હૂકર વિલિયમ જૅક્સન (સર)

February, 2009

હૂકર, વિલિયમ જૅક્સન (સર) (જ. 6 જુલાઈ 1785, નૉર્વિચ, નૉરફૉક, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1865, ક્યૂ, સરી) : અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની. તે લંડનમાં આવેલા ‘રૉયલ બૉટેનિક ગાર્ડન્સ, ક્યૂ’ના પ્રથમ નિયામક હતા. હંસરાજ, લીલ, લાઇકેન અને ફૂગ તથા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના જ્ઞાનમાં તેમણે ખૂબ વધારો કર્યો હતો.

હૂકર એક વેપારીના કારકુનના પુત્ર અને 16મી સદીના પ્રખ્યાત ધર્મશાસ્ત્રી, રિચાર્ડ હૂકરના વંશજ હતા. 1805માં તેમણે દુર્લભ શેવાળ(moss)ની શોધ કરી અને પ્રતિષ્ઠિત ‘લિનિયન સોસાયટી’ના સ્થાપક, જેમ્સ એડવર્ડ સ્મિથને તેની માહિતી આપી; હૂકરના સામાન્ય પ્રકૃતિવિજ્ઞાન (natural history) તરફના રસને તેમણે વનસ્પતિવિજ્ઞાન તરફ વાળ્યો. તેમણે પ્રારંભિક શિક્ષણ ગ્રામર સ્કૂલ, નૉર્વિચમાં લીધું હતું. 1809માં તેમણે જળમાર્ગે આઇસલૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો; ત્યારપછીના સમયગાળા દરમિયાન તેમણે ઇંગ્લૅન્ડમાં વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. 1814–15માં તે સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ અને ઇટાલીના પ્રવાસે ગયા; જ્યાં તેઓ યુરોપના કેટલાક અગ્રણી વનસ્પતિવિજ્ઞાનીઓને મળ્યા. 1815માં તેમણે ડાઉસન ટર્નર નામના વનસ્પતિવિજ્ઞાનીની પુત્રી મારિયા ટર્નર સાથે લગ્ન કર્યાં. તેમના બીજા પુત્ર જૉસેફ ડાલ્ટન હૂકર પણ પ્રસિદ્ધ વનસ્પતિવિજ્ઞાની બન્યા. 1820માં ગ્લાસ્ગોમાં રાજા દ્વારા અપાતું પ્રાધ્યાપકનું સ્થાન સ્વીકાર્યું અને 1841 સુધી તે સ્થાન પર રહી તેમણે સેવાઓ આપી. 1836માં તેમને હેનોવરનો ‘સર’નો ખિતાબ મળ્યો.

વિલિયમ જૅક્સન હૂકર (સર)

1811માં તેમણે ‘જરનલ ઑવ્ એ ટૂર ઇન આઇસલૅન્ડ ઇન સમર ઑવ્ 1809’થી પ્રકાશનનો પ્રારંભ કર્યો. ત્યારપછી 50 વર્ષોમાં તેમનાં 20 જેટલાં મુખ્ય સંશોધનકાર્યો અને સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થયાં. તેમને મુખ્યત્વે અપુષ્પી (cryptogamic) વનસ્પતિવિજ્ઞાનમાં રસ હતો. તેમનાં આ વિષયનાં પ્રકાશનોમાં ‘બ્રિટિશ જંગરમેની’, 1816; ‘મુસાઈ ઍક્ઝોટિકી’, 1818–20; ‘આઇકોન્સ ફિલિકમ’, 1829–31 (આર. કે. ગ્રેવિલ સાથે); ‘જનરા ફિલિકમ’, 1838 અને ‘સ્પીસિઝ ફિલિકમ’, 1846–64નો સમાવેશ થાય છે. વળી, તેમણે વનસ્પતિસમૂહને લગતો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તેને અનુલક્ષીને તેમનાં મહત્વનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘ફ્લોરા સ્કૉટિકા’, 1821; ‘ધી બ્રિટિશ ફ્લોરા’, 1830; ‘ફ્લોરા બોરીએલિસ અમેરિકાના’ અથવા ‘ધી બૉટની ઑવ્ ધી નૉર્ધર્ન પાટર્સ ઑવ્ બ્રિટિશ અમેરિકા’, 1840. તે આર્થિક વનસ્પતિવિજ્ઞાનના અભ્યાસમાં અગ્રણી હતા. તેમનાં પ્રકાશનો અને પોતાનું વનસ્પતિ સંગ્રહાલય બધા વિદ્વાનો અને તેમના દ્વારા સંપાદિત તથા સ્થાપિત સામયિકો માટે તેમણે ઉદારતાપૂર્વક સુલભ રાખ્યાં હતાં. તેથી તેઓ ઇંગ્લૅન્ડના વનસ્પતિવિજ્ઞાનના કેન્દ્રરૂપ બન્યા હતા. તેમની કારકિર્દીની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે તેમને ‘ક્યૂ ગાર્ડન્સ’ના પ્રથમ નિયામક તરીકે નીમવામાં આવ્યા. તેમની અથાગ જહેમતને કારણે ‘ક્યૂ ગાર્ડન્સ’ દુનિયાભરમાં વનસ્પતિવિજ્ઞાનની સર્વશ્રેષ્ઠ સંસ્થા બની. હાલમાં તે પ્રયોગશાળાઓ, સંગ્રહાલય, પુસ્તકાલય અને ગ્રીન હાઉસ ધરાવે છે. ક્યૂ ગાર્ડન્સ રાષ્ટ્રીય પ્રેક્ષણીય સ્થાન ઉપરાંત તેમનું વ્યક્તિગત સ્મારક બન્યું છે. તેમની નિવૃત્તિ પૂર્વે 1847માં તેમણે ‘મ્યુઝિયમ ઑવ્ ઇકૉનૉમિક બૉટની’ ક્યૂની સ્થાપના કરી હતી.

બળદેવભાઈ પટેલ