હૂકર, જૉસેફ ડાલ્ટન (સર) (જ. 30 જૂન 1817, હૅલેસ્વર્થ, સફોક, ઇંગ્લૅન્ડ; અ. 10 ડિસેમ્બર 1911, સનિન્ગડેલ, બર્કશાયર) : અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની. તે વાનસ્પતિક પ્રવાસો અને અભ્યાસ માટે તથા ચાર્લ્સ ડાર્વિનના ‘પ્રાકૃતિક પસંદગીવાદ’ના સબળ ટેકેદાર તરીકે ખૂબ જાણીતા હતા. તે સર વિલિયમ જૅક્સન નામના વનસ્પતિવિજ્ઞાનીના બીજા ક્રમના પુત્ર હતા. તેમણે ગ્લૅસ્ગો હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને પછી ગ્લૅસ્ગો યુનિવર્સિટીમાં આયુર્વિજ્ઞાનના અભ્યાસ માટે દાખલ થયા હતા. 1839માં તેમણે એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેમણે 1839–43 દરમિયાન એચ.એમ.એસ. ઇરેબસ નામના વહાણમાં શલ્યચિકિત્સક અને વનસ્પતિવિજ્ઞાની તરીકે દક્ષિણ ધ્રુવની અન્વેષણયાત્રા કરી હતી. તેમણે અનેક ટાપુઓની મુલાકાત લીધી હતી અને 18 સપુષ્પ વનસ્પતિ, 35 શેવાળ અને લિવરવટર્સ, 25 લાઇકેન અને 51 લીલને ઓળખી હતી.
જૉસેફ ડાલ્ટન હૂકર (સર)
તેમણે અન્વેષણયાત્રા દરમિયાન કરેલા સંગ્રહનું વર્ણન ‘ફ્લોરા ઍન્ટાર્ક્ટિકા’(1844–47)માં પ્રસિદ્ધ કર્યું હતું. આ ફ્લોરામાં તેમણે ટાપુઓ અને તેમના વનસ્પતિભૂગોળમાં ફાળા વિશે લખ્યું હતું. ત્યારથી તેમણે વર્ગીકરણવિજ્ઞાની અને વનસ્પતિભૂગોળવિદ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. તેમનું આ અન્વેષણયાત્રાનું કાર્ય ‘ફ્લોરા નોવે-ઝીલેન્ડી’ (1851–53) અને ‘ફ્લોરા તાસ્માની’ (1853–59) સાથે પૂર્ણ થયું હતું.
તેમણે 1847માં ત્રણ વર્ષ માટે હિમાલયની અન્વેષણયાત્રા કરી હતી. હિમાલયના મુખ્યત્વે સિક્કિમ, નેપાળ અને તિબેટના વિવિધ પ્રદેશોમાં તથા બંગાળમાં ઘૂમ્યા હતા અને વનસ્પતિસંગ્રહ કર્યો હતો; જે ‘ર્હોડોડૅન્ડ્રોન્સ ઑવ્ સિક્કિમ હિમાલય’ (1849) અને ‘ધી ફ્લોરા ઑવ્ બ્રિટિશ ઇન્ડિયા’(1872 –97)ના સાત ગ્રંથો સ્વરૂપે પ્રકાશિત થયો હતો.
તેમણે કરેલી અન્ય અન્વેષણયાત્રાઓમાં પૅલેસ્ટાઇન (1860), મોરૉક્કો (1871) અને યુનાઇટેડ સ્ટેટ્સ(1877)નો સમાવેશ થાય છે. આ બધી યાત્રાઓમાં તેમણે અત્યંત મહત્વની વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરી હતી. તેમણે ‘જરનલ ઑવ્ ધ ન્યૂઝીલૅન્ડ ફ્લોરા’ (1864) અને ‘જરનલ ઑવ્ એ ટૂર ઇન મોરૉક્કો ઍન્ડ ધ ગ્રેટ ઍટલાસ’ (1878) પ્રકાશિત કર્યા હતા. રૉકી માઉન્ટેઇન્સ અને કૅલિફૉર્નિયાની તેમની છેલ્લી મુખ્ય અન્વેષણયાત્રા દરમિયાન એકત્રિત કરેલી માહિતીની મદદથી તેમણે કેટલાક મહત્વના સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યા હતા; જે અમેરિકી અને એશિયાઈ વનસ્પતિસમૂહોના સંબંધોનો નિર્દેશ કરતા હતા. તેમની યાત્રાઓને કારણે વિજ્ઞાનને વનસ્પતિઓની અનેક નવી જાતિઓ પ્રાપ્ત થઈ છે, જેમાંની કેટલીક ઉદ્યાનકૃષિ(horticulture)માં પ્રવેશ પામી છે.
1851માં જૉસેફ હૂકરે જૉહન સ્ટિવન્સ હન્સલો નામના વનસ્પતિવિજ્ઞાનીની પુત્રી ફ્રાન્સિસ હૅરિયટ હન્સલો સાથે લગ્ન કર્યાં હતાં. તેમને ચાર પુત્ર અને ત્રણ પુત્રીઓ હતાં. તેમની પ્રથમ પત્નીના અવસાન (1874) પછી 1876માં હાયસિન્થ સાયમોન્ડસ જાર્ડિન સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. તેમનાથી બે પુત્ર થયા હતા.
1855માં તેમની રૉયલ બૉટનિક ગાર્ડન્સ, ક્યૂના મદદનીશ નિયામક તરીકેની નિમણૂક થઈ હતી અને 1865માં તે તેમના પિતાને સ્થાને નિયામક બન્યા હતા. આ પદ ઉપર તેમણે 20 વર્ષ સુધી સેવા આપી હતી. પિતા અને પુત્રની આ જોડીના માર્ગદર્શન હેઠળ રૉયલ બૉટનિક ગાર્ડન્સ, ક્યૂ વિશ્વવિખ્યાત બની છે.
