પ્રજનનતંત્રના રોગો (પશુ)

February, 1999

પ્રજનનતંત્રના રોગો (પશુ)

પાલતુ પશુઓના પ્રજનનતંત્રને લગતા રોગો. પશુઓમાં થતી પ્રજનનપ્રક્રિયા પ્રાણીના વંશનું સાતત્ય જાળવવામાં તેમજ પશુધનની સતત ઉપલબ્ધિમાં સાવ અનિવાર્ય છે. આર્થિક રીતે અગત્યનાં ઊન, ઈંડાં, માંસ, ચામડાં, દૂધ અને પ્રાણીજન્ય દવાઓ વગેરેની પ્રાપ્તિ ઉપરાંત બળદ, ઘોડા, ઘેટાં, બકરાં, ડુક્કર, કૂતરાં, બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓનું ઉત્પાદન પ્રજનનતંત્રને લીધે જળવાઈ રહે છે.

પ્રજનનતંત્રના રોગોથી પીડાતા પશુધનની ઉત્પાદનક્ષમતા ઘટી જાય છે. પશુની ઉત્પાદનક્ષમતા તેની પ્રજનનક્ષમતા સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે.

આકૃતિ 1 : કૂતરાં (લૈંગિક પ્રજનન)

આકૃતિ 2 : પક્ષી (લૈંગિક પ્રજનન)

સસ્તન તેમજ પક્ષીઓનાં પ્રજનનાંગો : પ્રજનનનાં મુખ્ય અંગો તરીકે નરમાં શુક્રપિંડ(testes)ની એક જોડ આવેલી હોય છે, તો માદામાં અંડપિંડો(ovaries)ની એક જોડ હોય છે. આ અંગો જનનકોષોનું એટલે કે નરમાં શુક્રકોષો(sperms)નું અને માદામાં અંડકોષો(ova)નું ઉત્પાદન કરે છે. તદુપરાંત તેઓ બંને નલિકારહિત ગ્રંથિ તરીકે અંત:સ્રાવોનો સ્રાવ પણ કરતા હોય છે. આ અંત:સ્રાવો મુખ્યત્વે જાતીય ગૌણ લક્ષણોના વિકાસ ઉપરાંત પ્રજનનપ્રક્રિયા સાથે પણ સંકળાયેલા હોય છે. જનનકોષોનું વહન જે તે ભાગમાં આવેલી જનનવાહિનીઓ (reproductive ducts) કરે છે.

અનુક્રમે નર અને માદામાં તેમને શુક્રવાહિની (sperm duct) અને અંડવાહિની (oviduct) કહે છે. નરનો શુક્રવાહિનીનો આગલો ભાગ અધિવૃષણિકા (epididymis) તરીકે વિકાસ પામેલો હોય છે, જ્યાં શુક્રકોષો પૂર્ણપણે વિકસતા હોય છે. શુક્રવાહિનીના શેષભાગને શુક્રવાહક (vas diferens) કહે છે. બંને બાજુના શુક્રવાહકો એક સામાન્ય વાહિનીમાં ખૂલે છે, જે ભાગ મૂત્રમાર્ગ (urethra) તરીકે જાણીતો છે. જોકે તે નરમાં મૂત્ર ઉપરાંત શુક્રકોષના ત્યાગ સાથે પણ સંકળાયેલો છે. મૂત્રમાર્ગમાં પ્રજનનતંત્ર સાથે સંકળાયેલ પ્રૉસ્ટેટ ગ્રંથિ તેમજ કાઉપરની ગ્રંથિઓની એક જોડ ખૂલે છે. મૂત્રમાર્ગનો છેડો શિશ્ન (penis) નામના એક અંગમાં પરિણમેલો જોવા મળે છે. તે મૂત્ર ઉપરાંત પ્રૉસ્ટેટ ગ્રંથિ તેમજ કાઉપરની ગ્રંથિઓના સ્રાવ અને શુક્રકોષોના મિશ્રણથી બનેલા વીર્ય(semen)નું વિમોચન કરે છે.

માદામાં અંડકોષોના વહનનું કાર્ય અંડવાહિની (oviduct) દ્વારા થાય છે. છેડા તરફ આ અંડવાહિનીઓ એકબીજા સાથે વિલયન પામી એક સામાન્ય યોનિમાર્ગ (vagina) બનાવે છે. આ યોનિમાર્ગ વાટે માદાના શરીરમાં નર-શિશ્ન વડે વીર્યનો ત્યાગ થાય છે. યોનિમાર્ગના છેડા તરફ આવેલો અંડવાહિનીનો ભાગ ગર્ભાશય (uterus) તરીકે વિકાસ પામેલો હોય છે. માનવી જેવાં પ્રાણીઓમાં બે ગર્ભાશયોના વિલયનથી માત્ર એક સામાન્ય ગર્ભાશય બને છે.

પક્ષી(દા.ત., મરઘી)ની માદામાં એક જ અંડપિંડનો વિકાસ થયેલો હોય છે. તેનો છેડો અવસારણી(cloaca)માં ખૂલે છે. તે પાચનતંત્ર, ઉત્સર્જનતંત્ર તેમજ પ્રજનનતંત્ર માટેના એક સામાન્ય અંગ તરીકે કામ કરે છે. મરઘામાં શિશ્નનો અભાવ હોય છે અને સમાગમ દરમિયાન અવસારણીદ્વાર (cloacal opening) વાટે સીધો જ શુક્રકોષોનો ત્યાગ માદાના શરીરમાં કરવામાં આવે છે.

