હૂ યાઓ પેંગ (અથવા હૂ યાઓ બેંગ) (જ. 1915, લીઉયાંગ, હુનાન પ્રાંત, ચીન; અ. એપ્રિલ 1989) : 1981થી 1987 સુધી ચાઇનીઝ કૉમ્યૂનિસ્ટ પાર્ટીના મહામંત્રી. 1982 પહેલાં મહામંત્રી અધ્યક્ષ કહેવાતા હતા. તે ગરીબ ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા અને ખાસ ભણ્યા ન હતા. 1933માં તે સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1934–35ની સામ્યવાદી પક્ષની ‘લૉંગ માર્ચ’ દરમિયાન તેઓ અનુભવથી ઘડાયા હતા. મહામંત્રી તરીકે હૂ સામ્યવાદી પક્ષમાં સર્વોચ્ચ હોદ્દો ધરાવતા હતા; જેમનો ચીનની સરકાર પર અંકુશ હતો. તેમ છતાં ડેંગ ઝિયાપોંગ (સિયાઓ પિંગ) દેશના સત્તાધીશ નેતા હતા.
હૂ યાઓ પેંગ
ચાલીસીમાં હૂ ચીનના બળવાખોર સામ્યવાદી લશ્કરના રાજકીય ખાતામાં સેવા આપતા હતા અને ડેંગ ઝિયાપોંગના તેઓ મિત્ર હતા. 1952માં તેઓ કૉમ્યૂનિસ્ટ યુથ લીગના વડા બન્યા. ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ (1966 –’69) દરમિયાન તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. ડેંગ ચીનના સર્વોચ્ચ નેતાઓમાંના એક હતા ત્યારે, 1973માં હૂ તેના મદદનીશ બન્યા. 1976માં ડેંગ અને હૂ સહિતના તેમના સાથીઓની સત્તા લઈ લેવામાં આવી. ડેંગ 1977માં પુન: સત્તાધીશ થયા. તેમણે પોતાના પ્રભાવ દ્વારા હૂને સામ્યવાદી પક્ષના અધ્યક્ષ (1982 પછી મહામંત્રી) બનવામાં સહાય કરી. જાન્યુઆરી 1987માં હૂને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. ચીનના રૂઢિચુસ્ત નેતાઓએ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય વિશે હૂના ઉદાર વલણ વાસ્તે તેમની ટીકા કરી હતી; પરંતુ આ ઉદાર વલણને કારણે હૂ ચીનના નાગરિકોમાં લોકપ્રિય બન્યા હતા.
જયકુમાર ર. શુક્લ