ગુલામી પ્રથા : માણસની માણસ ઉપરની માલિકી તથા તેનું નિરંકુશ શોષણ કરતી પ્રથા. જંગમ મિલકત તરીકે ગુલામ ખરીદાતો–વેચાતો, ભેટ અપાતો અને તેનો વિનિમય થઈ શકતો. ગુલામોનાં સંતાનો પણ ગુલામીમાં સબડતાં હતાં અને તેમને દેહાંતદંડની શિક્ષા કરી શકાતી. સ્ત્રી ગુલામો સાથે માલિક દુરાચાર કરી શકતો.

પ્રાચીન સુમેર, ફિનિશિયા, ગ્રીસ, રોમ, ભારત અને ચીનથી માંડીને સુધરેલા ગણાતા પાશ્ચાત્ય દેશો, એશિયાના રખડતા પશુપાલકો, ઉત્તર અમેરિકાના શિકારી રેડ ઇન્ડિયનો, અઠંગ સાગરખેડુ નૉર્ડિક લોકો, ખેતી-આધારિત સ્થિર જીવન જીવતા અનેક લોકો ગુલામોનો ઘરકામ, ઉદ્યોગ, ખેતઉત્પાદન, વેપાર વગેરે વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરતા હતા.

પ્રાચીન સુમેરમાં ઈ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી લઘુમતી કોમના કે અન્ય જાતિ, ધર્મ અને રાજકીય પક્ષોના લોકોને ગુલામો તરીકે પકડવામાં આવતા. બૅબિલોનના રાજા હૅમુરાબીના કાયદા પ્રમાણે ગુલામોને મિલકત ધરાવવાનો, વેપાર કરવાનો અને મુક્ત સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર હતો. શેઠ ગુલામને જાતે ખરીદીને કે દત્તક લઈને મુક્ત કરી શકતો હતો. તેમ છતાં તેની ગણના મિલકતમાં થતી હતી. ઈ. પૂ. 1800-1400 દરમિયાન હિટાઇટ લોકોમાં પ્રચલિત કાયદા પ્રમાણે ગુલામ ઊતરતી કક્ષાનો માનવ ગણાતો.

પ્રાચીન મિસરમાં યુદ્ધકેદીઓ અને દેવું ભરી ન શકતા લોકો ગુલામ હતા. ઋણમુક્ત થવા ગુલામો પોતાની જાત, સ્ત્રી અને બાળકોને વેચતા હતા. મિસરનો સમાજ ખેતી વગેરે કાર્યો માટે ગુલામોના શ્રમ ઉપર આધાર રાખતો હતો. ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીના ઉત્તરાર્ધ દરમિયાન મિસરમાં યહૂદીઓને ગુલામીમાં રખાતા. જૂના કરારના બીજા પુસ્તક ‘એક્સડસ’ અનુસાર મિસરવાસીઓ યહૂદી ગુલામો પાસે બાંધકામ અને ખેતીવાડીનું કામ નિર્દયતાપૂર્વક કરાવતા હતા. જૂના કરારમાં ગુલામી પ્રથાનો વિરોધ કરાયો નથી. યહૂદીઓ પોતે પણ ગુલામી પ્રથાને વળગી રહ્યા હતા.

પ્રાચીન ગ્રીસ, રોમ અને યુરોપના દેશોમાં મધ્યયુગ સુધી મોટા પાયે રાજમહેલના નોકરો તરીકે, ઘરકામ માટે, ઉદ્યોગોના સંચાલન માટે, ખાણોમાંથી રૂપું વગેરે ખનિજો ખોદવા માટે તથા અમીરોનાં ખેતરોમાં ખેતમજૂરો તરીકે ગુલામોનો ઉપયોગ થતો હતો. ગ્રીકો તેના જિતાયેલા પ્રદેશમાંથી પકડવામાં આવેલા યુદ્ધકેદીઓનો ગુલામો તરીકે ઉપયોગ કરતા હતા. ઈ. પૂ. ચોથી સદી દરમિયાન બે પ્રૌઢ શહેરીઓ દીઠ ત્રણ અને કુલ વસ્તીના 25 % લોકો ગુલામ હતા. રોમન સામ્રાજ્યમાં ગુલામો રાજ્ય તથા મ્યુનિસિપાલિટી જેવી જાહેર સંસ્થાના નોકરો હતા. કેટલાક પૈસાદાર લોકો 10,000 ગુલામોના માલિક હતા. આ ગુલામોને કોઈ પણ પ્રકારના હકો ન હતા. ઘરકામ, યુદ્ધોમાં લડવૈયા તરીકે, ખેતી વગેરે અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં તેમનો ઘણો ફાળો હતો. બાઇઝેન્ટાઇન સામ્રાજ્યમાં ગુલામી પ્રથા રોકટોક વિના પ્રચલિત હતી. દેવળમાં તથા દેવળની જમીનો ઉપર કામ કરવા માટે ગુલામોનો ઉપયોગ થતો હતો. મોટા અમીરોની જમીન સર્ફ કે કાયમી ગણોતિયા તરીકે ગુલામો ખેડતા હતા. બાઇબલના ‘નવા કરાર’-(New Testament)માં ગુલામી પ્રથાનો વિરોધ કે પ્રતિબંધ નથી. ખ્રિસ્તીઓ અને મુસલમાન તુર્કો વચ્ચેના ધર્મયુદ્ધ (ક્રૂસેડ) દરમિયાન અને ત્યારબાદ તે યુદ્ધકેદીઓને ગુલામ તરીકે વેચતા હતા. ઓગણીસમી સદીના અંત સુધી ઇટાલી, પોર્ટુગલ, સ્પેન અને ભૂમધ્યકાંઠાના ટાપુઓમાં ગુલામી પ્રથા પ્રચલિત હતી. સાતમીથી વીસમી સદી સુધી મુસ્લિમ જગતમાં તે પ્રચલિત હતી. મુસલમાનો ગ્રીક, આલ્બેનિયન, આર્મેનિયન તથા એશિયાના દેશોના લોકોને ગુલામો તરીકે પસંદ કરતા હતા. ઇસ્લામે ગુલામોના વેપારનો વિરોધ કર્યો ન હતો; પણ તેમના તરફ માનવતાપૂર્ણ વર્તન રાખવા સૂચવ્યું હતું. દક્ષિણ એશિયાના સિયામ સિવાયના દેશોમાં તે પ્રથા વ્યાપક હતી.