પશુઓના પ્રજનનતંત્રને હાનિકારક એવા રોગો અને તે માટે કારણભૂત પરિબળો નીચે મુજબ છે : (અ) વંશજાત વિકૃતિઓ અને હાનિકારક પરિબળો, (આ) યોગપોષક ઘટકોનો અભાવ, (ઇ) અંત:સ્રાવી ઊણપો, (ઈ) સંક્રામક રોગો અને (ઉ) પ્રબંધ કાર્યોમાં મુશ્કેલીઓ.

(અ) વંશજાત (hereditary) વિકૃતિઓ અને હાનિકારક પરિબળો : કેટલીક વિકૃતિઓ વંશપરંપરાગત રીતે આવેલી હોય છે. આ વિકૃતિઓને લીધે સગર્ભાવસ્થા દરમ્યાન ભ્રૂણ અથવા ગર્ભનો નાશ થઈ શકે છે. જોકે સામાન્ય રીતે આ વિકૃતિજન્ય પરિબળો અપ્રભાવી (dormant) સ્વરૂપનાં હોય છે. આથી વિકૃતિઓ ઘણી પેઢીઓ સુધી સુષુપ્તાવસ્થામાં રહે છે. અંત:પ્રજનનને લીધે આવી વિકૃતિઓ સંતાનોમાં ઊતરવાની શક્યતા વધે છે.

ગોજાતીય (cattle) પ્રાણીઓમાં ઉદભવતી વિકૃતિઓ :

(1) બુલડૉગ : આ પ્રકારમાં શરીર ટૂંકા પગ અને માથું ધરાવે છે. શરીરના અવયવનું બહિ:સરણ થવાથી ભ્રૂણ સગર્ભાવસ્થાના ચોથા મહિના સુધીમાં મૃત્યુ પામે છે અને ગર્ભપાત થાય છે. (2) એકોન્ડ્રોપ્લાસિયા : નાનું માથું, તાલુવિદર, વિકૃત જડબું અને જન્મ પછી તરત મૃત્યુ. (3) એક્રોટેરિયાસિસ કૉન્જાઇટિસ : વિચ્છેદ પામેલા પગ અથવા તો પગનો સાવ અભાવ. (4) ઍગ્નૅથિયા : નીચેનું જડબું ટૂંકું. (5) અસ્થીભવન : હાડકાંઓના સાંધાઓ પુરાઈ જવા. (6) નવજાત જલશોથ : શરીરના સ્નાયુઓ અને ગુહાઓમાં શરીરપ્રવાહીનો સંગ્રહ. (7) અપૂર્ણ ઉપકલાજનન : શરીરની ચામડી વિકૃત સ્વરૂપની, ચામડી પર વાળનો અભાવ. (8) જન્મજાત ઇક્થિયૉસિસ : ચામડી પર ભીંગડાંનું આચ્છાદન. (9) ગર્ભશોષણ : ગર્ભનું મૃત્યુ. માતાના ગર્ભાશયમાં તેનું શોષણ. (10) ગર્ભનું જામી જવું : ગર્ભનું જામી જવાથી માતાના ગર્ભાશયમાં મૃત્યુ. (11) સ્નાયુસંકોચન : તેનાથી પગ અને ગરદન જાડાં બને છે. (12) પ્રમસ્તિષ્ક બહિ:સરણ : માથાનાં અસ્થિ સાંધા વગરનાં, છૂટાંછવાયાં. (13) જડબાંની વિકૃતિ : ટૂંકું જડબું અને વિકૃત દંતાવલી. (14) ટૂંકી કરોડરજ્જુ : કરોડરજ્જુ ટૂંકી. (15) ઠીંગણું શરીર : યોગ્ય વિકાસના અભાવમાં શરીરની ઊંચાઈ ઓછી હોય છે. (16) અંધાપો : છ મહિના કે એક વર્ષની અંદર વાછરડું આંધળું બને છે. (17) ટૂંકા કાન : કાન ટૂંકા. (18) મળદ્વારનો અભાવ : વિકાસના અભાવે મળાશય ટૂંકું બને છે.

વંશજાત વિકૃતિઓ : પ્રજનનતંત્રમાં દેખાતી વિકૃતિઓ (ઊણપો) ફલિતાંડમાં ઉદભવેલ ખામીને લીધે અને/અથવા ગર્ભવિકાસ દરમિયાન ઉદભવતા વિકૃતિપૂર્ણ વિકાસને લીધે ઉત્પન્ન થાય છે.

