હૂકનો નિયમ

February, 2009

હૂકનો નિયમ : સ્થિતિસ્થાપકતા(elasticity)ના સિદ્ધાંતનો પાયો તૈયાર કરનાર નિયમ. રૉબર્ટ હૂકે આ નિયમ 1676માં આપ્યો. વ્યાપક રીતે આ નિયમ નીચે પ્રમાણે આપી શકાય છે : સ્થિતિસ્થાપકતાની મર્યાદામાં પ્રતિબળ(stress)ના સમપ્રમાણમાં વિકૃતિ (વિરૂપણ) (strain) પેદા થાય છે.

પ્રતિબળ–વિકૃતિનો સંબંધ દર્શાવતો આલેખ : (1) હૂકનો વિસ્તાર, (2) સુઘટ્ય વિસ્તાર

પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ ઉપર લંબરૂપે લાગતું બળ. વિકૃતિ એટલે એકમ લંબાઈ દીઠ તેનામાં થતો વધારો. સ્પ્રિંગ અને સ્થિતિસ્થાપક પદાર્થોને આ નિયમ લાગુ પડે છે. વિકૃતિ પેદા કરતું બળ દૂર કર્યાથી પદાર્થ મૂળ સ્થિતિ (સ્વરૂપ) ધારણ કરે છે. સ્થિતિસ્થાપકતાની મર્યાદા (હદ) સુધી હૂકનો નિયમ લાગુ પડે છે.

પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. વિસ્તાર (1)માં હૂકનો નિયમ પળાય છે, જ્યારે વિસ્તાર (2) સુઘટ્ય (plastic) છે અને આ વિસ્તારમાં હૂકનો નિયમ પળાતો નથી.

સ્થિતિસ્થાપકતાને આધારે પદાર્થ(દ્રવ્ય)ની તાકાતનું માપ મળે છે એટલે કે પદાર્થ કેટલો દૃઢ (shiff) છે તથા ખેંચતાં કે સંકોચાતાં કેવી રીતે વર્તે છે તેનો ખ્યાલ આવે છે. પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર સ્થિતિસ્થાપકતાનું માપ આપે છે.

જ્યારે સુરેખ સ્થિતિસ્થાપક તાર ઉપર ખેંચાણબળ લગાડવામાં આવે છે ત્યારે પ્રારંભમાં તેની લંબાઈમાં થતો વધારો પ્રતિબળને પ્રમાણસર રહે છે. આ વિસ્તારમાં હૂકના નિયમનું પાલન થાય છે. સ્થિતિસ્થાપકતાની મર્યાદા બહાર તાણ કાયમી હોય છે.

પરાભવબિંદુ(yield point)થી આગળ પ્રતિબળમાં થોડોક વધારો કરવા જતાં તે એકદમ વધારે ખેંચાય છે અને અંતે પદાર્થ તૂટી જાય છે. આ બધા ગુણધર્મો, જ્યારે ઇજનેર દ્રવ્યનો વ્યવહારમાં ઉપયોગ કરે ત્યારે કામ લાગે છે એટલે કે જરૂરિયાત મુજબના દ્રવ્યની પસંદગી કરવામાં આવે છે. ખાસ તો સલામતી પિનથી માંડીને પુલના જટિલ ગર્ડરો સુધી સ્થિતિસ્થાપક દ્રવ્યના આવા ગુણધર્મો જાણવા જરૂરી હોય છે.

આશા પ્ર. પટેલ