ગુહસેન : મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્કના પાંચમા પુત્ર ધરપટ્ટનો પુત્ર અને આ વંશનો છઠ્ઠો રાજા. ધ્રુવસેન પહેલાનો સીધો ઉત્તરાધિકાર મેળવનાર ગુહસેનનાં જ્ઞાત વર્ષો વલભી સંવત 240(ઈ. સ. 559)થી વ. સં. 248 (ઈ. સ. 567) ઉપલબ્ધ હોઈ તેમણે ઈ. સ. 555થી 570 દરમિયાન મૈત્રક રાજ્યનો કારોબાર સંભાળ્યો હોય. એની પ્રશસ્તિમાં એને મહાન રાજવી તરીકે દર્શાવાયો છે. છઠ્ઠી સદીના મધ્યમાં ગુપ્તોની સત્તાનો અંત આવતાં ગુહસેને મૈત્રક રાજ્યની સ્વાયત્તતા સ્થાપી અને આ વંશનો પ્રતાપી અને મહાન રાજવી ગણાયો.
આ રાજવીના કુલ પાંચ અભિલેખો હાથવગા થયા છે તેમાં ત્રણ તામ્રશાસનો છે. એક મૃત્પાત્રલેખ છે અને એક પથ્થરલેખ છે. પ્રશસ્તિમાં એનાં પરાક્રમ, રૂપ, ગાંભીર્ય અને બુદ્ધિમત્તાની પ્રશંસા છે. એના વર્ષ 240ના દાનશાસનમાં એણે બૌદ્ધવિહારને દાન દીધાનો નિર્દેશ છે. આમ તો એનાં ત્રણેય દાનશાસનો બૌદ્ધવિહારને સમર્પિત છે. આથી તે બૌદ્ધ ધર્મનો અનુયાયી હોવાનું સૂચવાય છે. એનાં લખાણોમાં એના વિસ્તૃત રાજ્યનું વર્ણન છે.
રસેશ જમીનદાર