મોટાભાગની વિકૃતિઓ મુખ્યત્વે આનુવંશિક ખામીઓને લીધે ઉત્પન્ન થતી હોય છે અને આ ખામીઓ ફલિતાંડોમાં, કોષરસમાં અને/અથવા જનીનોમાં ઊતરે છે. આવા આનુવંશિક દોષો ઉત્પન્ન કરતાં પરિબળો નર અને/અથવા માદાના જનનકોષોમાં રહેલ ખામીને લીધે ફલિતાંડમાં ઊતરી આવે છે. પ્રજનનતંત્રની વિકૃતિઓ સામાન્ય રીતે પશુમાં યૌવનારંભના સમયે ધ્યાન ખેંચે છે. મોટાભાગની વિકૃતિઓ અપ્રભાવી અલિંગી પરિબળોની અપૂર્ણ અભિવ્યાપ્તિને લીધે ઉત્પન્ન થાય છે. ઉપરાંત, ભ્રૂણના વિકાસ દરમિયાન થતા અકસ્માતો, ઉત્પરિવર્તનો, અંત:સ્રાવોનું  અસમતોલપણું, એક યા વધુ જૈવિક અણુઓનો અભાવ જેવાં કારણોસર શારીરિક વિકૃતિઓ પેદા થાય છે.

પ્રજનકોમાં (માતાપિતામાં) મુખ્યત્વે દેખાતી વિકૃતિઓ :

(1) નરમાં ઉદભવતી વિકૃતિઓ : ગુપ્તવૃષણતા, વૃષણનું અલ્પવિકસન, વૃષણકોષ અને વૃષણમાં સારણગાંઠ, શુક્રાણુઓના આનુવંશિક દોષો, અધિવૃષણનું ખંડીય અવિકસન, શિશ્નની વક્રતા અને વિચલન.

માદામાં ઉદભવતી વિકૃતિઓ :

(ક) અંડપિંડની વિકૃતિઓ : અંડપિંડનું અલ્પવિકસન અથવા તેનો સાવ અભાવ, તેનું અવિકસન, તેની પુટિમયતા.

(ખ) મુલર વાહિનીના યોગ્ય વિકાસના અભાવને કારણે દેખાતી વિકૃતિઓ : અંડવાહિનીમાં ઉદભવેલી વિકૃતિઓ, અપૂર્ણવિકસિત અંડવાહિની અથવા તેનો સંપૂર્ણ અભાવ, શ્લેષ્મકલાનાં વલયોથી અંડવાહિનીનું અવરોધન.

(ગ) ગર્ભાશયની વિકૃતિઓ : ગર્ભાશયનાં એક અથવા બંને શૃંગોના દ્વારનો અભાવ, દ્વિદલીય ગર્ભાશય, ચાર શિંગ અને ગ્રંથિવાળું ગર્ભાશય, ગર્ભાશયનાં એક કે બંને શૃંગોનો અભાવ અથવા અવિકસિત શૃંગો, અવિકસિત ગર્ભાશય-ગર્ભાશયગ્રીવાનો અભાવ, એકશિંગી અને/અથવા દ્વિગ્રીવી, દ્વિસ્કંધી ગર્ભાશય.

(ઘ) વિકૃત યોનિમાર્ગ.

(ઙ) અવિકસિત જનનેન્દ્રિયો : અથવા ઉભયલિંગિતા.

(ચ) ખામીયુક્ત દુગ્ધગ્રંથિઓ : વાછરડાંના ઉછેર દરમિયાન દેખાતી ખામીઓ : તે મુખ્યત્વે વિપરીત આનુવંશિક પરિબળોની અસર હેઠળ ઉદભવતી હોય છે. તેથી વંશવૃદ્ધિ  માટે પસંદ કરવામાં આવતાં જાનવરોની ચકાસણી અત્યંત ચીવટથી કરવાથી, સારાં લક્ષણો ઓલાદમાં ઊતરવાની શક્યતા વધે છે.

(આ) યોગ્ય પોષક ઘટકોનો અભાવ : યોગ્ય આહાર હંમેશાં પ્રાણીઓના વિકાસ તથા વંશવૃદ્ધિમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

યોગ્ય પોષકતત્વોના અભાવના કારણે પીયૂષિકા ગ્રંથિ(pituitary gland)ના જનનગ્રંથિપ્રેરક અંત:સ્રાવોના ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે. તેને લીધે વાછરડામાં યૌવનારંભ, શુક્રકોષજનન અને કામલાલસામાં ખલેલ પડે છે; જ્યારે વાછરડીઓમાં યૌવનારંભનો સમય લંબાય છે. અંડપિંડના યોગ્ય વિકાસના અભાવમાં ગાયો ઋતુકાળનાં ચિહ્નો દર્શાવતી નથી અને ઋતુકાળના અભાવથી પીડાય છે. વળી અપૂરતા આહારને લીધે ગર્ભાવસ્થા દરમિયાન જ તેમનામાં ભ્રૂણનાશ થઈ શકે છે અથવા તો જન્મેલ બચ્ચું સાવ નબળું થાય છે, ને તે જન્મ્યા પછી મોટેભાગે અલ્પસમયમાં મૃત્યુ પામે છે.

અત્યાહાર : સાંઢમાં અત્યાહાર તેની પ્રજનનની શિથિલતા સાથે સંકળાયેલો હોય છે. વધુ આહાર અને ઓછી કસરતને કારણે સાંઢ ચરબીવાળું, આળસુ, અને નબળી કામાસક્તિવાળું પ્રાણી બની જાય છે.

