હેરિસ, કમલા (કમલા હેરિસ)

October, 2023

હેરિસ, કમલા (કમલા હેરિસ) ( જ. 20 ઑક્ટોબર, 1964, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના યુવા રાજકારણી અને વ્યવસાયે એટર્ની. હાલ અમેરિકાનાં 49મા ઉપરાષ્ટ્રપ્રમુખ. વળી અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ પદ ધરાવતાં મહિલા અધિકારી તેમજ પ્રથમ આફ્રિકન-અમેરિકન અને પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ. ડેમૉક્રૅટિક પક્ષના સભ્ય હેરિસ વર્ષ 2011થી 2017 સુધી કૅલિફૉર્નિયાના એટર્ની જનરલ અને 2017થી 2021 સુધી કૅલિફૉર્નિયાનું પ્રતિનિધિત્વ કરનાર સેનેટર. અમેરિકામાં છેલ્લાં થોડાં વર્ષોમાં બાળકો દ્વારા ગન ફાયરિંગની ઘટનાઓ વધવાથી તાજેતરમાં હેરિસે અમેરિકાનાં બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા બંદૂક રાખવાના કાયદાને વધારે તર્કબદ્ધ બનાવવાની માંગણી કરી તેમજ આ મુદ્દે તમામ રાજનેતાઓને એકમંચ પર આવવા અપીલ કરી.

માતા શ્યામલા ગોપાલન મૂળે તમિલ ભારતીય અને કૅન્સરના રોગમાં સંશોધક. પિતા ડોનાલ્ડ જે હેરિસ મૂળ જમૈકન અમેરિકન. હેરિસે પ્રાથમિક શિક્ષણ કૅલિફૉર્નિયામાં ઉત્તર બર્કલીમાં થાઉઝન્ડ ઓક્સ એલીમેન્ટરી સ્કૂલમાં મેળવ્યું. ચેન્નાઈમાં રહેતાં નાના પી વી ગોપાલનને મળીને હેરિસ અત્યંત પ્રભાવિત થયા. ગોપાલન નિવૃત્ત ભારતીય સનદી અધિકારી હતા તેમજ લોકશાહી અને મહિલાઓના અધિકારો પર પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. માતા સાથે મોન્ટ્રિયલ રહેવા ગયાં પછી હેરિસે વેસ્ટમાઉન્ડ હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. વર્ષ 1982માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો તથા 1986માં રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી. 1989માં કૅલિફૉર્નિયામાં યુ સી હેસ્ટિંગ્સમાંથી જ્યુરિસ ડૉક્ટરની પદવી મેળવી.

1990મા કૅલિફૉર્નિયામાં એલમેડા કાઉન્ટીમાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ એટર્ની બન્યાં. વર્ષ 2004થી 2011 સુધી સેન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે કામગીરી કરી. વર્ષ 2011થી 2017 સુધી કૅલિફૉર્નિયા એટર્ની જનરલ તરીકે કામગીરી કરી. વર્ષ 2017થી વર્ષ 2021 સુધી અમેરિકન સેનેટમાં ડેમૉક્રૅટિક પક્ષના સેનેટર તરીકે કૅલિફૉર્નિયાનું પ્રતિનિધિત્વ કર્યું. વર્ષ 2021માં અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ બન્યાં પછી 18 જાન્યુઆરી, 2021ના રોજ કૅલિફૉર્નિયાના સેનેટર તરીકે રાજીનામું આપ્યું. 20 જાન્યુઆરી, 2021ના રોજ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે હેરિસ બજેટ સમિતિ, હોમલેન્ડ સિક્યોરિટી અને સરકારી બાબતોની સમિતિ, જાસૂસી પર પસંદગી સમિતિ, ન્યાયતંત્ર પર સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી.

વર્ષ 2005માં ન્યૂઝવીક મૅગેઝિને ‘અમેરિકાની સૌથી શક્તિશાળી 20 મહિલાઓ’ની યાદીમાં સ્થાન આપ્યું. વર્ષ 2013, 2020 અને 2021માં ટાઇમ મૅગેઝિને હેરિસને ‘ટાઇમ 100’ એટલે દુનિયાનાં 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું.

હેરિસે પોતાનાં સંસ્મરણો જાન્યુઆરી, 2019માં ધ ટ્રુથ્સ વી હોલ્ડ : એન અમેરિકન જર્ની નામના પુસ્તકમાં પ્રકટ કર્યાં.

કેયૂર કોટક