જાપાન અને કોરિયામાં દેહાંતદંડના કેદીઓ અને તેમનાં કુટુંબીજનોનો ઘરકામ, ખેત-ઉત્પાદન, ખાણઉદ્યોગ અને કારીગરીની વસ્તુઓના ઉત્પાદન માટે ઉપયોગ થતો હતો. ચીનમાં સામ્યવાદી શાસન પૂર્વે બાળકોનું વેચાણ થતું હતું અને ગુલામો પાસે અમીરો તથા ધનિકો ઘરકામ કરાવતા હતા. જાપાનમાં સાતમી-આઠમી સદી દરમિયાન કુલ વસ્તીના 15 % લોકો ગુલામ હતા.

આફ્રિકામાં ટોળીના નાયકો યુદ્ધકેદીઓનો યુરોપિયન વહાણવટીઓ સાથે હથિયાર, દારૂગોળો, ધાતુ, દારૂ અને ઘરેણાંના બદલામાં વિનિમય કરતા હતા. તેમનાં ધન અને શક્તિનું માપ ગુલામોની સંખ્યા ઉપરથી નીકળતું હતું; સહરાની દક્ષિણે આવેલા દેશોમાંથી અને આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારાના દેશોમાંથી ગુલામોની નિકાસ થતી હતી.

કોલંબસે અમેરિકા ખંડ શોધ્યા પછી શેરડી, કપાસ, કૉફી વગેરેનાં ખેતરો માટે આફ્રિકન ગુલામોની માગ વધી હતી. આ વેપારમાં સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, ડેનમાર્ક અને સ્વીડનના વહાણવટીઓ સંડોવાયા હતા. સામાન્ય રીતે દરિયાઈ મુસાફરી સહન કરી શકે તેવાની પસંદગી થતી હતી. તેઓ નાસી ન જાય તેથી તેમને ભંડકિયામાં ઢોરની જેમ સાંકળે બાંધીને પૂરી રાખવામાં આવતા હતા અને જીવિત રહે તેટલો જ ખોરાક આપતા હતા. તેમ છતાં 20 % લોકો મુસાફરી દરમિયાન મરી જતા હતા. એમને દરિયામાં ફેંકી દેતા હતા. યુરોપીય વહાણવટીઓ તેમના દેશનો માલ આફ્રિકામાં વેચી ગુલામો ખરીદતા અને નવી દુનિયામાં ગુલામો વેચી ત્યાંની પેદાશ ખરીદી યુરોપના દેશોમાં વેચતા હતા. આ કારણે સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ સમૃદ્ધ થયાં હતાં. દક્ષિણ અને મધ્ય અમેરિકાના યુ.એસ. વગેરે દેશો આ ગુલામોના ખરીદનારા દેશો હતા. 400 વરસ સુધી આફ્રિકામાંથી લગભગ ત્રણ કરોડ ગુલામો પકડીને લઈ ગયા હતા.

ભારત : ભારતમાં સિંધુ સંસ્કૃતિના લોકોમાં ગુલામી પ્રથા પ્રચલિત હતી. ઈ. પૂ. 1500 આસપાસ આર્યોએ સ્થાનિક દસ્યુ પ્રજાને દાસનું બિરુદ આપ્યું હતું. પુરુષસૂક્તમાં ત્રણ વર્ગોની સેવા શૂદ્રોએ કરવી એવું સૂચન છે. પૌરસ્ત્ય વિદ્વાનો આનો વિરોધ કરી જણાવે છે કે યુરોપીય પ્રજાઓના ગુલામો પ્રત્યેના વર્તનની સરખામણીમાં આર્યો માનવતાવાદી વર્તાવ રાખતા. આ દાસો આર્યોના ઘરમાં નોકર તરીકે કામ કરતા હતા. તેમને મિલકત ધરાવવાનો હક હતો. કાયદાથી તેમને પૂરતું રક્ષણ અપાયું હતું. રાજાઓની કન્યાનાં લગ્ન થતાં ત્યારે તેની દાસીઓ તેની સાથે જતી હતી પણ તે પણ સખી કે પરિચારિકા તરીકે. તેનું સ્વતંત્ર કૌટુંબિક જીવન હતું. શૂદ્ર ઋષિપદ પ્રાપ્ત કરી શકતો હતો. તે સયુગ્વ રૈકવ અને ઉશિજના દાખલા ઉપરથી સ્પષ્ટ થાય છે.

