હિગ્સ પીટર (Higgs, Peter) (જ. 29 મે, 1929, ન્યૂ કૅસલ અપૉન ટાઈન, યુનાઇટેડ કિંગ્ડમ) : હિગ્સ બોઝોન કણની શોધ-આગાહી માટે 2013નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ફ્રાન્સવા ઑન્ગ્લે સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અથવા તો વિભાજિત થયો હતો.

પીટર હિગ્સે 1954માં કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ 1960માં તેમણે યુનિવર્સિટી ઑફ એડિનબર્ગના ટેઈટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅથેમૅટિકલ ફિઝિક્સમાં વ્યાખ્યાતાની નોકરી મેળવી અને અહીં જ ક્રમશઃ આગળ વધતા ગયા. 1983માં તેઓ પ્રતિષ્ઠાપાત્ર રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. તેઓ 1996માં નિવૃત્ત થયા અને યુનિવર્સિટી ઑફ એડિનબર્ગમાં પ્રોફેસર એમરિટ્સ તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું (નિવૃત્ત પ્રાધ્યાપક). સંશોધન ક્ષેત્રે તેમને અનેક માન-સન્માન, ખિતાબો વગેરે પ્રાપ્ત થયા છે.

આધુનિક ભૌતિકશાસ્ત્ર અનુસાર દ્રવ્ય મૂળભૂત કણોનું બનેલું છે. મૂળભૂત કણો દ્રવ્યના બંધારણીય ઘટકો છે. આ મૂળભૂત કણો વચ્ચે જે બળ કામ કરે છે તેમનું નિયંત્રણ અન્ય મૂળભૂત કણો દ્વારા થાય છે. મોટા ભાગના કણોનો પાયાનો ગુણધર્મ એ છે કે તેઓ દળ ધરાવે છે. 1964માં પીટર હિગ્સે સ્વતંત્ર રીતે તથા ફ્રાન્સવા ઑન્ગ્લે અને રૉબર્ટ બ્રાઉટે જૂથમાં એક સિદ્ધાંત રજૂ કર્યો કે જેના દ્વારા મૂળભૂત કણોના દળના ઉદભવ અંગેની આપણી સમજણમાં પ્રદાન (વૃદ્ધિ) થયું. આ સિદ્ધાંત દ્વારા એક એવા કણની આગાહી કરવામાં આવી કે જે અન્ય કણોના દળ માટે જવાબદાર હતો. 2012માં CERN પ્રયોગશાળામાં આવેલા લાર્જ હૅડ્રોન કોલાઈડર ના ATLAS અને CMS પ્રયોગો દ્વારા આ સૂચિત કણ જે હિગ્સ બોઝોન અથવા હિગ્સ કણ તરીકે ઓળખાયો, તેના અસ્તિત્વને સાબિત કરવામાં આવ્યું.

પૂરવી ઝવેરી