હૅરિમેન ઍવરેલ (વિલિયમ) (જ. 1891, ન્યૂયૉર્ક; અ. 26 જુલાઈ 1986, યૉર્ક ટાઉન, ન્યૂયૉર્ક) : અમેરિકાના જાણીતા રાજકારણી અને વિદેશમંત્રી. અમેરિકાના પ્રમુખીય સરકારી તંત્રનાં બે લક્ષણો છે : (1) સરકારી તંત્રમાં વેપારીઓ, ખાનગી કંપનીના સંચાલકો, ઉદ્યોગપતિઓ એમ ખાનગી ક્ષેત્રની કાબેલ વ્યક્તિઓની સેવાનો ઉપયોગ થઈ શકે છે. એથી વિપરીત પણ સાચું છે. (2) સરકારના મુખ્ય નેતા પ્રમુખ છે; પછી ભલે તેને મદદ કરવા વિશાળ સ્ટાફ અસ્તિત્વ ધરાવતો હોય. આ તંત્રો ઘણી વાર એકબીજાંની સાથે હરીફાઈ કરતાં હોય છે. પોતાના વિભાગના સ્વાર્થથી પ્રેરાઈને પણ જે તે વિભાગના વડા સલાહ આપે છે. આથી પ્રમુખને સાચી સલાહ મળશે એવી ખાતરી હોતી નથી. વળી સરકારના નિર્ણયોની જવાબદારી માત્ર પ્રમુખની છે. વિભાગોના અભિપ્રાયો પ્રમુખના હિતને કે દૃષ્ટિબિંદુને લક્ષમાં લેશે એની ખાતરી હોતી નથી. આથી પ્રમુખને ઘણી વાર અંગત પ્રતિનિધિઓ કે મુત્સદ્દીઓ વિદેશના નેતાઓ સાથે નાજુક બાબતો અંગે મંત્રણા કરવા મોકલવા પડતા હોય છે. આમાંથી થતા કરારો અને કરારને પરિણામે થતી સંધિઓની વિગતો અંગે વિદેશ પ્રધાનને ખબર ન હોય એમ પણ બને છે અથવા વિદેશમંત્રી આ પ્રક્રિયાથી બહાર રહે એવી સંભાવના રહે છે. આવા અંગત દૂતો સરકારી તંત્રમાં ઔપચારિક સ્થાન ભોગવતા હોય કે ન પણ હોય.
હૅરિમેનનું નામ પણ આવી વ્યક્તિઓમાં સામેલ થયેલું છે. એક અબજપતિના પુત્ર અને રેલવેના માલિક તરીકે તેઓ જન્મ્યા હતા. યેલ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવી તેમણે 1920માં પોતાની રેલવે કંપની સ્થાપી, જેનું પાછળથી એક બૅંકિંગ કંપની સાથે જોડાણ થયું. 1932થી 1946 દરમિયાન તેઓ યુનિયન પૅસિફિક(Union Pacific)ના અધ્યક્ષ હતા.
તે ડેમોક્રૅટિક પક્ષમાં 1928થી સક્રિય હતા. એફ. ડી. રૂઝવેલ્ટના વહીવટી તંત્રમાં, રાષ્ટ્રીય પુનર્રચના વહીવટી તંત્રમાં 1934–1935માં વહીવટકર્તા તરીકે અને 1937 સુધી સભ્ય તરીકે ચાલુ રહ્યા. 1937–1940 દરમિયાન તેઓ વાણિજ્યવિભાગના વેપાર-ઉદ્યોગ સલાહકારી જૂથ(Business Advisory Gruop)ના અધ્યક્ષ હતા.