વોડકીઓને જો અત્યાહાર પર ઉછેરવામાં આવે તો યૌવનારંભ જલદી થાય છે; પરંતુ આ વોડકીઓમાં આરંભનો ગર્ભધારણ-દર નીચો હોય છે અને પ્રથમ દુગ્ધસ્રવણ વખતે દૂધ-ઉત્પાદન પણ ઓછું હોય છે. વધારામાં ચરબીવાળી વોડકીઓમાં યોનિમાર્ગમાં ચરબીનું પ્રમાણ વધી જવાથી પ્રસવ વખતે મુશ્કેલી ઉત્પન્ન થાય છે.

આહારમાં પ્રોટીનની ઊણપ : જ્યારે આહારમાં પ્રોટીનનું પ્રમાણ સહેજ પણ ઓછું હોય ત્યારે સાંઢમાં ક્ષુધાહીનતા, કામલિપ્સાનો અભાવ, નબળાઈ અને વીર્યના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા વધે છે.

ગાયોમાં પ્રોટીનની ઊણપને કારણે ઋતુચક્રની અનિયમિતતા અથવા તો ઋતુકાળનો સાવ અભાવ પણ જોવા મળે છે.

આહારમાં વિટામિનોની ઊણપ : આહારમાં વિટામિન ‘એ’ની ઊણપને લીધે નાની ઉંમરના સાંઢની પીયૂષિકાગ્રંથિ પુટિમય બની શકે છે, જ્યારે પુખ્ત વયના સાંઢમાં તેની પ્રજનનશક્તિ પર વિપરીત અસર પહોંચવાનો સંભવ રહે છે. આહારમાં જો વિટામિન ‘એ’ સાવ ઓછું હોય તો સાંઢમાં રતાંધળાપણું નિર્માણ થાય છે, જ્યારે શુક્રવાહકમાં ઉપકલા અપાકર્ષ પામે છે. આવા સાંઢની કામવાસના ઘટે છે, જ્યારે તેના વીર્યની ગુણવત્તા નીચી જાય છે. જો સગર્ભા ગાયોને પૂરતું વિટામિન ‘એ’ ન મળે તો ગર્ભપાત થવાનો સંભવ રહે છે. ક્યારેક આવી ગાયોનાં બચ્ચાં જન્મ વખતે નબળાં કે મરેલાં હોય છે. આવી ગાયોમાં ઓર અવરોધન તથા ગર્ભાશય આઘટન પણ વધુ હોય છે. ગાયોમાં ક્ષુધાહીનતા, અતિસાર, આંખના રોગ, રતાંધળાપણું વગેરે ચિહ્નો પણ જોવા મળે છે.

આહારમાં ખનિજ-તત્વોની ઊણપ : લોહ, કોબાલ્ટ અને તામ્ર ધાતુઓનો અભાવ સાંઢમાં ક્ષીણરક્તતા, ક્ષુધાહીનતા અને શારીરિક અશક્તિનાં ચિહ્નો ઉત્પન્ન કરે છે અને પ્રજનનક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. વોડકીઓમાં તેમની વૃદ્ધિ ઘટે છે અને યૌવનારંભનો સમય લંબાય છે. પરિણામે ગાયોમાં ક્ષુધાહીનતા, જે તે ખાવાની વૃત્તિ, શારીરિક નબળાઈ અને ઋતુકાળનો અભાવ જેવાં ચિહ્નો જોવા મળે છે.

ફૉસ્ફરસ, ખનિજ-તત્વની ઊણપ સામાન્ય રીતે પ્રોટીન તથા વિટામિન ‘એ’ની ઊણપ સાથે સંકળાયેલી હોય છે. જેને લીધે ક્ષુધાહીનતા, શરીરના વજનનો ઘટાડો અને પ્રજનનની સમસ્યાઓ પેદા થાય છે. વોડકીઓ મોટી ઉંમરની થાય ત્યાં સુધી ઋતુકાળમાં આવતી નથી અને ગાયો બે કે ત્રણ વર્ષ પછી વિયાય છે તથા ઋતુકાળના અભાવથી પીડાય છે.

કૅલ્શિયમની ઊણપને લીધે કટિપ્રદેશની કશેરુકાઓના સાંધાઓમાં વિકૃતિઓ પેદા થવાનો સંભવ રહે છે.

મૅન્ગેનીઝ તત્વની ઊણપથી ગાયોમાં ઋતુકાળનો અભાવ જણાય છે અને ગર્ભધારણનું પ્રમાણ ઘટે છે.

તામ્ર ખનિજની ઊણપથી ગાયોના શરીરના વાળનો રંગ ભૂખરો પડી જાય છે અને તે ઘણી વાર ઊથલા મારે છે, ગાયોમાં ઋતુકાળનો અભાવ જણાય છે અને તે હંગામી વંધ્યત્વથી પીડાય છે.

આયોડીન તત્વની ઊણપથી કેટલીક સગર્ભા ગાયો ક્યારેક નબળી પડે છે અને મૃત્યુ પામેલ બચ્ચાંને જન્મ આપે છે.

સોડિયમની ઊણપ જો આહારમાં લાંબા સમય સુધી ચાલુ રહે તો તેની અસર ગાયના દૂધ-ઉત્પાદન પર જોવા મળે છે. ગાયના વજનમાં ઘટાડો થાય છે, અને ઋતુકાળના અભાવથી ગાય પીડાય છે.

