હૅર રિચર્ડ મેરવિન (Hare, R. M.) (જ. 21 માર્ચ 1919, બેકવેલ; સમરસેટ; અ. 29 જાન્યુઆરી 2002, ઑક્સફર્ડશાયર) : ઇંગ્લૅન્ડના પ્રખ્યાત નૈતિકતાના હિમાયતી તત્વચિન્તક. પાશ્ચાત્ય નૈતિક તત્વચિન્તનમાં અંગ્રેજ ચિન્તક હૅર તેમના સર્વદેશીય આદેશવાદ (universal prescriptivism) માટે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ખૂબ જાણીતા થયા હતા. બેલિયોલ કૉલેજ, ઑક્સફર્ડમાં હૅર 1937માં અભ્યાસ માટે જોડાયા હતા. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. હૅર શાંતિવાદી હોવા છતાં 1939માં ‘રૉયલ આર્ટિલરી’માં જોડાયા હતા. 1942 સુધી તેમણે ‘ઇન્ડિયન માઉન્ટન આર્ટિલરી’માં સેવાઓ આપી હતી. તે દરમિયાન તેમણે ભારતમાં પંજાબી સૈનિકોને તાલીમ આપવામાં પણ ભાગ લીધો હતો.
જાપાનનાં લશ્કરે તેમને 1942માં યુદ્ધકેદી તરીકે પકડ્યા હતા. યુદ્ધકેદી તરીકે પહેલાં સિંગાપોરમાં અને પછી બર્મા –થાઇલૅન્ડ રેલવેમાં તેમણે ત્રણેક વર્ષ ગાળ્યાં હતાં. આ ગાળા દરમિયાન જ તેમણે ‘My Philosophy’ના નામે એક નાની હસ્તપ્રત તૈયાર કરી હતી. જોકે તેમણે તેનું પ્રકાશન કર્યું નહોતું. કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ તત્વજ્ઞાન-નીતિશાસ્ત્ર લોકોને કશુંક માર્ગદર્શન આપી શકતું હોવું જોઈએ તેવું હૅર માનતા હતા. પોતાની લશ્કરી સેવાઓ દરમિયાન હૅર ઇટાલિયન અને પર્શિયન ભાષા પણ શીખ્યા હતા.
1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. હૅર બેલિયોલ કૉલેજમાં અભ્યાસ પૂરો કરવા ફરી પાછા જોડાયા હતા. 1943–1966 સુધી હૅરે તે જ કૉલેજમાં ‘ફેલો’ તરીકે સેવાઓ આપી હતી. ઑક્સફર્ડ યુનિવર્સિટીની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં 1966થી 1983 સુધી હૅરે નૈતિકતાવિષયક તત્વજ્ઞાન(moral philosophy)ના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. 1983થી 1994 સુધી અમેરિકાની ફ્લૉરિડા યુનિવર્સિટીમાં હૅરે પ્રોફેસર તરીકે ફરજો બજાવી હતી.
હૅરનું ચિન્તન બ્રિટિશ વિશ્લેષણાત્મક (analytic) તત્વજ્ઞાનની પરંપરાને અનુસરે છે. નૈતિકતાવિચાર એ તેમનું મુખ્ય ચિન્તનક્ષેત્ર હતું. તેમાં હૅરે વિશ્લેષક નીતિશાસ્ત્ર(metaethics)માં આદેશવાદ(prescriptivism)નો સિદ્ધાંત રજૂ કર્યો. હૅર તેમના ચિન્તનમાં એ. જે. ઍયર, જે. એલ. ઑસ્ટિન અને લુડવિગ વિટ્ગેન્સ્ટાઇનથી મુખ્યત્વે પ્રભાવિત થયા હતા.
હૅરના મુખ્ય ગ્રંથો આ મુજબ છે : ‘લૅંગ્વેજ ઑવ્ મૉરલ્સ’ (1952), ‘ફ્રિડમ ઍન્ડ રિઝન’ (1963), ‘મૉરલ થિન્કિંગ’ (1981), ‘પ્લેટો’ (1982), ‘એસેઝ ઑન બાયૉએથિક્સ’ (1993) અને ‘સોર્ટિંગ આઉટ એથિક્સ’ (1998).
