ગુલામ રસૂલ (અ. અઢારમી સદી)

February, 2011

ગુલામ રસૂલ (અ. અઢારમી સદી) : ધ્રુપદ અને ખયાલ શૈલીના ગાયક કલાકાર. ગુલામ રસૂલ લખનૌના નવાબ અસફુદ્દૌલાના દરબારી ગાયક હતા. ત્યાંના દીવાન હસનરાજખાં તરફથી એમનું અપમાન થવાથી એમણે લખનૌ છોડ્યું હતું. તે ધ્રુપદ તથા ખયાલ શૈલીઓના નિષ્ણાત હતા. પ્રાચીન ધ્રુપદની શૈલીમાં પરિવર્તન કરવું તથા ખયાલ શૈલીનો પ્રચાર કરવો એવો એમનો ઉદ્દેશ મહદ્ અંશે સફળ થયો હતો. ખયાલની બંદીશોની રચના તે પોતે જ કરતા. એમની સ્વરલહરીઓ પર મુગ્ધ થઈને બુલબુલ પક્ષીઓ એમની સમક્ષ એકઠાં થતાં એમ કહેવાતું.

એમના પુત્ર શોરીમિયાં, જે ગુલામ નબીને નામે પણ ઓળખાતા, એમણે ટપ્પાની શૈલીની રચના કરી હતી. પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી અઢારમી સદીમાં ગુલામ રસૂલનો દેહાંત થયો હતો.

બટુક દીવાનજી