ગુલફૂલ : પરમાનંદ મેવારામના સાહિત્યિક નિબંધો અને લેખોના સંગ્રહો. 1896માં તેમણે ‘જોતિ’ નામે પાક્ષિકમાં પ્રકાશિત થયેલા સાહિત્યિક નિબંધો અને લેખો ‘ગુલફૂલ’ (ફૂલો) નામે બે સંગ્રહોમાં મૂકેલા છે. 60 નિબંધોનો પ્રથમ ભાગ 1925માં અને 73 નિબંધોનો બીજો ભાગ 1936માં પ્રગટ થયો હતો.
ભાષા, સાહિત્ય, કલા, શિક્ષણ, માનવમૂલ્યો, ઇતિહાસ, વિજ્ઞાન, પ્રાણીજગત, ખંડિયેરો, શૌર્યગાથાઓ, ચરિત્ર, પ્રવાસ, હાસ્ય વગેરે વિવિધ વિષયો પર સફળ તથા હૃદયસ્પર્શી શૈલીમાં આલેખાયેલા તેમના આ લેખો, અર્વાચીન સિંધી સાહિત્યના, અનુગામી સાહિત્યકારો માટે, પ્રેરક બની રહ્યા હતા.
ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા છતાં, ‘ગુલફૂલ’ સંગ્રહની પ્રસ્તાવનામાં પરમાનંદે અંગ્રેજીની અગત્યનો સ્વીકાર કરવાની સાથે માતૃભાષા દ્વારા શિક્ષણને મહત્વ આપ્યું હતું.
વિભાજન બાદ સિંધી અદબી બોર્ડ, હૈદરાબાદ, સિંધ દ્વારા 1956માં ‘ગુલફૂલ’ના બંને ભાગોનું સંયુક્ત સંસ્કરણ પુનર્મુદ્રિત કરાયું હતું.
જયંત રેલવાણી