વિશ્લેષક અને મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્રનો ભેદ સમજ્યા વગર હૅરનો સિદ્ધાંત સમજી શકાય એવો નથી.
1. ધોરણનિરૂપક અને વિશ્લેષક નીતિશાસ્ત્ર (Normative Ethics and Meta-Ethics :
પાશ્ચાત્ય નીતિશાસ્ત્રની મુખ્ય ત્રણ શાખાઓ છે : (1) ધોરણનિરૂપક/મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર. (2) વ્યવહારક્ષેત્રે પ્રાયોજિત નીતિશાસ્ત્ર (Applied Ethics) અને (3) નૈતિક વિભાવનાઓ, વાક્યો તેમજ દલીલોના તાર્કિક સ્વરૂપનું વિશ્લેષણ કરતું વિશ્લેષક નીતિશાસ્ત્ર.
ઉપયોગિતાવાદ, કર્તવ્યવાદ અને સદગુણનિરૂપક નીતિવિચાર વગેરે કયાં ધોરણો પાળવાં જોઈએ તે અંગે સીધેસીધી રજૂઆતો કરે છે. જે ધોરણો પાળવાં જોઈએ તે અમુક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે પાળવાં તે અંગેનું માર્ગદર્શન વ્યવહારક્ષેત્રે પ્રાયોજિત નીતિશાસ્ત્ર આપે છે. ધોરણનિરૂપક અને વ્યવહારપ્રયુક્ત બંનેથી વિશ્લેષક નીતિશાસ્ત્ર જુદું પડે છે. તેમાં કયાં કર્તવ્યો કરવાં જોઈએ, કયા સદગુણો કેળવવા જોઈએ કે કયા નૈતિક આદર્શોને લોકોએ પાળવા જોઈએ તે અંગે કશું નિરૂપણ થતું નથી, પણ તેમાં ‘good’ (શ્રેય) ‘right’ (ધર્મ્ય) અને કર્તવ્ય (ought) વગેરે મૂળભૂત નૈતિક વિભાવનાઓનાં સ્વરૂપની જ ચર્ચા થાય છે. આ પ્રકારના નીતિશાસ્ત્રમાં નૈતિક વાક્યો તથ્યાત્મક (factual) વાક્યોથી કઈ રીતે જુદાં પડે છે, તેનો તાર્કિક દરજ્જો કયો વગેરે પ્રશ્નો ચર્ચાય છે.
2. વિશ્લેષક નીતિશાસ્ત્ર (metaethics) : નૈતિકતાને લગતી વિભાવનાઓ, નૈતિકતા-નિરૂપક વાક્યો અને નૈતિકતાના દાવાઓ અંગેની તર્કક્રિયા(moral reasoning)ના તાર્કિક સ્વરૂપનો અભ્યાસ એટલે વિશ્લેષક નીતિશાસ્ત્ર.
વિશ્લેષક નીતિશાસ્ત્રમાં મુખ્ય બે પ્રકારના સિદ્ધાંતો છે : વાસ્તવવાદી અને અવાસ્તવવાદી. વાસ્તવવાદીઓ માને છે કે નૈતિકતાવિષયક વિધાનો તથ્યાત્મક વિધાનો છે; તેથી તે સત્ય કે અસત્ય હોઈ શકે છે. નૈતિક મૂલ્યો વસ્તુલક્ષી હોય છે. વાસ્તવવાદના બે પ્રકાર છે – નૈતિક પ્રાકૃતિકતાવાદ (naturalism) અને નૈતિક અ-પ્રાકૃતિકતાવાદ (non-naturalism). નૈતિક પદો (terms) દ્વારા સૂચવાતા વાસ્તવિક ગુણધર્મો કોઈ પ્રાકૃતિક (natural) ગુણધર્મને આધારે સમજી શકાય તેવો મત એટલે નૈતિક પ્રાકૃતિકતાવાદ. નૈતિક શબ્દોથી સૂચવાતો ગુણધર્મ (property) એ અ-પ્રાકૃતિક ગુણધર્મ છે અને નૈતિક પ્રજ્ઞા(intuition)થી તેને જાણી શકાય છે તેવો મત એટલે અ-પ્રાકૃતિકતાવાદ. બંને બોધાત્મકતાવાદી (cognitive) અને વાસ્તવવાદી સિદ્ધાન્તો છે. હૅર બંનેનો અસ્વીકાર કરે છે.