સમતોલ આહાર : આહારમાં અપાતાં દાણ અને ઘાસચારાનું પ્રમાણ જથ્થાની ર્દષ્ટિએ તેમજ ગુણવત્તાની  ર્દષ્ટિએ પ્રાણીની જરૂરિયાત મુજબ હોય તે આવશ્યક છે. ગાયભેંસના દાણમાં 1%થી 1.5% પ્રમાણમાં ખનિજ-તત્વોનું મિશ્રણ ઉમેરવાથી ખનિજ-તત્વોને કારણે ઉત્પન્ન થતી પ્રજનનની મુશ્કેલીઓ નિવારી શકાય છે.

(ઇ) અંત:સ્રાવી ખામીઓ : અંત:સ્રાવી ખામીને લીધે ઉત્પન્ન થતી વિકૃતિઓમાં ઋતુકાળનો અભાવ, પુટિમય અંડપિંડ-નિર્માણ, ફલીકરણની ખામીઓ તથા ભ્રૂણનાશનો સમાવેશ થાય છે.

અંડપિંડની પુટિમયતા : આ રોગમાં ત્રણ પ્રકારની પુટિમયતા જોવા મળે છે : (1) પુટિમય પુટક, (2) પિત્તધર પુટિમય પુટક અને (3) પુટિમય પિત્તાશય. પીયૂષિકાના પિત્તપિંડપ્રેરક અંત:સ્રાવના અભાવને કારણે આ રોગ ઉત્પન્ન થતો હોય છે. પુટિમય પુટક ધરાવતી ગાય નિરંતર ઋતુકાળનાં ચિહ્નો દર્શાવે છે અથવા તો ટૂંકા અંતરે વારંવાર ઋતુકાળમાં આવે છે. ક્યારેક આવાં પ્રાણીઓમાં ઋતુકાળનો અભાવ પણ જણાય છે.

વધુ દૂધ-ઉત્પાદન આપતી ગાયોમાં આ રોગ વધુ પડતા આહારના કારણે કે વારંવાર દૂધ દોહવાને લીધે થતો હોય તેની શક્યતા વધે છે. મોટેભાગે આહારમાં વધુ પડતું પ્રોટીન મળતું હોય તેવી ગાયો આ રોગથી પીડાતી હોય છે. બીજાથી પાંચમા પ્રસવ પછીના 15થી 45 દિવસના ગાળામાં પુટિમય અંડપિંડના રોગનું આઘટન સૌથી વધુ હોય છે.

અંડપિંડની પુટિમયતાથી પીડાતી ગાયો મુખ્યત્વે બે પ્રકારનાં ચિહ્નો દર્શાવે છે : પશુકામોન્માદ દર્શાવતી કેટલીક ગાયો કાયમ ઋતુકાળમાં હોય તેવાં ચિહ્નો દર્શાવે છે, જ્યારે બીજી કેટલીક વારંવાર અનિયમિત અને લાંબા સમય સુધી ઋતુકાળમાં હોય છે. ઋતુકાળના અભાવનું લક્ષણ દર્શાવતી ગાયો મહિનાઓ સુધી ઋતુકાળમાં આવતી નથી. તેમની શ્રેણિબંધનીઓ ઢીલી પડી જાય છે, જ્યારે પશુકામોન્માદ  ચિહ્નો દર્શાવતી અને નિરંતર ઋતુકાળમાં રહેતી ગાયોમાં ક્યારેક યોનિને લગતી વિકૃતિઓ જોવા મળે છે.

આ રોગનું નિદાન અને સારવાર જેટલાં વહેલાં કરી શકાય તેટલું સારું રહે છે. સારવાર માટે આ રોગમાં પુટિમય પુટકોને વારંવાર ફોડી નાખીને કે પિત્તપિંડપ્રેરક અંત:સ્રાવ આપીને નવા પિત્તાશયનું નિર્માણ થાય તે જરૂરી છે. આ માટે પ્રોસ્ટાગ્લાન્ડિન, લ્યુટિનાઇઝિંગ અંત:સ્રાવ, તથા ગોનોટ્રૉફિન રિલીઝિંગ અંત:સ્રાવ ઉપયોગી નીવડે છે.

અગ્રપીયૂષિકા ગ્રંથિમાંથી પિત્તપિંડપ્રેરક અંત:સ્રાવ છૂટો ન પડવાને લીધે કે મોડો છૂટો પડવાને લીધે અંડપિંડ અલ્પવિકસિત બને છે. પરિણામે ગાય-ભેંસોમાં હંગામી વંધ્યત્વની સ્થિતિ ઉત્પન્ન થાય છે. ઋતુકાળ-સમયે અને તે પછી મળાશય દ્વારા યોગ્ય તપાસ કરવાથી આવી ગાયોને ઉત્પન્ન થતા હંગામી વંધ્યત્વનો યોગ્ય ઉપચાર કરી શકાય છે.

ઋતુકાળ-પ્રભાવક અંત:સ્રાવોની ખામીને લીધે પુખ્ત માદા ઋતુકાળના અભાવથી પીડાય છે. યોગ્ય અંત:સ્રાવો આપવાથી આ ઊણપ દૂર કરી શકાય છે.

