય છે. સમાગમ દરમિયાન આ કોથળી ઊલટાય છે અને શુક્રકોષોનું નિક્ષેપણ માદાના શરીરમાં થાય છે. કાચબા અને મગરનાં મૈથુનાંગો સસ્તનોનાં જેવાં હોય છે. માત્ર બતક, રાજહંસ, શાહમૃગ જેવાં પક્ષીઓમાં શિશ્ન હોય છે. અન્ય પક્ષીઓમાં સમાગમ દરમિયાન માદા અને નર પક્ષીઓની અવસારણી સામસામે આવતાં માદાના શરીરમાં શુક્રકોષોનું વિમોચન કરવામાં આવે છે. સસ્તનોમાં શિશ્નનો વિકાસ સારી રીતે થયેલો હોય છે.

પ્રજનનકીય આદતો : નર અને માદા વચ્ચે દેખાતી સંગમવૃત્તિ, સંવનન (courtship), લૈંગિક આદત, પ્રસવ (parturitia) અને બાળસંભાળનો સમાવેશ પ્રજનનકીય આદતોમાં થાય છે. માત્ર નર અને માદા વચ્ચે આકર્ષણ નિર્માણ થતાં જનનકોષો એકબીજાના સંપર્કમાં આવવાની શક્યતા વધે છે અને તેમાં નવું સંતાન જન્મવાની સુવિધા રહેલી છે.

આકૃતિ 6(ઇ) : આરોહણને લીધે, માદા ઉંદરની પીઠ કમાનાકાર (concave arching) ધારણ કરે છે.

પરસ્પર આકર્ષણ સામયિક અથવા કાયમી સ્વરૂપનું હોઈ શકે છે. માત્ર એક જ નર અને માદા વચ્ચે આકર્ષણથી બંધાતો સંબંધ એક પત્નીત્વ(monogamy)વાળો કહેવાય છે. બહુપત્નીત્વ(polygamy)માં એક નર એક કરતાં વધુ માદાઓના સંપર્કમાં આવે છે. જુદા જુદા સમયે જુદાં જુદાં નર અને માદા એકબીજાના સંપર્કમાં આવતાં થતા અસ્થાયી પ્રકારના સંબંધને મિશ્રિત-સોબત (promiscuity) કહે છે.

મોટાભાગનાં પ્રાણીઓમાં વિશિષ્ટ ઋતુ દરમિયાન પ્રજનનકીય પ્રક્રિયા વેગીલી બને છે. ખાસ કરીને સમશીતોષ્ણ પ્રદેશમાં વાસ કરતાં પ્રાણીઓમાં ઋતુકીય આદતો સારી રીતે વિકાસ પામેલી હોય છે. મોટાભાગનાં પ્રાણીઓ માટે વસંતઋતુનો પશ્ચાત્કાળ અથવા તો ગ્રીષ્મઋતુની શરૂઆત સંવનનઋતુ બને છે. જોકે ગર્ભવિકાસના સમયની મર્યાદા જુદાં જુદાં પ્રાણીઓમાં ભિન્ન હોવાથી સંતાનો જુદા જુદા સમયે જન્મતાં હોય છે.

પ્રદેશ-પ્રસ્થાપન (territoriality) ઘણાં પ્રાણીઓમાં જોવા મળે છે. સંવનનકાળ દરમિયાન નર પ્રાણી વિશિષ્ટ પ્રદેશ નિશ્ચિત કરી, ત્યાં અન્ય નરને આવતાં-જતાં અટકાવે છે. જો આ સંઘર્ષમાં એક નર હારી જાય તો બીજો જીતેલ નર આ જગ્યા પર પોતાનું વર્ચસ્ જમાવે છે. કેટલીક નર અને માદાની જોડ પણ પ્રદેશ-પ્રસ્થાપન કરતી હોય છે. તે જ પ્રમાણે કેટલાંક પ્રાણીઓ (દા.ત., વાંદરાં) તો સમૂહમાં પોતાનું પ્રદેશ-પ્રસ્થાપન કરતાં હોય છે. સામાન્ય રીતે આ સમૂહમાં એક નર, એક કરતાં વધારે માદાઓ અને બચ્ચાંઓનો સમાવેશ થતો હોય છે.

આકૃતિ 6(ઈ) : સ્ટિકલબૅક માછલીની સંવનન-આદત : (અ) નરનું વાંકુંચૂકું નર્તન માદાને માળા તરફ જવા
પ્રેરે છે. (આ) માળામાં નર માદાને ઈંડાંનો ત્યાગ કરવા ઉત્તેજે છે. (ઇ) સંવનન-ઘટના ક્રમ

