ગુહા, નરેશ (જ. માર્ચ 1923, બાંગ્લાદેશ; અ. 4 જાન્યુઆરી 2009) : પશ્ચિમ બંગાળના પ્રખ્યાત કવિ, અનુવાદક, વિદ્વાન અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કવિતાસંગ્રહ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

નરેશ ગુહા

કોલકાતા યુનિવર્સિટી અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી, ઇલિનૉઇ, અમેરિકામાં પ્રતિભાશાળી શૈક્ષણિક કારકિર્દી બાદ ફુલબ્રાઇટ સ્કૉલરશિપ તથા રૉકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ તેમને પ્રાપ્ત થઈ હતી. તેમણે જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા ખાતે અધ્યાપનકાર્યનો પ્રારંભ કરેલો અને ત્યાં જ તુલનાત્મક સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષ (1967–82) બન્યા હતા. 1979–81 દરમિયાન તેમણે કલાવિભાગના વડા તરીકે કામગીરી સંભાળી. 1980–81 દરમિયાન તેમણે શિકાગો વિશ્વવિદ્યાલયના મુલાકાતી સ્કૉલર તેમજ 1983–87 દરમિયાન રવીન્દ્રભવન, વિશ્વભારતીના નિયામક તરીકે કામગીરી કરી. તેમને ઇન્ટરનૅશનલ કમ્પેરૅટિવ લિટરેચર ઍસોસિયેશનની કારોબારી સમિતિના સભ્ય બનવાનું ગૌરવ બે વખત પ્રાપ્ત થયેલું.

તેમની કાવ્યકૃતિઓમાં ‘દુરંત દુપુર’, ‘તાતાર સમુદ્ર ઘેરા’, ‘બિદેશેર ઇની આર ઉની’ તથા ‘કવિર ચિઠિ કવિકે’ મુખ્ય છે. ‘તાતાર સમુદ્ર ઘેરા’ માટે તેમને કુમારન આસાન પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમણે અમિય ચક્રવર્તી અને બુદ્ધદેવ બોઝનાં કાવ્યોનું સંપાદન કર્યું છે. તેમણે સાર્ત્રની કૃતિઓનો પણ અનુવાદ કર્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતાસંગ્રહ’માં સજીવ માનવતાવાદ, શબ્દમાં ઉત્કટ નિખાલસતા અને અલંકારોનો તાજગીભર્યો વિનિયોગ જેવી વિશેષતાઓ પ્રતીત થાય છે. માનવમૂલ્યો માટેની તેમની છટાદાર રજૂઆત અને વિશિષ્ટ પ્રકારના તરલ-લાલિત્યને કારણે આ કૃતિ ભારતીય કાવ્યસાહિત્યમાં ઉલ્લેખપાત્ર ઠરી છે.

બળદેવભાઈ કનીજિયા