ઈ. પ્રજનનતંત્રને લગતા સંક્રામક (ચેપી) રોગો : ગાય તથા ભેંસોમાં પૂર્ણ અને અપૂર્ણ વંધ્યત્વ પેદા કરતા સંક્રામક રોગોને મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય :

ઈ. 1. પ્રજનનતંત્ર પર ઊપજતા ચેપી રોગો : આ રોગોમાં બ્રુસેલોસિસ, કેમ્પાયલોબૅક્ટેરિયોસિસ, ટ્રાઇકૉમોનિયાસિસ અધિવૃષણતા, યોનિશોથ તેમજ કણીય યોનિશોથનો સમાવેશ કરી શકાય.

ઈ. 2. પ્રજનનતંત્રને અસરકર્તા પરંતુ શરીરને લગતા અન્ય ચેપી રોગો : આ રોગો શરીરનાં બીજાં તંત્રોને અસર કરે છે, પરંતુ તેઓ અપ્રત્યક્ષપણે પ્રજનનતંત્ર પર પણ અસરકર્તા નીવડે છે. આ રોગોમાં ક્ષય, લેપ્ટોસ્પાયરોસિસ, લિસ્ટેરિયોસિસ, ખરવા-મોંવાસા, જૉનનો વ્યાધિ તથા ટોક્સોપ્લાઝમોસિસ વગેરેનો સમાવેશ થાય છે.

ઉ. પ્રજનનતંત્રના સંક્રામક રોગો : નરમાં વૃષણશોથ, અધિવૃષણશોથ, શુક્રાશયશોથ, શિશ્ન અને શિશ્નાગ્રચ્છદશોથ તથા માદામાં ડિમ્ભગ્રંથિશોથ, ડિમ્ભવાહિનીશોથ, ગર્ભાશયશોથ, ગર્ભાશયગ્રીવાશોથ, તથા યોનિ અને ભગના શોથની વિકૃતિઓ પેદા કરે છે. નરમાં આ વિકૃતિઓ શુક્રાણુજનનના કાર્યને અને માદામાં અંડજનન ફલનીકરણ, ગર્ભરોપણ વગેરે કાર્યોને અસર કરે છે. આ રોગો ઘણા કિસ્સાઓમાં ગર્ભપાત, ઓર-અવરોધન, ગર્ભાશયશોથ અને વાછરડાની વ્યાધિઓ તથા મૃત્યુ માટે જવાબદાર હોય છે.

સંક્રામક રોગો માટે કારણભૂત સૂક્ષ્મજીવોના પ્રકારો : 1. બૅક્ટેરિયા, 2. વિષાણુ, 3. પ્રજીવ અને 4. ફૂગ.

ઉ. 1. બૅક્ટેરિયાજન્ય રોગો.

ઉ. 1. 1. બ્રુસેલૉસિસ : આ રોગના બ્રુસેલા બૅક્ટેરિયા સૂક્ષ્મ જીવો નત્રશ્લેષ્મત્વચા, મુખ, યોનિ, દૂષિત વીર્ય કે ચામડીના ઉઝરડા દ્વારા શરીરમાં દાખલ થાય છે. તેઓ સગર્ભામાં ગર્ભાશય, દુગ્ધગ્રંથિ, લસિકાગ્રંથિઓ, સાંધાઓ, તથા નરનાં જનનાંગો દ્વારા આ ચેપ લગાડે છે.

નરમાં બ્રુસેલા વૃષણશોથ, અધિવૃષણશોથ, તુંબિકાશોથ, શુક્રાશયશોથ, ઘૂંટણની લસપુટિ વગેરે વ્યાધિઓ પેદા કરે છે. આ રોગથી ઉગ્ર રીતે પીડાતા સાંઢ વંધ્યત્વ ભોગવે છે. માદામાં આ સૂક્ષ્મજીવો તીવ્ર ગર્ભાશયાન્ત:સ્તરશોથ તેમજ સ્રાવકો અને ગર્ભ-આવરણોનો શોથ પેદા કરે છે, જે ગર્ભનાશ અને ગર્ભપાતમાં પરિણમે છે. આવી માદામાં ઓર-અવરોધનનું પ્રમાણ વધુ હોય છે.

આ રોગો માટે યોગ્ય સારવાર હોતી નથી; તેથી રોગ ન થાય તેની તકેદારી લેવી તે ખૂબ જ જરૂરી છે. આ માટે તંદુરસ્ત જાનવરોને આ રોગથી જેમને ગર્ભપાત થયેલ હોય તેવાં જાનવરોથી દૂર રાખવાં જરૂરી છે. બીજદાન માટે વપરાતા સાંઢ કે પાડા તથા માદા સંપૂર્ણપણે રોગમુક્ત હોય તેની કાળજી રાખવી જરૂરી છે.

ઉ. 1. 2. કેમ્પાયલોબૅક્ટેરિયોસિસ : આ રોગ કેમ્પાયલોબૅક્ટર નામના બૅક્ટેરિયાથી થાય છે. સમાગમ દરમિયાન સાંઢ દ્વારા બૅક્ટેરિયા ગાયના શરીરમાં દાખલ થાય છે. આ ચેપની અસર હેઠળ ગાય વંધ્ય બને છે અને અથવા તેને ગર્ભપાત થાય છે.