સ્મૃતિકાળ દરમિયાન ઈ. પૂ. બીજી સદી અને તે પછી મનુ, નારદ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિઓ તથા અન્ય સાહિત્યમાં ગુલામી પ્રથા અંગેના ઉલ્લેખો છે. પણ સેલ્યુકસના એલચી મેગેસ્થનિસની ‘ઇન્ડિકા’ પ્રમાણે બધા ભારતીયો સ્વતંત્ર હતા. કોઈને પણ ગુલામ બનાવી શકાતો ન હતો. કાત્યાયને યાજ્ઞવલ્ક્ય અને નારદ સ્મૃતિને આધારે જણાવ્યું છે કે નીચલા વર્ગના લોકો ઉપલા વર્ગના લોકોને ગુલામ તરીકે રાખી શકતા ન હતા. બ્રાહ્મણને કદી પણ ગુલામ બનાવાતો ન હતો. તેને ગુના માટે સજા કરી શકાતી હતી પણ દેહાંત દંડ આપી શકાતો ન હતો. મુક્ત સ્ત્રી ગુલામને પરણે તો તે ગુલામ ગણાતી હતી, પણ માલિક દ્વારા ગુલામ સ્ત્રી સંતાનને જન્મ આપે તો તેને મુક્ત કરાતી હતી. શૂદ્રકના ‘મૃચ્છકટિક’ નાટકમાં જુગારમાં હારેલી વ્યક્તિ જાતે સેવક થઈ શકતી એવો ઉલ્લેખ છે. નારદસ્મૃતિમાં સ્વેચ્છાએ સેવકપણું સ્વીકાર કરનારની વિગત આપી છે. ગુલામ સ્થવિરક અને મદનિકાનો કિસ્સો જાણવા જેવો છે. મદનિકાને તેની શેઠાણી સખી તરીકે રાખે છે અને તેને તેની ગુપ્ત વાત પણ જણાવે છે. મદનિકાને પરણવા સ્થાવરકને મુક્ત કરાય છે. માનવતાપૂર્ણ વર્તનના આ દાખલા છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગુલામી પ્રથાનો ઉલ્લેખ છે.

મહમ્મદ કાસિમે સિંધ ઉપર ચડાઈ કરી ત્યારે રાજા દાહીરની પુત્રી તથા અનેક લોકોને તે ગુલામ તરીકે લઈ ગયો હતો. મહમ્મુદ ગઝની, શિહાબુદ્દીન ઘોરી, તૈમૂર લંગ વગેરે મુસ્લિમ આક્રમણકારો ભારત ઉપર ચડાઈ કરીને હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ગુલામ તરીકે પકડીને લઈ ગયા હતા. કુત્બુદ્દીન ઐબકથી બલ્બન સુધીના સુલતાનો ગુલામ વંશના હતા. તે પૈકી કેટલાક વિદ્વાન, ધાર્મિક અને પરાક્રમી હતા. મહમ્મદ તુગલુકના સમયમાં આવેલ ઇબ્ન બતૂતાએ ભારતમાં ગુલામ સ્ત્રીઓ મળતી અને તેમને સામાન્ય વસ્તુ માફક ભેટ અપાતી હતી એમ જણાવ્યું છે. હિંદુઓ પૈકી રજપૂતો પણ વળતાં પગલાં તરીકે સામાન્ય મુસ્લિમ અને સૈયદની સ્ત્રીઓને કેદ કરી ગુલામ તરીકે રાખતા હતા. દક્ષિણમાં વિજયનગરના રાજ્યમાં ગુલામી પ્રથા પ્રચલિત હતી. દક્ષિણ ભારતમાં અંધશ્રદ્ધાળુ માબાપ પ્રાચીન કાળથી તેમની પુત્રીઓને દેવદાસી તરીકે મંદિર અને તેના પૂજારીને હવાલે કરતા હતા. તેઓ મંદિરમાં નૃત્ય કરવા ઉપરાંત નિમ્ન કોટિનું જીવન ગાળતી હતી. આ પ્રથા હજુ પણ પૂરેપૂરી નિર્મૂળ થઈ નથી.

ભારતમાં જ્યારે ભયંકર દુકાળો પડતા ત્યારે રાજસ્થાનની મીના જેવી આદિવાસી જાતિના લોકોએ નિરાધાર ભૂખ્યા લોકોને પકડીને ગુલામીમાં ધકેલી દીધા હતા. દુકાળમાં માબાપોએ બાળકો વેચ્યાંના પ્રસંગો પણ બનતા હતા. સલ્તનતકાળ, મુઘલકાળ તથા મરાઠા શાસન દરમિયાન પણ તે પ્રથા પ્રચલિત હતી.