ત્રીસ વર્ષની નાની ઉંમરે તેઓ રૉયલ સોસાયટીના સભ્ય બન્યા હતા અને 1873–1877 સુધી અધ્યક્ષ તરીકે રહ્યા હતા. તેમણે ત્રણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા : રૉયલ મેડલ (1854), ધ કોપ્લે મેડલ (1887) અને ડાર્વિન મેડલ (1892). તેમણે સંખ્યાબંધ વૈજ્ઞાનિક લેખો લખ્યા હતા. તેમણે ‘સ્ટુડન્ટ્સ ફ્લોરા ઑવ્ ધ બ્રિટિશ આઇલ્સ’ ગ્રંથ પણ પ્રકાશિત કર્યો હતો. તેમણે જ્યૉર્જ બૅન્થામના સહકારથી યાદગાર ગ્રંથ ‘જનરા પ્લેન્ટેરમ’ (1860–83) પ્રસિદ્ધ કર્યો હતો; જેમાં વિશ્વની બીજધારી વનસ્પતિઓની લગભગ 7569 પ્રજાતિઓ અને 97,000 જેટલી જાતિઓ વર્ણવવામાં આવી છે. આ નમૂનાઓનું વર્ણન તેમણે વ્યક્તિગત અવલોકન દ્વારા કર્યું છે; જે અત્યંત વિરલ ઘટના ગણાવી શકાય. આ નમૂનાઓ પૈકી મોટા ભાગના નમૂનાઓ ક્યૂમાં સંગ્રહવામાં આવ્યા છે. ‘જનરા પ્લેન્ટેરમ્’ તેમના કાર્યની ચરમ સીમા છે. આ બંને વૈજ્ઞાનિકોએ સપુષ્પ વનસ્પતિઓની વર્ગીકરણ પદ્ધતિ આપી હતી; જેનો આજે પણ વનસ્પતિજાતિની ઓળખ માટે ઉપયોગ થાય છે. 87 વર્ષની ઉંમરે 1904માં તેમણે ‘એ સ્કૅચ ઑન ધ વેજિટેશન ઑવ્ ધી ઇન્ડિયન ઍમ્પાયર’ પ્રસિદ્ધ કર્યું હતું.
તેઓ ચાર્લ્સ ડાર્વિનના ખાસ મિત્ર હતા અને ચાર્લ્સ ડાર્વિનના શરૂઆતના કાર્યથી સંપૂર્ણ માહિતગાર હતા. ભૂસ્તરવિજ્ઞાની સર ચાર્લ્સ લાયલ સાથે તેમણે લિનિયન સોસાયટીની સભાની જુલાઈ, 1858માં અધ્યક્ષતા કરી હતી; જ્યાં ડાર્વિન અને આલ્ફ્રેડ રસેલ વાલેસના ઉત્ક્રાંતિના પ્રાકૃતિક પસંદગીવાદના દાવાઓને ન્યાય આપવાનો હતો. ડાર્વિને ‘ઑરિજિન ઑવ્ સ્પીસિઝ’માં હૂકરના વિસ્તૃત જ્ઞાન અને સમતુલિત ચુકાદા માટે તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો.
30 જૂન, 1860માં ઑક્સફર્ડ યુનિવર્સિટી મ્યુઝિયમમાં ઉત્ક્રાંતિ પર યોજાયેલી ઐતિહાસિક ચર્ચામાં ડાર્વિનના સિદ્ધાંત સામે કરેલી બિશપ સૅમ્યુઅલ વિલ્બરફોર્સની દલીલોનો તેમણે સૌથી અસરકારક પ્રત્યુત્તર આપ્યો હતો. 1868માં બ્રિટિશ ઍસોસિયેશન, નૉર્વિક દ્વારા યોજાયેલી સભાની તેમણે અધ્યક્ષતા સંભાળી હતી. આ સભામાં પણ ડાર્વિનના સિદ્ધાંતોની તરફેણમાં અપાયેલું તેમનું વ્યાખ્યાન નોંધપાત્ર હતું. 1877માં તેમને ‘સર’નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. 1897માં ‘ફ્લોરા ઑવ્ બ્રિટિશ ઇન્ડિયા’ના છેલ્લા ખંડના પ્રકાશન બાદ ‘નાઇટ ગ્રાન્ડ કમાન્ડર ઑવ્ સ્ટાર ઑવ્ ઇન્ડિયા’ના ખિતાબ દ્વારા તેમને બઢતી આપવામાં આવી હતી.
તેમની યાત્રાઓની સૌથી મહત્વની બાબત એ હતી કે વનસ્પતિઓના ભૌગોલિક વિતરણ અને તેઓમાં જણાતી અનિયમિત ભિન્નતાઓની સમજૂતી આપવાનો તેમાં એક પ્રયાસ થયો હતો. 90 વર્ષની ઉંમરે ‘ઑર્ડર ઑવ્ મેરિટ’ના પારિતોષિક વડે તેમને સન્માનવામાં આવ્યા હતા. તેઓ લગભગ જીવનપર્યંત સક્રિય રહ્યા હતા. તેમનું 10 ડિસેમ્બર 1911ની મધરાતે ટૂંકી અને સામાન્ય માંદગીને કારણે અવસાન થયું હતું. તેમની ઇચ્છા મુજબ, ક્યૂ ગાર્ડન્સની તદ્દન નજીક આવેલા સેન્ટ ઍનીના ચર્ચયાર્ડમાં તેમના પિતાની સાથે તેમને દફનાવવામાં આવ્યા હતા.
બળદેવભાઈ પટેલ