હૅરિમેન ઍવરેલ (વિલિયમ)
બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન (Land-Lease assistance, 1941) પ્રસિદ્ધ એવી અમેરિકાના યુદ્ધના સાથીઓ(Allies)ને અપાયેલી મદદને ઝડપી બનાવવા રૂઝવેલ્ટે તેમને ઇંગ્લૅન્ડ મોકલ્યા. વિન્સ્ટન ચર્ચિલ સાથે તેમના અંગત સંબંધો સ્થપાયા હતા. લૉર્ડ બેવરબ્રુક સાથે 1941માં અને ચર્ચિલ સાથે 1942માં હૅરિમેન મૉસ્કો ગયા હતા. 1943માં હૅરિમેન અમેરિકાના સોવિયેટ સંઘ ખાતેના એલચી નિમાયા અને 1946 સુધી તેમણે આ કામગીરી સંભાળી. યુદ્ધ દરમિયાન મિત્રરાજ્યોની ક્વિબૅક, કેરો, તહેરાન ખાતે 1943માં ભરાયેલી પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. તે જ રીતે 1945માં યુદ્ધ પછીનો નકશો નક્કી કરવા માલ્ટા, સાનફ્રાન્સિસ્કો, પોસ્ટડમ ખાતે ભરાયેલી પરિષદોમાં પણ તેમણે ભાગ લીધો હતો. હૅરીમેનનું આ અંગેનું દૃષ્ટિબિંદુ જ્યૉર્જ કેનન જેવું હતું. ખુદ રૂઝવેલ્ટ માનતા હતા કે તેઓ વિશ્વયુદ્ધ પછી સ્ટાલિન સાથેના સંબંધો સંભાળી શકશે; પરંતુ હૅરિમેન અને કેનન માનતા હતા કે સોવિયેત સંઘ અને મિત્રરાજ્યો વચ્ચે પૂર્વ યુરોપનાં રાજ્યોના ભાવિ અંગે હિતોનો સંઘર્ષ રહેશે. તે જ રીતે સોવિયેત સંઘ સાથે ખુશામતની નીતિ નહિ પણ યોગ્ય, દૃઢ અને જરૂર પડે તો તેના પર અંકુશ મૂકવાની તૈયારી મિત્રરાજ્યોએ રાખવી જોઈએ.
1946માં ટ્રુમેને તેમને વાણિજ્યમંત્રી બનાવી યુરોપની આર્થિક પુનર્રચનાના કાર્યક્રમનું સંકલન કરવાનું કામ સોંપ્યું. 1950–1951માં તે ટ્રુમેનના વિશિષ્ટ મદદનીશ બન્યા. 1953 સુધી તેઓ મ્યુચ્યુઅલ સિક્યૉરિટી ઍડ્મિનિસ્ટ્રેશનના ડિરેક્ટર રહ્યા.
1954માં ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવી તેઓ ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર બન્યા. 1952 અને 1956માં ડેમોક્રૅટિક પક્ષના પ્રમુખપદ માટેના ઉમેદવાર બનવાની તેમની ચેષ્ટા નિષ્ફળ બની. 1958માં નેલ્સન રૉકફેલરે તેમને ગવર્નરના હોદ્દા માટેની હરીફાઈમાં પણ પરાજય આપ્યો.
પ્રમુખ કૅનેડી તેમને એફ. ડી. રૂઝવેલ્ટના મૉડલ માનતા હતા, એથી તેમજ હૅરિમેનની શક્તિનો લાભ લેવા તેમને ફરતા એલચી તરીકે નીમ્યા હતા. પછીથી દૂર પૂર્વની બાબતોનો હવાલો સોંપી તેમને મદદનીશ વિદેશપ્રધાન બનાવ્યા. 1961–1962માં લાઓસ અંગેની મંત્રણામાં હૅરિમેનનો ઉપક્રમ મહત્વનો હતો. 1963માં મદદનીશ વિદેશપ્રધાન તરીકે તેમણે આંશિક અણુધડાકાબંધી અંગેની સંધિ-(partial test ban treaty)ની મંત્રણાઓમાં મહત્વનો ભાગ ભજવ્યો. પ્રમુખ જ્હૉનસને પણ તેમની સેવાઓનો લાભ લીધો. ફરી તે 1968–1969માં ફરતા એલચી (roaming ambassador) બન્યા અને ઉત્તર વિયેટનામ સાથેની પૅરિસ ખાતેની શાંતિ મંત્રણાઓમાં ભાગ લીધો.
મહેન્દ્ર ઠા. દેસાઈ