અનુરંજન (courtship) એટલે સમાગમ પૂર્વે બે સાથીઓ વચ્ચે ઉદભવતી-ચાલતી આકર્ષણમૂલક ચેષ્ટાઓ. આવી અનુરંજનને લગતી એક નોંધનીય આદત બે સ્ટિકલબૅક સાથી માછલીઓ વચ્ચે જોવા મળે છે. તેઓમાં સંવનનકાળ દરમિયાન નરની ત્વચાનો રંગ બદલાય છે અને તેનું પેટ લાલ રંગનું બને છે. આ કાળ દરમિયાન નર, અન્ય માછલીઓથી અલગ થઈ પારણા જેવા આકારનો માળો બાંધે છે, અને ત્યાં આકર્ષક નૃત્ય કરી તે દ્વારા માદાનું ધ્યાન ખેંચે છે. માદા સંમતિ દર્શાવતાં તે તેને માળા તરફ લઈ જાય છે અને તેનું પ્રવેશદ્વાર બતાવે છે. માદા ત્યાં ઈંડાં મૂકવા પ્રેરાય છે અને તુરત જ નર એનાં ઈંડાં પર શુક્રકોષોનું વિમોચન કરે છે. એક જ માળમાં એક કરતાં વધુ માદાઓ ઈંડાં મૂકતી હોય છે. આમ શુક્રકોષોનો ત્યાગ સીધો જ અંડકોષ પર થતો હોવાથી, સહેલાઈથી તેઓ ફલિતાંડોમાં ફેરવાય છે.

નર-આગિયો (firefly) સંવનનકાળ દરમિયાન જમીન પરથી સહેજ ઊંચે ઊડીને પ્રકાશની ચમકથી માદાને આકર્ષે છે. ફળમાખી (fruit-fly) પાંખ અને પગનું કંપન કરી અને/અથવા માદાની ફરતે પરિભ્રમણ કરીને અથવા તો સ્પર્શથી તેને લલચાવે છે. ગુજરાતનાં જળાશયોમાં વાસ કરતી કટલા, રોહુ, મૃગલ જેવી માછલીઓના નર ચોમાસાની શરૂઆતમાં વહેતા પાણીમાં માદાને ફરતે પરિભ્રમણ કરીને માદાને આકર્ષે છે. પરિભ્રમણથી પ્રભાવિત થયેલી માદા ઈંડાં મૂકવા પ્રેરાય છે અને ત્યારે નર પણ તેના પર શુક્રકોષોનું વિમોચન કરે છે.

ઉભયજીવી દેડકો ચોમાસાની શરૂઆતમાં પોતાના ડ્રાંઉં ડ્રાંઉં અવાજથી આકર્ષણ ઊભું કરી માદાને સમીપ આવવા પ્રેરે છે. માદા નજીક આવતાં નર તેના શરીર પર ચઢે છે અને પોતાની કોમળ આંગળી વડે માદાને સ્પર્શે છે અને આલિંગનમગ્ન બને છે. પરિણામે માદા પાણીમાં ઈંડાં મૂકવા પ્રેરાય છે. નર તુરત જ તે ઈંડાં પર શુક્રકોષોનું વિમોચન કરે છે. ઉભયજીવી સાલામાંડરની જાતિમાં અનુરંજન-કાર્ય દરમિયાન નર માદાને ભેટ તરીકે શુક્રકોથળી અર્પણ કરે છે. માદા આ કોથળી જોઈ શકે તે રીતે નર તેને વિશિષ્ટ જગ્યાએ મૂકે છે. માદા હવે આ કોથળીની આસપાસ ફરે છે અને અવસારણીના હોઠ જેવા ભાગોની મદદથી સ્વીકારે છે. પરિણામે શુક્રકોષોનો પ્રવેશ માદાની અંડવાહિનીમાં થવાથી અંત:ફલનથી ગર્ભ બંધાય છે, જ્યારે એ ગર્ભનો વિકાસ શરીરની બહાર થાય છે.

સરીસૃપો પણ સંવનનકાળ દરમિયાન એકબીજાને આકર્ષે છે. નરમાં બાહ્યાંગ તરીકે અર્ધશિશ્ન (hemipenis) હોય છે. કેટલાંક સરીસૃપોમાં આલિંગન કરતાં નર પ્રાણી માદાની ગ્રીવાને પકડી તેના શરીરની ફરતે પૂંછડીને વીંટાળે છે અને અર્ધશિશ્નની મદદથી અવસારણી દ્વારા માદાના શરીરમાં શુક્રકોષોને પ્રવેશાવે છે. પરિણામે અંત:ફલનથી ગર્ભ બંધાય છે. સરીસૃપ એક અંડપ્રસવી પ્રાણી છે અને અંડ રૂપે ગર્ભનો ત્યાગ કરે છે. આમ તેના ગર્ભનો વિકાસ પણ શરીરની બહાર થાય છે.

પક્ષીઓના અનુરંજનમાં ઘણી વિવિધતા જોવા મળે છે. અનુરંજનના છેલ્લા તબક્કે નર માદાની પીઠ પર ચઢે છે. કોઈક વાર ગ્રીવાને પકડીને અવસારણી સામસામે આવે તો નર માદાના શરીરમાં શુક્રકોષોનું વિમોચન કરે છે.