ભારતમાં આવેલ પ્રવાસીઓ અબ્દુર્ રઝાક, બાર્બોસા, પેજ વગેરેએ તેનો ઉલ્લેખ કર્યો છે. ગુલામોના વંશજો પણ ગુલામો ગણાતા હતા. ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી ભારતમાં આ પ્રથા હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન તે ચાલુ હતી. ભારતમાં અરબસ્તાન અને આફ્રિકામાંથી ગુલામો આવતા હતા. આ ગુલામો સૈનિક હતા અને ઉચ્ચ હોદ્દાઓ ઉપર પણ હતા. નવાબો અને બાદશાહોના જનાનખાનાના તે રક્ષકો હતા. ભારતમાંથી મધ્યપૂર્વના દેશોમાં ગુલામોની નિકાસ થતી હતી.

ગુજરાત અંગે સોલંકીકાળના હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ કાવ્યમાં જણાવાયું છે કે ત્રણ સુંદર સ્ત્રીઓ અથવા છ કે સાત ગુલામોના બદલામાં ઘોડો ખરીદી શકાતો હતો. ‘રણમલ છંદ’ અને ‘લેખ-પદ્ધતિ’માં તેનો ઉલ્લેખ છે. તેમાં લડાઈમાં પકડાયેલી સ્ત્રીઓ ગુલામ તરીકે ખરીદાયાનો ઉલ્લેખ છે. ખાસ કરીને ભયંકર દુકાળોના પ્રસંગે લોકો આર્થિક બેહાલીને કારણે દેવાદાર બની જતાં સામેથી ગુલામી સ્વીકારતા હતા. ગુજરાતમાં આદિવાસીઓને લગ્ન વગેરે સામાજિક પ્રસંગોએ થોડીક રકમ ધીરીને શાહુકારોએ તથા મોટા ખેડૂતોએ તેમની જમીન પડાવી લીધી હતી અને વંશપરંપરાગતના ખેતમજૂરો તરીકે તેઓ જીવન ગાળતા હતા. ભરૂચ અને સૂરત જિલ્લામાં આ હાળી પ્રથા 1952 સુધી પ્રચલિત હતી.

આદિકાલીન ભારતમાં ગુલામીપ્રથા હતી કે નહિ તે અંગે ઇતિહાસકારોમાં સતત વિવાદ ચાલતો રહ્યો છે. ભારતમાં ગુલામીપ્રથા હતી જ નહિ એવો અભિપ્રાય કેટલાક વિદ્વાનોમાં ચાલતો રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે  પશ્ચિમમાં જે પ્રકારની ગુલામીપ્રથાની નાગચૂડ યુગો સુધી પ્રવર્તતી રહી હતી તેવી ઘટના ભારતમાં બની નથી. તેમ છતાં ઊંડા ઊતરીને જોતાં ભારતમાં પણ કોઈ ને કોઈ પ્રકારની ગુલામી પ્રચલિત હતી.

સિંધુ સંસ્કૃતિ મુખ્યત્વે નગર-સંસ્કૃતિ હતી. એના અવશેષો પરથી તેનો જે હદે ભૌતિક વિકાસ થયેલો જોવા મળે છે તે જોતાં ગુલામોની શક્યતા સાવ નકારી શકાય એમ નથી. આ સંસ્કૃતિના અંતિમકાળ (ઈ. સ. પૂ. 3500થી 2500) દરમિયાન ભારતની ધરતી પર આર્યોની ટોળીઓ ઊતરી આવી હશે અને જેમ જેમ એમનો વિજય થતો ગયો હશે તેમ તેમ તેમણે ત્યાંની આદિવાસી ‘દસ્યુ’ કે ‘દાસ’ નામની પ્રજાઓને ગુલામ બનાવી હશે. ઋગ્વેદમાં (ઈ. સ. પૂ. 2000) દાસ-દાસીઓને ભેટ-દાન-દક્ષિણામાં આપવાના અનેક દાખલાઓ નોંધાયા છે. આર્યોની વિવિધ ટોળીઓ વચ્ચે સંઘર્ષ દરમિયાન હારીને પકડાયેલા ‘આર્ય’ લોકોનો પણ ‘દાસ’ ગુલામો તરીકે નવો વર્ગ ઊભો થયો હશે. ઋગ્વેદ પછી વૈદિક કાલ (ઈ. સ. પૂ. 1300–700) દરમિયાન બ્રાહ્મણગ્રંથો અને ઉપનિષદોમાં પુરુષો ઉપરાંત મોટી સંખ્યામાં ખરીદેલી દાસીઓ(સ્ત્રી-ગુલામો)નો ઉલ્લેખ મળે છે. આ સમયે ગ્રીસમાં કાંસ્યયુગથી શરૂ થયેલી ગુલામીપ્રથા લોહયુગમાં બળવત્તર બની હતી. તેનું ભારતમાં પણ કાંસ્યયુગ બાદ લોહયુગ (ઈ. સ. પૂ. 1190–700) દરમિયાન થવા પામ્યું હશે, આ કારણે બૌદ્ધકાલ પૂર્વે અર્થતંત્રમાં જબરું પરિવર્તન આવ્યું હશે. આનું પરિણામ બૌદ્ધકાલીન સંસ્થીકૃત દાસ-ગુલામી પ્રથામાં વરતાય છે.

