ગુલબદન બેગમ (જ. 1523, કાબુલ; અ. 7 ફેબ્રુઆરી 1603, આગ્રા) : હુમાયૂંની સાવકી બહેન અને અકબરની ફોઈ. માતા દિલદાર બેગમ. મૂળ નામ સાલિકા સુલતાન. તે સમરકંદના હાકેમ સુલતાન મહેમૂદ મિર્ઝાનાં પુત્રી હતાં. ગુલબદન બેગમ 8 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા મરણ પામ્યા. તેમના પિતા હિંદુસ્તાન પર વિજય મેળવવા ગયા હતા ત્યારે ગુલબદન બેગમ કાબુલમાં જ હતાં અને 1529માં તે તેમના પિતા પાસે ગયાં. તેમના પિતા મરણ પામ્યા ત્યારે તે આગ્રામાં હતાં. 1530માં હુમાયૂં જ્યારે બંગાળથી હારીને પાછો ફર્યો ત્યારે તે ત્યાં જ હતાં. 1545માં તેમનું લગ્ન ખિઝર ખ્વાજાખાન સાથે થયું હતું. તે એક ચોગતાઈ મુઘલ અને યુનુસખાનના પૌત્ર હતા. તે હુમાયૂં અને અકબરના ઉચ્ચ અધિકારી તરીકે કામ કરતા હતા. તે એક સમયે પંજાબના સૂબા પણ હતા. ગુલબદન બેગમને એક દીકરી અને એક દીકરો હતાં. 1576માં તે તેમની ભત્રીજી સલમા સુલતાન બેગમ અને બીજા શાહી પરિવારની સ્ત્રીઓ સાથે મક્કાની પવિત્ર યાત્રા માટે ગયાં હતાં. 1590માં તે અકબરની માતા સાથે કાબુલ ગયાં હતાં.

ગુલબદન બેગમે પોતે જ ‘હુમાયૂંનામા’ નામે પોતાનો જીવનવૃત્તાંત લખ્યો હતો. મિસ બેવરેઝ દ્વારા ‘રૉયલ એશિયાટિક સોસાયટી’ના સહકારથી 1902માં તેનો અનુવાદ અને પ્રકાશન થયાં હતાં. અકબરની વિનંતીને માન આપીને તેમણે ‘હુમાયૂંનામા’ની રચના કરી હતી, જેથી અબુલફઝલને ઇતિહાસ લખવામાં મદદરૂપ થઈ શકાય. તેમનો આ ગ્રંથ કૌટુંબિક બાબતોની વિસ્તૃત વિગતના કારણે ઘણો ઉપયોગી સાબિત થયો છે. આ ગ્રંથ લેખિકાની એક સુંદર કૃતિ છે. તેમાં હુમાયૂંના સમયના દરબાર વિશેની પણ વિસ્તૃત માહિતી આપેલી છે. ‘અકબરનામા’માં ગુલબદન બેગમ વિશે વિસ્તૃત માહિતી મળે છે. ગુલબદલ બેગમના જનાઝાને અકબર પોતે પોતાના ખભા ઉપર લઈ ગયા હતા.

ઈસારએહમદ મોહંમદયુનુસ અન્સારી