નૈતિક અવાસ્તવવાદ(irrealism)ના ત્રણ પ્રકાર છે : (1) નૈતિક વિધાનો વસ્તુલક્ષી નથી પણ વ્યક્તિલક્ષી વિધાનો છે. (વ્યક્તિવિષયકતાવાદ, subjectivism) (2) વસ્તુલક્ષી નૈતિક વિધાનનો દાવો કરનારાં તમામ વિધાનો અસત્ય છે. તેવો મત ભૂલ-સિદ્ધાંત (error theory) છે. (3) નૈતિક વિધાનો ન તો વસ્તુવિષયક છે કે ન તો વ્યક્તિવિષયક છે, કારણ કે તે અ-બોધાત્મક અને અતથ્યાત્મક રજૂઆતો જ છે તેવો મત તે અ-બોધકતાવાદ.
અ-બોધાત્મકતાવાદ (non-cognitivism) પ્રમાણે નૈતિક શબ્દો કોઈ ગુણધર્મો – પ્રાકૃતિક કે અ-પ્રાકૃતિક – નો નિર્દેશ કરતા જ નથી અને નૈતિક વિધાનો કોઈ તથ્યો(facts)ને રજૂ કરતાં જ નથી. આમ અ-બોધાત્મકતાવાદ એ નૈતિક અ-વાસ્તવવાદનો એક પ્રકાર જ છે. તેથી વિરુદ્ધ, નૈતિક બોધાત્મકતાવાદ (cognitivism) પ્રમાણે નૈતિક વિધાનોને સત્ય કે અસત્ય તે રીતે મૂલવી શકાય છે. બધા નૈતિક વાસ્તવવાદીઓ બોધાત્મકતાવાદીઓ છે, પણ કેટલાક બોધાત્મકતાવાદીઓ અવાસ્તવવાદીઓ પણ હોઈ શકે; કારણ કે તેઓ એમ માનતા હોય છે કે તમામ નૈતિક વિધાનો હકીકતમાં અસત્ય જ હોય છે. આવી error theoryમાં ન માનતા તમામ બોધાત્મકતાવાદીઓ નૈતિક વાસ્તવવાદીઓ છે. નૈતિક વિધાનો કોઈ વસ્તુસ્થિતિનો બોધ કરાવતાં જ નથી તેથી ન તો તે સત્ય છે કે ન તો તે અસત્ય છે તેવો અ-બોધાત્મકતાવાદી મત નૈતિક વિધાનોને કેવળ અતથ્યાત્મક રજૂઆતો (Semantic non-factualism) માને છે.
અ-બોધાત્મકતાવાદમાં (એટલે કે વિશ્લેષક નીતિશાસ્ત્રના અ-વાસ્તવવાદી સિદ્ધાંતના એક પ્રકારમાં) ઍયરના આવેગ-અભિવ્યક્તિવાદ (emotivism) અને હૅરનો આદેશવાદ (prescriptivism) એ બંને સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. નૈતિક વિધાનો અ-તથ્યાત્મક અને અ-બોધાત્મક છે તેવું ઍયર અને હેર બંને માને છે, પણ નૈતિક વિધાનો કેવળ ‘ઓહ !’, ‘અરેરે !’, ‘હાય !’, ‘વાહ – વાહ’, ‘શાબાશ’ જેવી કેવળ મનોભાવોની અભિવ્યક્તિ કરતી રજૂઆતો જ છે તેવો ઍયરનો મત હૅરને માન્ય નથી. ઍયર અને હૅરના સિદ્ધાંતો નૈતિકતા-વિશ્લેષક (meta-ethical) સિદ્ધાંતો છે. તેઓ ધોરણ-નિરૂપક (normative) નીતિશાસ્ત્રના સિદ્ધાંતો નથી.
