હુમાયૂં (જ. 6 માર્ચ 1508, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 26 જાન્યુઆરી 1556, દિલ્હી) : મુઘલ સમ્રાટ બાબરનો પુત્ર, બીજો મુઘલ સમ્રાટ. તે તુર્કી, અરબી અને ફારસી ભાષાઓ શીખ્યો હતો. તેણે ઇતિહાસ, તત્વજ્ઞાન, ગણિત, ખગોળ તથા જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો. તે કુરાન ઉપરાંત ‘દીવાને-હાફિઝ’ અને ‘દીવાને-સાલમન’ જેવા પ્રશિષ્ટ ગ્રંથોમાં નિષ્ણાત હતો. તેને કિશોરાવસ્થાથી વહીવટી તથા લશ્કરી તાલીમ મળી હતી. ઈ. સ. 1517–18માં બાબરે તેને કાબુલનો વહીવટ સોંપ્યો અને 1520માં માત્ર 12 વર્ષની ઉંમરે તેને બદક્ષાંનો ગવર્નર નીમ્યો. તે 1529 સુધી ગવર્નરના હોદ્દા પર રહ્યો. બાબરે 1526માં હિંદ પર ચડાઈ કરી ત્યારે તે સૈન્યની ટુકડી સાથે બાબરના લશ્કરમાં જોડાયો. શિકદાર હમીદખાંના નેતૃત્વ હેઠળની અફઘાન ટુકડીને 1526માં હિસાર ફિરોઝ પાસે તેણે હરાવી. તેના આ પ્રથમ વિજયથી ખુશ થઈ, બાબરે તેનું બહુમાન કરી એક કરોડ ચાંદીના ટંકા અને હિસાર ફિરોઝની જાગીર આપી. પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેણે મુઘલ લશ્કરની જમણી પાંખનું સંચાલન સંભાળ્યું. તે પછી તેણે આગ્રા, જૉનપુર, ગાઝીપુર, કાલ્પી, સંભાલ વગેરે જીત્યાં. ખાનવાના યુદ્ધમાં (માર્ચ, 1527) તેણે મુઘલ સેનાની જમણી પાંખનું ફરીથી સંચાલન કર્યું.

હુમાયૂં

16 એપ્રિલ, 1527ના રોજ યાદગાર બેગ તગાઈની દીકરી બેગા બેગમ સાથે તેણે શાદી કરી. બાબર મૃત્યુ પામ્યો પછી 30 ડિસેમ્બર, 1530ના રોજ 23 વર્ષની વયે આગ્રામાં તે તખ્તનશીન થયો. તેણે ‘નાસિરુદ્દીન મુહમ્મદ હુમાયૂં બાદશાહ ગાઝી’ નામ ધારણ કર્યું. આગ્રાની જામા મસ્જિદમાં પોતાના નામનો ખુતબો વંચાવ્યો અને આગ્રા, જૉનપુર, દિલ્હી તથા કંદહારમાં પોતાના નામના સિક્કા પડાવ્યા. આ શુભ અવસરે સુવર્ણના સિક્કાઓ વહેંચવામાં આવ્યા.

પ્રારંભિક મુશ્કેલીઓ : હુમાયૂંનો રાજ્યાભિષેક થયો ત્યારે રાજ્યનો ખજાનો ખાલી હતો. તેનું સૈન્ય અસંગઠિત હતું. તેના દરબારીઓ અવિશ્વસનીય હતા. તેઓએ બાબરના બનેવી મહેંદી ખ્વાજાને ગાદીએ બેસાડવાનું ષડ્યંત્ર ગોઠવ્યું હતું. હુમાયૂંના દુર્ભાગ્યે તેના સગાં-સંબંધીઓ શક્તિશાળી પ્રતિસ્પર્ધીઓ હતા. તે સમયે બાદશાહનો દરેક પુત્ર, તલવારના જોરે પોતાનું નસીબ અજમાવવા ઉત્સુક થતો. આ પરિસ્થિતિમાં હુમાયૂંના ભાઈઓને તખ્ત કબજે કરવાની પ્રેરણા મળી. તેના મહત્વાકાંક્ષી ત્રણેય ભાઈઓ જીવનભર તેના માટે મુશ્કેલીઓ પેદા કરતા રહ્યા. વિજય મળતાં તે ભોગવિલાસમાં પડતો અને શત્રુઓ નજીક આવે ત્યારે તે કીમતી સમય અફીણિયાઓની સોબતમાં વેડફી નાખતો. તેણે વારસાગત સામ્રાજ્યને ભાઈઓમાં વહેંચી દેવાની ગંભીર રાજકીય ભૂલ કરી. તેણે કામરાનને કાબૂલ અને કંદહાર તથા પછીથી પંજાબ અને હિસાર, ફિરોઝ અસ્કરીને સંભાલ અને હિંદાલને મેવાત (અલ્વર) આપ્યું. કામરાનને એવા પ્રદેશો મળ્યા કે જ્યાંથી તેને શ્રેષ્ઠ સૈનિકો મળી શકે. આમ હુમાયૂંએ પોતાની સૈન્ય શક્તિનો ઉત્તમ સ્રોત ગુમાવ્યો.

