(ફાધર) હેરાસ (જ. 11 સપ્ટેમ્બર 1888, બાર્સિલોના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1955, મુંબઈ, ભારત) : પુરાતત્વવિદ, ઇતિહાસકાર અને સ્પૅનિશ જેસ્યુઇટ પાદરી. તેઓ 1904માં જેસ્યુઇટ બન્યા પછી પાદરી થવા માટેનો અભ્યાસ કર્યો. તેમણે ઓરીહ્યુલામાં 3 વર્ષ ઇતિહાસ ભણાવ્યો. 1920માં તેમને કૅથલિક પાદરીનું પદ આપવામાં આવ્યું. 1922માં તેઓ ભારતમાં આવ્યા અને મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઇતિહાસ શીખવવા માટે તેમને નીમવામાં આવ્યા. તેમણે ભારતનો ઇતિહાસ ભણાવવાનું પસંદ કર્યું, કારણ કે તેઓ તેનો અભ્યાસ કરવા માગતા હતા. આ તેમનો માનીતો વિષય બન્યો. તેમણે ઇતિહાસ લેખનપદ્ધતિ વિશે ‘ધ રાઇટિંગ ઑવ્ હિસ્ટરી’ નામની પુસ્તિકા લખી. તેમણે 1926માં ઇન્ડિયન હિસ્ટૉરિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેને કારણે ફ્રૅન્ક મોરાયસ, ડૉ. કેની જેવા તેજસ્વી ઇતિહાસકારો અને ઇન્ડૉલૉજિસ્ટો તૈયાર થયા. આ સંસ્થાનું નામ પછીથી બદલીને ‘હેરાસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન હિસ્ટરી ઍૅન્ડ કલ્ચર’ રાખવામાં આવ્યું.

ફાધર હેરાસ

1930માં ફાધર હેરાસે વળાના ઘોડાદમન તળાવ પાસે થોડું ખોદકામ કરાવેલું, ત્યારે તેમાંથી માટીનાં વાસણ, માટીના મુદ્રાંક, નંગો, મણકાઓ, બંગડીઓ, પ્રતિમાઓ ઇત્યાદિ વિવિધ અવશેષો નીકળેલા, તે મુંબઈના ઇન્ડિયન હિસ્ટૉરિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સંગૃહીત કરેલા છે; પરંતુ તે અવશેષોના પ્રાપ્તિસ્તર તથા સમયાંકનની નોંધ પ્રકાશિત થઈ નથી. વલભીપુરના સ્થાનિક મ્યુઝિયમમાં પણ તામ્રપત્રો, શિલાલેખો, પ્રતિમાઓ, મુદ્રાંકો, નળિયાં ઇત્યાદિ અવશેષો એકત્ર કરીને મુકાયેલા છે.

1935થી તેમણે મોહેં-જો-દડો અને હડપ્પાના ઉત્ખનન કરેલાં સ્થળો પર ધ્યાન આપીને, સિંધુ ખીણની સંસ્કૃતિના ઉત્કીર્ણ લેખોનું લખાણ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે આ વિષય પર ઘણા લેખો લખ્યા. 1953માં તેમણે ‘સ્ટડીઝ ઇન પ્રોટો-ઇન્ડો-મેડિટરેનિયન કલ્ચર’ નામનો તેમનો શ્રેષ્ઠ ગ્રંથ પ્રગટ કર્યો. તેમાં તેમણે મોહેં-જો-દડોની ગૂઢ લિપિનો ઉકેલ સૂચવ્યો. તેમણે તેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સુમેરિયન તથા ઇજિપ્શિયન સંસ્કૃતિ સાથેના સાંસ્કૃતિક સંબંધો દર્શાવ્યા. તેમણે સૂચવેલ લિપિનું લખાણ પૂરેપૂરું સ્વીકાર્ય નથી.

હેરાસે બૉમ્બે હિસ્ટૉરિકલ સોસાયટીની પણ સ્થાપના કરી હતી. તેમણે ઇન્ડિયન હિસ્ટૉરિકલ રેકર્ડ્ઝ કમિશન, ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ તથા ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ ઑવ્ હિસ્ટૉરિકલ સાયન્સીઝની સ્થાપનામાં પણ મહત્વનું પ્રદાન કર્યું હતું. 1947માં ભારત સ્વતંત્ર થયા પછી તેઓ ભારતના નાગરિક બન્યા હતા.

ભારતીય સંસ્કૃતિ માટે તેમને ખૂબ આદર હતો. તેમણે ખ્રિસ્તી કલાકારોને ભારતની કલાનાં સ્વરૂપો સ્વીકારવા પ્રોત્સાહન આપ્યું. તેમને ભારતીય ખ્રિસ્તી કલાના પિતા માનવામાં આવે છે. ભારતીય ખ્રિસ્તી કલાનું એક પ્રદર્શન તેમણે 1950માં રોમમાં યોજ્યું હતું. 1981માં ભારતના ટપાલ-ખાતાએ તેમના માનમાં ટિકિટ બહાર પાડી હતી. તેમના લખેલા ઇતિહાસના ગ્રંથોમાં ‘ધ અરવિદા ડિનૅસ્ટી ઑવ્ વિજયનગર’ (ચેન્નાઈ, 1927); ‘બિગિનિંગ ઑવ્ વિજયનગર હિસ્ટરી’ (મુંબઈ, 1929); ‘ધ કન્વર્ઝન પૉલિસી ઑવ્ ધ જેસ્યુઇટ્સ ઇન ઇન્ડિયા’ (મુંબઈ, 1933); ‘સ્ટડીઝ ઇન પલ્લવ હિસ્ટરી’ (ચેન્નાઈ, 1933) વગેરેનો સમાવેશ થાય છે.

જયકુમાર ર. શુક્લ