3. આદેશવાદ હૅર-નિરૂપિત સર્વદેશીય આજ્ઞાવાદ કે આદેશવાદ એ વિશ્લેષક નીતિશાસ્ત્રના અ-વાસ્તવવાદ(irrealism)નો જ એક પ્રકાર છે. નૈતિક વિધાનો સત્ય કે અસત્ય હોઈ શકે નહિ; કારણ કે તે વિધાનો જ નથી, કેવળ ઉદગારો જ છે, અભિવ્યક્તિઓ જ છે તેવો એ. જે. ઍયરનો સિદ્ધાંત (‘boo-hooray theory’) જોકે હૅરને માન્ય નથી. ઍયરના મતનો અર્થ એ છે કે કોઈ એમ કહે કે નિર્દોષ માણસની હત્યા થઈ તે ખરાબ છે, તો તેમાં તથ્ય (fact) તો ‘નિર્દોષ માણસની હત્યા થઈ છે’ એટલું જ છે; ‘તે ખરાબ છે’ એ શબ્દો તે તથ્યોમાં કશો ઉમેરો કરતા જ નથી. તે ખરાબ છે તેવા શબ્દો ઓહ !, અરેરે !; એ પ્રકારના ગમા / અણગમાની કે અનુકૂળ / પ્રતિકૂળ લાગણીઓની કે ભાવોની જ અભિવ્યક્તિઓ છે. તેથી તેમાં કોઈ કથન (statement) તો થયું જ નથી. ‘ખરાબ છે’, ‘સારું છે’ એ શબ્દો કોઈ વસ્તુસ્થિતિનો બોધ કરાવતા જ નથી. તેથી ઍયરનો મત અ-બોધકતાવાદ(non-cognitivism)નો મત છે.
હૅર પણ નૈતિક અબોધકતાવાદ અને અવાસ્તવવાદના પક્ષકાર છે; પરંતુ તેમની દૃષ્ટિએ નૈતિક વિધાનોનો તથ્યાત્મક અર્થ (factual meaning) નથી, પણ આદેશાત્મક અર્થ છે. ‘Killing is wrong’ એ વિધાનનો અર્થ છે ‘Do not kill.’ ‘ચોરી ન કરવી’, ‘હત્યા ન કરશો’ – એ આદેશાત્મક વાક્યો છે. નૈતિકતાવિષયક વિધાનો / નિર્ણયો (moral judgments) સર્વદેશીય હોય છે અને તેનો વ્યક્તિ ઉપરનો દાવો બીજા કોઈ પ્રકારના દાવા કરતાં પ્રભાવક અને ચડિયાતો (overriding) હોય છે. એ. જે. ઍયરના મતે ‘Killing is wrong’ એટલે ‘Boo on killing’.
હૅરનો મુખ્ય મુદ્દો એ છે કે કોઈ નૈતિક કર્તા એમ માને કે, ‘વ્યક્તિ Pએ B અને C માટે કાર્ય A કરવું જોઈએ’, તો તે વ્યક્તિએ એ પણ સ્વીકારવું જ પડે કે વ્યક્તિ B એ P અને C એ વ્યક્તિઓ માટે કાર્ય A કરવું જોઈએ તેમજ વ્યક્તિ C એ પણ P અને B માટે કાર્ય A કરવું જોઈએ. વ્યક્તિ પોતે ધારો કે P હોય તો તેણે B અને Cને સ્થાને પોતાને મૂકીને એનો એ જ નૈતિક આદેશ સ્વીકાર્ય માનવો પડે. મારા મિત્રે મને આપેલું વચન પાળવું જોઈએ એમ હું માનતો હોઉં તો મારે પણ મારા મિત્રને મેં આપેલું વચન પાળવું જ જોઈએ તેવું ફલિત થાય છે.
હૅરના મતે કાન્ટના સર્વદેશી નિરુપાધિક આદેશનો વિચાર ઉપયોગિતાવાદ સાથે મેળ ખાય છે, કારણ કે જો કોઈ નૈતિક આદેશ પાળવાનો હોય તો તે પ્રમાણે કાર્ય થવું જ જોઈએ અને તે આદેશ મને લાગુ પડતો હોય કે બીજાને, પણ તેનું સ્વરૂપ સર્વદેશી જ હોય. તમારે બીજી વ્યક્તિના સ્થાને તમે પોતે છો તેમ માનીને તેની પસંદગીઓનો ખ્યાલ કરવો જોઈએ.