હુમાયૂંના સંઘર્ષો : રાજ્યાભિષેક બાદ, હુમાયૂંએ બુંદેલખંડના ચંદેલ રાજા પ્રતાપરુદ્રના કાલિંજરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. પ્રતાપરુદ્રે શરણાગતિ સ્વીકારી અને આશરે 240 કિલોગ્રામ સોનું આપ્યું. અફઘાનોએ જૉનપુર પર હુમલો કરી ત્યાંના મુઘલ સરદારને હાંકી કાઢ્યો. તેથી હુમાયૂંએ ચડાઈ કરી તેમને લખનૌ નજીક હરાવ્યા. તે પછી હુમાયૂંએ બિહારમાં આવેલા ચુનારના કિલ્લાને ઘેરો ઘાલ્યો. આ દરમિયાન ગુજરાતના બહાદુરશાહે ચિત્તોડ પર ચડાઈ કર્યાના સમાચાર મળતાં, તેણે અફઘાન સરદાર શેરખાન સાથે સંધિ કરી. તે પ્રમાણે ચુનારનો કિલ્લો શેરખાન પાસે રહ્યો. હુમાયૂંના બનેવી મુહંમદ ઝમાન મિર્ઝાએ ફરુખાબાદ(બિહાર)માં બળવો પોકાર્યો. મુઘલ સેનાપતિ યાદગાર નાસિર મિર્ઝાએ તેને કેદ કરી જેલમાં પૂર્યો. જેલમાંથી નાસી છૂટીને તે ગુજરાતના સુલતાન બહાદુરશાહને શરણે ગયો.

ગુજરાતના બહાદુરશાહે હુમાયૂંના શક્તિશાળી શત્રુઓને આશ્રય આપ્યો હતો. તેનો દરબાર હુમાયૂં વિરુદ્ધના ષડ્યંત્રનો અખાડો બની ગયો હતો. હુમાયૂંએ પત્રો લખીને વિદ્રોહીઓને રાજ્ય સોંપી દેવા જણાવ્યું, તેનો તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો. તેથી બંને વચ્ચે યુદ્ધ થયું. હુમાયૂંએ ચિત્તોડ નજીક સારંગપુર મુકામે સૈન્ય સહિત પડાવ નાખ્યો. ચિત્તોડની રાજમાતા કર્ણાવતીએ રાખડી મોકલીને, ધર્મના ભાઈ તરીકે હુમાયૂં પાસે, બહાદુરશાહ વિરુદ્ધ મદદ માગી. એક મુસલમાન વિરુદ્ધ, રાજપૂત(હિંદુ)ને મદદ કરવા હુમાયૂં તૈયાર થયો નહિ. તે રાજપૂત મૈત્રીનું મહત્વ સમજ્યો નહિ અને રાણી કર્ણાવતીને મદદ કરી નહિ. તેણે રાણીને મદદ કરી હોત તો રાણીની સહાયથી તે બહાદુરશાહને હરાવી શક્યો હોત અને રાજપૂતો હંમેશને માટે તેના મિત્ર બની, મદદરૂપ થયા હોત. આમ તેણે બીજી રાજકીય ભૂલ કરી.

હુમાયૂં મંદસોર (માળવા) ગયો અને બહાદુરશાહને હરાવ્યો. બહાદુરશાહ નાસીને માંડુ, અમદાવાદ, ચાંપાનેર, ખંભાત અને દીવ ગયો. હુમાયૂંએ તેનો પીછો કર્યો. તેણે માળવા અને ગુજરાત જીત્યાં; પરંતુ વિજયો બાદ તેણે મિજલસો શરૂ કરી. જીતેલા પ્રદેશોમાં શાસનતંત્ર સ્થાપ્યું નહિ. તે ભોગવિલાસમાં પડ્યો. તેને આગ્રા પાછા ફરવું પડ્યું, તે પછી બહાદુરશાહે મુઘલોને હાંકી કાઢીને માળવા તથા ગુજરાત પુન: કબજે કર્યાં (1536).

શેરખાનનો સામનો કરવા હુમાયૂંએ ચુનારના કિલ્લાને ફરીથી ઘેરો ઘાલ્યો. મુઘલ સેનાપતિ રૂમીખાને તે કિલ્લો મેળવ્યો. હુમાયૂંએ ત્યાં સૂબા તરીકે રૂમીખાનને નીમ્યો અને પોતે બંગાળના સુલતાન મહમૂદશાહની મદદે ગયો. બંગાળની સરહદે તેલિયાગઢી પાસે અફઘાનોએ મુઘલોને હરાવ્યા. ત્યાંથી ગૌડ જઈને હુમાયૂંએ નવ મહિના સુધી, પોતાનો કીમતી સમય ભોગવિલાસમાં વેડફ્યો. આ તકનો લાભ લઈને શેરખાને બનારસ અને જૉનપુર કબજે કર્યાં તથા ગૌડ સુધી મુઘલોના પ્રદેશમાં લૂંટ કરી.