બૌદ્ધકાલ પૂર્વે ગણતંત્ર અને નૃપતંત્ર એવા બે પ્રકારના રાજતંત્રીય ભેદો પ્રચલિત હતા. એ વખતે 16 જનપદો- (રાજ્યો)માં મગધ, કૌશલ અને વત્સ નૃપતંત્રો હતાં. બાકીનાં શાક્ય, કોલિય, વજ્જિ, મલ્લ વગેરે સંઘ (ગણ) રાજ્યો હતાં. ગણતંત્રોમાં જન્મજાત અધિકારોનો સિદ્ધાંત પ્રવર્તતો હોવાથી ગુલામી પણ જન્મજાત ગણાતી એટલે રાજસભા(સંથાગાર)માં કેવળ ઉચ્ચ વર્ણને જ ભાગ લેવાનો અધિકાર હતો. જ્યારે નૃપતંત્રમાં છૂટછાટો હતી. ગુલામ દાસો રાજમહેલમાં ચાકર તરીકે કામ કરતા. જરૂર પડે લશ્કરમાં જોડાતા. તેઓ મહેલનાં હાથી-ઘોડાઓની સંભાળ રાખતા અને પશુઓનાં દાન ભેટની જેમ ગુલામોને પણ તેની સાથે ભેટ તરીકે અપાતા.

ઉપરોક્ત 16 રાજ્યોમાંથી મગધનો સામ્રાજ્યમાં ઉદય થતાં ગુલામી પ્રથા વિસ્તરતી ગઈ. અને કાતિલ બનતી ગઈ. કેવળ પુરુષ ગુલામો જ નહિ સ્ત્રીઓ પણ સેંકડો હજારોની સંખ્યામાં જોવા મળે છે. દરબારોમાં નર્તકી તરીકે, રાજકુંવરીઓની સખી તરીકે અને રાજ પરિવારોમાં તમામ કામોમાં સેવિકા તરીકે, ક્યારેક ઉપપત્ની કે રખાત તરીકે પણ કામ કરતી જાણવા મળે છે. બુદ્ધના સમય સુધીમાં દાસ શબ્દ મોટે ભાગે ગુલામ-વાચક બની ગયો. વિનયપિટકમાં ગુલામીના ત્રણ પ્રકારો જોવા મળે છે. એક ‘અંતોજાતો’ એટલે કે માલિકના ઘરમાં જન્મેલો, બીજો ‘ધનક્કિતો’ એટલે પૈસાથી ખરીદેલો અને ત્રીજો ‘કર્મરાનિતો’ એટલે યુદ્ધમાં પકડાયેલો. જૈન સાહિત્યમાં જન્મથી, ખરીદાયેલા, દેવાદાર થઈને બનેલા, દુષ્કાળથી બનેલા, દંડ ન ભરી શકનારા અને કેદી – એમ છ પ્રકારના ગુલામો વર્ણવાયા છે. આ વખતથી ગુલામી જન્મજાત અને ગુલામોનું ખરીદ-વેચાણ એવાં બે લક્ષણો દૃઢ થયાનું જોવા મળે છે. ગુલામો પ્રત્યે ક્રૂરતાભર્યું આચરણ સામાન્ય બન્યું તેમ તેમને કોઈ કાનૂની રક્ષણ પણ મળતું નહોતું. ભગવાન બુદ્ધે ગુલામને ભોજનટાણે ભોજન આપવાનું અને યોગ્ય સમયે રજા આપવાનું માલિકોને સૂચવ્યું હતું. બીજી બાજુ ગુલામોને તેમણે પોતાનું કામ ધૈર્યથી કરવાની સલાહ આપેલી. કર્મના સિદ્ધાંત મુજબ ગુલામે તેનું ફળ ભોગવવું રહ્યું. જોકે આ ભવનાં દુઃખો ભોગવી લેશે તો આવતો ભવ સુધરશે, એવી માન્યતા એ વખતે પ્રબળપણે પ્રવર્તતી હતી. એમ લાગે છે કે એ દિવસોમાં માલિક અને ગુલામ વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર રૂપ લઈ ચૂક્યો હતો.