4. તાર્કિકતા : હૅરના નૈતિક ચિન્તનની ખાસિયત એ છે કે તેમણે ન તો નૈતિક વાસ્તવવાદ કે બોધાત્મકતાવાદ સ્વીકાર્યો છે કે ન તો એ. જે. એયરનો કેવળ આવેગ–અભિવ્યક્તિવાદ સ્વીકાર્યો છે. હૅર તેમના ચિન્તનમાં આદેશાત્મકતા (prescriptivity), સાર્વત્રિકતા (universality) તેમજ તાર્કિકતા(rationality)ને એકબીજા સાથે સંકલિત કરે છે. જો નૈતિક વિધાનો કેવળ લાગણીના ઉદગારો રૂપે જ સમજવાના હોય, એટલે કે અહોહો ! અરેરે ! ‘શાબાશ’ – એ અર્થમાં જ નૈતિક મૂલ્યાંકનો ઍયરની જેમ સમજવાનાં હોય તો પછી નૈતિક ક્ષેત્રે તર્કક્રિયા(reasoning)ની કોઈ જરૂર જ નથી તેવું સમજાય છે; પરંતુ ઍયરનો આ મત હૅરને સ્વીકાર્ય નથી. નૈતિક ભાષા તથ્યાત્મક ન હોવા છતાં અને તેથી તેના દાવાઓ બોધાત્મક ન હોવા છતાં, નૈતિક ભાષા સર્વદેશીય રૂપે આદેશવાચક ભાષા હોવાથી તેમાં તાર્કિક દલીલોને સ્થાન છે જ તેવું હૅર માને છે. નૈતિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની તાર્કિક રીતો છે જ તેવું હેર માને છે. નૈતિકતા અંગેનું ચિન્તન કરતા ફિલસૂફોની જવાબદારી એ છે કે તેમણે નૈતિક સંઘર્ષો વિશે વિચારતા લોકોને વધુ તાર્કિક રીતે નૈતિક બાબતો વિશે વિચારવા માટે પ્રેરવા જોઈએ. સમાન પરિસ્થિતિમાં મુકાયેલા બધા કર્તાઓનાં બધાં કાર્યોને સમાન રીતે લાગુ પડતા સર્વદેશીય નૈતિક આદેશો તો ફતવાઓ, લશ્કરી ફરમાનો, સરકારી હુકમો વગેરે કરતાં ઘણી રીતે ભિન્ન હોય છે.
આમ, હૅરનો સિદ્ધાંત અબોધાત્મકતાવાદી તેમજ અ-વાસ્તવવાદી હોવા છતાં એ. જે. ઍયરના આવેગવાદથી જુદો પડે છે.
હૅર માને છે કે નૈતિક બાબતો વિશે અભિપ્રાયો રજૂ કરવાનું સૌને સ્વાતંત્ર્ય હોવું જોઈએ અને તેવી રજૂઆતોમાં તર્કબુદ્ધિ(reason)નો તેની અંતિમ સીમા સુધી ઉપયોગ કરવો જોઈએ. લોકોએ નૈતિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે; તેથી તે અંગે તેમણે વિચારો પણ કરવા પડે છે. નૈતિક તત્વજ્ઞાનનું કાર્ય લોકોને નૈતિક પ્રશ્નો અંગે તાર્કિક રીતે વિચાર કરવામાં માર્ગદર્શન આપવાનું છે. ઍયર જેવા કેવળ આવેગાત્મકતાવાદ (emotivism) પ્રમાણે તો તાર્કિક દલીલોનું આ ક્ષેત્રમાં કોઈ સ્થાન જ નથી; પરંતુ હૅરનો આદેશવાદ ઍયરના આવેગાત્મકતાવાદથી એટલા માટે ભિન્ન છે કે હૅર માને છે કે નૈતિક વિધાનો તથ્યાત્મક (factual) વિધાનો ન હોવા છતાં તેવાં વિધાનો કેવળ વ્યક્તિગત અનુકૂળ (પ્રતિકૂળ) લાગણીઓના ઉદગારો રૂપે જ કે અકથનરૂપ વાચિક ક્રિયાઓ રૂપે જ ગણી શકાય નહિ. હૅરનું પ્રદાન એટલા માટે મહત્ત્વનું છે કે અ-બોધાત્મકતાવાદ (non-cognitivism) પણ એક જુદા જ સ્તરે નીતિશાસ્ત્રમાં તાર્કિકતાને સુરક્ષિત રાખી શકે છે તેવું હૅર માને છે.
મધુસૂદન બક્ષી