સસ્તનોના અનુરંજનમાં પણ નોંધપાત્ર વિવિધતા જોવા મળે છે. સામાન્યપણે નર અને માદા એકબીજાને પકડી આલિંગન વડે સમાગમ કરતાં હોય છે. વીર્યસ્ખલનની પ્રક્રિયા એક યા અનેક વાર થાય છે. આથી ઊલટું, શ્યામપુચ્છ હરણ માત્ર એક જ વખત શિશ્નનો માદાના યોનિમાર્ગમાં પ્રવેશ કરાવી તરત જ વીર્યસ્ખલન કરે છે.

મોટાભાગનાં પ્રાણીઓમાં અંત:સ્રાવો પરસ્પર આકર્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે. સસ્તનોમાં જનનપિંડો જનનકોષોના નિર્માણ ઉપરાંત અનુરંજન અને સમાગમમાં પરસ્પર આકર્ષણ ઊભું કરે તેવી અંત:સ્રાવોની ગ્રંથિ તરીકે પણ અગત્યનો ભાગ ભજવે છે. વળી સામાજિક પર્યાવરણિક પરિબળો પણ પ્રજનનીય આદતોમાં અગત્યનો ભાગ ભજવતાં હોય છે.

શરીરમાં આવેલા અંત:સ્રાવો અને સંમોહકો અનુરંજનમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. સસ્તનોમાં જનનપિંડો જનનકોષોનું નિર્માણ કરવા ઉપરાંત, અનુરંજનને લગતા અંત:સ્રાવોનું વિમોચન પણ કરે છે. માનવ જેવાં પ્રાણીઓમાં સામાજિક પર્યાવરણિક પરિબળો પ્રજનનકીય આદતોમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

પ્રજનનીય જીવવિજ્ઞાન ક્ષેત્રે થયેલી ક્રાંતિકારક શોધો : આજે પ્રયોગશાળાઓમાં નર અને માદા પ્રાણીઓના જનનકોષોના સંયોજનથી, ફલિતાંડ-નિર્માણ કરવામાં આવે છે. આવા ફલિતાંડનો વિકાસ ભ્રૂણપોષી માતાના ગર્ભાશયમાં કરવામાં આવતાં, પ્રસવકાળને અંતે સંતાન જન્મે છે. શરીરમાં ખામી હોય તેવાં યુગલો આ પ્રકારના પ્રયોગો વડે સંતાનપ્રાપ્તિ કરી શક્યાં છે. હાલમાં (1997) અમદાવાદમાં પણ એક કસનળી-સંતાન(testtube baby)નો જન્મ થયો છે. વનસ્પતિ-સૃષ્ટિમાં જૈવ-તકનીકી (biotechnology) પ્રયોગો વડે ઓછા સમયમાં વિપુલ-પોષક દ્રવ્યયુક્ત અનાજ, કઠોળ કે ખાદ્ય ફળોનો મબલક પાક મેળવવામાં આવે છે. પશુપાલનક્ષેત્રે પણ આવા પ્રયોગો વડે વધુ દૂધ આપતી ગાય, સારી જાતનું ઊન આપનાર ઘેટાં અને ખચ્ચર જેવાંની પેદાશ મોટા પાયા પર કરવામાં આવે છે.

નરકોષ (શુક્રકોષ) અને માદાકોષ(અંડકોષ)ના સંયોજનથી ફલિતાંડ બને છે; પરંતુ આજે વિજ્ઞાનીઓએ માત્ર માદાના શરીરમાંથી કોષો મેળવી અન્યત્ર તેનું સંયોજન કરી સંતાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. સમજનીનો ધરાવતા બે કોષોના સંયોજનથી નિર્માણ થયેલાં સંતાનો સમજનીનકો (clone) તરીકે ઓળખાય છે. ફેબ્રુઆરી, 1997માં રોઝિલન ઇન્સ્ટિટ્યૂટ, સ્કૉટલૅન્ડના વૈજ્ઞાનિકોએ પોતાની પ્રયોગશાળામાં આવું એકપુંજક ડૉલી નામનું એક ઘેટી-સંતાન ઉત્પન્ન કરવાની સિદ્ધિ હાંસલ કરી બતાવી છે. આ પ્રયોગની વિગતો નીચે મુજબ છે :

પ્રચલિત માન્યતા મુજબ વિકસતા ગર્ભો સંપૂર્ણ વ્યક્તિરૂપે વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. તેના અનુસંધાનમાં વિકસતા ગર્ભમાંથી અલગ કરવામાં આવેલા કોષકેન્દ્રનું સ્થાનાંતર ઈંડાંમાં કરવાથી પ્રયોગશાળામાં નીચે મુજબનાં સંતાનો જન્મ્યાં હતાં :

આવા પ્રયોગો માનવ પર કરવામાં આવે તો તેની સંસ્કાર-પરંપરાના સંદર્ભમાં કેવી ભૂમિકા રહે તે અનેક રીતે વિચારવા જેવી બાબત છે.

યશવંત નાયક

મ. શિ. દૂબળે