વિકૃતિજનક ઉપર્યુક્ત સૂક્ષ્મ જીવની તપાસણી કરવાથી આ રોગને ટાળી શકાય છે.

ઉ. 1. 3. ક્ષયરોગ : ઢોરમાં આ રોગ માઇક્રોબૅક્ટેરિયમ બોવિસ નામના અમ્લસ્થાયી (acidophilic) બૅક્ટેરિયાને લીધે થાય છે. ક્ષયરોગદૂષિત આહાર કે પાણી લેવાથી ફેલાય છે. સમાગમથી અને વીર્યદાનો દ્વારા પણ આ રોગના બૅક્ટેરિયા જનનાંગો વડે શરીરમાં દાખલ થઈ શકે છે અને ગર્ભાશયનો ક્ષય પેદા કરે છે. તેથી સગર્ભાવસ્થાના પાંચથી સાતમા મહિના દરમિયાન ગર્ભપાત થાય છે. યોગ્ય કસોટી વડે બૅક્ટેરિયાનું અસ્તિત્વ પારખી શકાય છે.

ક્ષયરોગ ધરાવતાં પ્રાણીઓ આર્થિક રીતે પોસાઈ શકે તેમ ન હોવાથી તેમજ તેઓ અન્ય પ્રાણીઓમાં ચેપનો ફેલાવો કરતાં હોવાથી આવાં પ્રાણીઓનો નાશ કરવો હિતાવહ ગણાય છે.

ઉ. 1. 4. લેપ્ટોસ્પાયરોસિસ : આ રોગ લેપ્ટોસ્પાયરા બૅક્ટેરિયાથી થાય છે. આ રોગનો પ્રસાર મુખ્યત્વે ઉંદરો વડે થતો હોવાથી તેમનો નાશ કરવો જરૂરી બને છે.

ઉ. 1. 5. લિસ્ટિરિયોસિસ : આ રોગની અસર લિસ્ટિરિયા બૅક્ટેરિયા વડે ચેતાતંત્ર પર થાય છે. વળી આ રોગની વિપરીત અસર પ્રજનન-તંત્ર પર પણ થતી હોય છે.

ઉ. 1. 6. અન્ય જીવાણુઓ દ્વારા થતા સંક્રામક રોગો : કોરાઇનિબૅક્ટેરિયમ સેપ્ટોકોકાઇ, સેફાઇલોકોકાઇ, પ્રોટિયસ, ડિપ્લોકોકાઇ, આલ્મોનેલા, સુડોમોનાસ, હીમોફિલિસ જેવા સૂક્ષ્મ જીવોના ચેપને લીધે તેની અસર ગાય, ભેંસમાં ગર્ભાશયશોથ, ગર્ભાશયગ્રીવાશોથ અને યોનિશોથ પેદા કરે છે. સામાન્યપણે તેઓ માદાની યોનિમાં તથા નરના શિશ્નાગ્રચ્છદમાં વાસ કરતા જણાય છે. તેઓ હંગામી વંધ્યત્વની અવસ્થા ઉત્પન્ન કરે છે. સામાન્યત: અસરકારક પ્રતિજૈવિક (antibiotic) દવાઓથી આ બૅક્ટેરિયા ઉપર કાબૂ મેળવી શકાય છે.

ઉ. 2. વિષાણુજન્ય રોગો.

ઇ. 2.1. સંક્રામક પુયસ્ફોટિકા ભગયોનિશોથ : આ મૈથુનજન્ય રોગ સાંઢમાં શિશ્નમણિ અને શિશ્નાગ્રચ્છદનો શોથ, જ્યારે માદામાં ભગયોનિશોથ અને ગર્ભાશયાન્ત:સ્તરશોથ પેદા કરે છે તેથી માદામાં સગર્ભાવસ્થાના પાંચથી સાતમા મહિના દરમિયાન ગર્ભપાત થાય છે. આ રોગનું નિદાન સીરમ-તટસ્થીકરણ કસોટી વડે કરી શકાય છે. રોગનો ઉદભવકાળ 3થી 6 દિવસ જેટલો હોય છે. પંદરેક દિવસમાં સૌમ્ય ચેપથી ઢોર રોગ-અવરોધક શક્તિ કેળવે છે અને આ રોગથી મુક્ત થાય છે.

ઉ. 2.2. વૃષણશોથ : આ રોગને લગતા વિષાણુઓ સાંઢમાં વૃષણ તેમજ શુક્રાશયમાં શોથ પેદા કરે છે. આ રોગમાં જનનનલિકાઓ રૂંધાઈ જવાને કારણે 15%થી 25% જેટલાં નર અને માદા કાયમી વંધ્યત્વની પીડા અનુભવે છે. જોકે સૌમ્ય અસર નીચે આવેલાં પ્રાણીઓ 2થી 9 મહિનાના ગાળામાં રોગમુક્ત થાય છે.

ઉ. 2.3. શુક્રપિંડનો જલશોફ : તેઓ શુક્રપિંડ તેમજ શુક્રાશયમાં જલશોફ પેદા કરે છે.

ગોજાતીય ગર્ભપાત : સિટાકોસિસ લિમ્ફોગ્રેન્યુલોમા વેનેરમ સમૂહના વિષાણુઓ સગર્ભાવસ્થાના છઠ્ઠાથી આઠમા મહિના દરમિયાન ગાયોમાં ગર્ભપાત નિપજાવે છે.