મૌર્ય સામ્રાજ્યનો ઉદય થતાં રાજ્યકર્તાઓએ પોતે ખેતી, ઉદ્યોગ, વેપાર ઉપર પોતાની પકડ જમાવી. સામ્રાજ્યનો વિસ્તાર થતા અને તેને ટકાવી રાખવા સ્થાયી જંગી લશ્કર જોઈએ અને તે માટે નવી વસાહતો વસાવવા જંગલો સાફ કરીને વસવાટોવાળાં ગામ ઊભાં કરવાનાં કામ માટે શૂદ્રો અને ગુલામોની અનિવાર્યતા ઊભી થઈ. કૌટિલ્યે ગુલામોના નવ પ્રકારો દર્શાવ્યા છે : યુદ્ધમાં કેદ પકડાયેલા, નિર્વાહ માટે બનેલા, માલિકના ઘરમાં જન્મેલા, ખરીદાયેલા, મેળવેલા, વારસામાં પ્રાપ્ત થયેલા, સજા ભોગવવા આવેલા, ગીરો મુકાયેલા અને આપમરજીથી ગુલામી સ્વીકારનારા. જોકે કૌટિલ્ય ગુલામીપ્રથાના વિરોધી હતા અને કમ સે કમ આર્યોના સમાજમાંથી ગુલામી નાબૂદ થાય એમ ઇચ્છતા હતા. એટલે પ્રવર્તમાન પ્રથામાં એમણે અનેક સુધારા દાખલ કરાવી ગુલામોને પોતાની અંગત મૂડી રાખવી, વધારાની મહેનત કરી માલિકને પ્રસન્ન કરી ગુલામીમાંથી મુક્ત થવાની અને ગુલામ મટી ગયેલાને ફરીથી ગુલામ બનાવી ન શકાય. ગુલામ સ્ત્રીઓનું કોઈ પણ પ્રકારે માલિક દ્વારા શોષણ થાય તો તે સજાપાત્ર ગુનો ગણાય, કોઈ વ્યક્તિ ગુલામ સ્ત્રીને ઉઠાવી જાય તો તેના બંને પગ કાપી નાખી, છસ્સો સિક્કાનો દંડ કરવાની જોગવાઈ વગેરે સુધારા કરાવ્યા હતા. ઈ. સ. પૂ. 4થી સદીના અંતમાં ભારતની યાત્રાએ આવેલા ગ્રીક યાત્રી મેગેસ્થનિસે નોંધ્યું છે કે ભારતમાં ક્યાંય ગુલામો નજરે પડતા નથી. તે એ વખતે ગુલામો પ્રત્યે માનવતાભર્યો વ્યવહાર થતો હોવાને લઈને એ યાત્રીને એમ જણાયું હોય એમ સંભવે છે.

મનુસ્મૃતિ(ઈ. સ. પૂર્વે 184)ના જમાનામાં શક, ગ્રીક વગેરે વિદેશી સત્તાઓએ થાણા નાખ્યાં હતાં. એને તેમની સાથે આવેલા ગુલામો ઉચ્ચ પદો ઉપર પણ પહોંચ્યા હતા. એટલે સામાજિક સંતુલન જાળવવાનું કાર્ય કોયડારૂપ બન્યું હતું. મનુ અને કાત્યાયનને મતે બ્રાહ્મણ સિવાયના ત્રણે વર્ણો ગુલામ બની શકે. ગુલામને મિલકત ધરાવવાનો અધિકાર નથી. તેનું સઘળું માલિકની માલિકીનું ગણાય. રાજ્યની સેવા કરતા ગુલામોને નિશ્ચિત વેતન આપવું, માંદગીમાં વેતન કાપવું નહિ, ગુલામને બરડામાં જ માર મરાય મોઢા કે માથા પર નહિ, શૂદ્રના ગુલામ પુત્રને પણ વારસો ધરાવનારનો હક છે વગેરે  નિયમો મનુસ્મૃતિમાં આજ્ઞારૂપમાં જોવા મળે છે.

સ્મૃતિકારોના યુગ (ઈ. સ. 100થી 350) દરમિયાન ગુલામો પ્રત્યે ઉદારતાભર્યું વલણ જણાય છે. યાજ્ઞવલ્ક્ય યુદ્ધ કેદીને ગુલામ ન ગણતાં તેમને મુક્તિ બક્ષવાની તરફેણ કરે છે. તેવી રીતે માલિકની જિંદગી બચાવી હોય કે સ્વેચ્છાએ ગુલામી સ્વીકારી હોય તેવાઓને છોડી મૂકવાની  ભલામણ કરે છે. ભાદરને મતે માલિકના ઘરમાં જન્મેલો, ખરીદેલો, પ્રાપ્ત કરેલો કે વારસામાં મળેલો ગુલામ માલિકની ઇચ્છા વગર સ્વતંત્ર થઈ શકતો નથી.

ભારતમાં ઉપરોક્ત ગુલામીપ્રથા અંગેની આખી રૂપરેખા એટલું તો સ્પષ્ટ કરે છે કે ગ્રીસ અને રોમની પ્રશિષ્ટ ગુલામી સદીઓ સુધી સમસ્ત સમાજના આધારરૂપ બની રહેલી, ઉપરાંત અતિ વ્યાપકપણે અને સામૂહિક, કરપીણ અને અમાનુષી પ્રકારે વિકસી ચૂકેલી, ત્યારે ભારતની ગુલામીમાં પ્રશિષ્ટ ગુલામીનાં કેટલાંક લક્ષણો દેખાયાં હોવા છતાં, તેનું સમગ્ર સ્વરૂપ અને પ્રકાર જોતાં, ગ્રીસ-રોમની સાથે તેની સરખામણી થઈ શકે એમ નથી.