હુમાયૂં બંગાળથી આગ્રા જવા ઊપડ્યો. રસ્તામાં બક્સર પાસે ચૌસા મુકામે શેરખાને 26 જૂન, 1539ના રોજ હુમાયૂંને સખત હાર આપીને 8000 મુઘલ સૈનિકોની કતલ કરી. હુમાયૂંએ જાન બચાવવા ગંગા નદીમાં ઝંપલાવ્યું. ત્યાં એક ભિસ્તીએ તેને બચાવ્યો. હુમાયૂં આગ્રા ગયો. આજીજી કરવા છતાં, તેના ભાઈઓએ મદદ ન કરી. તેથી માત્ર પોતાના સૈન્ય સાથે શેરખાન સામે ગયો. બંને વચ્ચે, કનોજ મુકામે 17 મે, 1540ના રોજ થયેલા આખરી જંગમાં હુમાયૂં હાર્યો. દિલ્હી સલ્તનત અફઘાનોના હાથમાં ગઈ.

હુમાયૂંનો રઝળપાટ : હુમાયૂં કનોજથી આગ્રા, દિલ્હી, સરહિંદ થઈ લાહોર ગયો. શેરશાહ તેનો પીછો કરતો હોવાથી, હુમાયૂં સિંધ ગયો. આવી આપત્તિના કાળમાં તેણે હમીદાબાનુ સાથે શાદી કરી. સિંધના અમરકોટમાં 15 ઑક્ટોબર, 1542ના રોજ અકબરનો જન્મ થયો. તે સમાચાર જાણી તેણે અમીરોમાં કસ્તૂરી વહેંચી. સિંધ છોડીને તે કંદહાર અને ત્યાંથી ઈરાન ગયો. ઈરાનના શાહે તેનું સ્વાગત કર્યું અને 12,000નું અશ્વદળ આપ્યું. હુમાયૂંએ કંદહાર જીતી, શરત પ્રમાણે તે શાહને સોંપ્યું. તેણે કામરાન પાસેથી કાબુલ પણ મેળવ્યું. તે પછી તેણે હિંદ પુન: જીતવા વાસ્તે કૂચ કરી. દિલ્હીના તે વખતના સુલતાન સિકંદર સૂરને તેણે સરહિંદ મુકામે 12 જુલાઈ, 1555ના રોજ હરાવ્યો. અફઘાનોએ હિંદ ગુમાવ્યું અને મુઘલોએ ફરીથી મેળવ્યું. ત્યાર બાદ હુમાયૂંએ 23 જુલાઈ, 1555ના રોજ દિલ્હી કબજે કર્યું. તેણે મસ્જિદમાં પોતાના નામનો ખુતબો વંચાવ્યો અને સિક્કા પડાવ્યા. આમ 15 વર્ષના રઝળપાટને અંતે હુમાયૂં ફરીથી દિલ્હીનો બાદશાહ બન્યો. તે પછી પુસ્તકાલયના મકાનમાં આરસની સીડી પરથી લપસી પડતાં વાગ્યું અને બીજા દિવસે તે ગુજરી ગયો. તેણે જીવનભર અનેક ઠોકરો ખાધી અને આખરે મર્યો પણ ઠોકર ખાઈને !

તેના અવસાન સમયે મુઘલ સામ્રાજ્ય અવ્યવસ્થિત હતું અને તખ્તનો વારસ (અકબર) દિલ્હીથી દૂર હતો. ચારેય બાજુ દુશ્મનો ફેલાયેલા હતા. આ સંજોગોમાં તેના મૃત્યુની ઘટના સત્તર દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.

હુમાયૂં ભોગવિલાસી અને ઉત્સવો ઊજવવાનો ભારે શોખીન હતો. આવો સ્વભાવ સમ્રાટ તરીકે સફળ થવાના માર્ગમાં તેનો દુશ્મન પુરવાર થયો. તેની નબળાઈઓને કારણે તેણે રાજ્ય ગુમાવ્યું અને 15 વર્ષ નિરાશ્રિતોની જેમ રખડવું પડ્યું. તે ફારસીમાં કાવ્યો રચતો. તે વિદ્યાનુરાગી સમ્રાટ હતો. તેણે ‘બાબરનામા’નું તુર્કીમાંથી ફારસીમાં ભાષાંતર કર્યું હતું. તે કુરાનનું અધ્યયન કરતો. તે વિદ્વાનો તથા કવિઓનો આશ્રયદાતા હતો. તેને ગણિત, જ્યોતિષ, નક્ષત્રશાસ્ત્ર અને ઇતિહાસ પ્રત્યે અનુરાગ હતો. તેણે પાટનગરમાં અનેક ભવનો નિર્માણ કરાવ્યાં. તેને ચિત્રકલામાં દિલચસ્પી હતી. ઈરાનમાં વસવાટ દરમિયાન તેણે ઈરાની ચિત્રકલાનો પણ અભ્યાસ કર્યો હતો.

જયકુમાર ર. શુક્લ