ઉ. 2.4. અન્ય વિષાણુજન્ય રોગો : બ્લૂ રંગ અને ખરવા-મોંવાસાના જેવા વિષાણુઓને લીધે પણ સાંઢમાં વૃષણશોથ પેદા થાય છે. વિષાણુજન્ય અતિસાર અને જઠર આંત્રશોથના વિષાણુઓ પણ ગાયોમાં ગર્ભપાત ઉપજાવતા હોય છે. વળી બળિયાના વિષાણુઓ ગાયોમાં યોનિશોથ પેદા કરે છે.

ઉ. 3. પ્રજીવજન્ય રોગો : ઈ.3.1. ટ્રાઇકોમોનિયાસિસ : આ મૈથુનજન્ય રોગ ટ્રાઇકોમોનાસ ફીટસ પ્રજીવને લીધે થાય છે. તે સાંઢમાં શિશ્નાગ્રચ્છદની શ્લેષ્મકલાનાં પડોમાં વાસ કરતા હોય છે અને સમાગમ વખતે વીર્ય દ્વારા માદામાં ફેલાય છે. આ પ્રજીવો વડે સાંઢ શિશ્નમણિ અને શિશ્નાગ્રચ્છદના સૌમ્ય શોથથી પીડાય છે. પરંતુ સાંઢ તંદુરસ્ત દેખાતો હોવાથી આ ચેપનો ખ્યાલ આવતો નથી. આ ચેપને લીધે સાંઢમાં કામલિપ્સા પ્રબળ બને છે. માદામાં આ રોગનો ફેલાવો થવાથી ગાય વંધ્યત્વ, ભ્રૂણનાશ, પૂયગર્ભાશયતા, ગર્ભપાત અને યોનિશોથથી પીડાય છે. આવી ગાયના ગર્ભાશયમાંથી બટાકાના સૂપ જેવું પ્રવાહી ઝરે છે.

ચેપ માટે કારણભૂત પ્રજીવોને સૂક્ષ્મદર્શક વડે ચકાસી શકાય છે.

સાંઢમાં આ રોગની સારવાર માટે મેટ્રોનિડાઝોલ, ડાઇમેટ્રિનિડાઝોલ અને એટ્રિફ્લેવિન કે લોવોફ્લેવિન પ્રતિજૈવિક અને ઍન્ટિસેપ્ટિક દવાઓ વાપરી શકાય છે. આ રોગથી પીડાતી ગાયો અમુક સમય બાદ આપોઆપ આ રોગથી મુક્ત થતી હોય છે. આ રોગથી પીડાતી ગાયોને ત્રણેક મહિના માટે પ્રજનનકાર્યમાંથી આરામ આપવો પડે છે.

ઉ. 3.2. અન્ય પ્રજીવજન્ય રોગો : ગાયોમાં અંશત: વંધ્યત્વ લાવવામાં મુખ્યત્વે ટોક્સોપ્લાઝ્મા, પાયરોપ્લાઝ્મા તથા એનાપ્લાઝ્મા પ્રજીવો કારણભૂત હોય છે. તેઓ સગર્ભા ગાયોમાં બીજા તથા ત્રીજા તબક્કામાં ગર્ભપાત નિપજાવે છે. ગાયોમાં યોગ્ય સારવાર અને પ્રજનનકાર્યમાં આરામ આપવાથી ફરી ગર્ભધારણની શક્યતાઓ વધે છે.

ઉ. 4. ફૂગજન્ય રોગો : લગભગ 18 જાતના – ખાસ કરીને, ઍસ્પર્જિલિસ અને ઍબ્સિડિયા કવકો ઢોરમાં ગર્ભપાત અને વંધ્યત્વ પેદા કરતા જણાયા છે. આ કવકના બીજાણુઓ શ્વાસ કે આહાર દ્વારા પ્રાણીના શરીરમાં પ્રવેશે છે અને રક્તમાર્ગે જનનઅવયવોમાં પ્રવેશીને જરાયુને ચેપ લગાડે છે. કવકજન્ય ગર્ભપાતથી પીડાયેલ ગાયો મોટાભાગે સંપૂર્ણ વંધ્ય બની જાય છે. ઉપર્યુક્ત કવકો સાંઢોમાં ક્યારેક શિશ્ન સાથે સંકળાયેલા જોવા મળે છે.

પાળેલાં પ્રાણીઓની પ્રજનનક્ષમતા જાળવી રાખવા માટે તેમની માવજત અને સંભાળ ઉપર વધુ લક્ષ આપવું જરૂરી છે. આ પ્રાણીઓમાં ફલીકરણ-શક્તિ કે ગર્ભધારણ-દરને આનુવંશિક સુધારા કરીને એકદમ વધારવાં શક્ય નથી; પરંતુ તેમનાં પાર્યાવરણિક પરિબળોમાં યોગ્ય ફેરફારો કરીને પ્રજનનક્ષમતા જાળવી શકાય છે. પાલતુ પ્રાણીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવાથી તેમની ઉત્પાદનક્ષમતાનો પૂર્ણ લાભ મેળવી શકાય છે.

હરેશ દેરાસરી

ન. મ. શાહ