હિક્સોસ (પ્રજા) : સેમિટિક–એશિયાટિક આક્રમકોનું મિશ્ર જૂથ. તેઓ આશરે ઈ. પૂ. 1674માં ઉત્તર ઇજિપ્તમાં ફેલાઈ ગયા હતા અને ઈ. પૂ. 1674થી ઈ. પૂ. 1567 દરમિયાન ત્યાં શાસન કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર મેનેથોએ વિદેશી શાસકને માટે ‘હિક્સોસ’ શબ્દ વાપર્યો છે. તેને વિદેશી રાજવંશ તરીકે પણ ઓળખાવે છે. તેમણે ઇજિપ્તના સામ્રાજ્ય યુગનો અસ્ત કર્યો. તેઓ હૂણ જેવા જંગલી હતા, તેથી તેમણે મંદિરો તોડ્યાં અને સ્ત્રીઓ તથા બાળકોની કતલ કરી. બાકીનાને ગુલામ બનાવ્યા. હિક્સોસ લોકોએ ત્યાં ઘોડા, રથ અને કામઠાં(bow)નો ઉપયોગ શરૂ કર્યો. તેમણે કિલ્લા બાંધવાની તકનીક વિકસાવી. ઈશાન (ઉત્તર–પૂર્વ) ખૂણે તે લોકોએ એવેરિસમાં પાટનગર બાંધ્યું. ઉત્ખનન કરતાં તેના કેટલાક અવશેષો મળ્યા છે. એવેરિસમાંથી તેઓ લોઅર ઇજિપ્ત અને અપર ઇજિપ્ત સુધીના પ્રદેશ પર ઇજિપ્તના સામંતો દ્વારા શાસન કરતા. તેમણે ઇજિપ્તની સંસ્કૃતિમાં કોઈ દરમિયાનગીરી કરી નહિ. તેમની સામે થેબનોએ બળવો કર્યો. કેમોસની આગેવાની હેઠળ થેબન બળવો ઉત્તરમાં ફેલાયો અને આશરે ઈ. પૂ. 1567માં પાટનગર એવેરિસ અહમોસે કબજે કર્યું. તેણે 18મો રાજવંશ સ્થાપ્યો અને ઇજિપ્તમાંથી હિક્સોસ શાસનનો અંત આવ્યો.
ઈશ્વરલાલ ઓઝા