ગુલામોનો વેપાર : હેન્રી, ધ નૅવિગેટરના પોર્ટુગીઝ કપ્તાનો 1444માં મૂર જાતિના આફ્રિકાના કેદીઓના બદલામાં સૌપ્રથમ વાર દસ અશ્વેત ગુલામો લાવ્યા. ત્યારબાદ પોર્ટુગીઝોએ ગુલામનો વેપાર શરૂ કર્યો અને તે માટે મોટી સંખ્યામાં વહાણો બનાવ્યાં તથા આફ્રિકાના ગિનીના કિનારે કિલ્લા બાંધ્યા. દક્ષિણ પોર્ટુગલ અને સ્પેનની પાસેના વિસ્તારોમાં મોટી સંખ્યામાં અશ્વેત ગુલામો આયાત કરવામાં આવ્યા. ત્યાં સેવિલ ગુલામના વેપારનું મહત્વનું બજાર બન્યું. 1517માં સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાએ સ્પેનના પ્રત્યેક વસાહતીને પ્રતિવર્ષ નિશ્ચિત સંખ્યામાં આફ્રિકીઓને હિસ્પેનિયોલામાં લઈ જવાની પરવાનગી આપી. થોડા સમયમાં હિસ્પેનિયોલા, કૅરિબિયન દેશો તથા અમેરિકાની તળભૂમિમાં હજારો અશ્વેત લોકોને લાવવામાં આવ્યા.

ઉત્તર અમેરિકાનાં અંગ્રેજોનાં સંસ્થાનોમાં, 1619માં ગુલામો ભરેલું પ્રથમ ડચ વહાણ વર્જિનિયામાં આવ્યું. શરૂમાં ગુલામી ધીમે ધીમે વિકસી; પરંતુ તમાકુ, શેરડી અને કપાસની ખેતીને કારણે ગુલામોની સંખ્યા મધ્ય અને દક્ષિણનાં સંસ્થાનોમાં ઝડપથી વિકસી. આફ્રિકાનો પશ્ચિમ કાંઠો અને ઉત્તર તથા દક્ષિણ અમેરિકા વચ્ચે ગુલામનો વેપાર વિપુલ પ્રમાણમાં વિકસ્યો. તેમાં અઢળક નફો થતો.

અંગ્રેજો, ફ્રેંચો, પોર્ટુગીઝો, સ્પેનિયાર્ડો અને ડચ ગુલામનો વેપાર કરતા અને પોતાનાં સંસ્થાનોમાં ગુલામો વેચતા. પોર્ટુગીઝો બ્રાઝિલમાં ગુલામના વેપારનો ઇજારો ભોગવતા. અંગ્રેજ વેપારીઓ સૌથી ચપળ હતા અને તેમણે સ્પેનનાં સંસ્થાનોમાં ગુલામો આયાત કરવાના હકો મેળવ્યા. વેપારીઓ પોતાના દેશના બંદરેથી ઊપડતાં વહાણોમાં દારૂ, બંદૂકો, કાપડ અને વિવિધ સસ્તી વસ્તુઓ લઈ જતા. ગુલામ કાંઠા (slave coast) તરીકે જાણીતા ગિનીના અખાત પાસે સ્થાપેલ વેપારની કોઠીઓમાંથી ઉપર્યુક્ત વસ્તુઓના બદલામાં ગુલામો મેળવતા. વહાણોમાં તેઓ મોટી સંખ્યામાં ગુલામો ભરતા.

સ્વદેશ પાછાં ફરતાં, વહાણો કપાસ, ઊન તથા મોલેસિસ લઈ જતાં. મોલેસિસમાંથી રમ દારૂ બનાવતા. તેનાથી બીજી ખેપમાં વધુ ગુલામો ખરીદી શકાતા.

ઈ. સ. 1800 પહેલાં અંગ્રેજો કે યુરોપીય વસાહતીઓ કરતાં ઘણા વધારે આફ્રિકી ગુલામોએ આટલાંટિક મહાસાગર ઓળંગ્યો હતો. બ્રિટિશ વસાહતો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આફ્રિકી ગુલામોની આયાત પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો ઈ. સ. 1783માં સોસાયટી ઑવ્ ફ્રેન્ડ્ઝ (Quakers) નામના સંપ્રદાયના અંગ્રેજોએ કર્યા. વિલિયમ વિલ્બર-ફોર્સ અને ટૉમસ ક્લાર્ક્સને ચલાવેલી ઝુંબેશના પરિણામે ઈ. સ. 1807માં બ્રિટિશ વસાહતોમાં ગુલામના વેપાર પર પ્રતિબિંધ મૂકવામાં આવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સમાં બંધારણ ઘડતી વખતે ગુલામનો વેપાર બંધ કરવાની માગણી થઈ હતી. ઈ. સ. 1807માં યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ગુલામનો વેપાર નાબૂદ કરવામાં આવ્યો.

