હૂવર જે. (જ્હૉન) એડગર

February, 2009

હૂવર, જે. (જ્હૉન) એડગર (જ. 1 જાન્યુઆરી 1895, વૉશિંગ્ટન ડી.સી.; અ. 2 મે 1972, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના વહીવટદાર અને તેની ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશનના અધ્યક્ષ, જેમણે સતત 48 વર્ષ સુધી અને આઠ પ્રમુખોના કાર્યકાળ દરમિયાન આ હોદ્દો ભોગવ્યો હતો.

જે. (જ્હૉન) એડગર હૂવર

તેમણે જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી સ્નાતક તેમજ અનુસ્નાતક પદવીઓ મેળવી હતી. અમેરિકાની સરકારના જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં જોડાઈને 1917માં તેમણે કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1919માં અમેરિકાના ઍટર્ની જનરલ મિશેલ પામરના વિશેષ સહાયક બનેલા. તેઓ 1921માં ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશનના ઉપાધ્યક્ષ અને 1924માં તેના અધ્યક્ષ બન્યા હતા. જીવનપર્યંત આ હોદ્દા પર રહ્યા અને આ સંસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા તેની પુનર્રચના કરી. તેમણે કાર્યક્ષમ ગુનાશોધન ઘટક અને પોલીસો માટેની તાલીમશાળાની રચના કરી. વળી તાલીમબદ્ધ કાર્મિકોની ભરતી કરવા માટે તેમણે અત્યંત આકરાં ધોરણો ઊભાં કર્યાં હતાં. વિશ્વભરમાં સૌથી મોટી ગણાય તેવી ‘આંગળાંની છાપ’ની દળદાર ફાઇલ એફબીઆઇના કાર્યાલયમાં રાખવામાં આવતી. બીજા વિશ્વયુદ્ધ(1939–45)નાં વર્ષો દરમિયાન શહેરી માફિયાઓનાં રૅકેટ વિરુદ્ધ તેમણે લડત ચલાવી હતી.

આ સંસ્થાના અધ્યક્ષ તરીકેની લાંબી કામગીરી દરમિયાન તેમણે ઊંચી સત્તા ભોગવવા ઉપરાંત ભારે વિવાદ ઊભા કર્યા હતા. તેઓ સામ્યવાદવિરોધી વળગણ (obsession) ધરાવતા હોવાથી અસંમતિ ધરાવતા ડાબેરી નાગરિકોની ત્રાસદાયક પજવણી કરતા તેમજ આવા નાગરિકોના મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો ભંગ થાય તેવું વર્તન કરતા. અમેરિકા અને કોરિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન 7 જુલાઈ, 1950ના રોજ 12,000 વ્યક્તિઓ પર દેશદ્રોહ, જાસૂસી અને ભાંગફોડનો આરોપ મૂકતી એક યાદી તેમણે તૈયાર કરી હતી. આ યાદીમાં 97 ટકા નામો અમેરિકાના નાગરિકોનાં હતાં ! આ સંદર્ભમાં તેમણે હેબિયેસ કૉર્પસ્ ઍક્ટ મોકૂફ કરાવવાનું આયોજન વિચારેલું તથા ઉપર્યુક્ત યાદીમાંના સૌની સામૂહિક ધરપકડ કરવા માટે પ્રમુખ હેરી એસ. ટ્રુમૅનને ભલામણ કરી હતી. એફબીઆઇ રાષ્ટ્રીય સલામતીની ષ્ટિએ ‘તમામ નાગરિકોને સંભવિત ભયજનક અને શંકાસ્પદ’ વ્યક્તિઓ માનતી હતી. તેમની આ નકારાત્મક પ્રવૃત્તિઓ છતાં તેમણે એફબીઆઇને બાહ્ય રાજકીય દબાણોથી મુક્ત રાખી હતી. ‘પર્સન્સ ઇન હાઇડિંગ’ (1938), ‘માસ્ટર્સ ઑવ્ ડિસીટ’ (1958) અને ‘સ્ટડી ઑવ્ કમ્યુનિઝમ’ (1962) તેમના દ્વારા લખાયેલા ગ્રંથો છે.

રક્ષા મ. વ્યાસ