ગુલામ રસૂલખાં (જ. 1898, મથુરા; અ. 1983) : મથુરા ઘરાનાના ગાયક કલાકાર. તે ઘરાનાના કલાકારો કંઠ-સંગીત તથા સિતારવાદનના નિષ્ણાત હતા. ગુલામ રસૂલખાંના પિતામહ અહેમદખાં, પિતા કાલેખાં તથા તે પોતે લૂણાવાડા રાજ્યના દરબારી સંગીતકાર હતા. કાલેખાંએ ‘સરસપિયા’ ઉપનામ હેઠળ કેટલીક ઉત્કૃષ્ટ બંદીશો રચી હતી.

ગુલામ રસૂલખાંએ પોતાના પિતા પાસેથી શરૂમાં કંઠ-સંગીતની તાલીમ મેળવીને અનેક બંદીશો કંઠસ્થ કરી હતી, પણ પછીથી એમના કંઠની તાસીરને નુકસાન પહોંચવાથી એમણે હાર્મોનિયમ-વાદન અપનાવ્યું અને તેમાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. એમના તથા ફૈયાઝખાંના પિતામહ ગુલામ અબ્બાસખાં બહુ જ ઉચ્ચ કોટિના ગાયક હતા. ગુલામ રસૂલખાં હાર્મોનિયમ પર હંમેશ ફૈયાઝખાંનો સાથ કરતા. એમના પુત્ર શમીમ અહમદ સુવિખ્યાત સિતારવાદક છે. થોડાં વર્ષ માટે ગુલામ રસૂલખાં વડોદરાના મહારાજા સયાજીરાવે ડભોઈમાં સ્થાપેલી સંગીતશાળાના મુખ્ય અધ્યાપક હતા. તે પછી તે વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક નિમાયા હતા. એમણે ‘સ્વરસંગમ’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં એમણે કાલેખાં તથા ફૈયાઝખાંએ રચેલી કેટલીક બંદીશો સંગીતમાં લિપિબદ્ધ કરી છે.

બટુક દીવાનજી