વિલિયમ વિલ્બરફૉર્સ

ગુલામી પ્રથાનો વિરોધ : સને 1833ના કાયદાથી બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામી પ્રથા રદ કરવા નિર્ણય લેવાયો હતો. તેનો અમલ ભારતમાં લૉર્ડ બૅન્ટિંકના શાસન દરમિયાન થયો હતો. ગુલામી પ્રથા ઇંગ્લૅન્ડમાંથી દૂર કરવા માટે ગ્રેનવિલ શાર્પ, વિલિયમ વિલ્બરફૉર્સ, ટૉમસ ક્લાર્ક્સન, ઝેકરી મેકોલો, ટી. એફ. બક્સ્ટન, જ્હૉન સ્મિથ અને ડેવિડ લિવિંગ્સ્ટને અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો.

અમેરિકામાંના ફ્રેન્ચ સંસ્થાન હાઇટીમાં ગુલામોએ બળવો કરી ઈ. સ. 1800માં સ્વતંત્રતા મેળવી હતી. અમેરિકામાં ક્વેકરોએ આ પ્રથાનો પ્રથમ વિરોધ કર્યો હતો. તેમણે ઈ. સ. 1724માં આ પ્રથા વિરુદ્ધ પ્રથમ નિવેદન બહાર પાડ્યું હતું. યુ.એસ.માં ઘણા સમજુ માણસો આ પ્રથાના વિરોધી હતા. મેકિસકોમાં ઈ. સ. 1829માં અને આર્જેન્ટિનામાં ઈ. સ. 1812માં તેની ઉપર પ્રતિબંધ મુકાયો હતો. યુરોપમાં ડેનમાર્કે 1804 પૂર્વે, નેધરલૅન્ડે 1814માં, સ્વીડને 1818માં અને ફ્રાન્સે 1848માં ગુલામી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિટિશ દબાણને કારણે પોપે તથા સ્પેને ગુલામોના વેપાર ઉપર પ્રતિબંધ મૂકતા આદેશો બહાર પાડ્યા છતાં તે ચાલુ રહ્યો હતો. પોર્ટોરીકો, ક્યૂબા અને બ્રાઝિલમાં અનુક્રમે ઈ. સ. 1873, ઈ. સ. 1880–86 અને 1888માં ગુલામી પ્રથા ઉપર પ્રતિબંધ મુકાયા હતા.

યુ.એસ.માં 1831થી ગુલામીની નાબૂદી માટે પ્રયાસો થયા હતા. ઈ. સ. 1859માં જ્હૉન બ્રાઉને ગુલામી વિરુદ્ધ બળવો પોકારી પકડાઈ જતાં શહીદી વહોરી હતી.

હૅરિયટ બીચર સ્ટોની ‘અંકલ ટૉમ્સ કૅબિન’ નવલે ગુલામી પ્રજા સામે પ્રબળ જનમત જાગ્રત કર્યો હતો. ઈ. સ. 1860માં રિપબ્લિકન પક્ષના અબ્રાહમ લિંકન સંઘરાજ્યના પ્રમુખ તરીકે ચૂંટાતાં દક્ષિણનાં રાજ્યોને દહેશત લાગી કે તેમનાં હિતોને નુકસાન થશે. ગુલામી પ્રથાને તેઓ ન્યાયી માનતાં હતાં અને તેનો વિસ્તાર થાય તેમ ઇચ્છતાં હતાં. ઉત્તરનાં રાજ્યો આ વિસ્તરણના વિરોધી હતાં. તેઓ ગુલામી પ્રથાને અન્યાયી અને અમાનવીય માનતાં હતાં.

અબ્રાહમ લિંકન : ગુલામોનો મુક્તિદાતા

સંઘરાજ્યની જાળવણી તે લિંકનનો મુખ્ય હેતુ હતો અને તેને ખાતર તેણે વિગ્રહ કર્યો હતો. દક્ષિણનાં છૂટાં પડવા માગતાં રાજ્યો કોઈ પણ ભોગે ગુલામી ટકાવી રાખવા માગતાં હતાં. ઉત્તરનાં રાજ્યો અને લિંકનને તે માન્ય ન હતું. આમ ગુલામીનો પ્રશ્ન આંતરવિગ્રહ સાથે જોડાયો. ઉત્તરનાં રાજ્યોને વિજય મેળવતાં જોઈ લિંકનને આ અંગેની યોગ્ય તક મળતાં તેણે 1863ના જાન્યુઆરીની પહેલીથી અમેરિકામાંથી ગુલામી નાબૂદ કરવાની ઘોષણા કરી અને વિગ્રહ પૂરો થતાં ઈ. સ. 1865માં તેને બંધારણીય સ્વરૂપ અપાયું.

આ પ્રથા રદ થઈ હોવા છતાં ગિરમીટિયા પ્રથા રૂપે ફીજી, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ, ગુઆના, સુરીનામ, મોરેશિયસ વગેરે પ્રદેશોમાં અર્ધગુલામી પ્રથા ચાલુ રહી હતી. મધ્ય પૂર્વના સાઉદી અરેબિયા તથા કેટલાંક આરબ રાજ્યો તથા આફ્રિકન રાજ્યોમાં તે પ્રવર્તે છે. ‘બૉન્ડેડ લેબર’ પ્રથા તેનું નવું સ્વરૂપ છે.

 

જયકુમાર ર. શુક્લ

શિવપ્રસાદ રાજગોર