હિક્સ, જે. આર. (સર) (1904–1989) : મૂળભૂત રીતે અર્થતંત્રની સામાન્ય સમતુલાના વિશ્લેષણમાં રુચિ ધરાવનાર, માંગના વિશ્લેષણમાં શકવર્તી યોગદાન કરનાર તથા 1972ના વર્ષનું અર્થશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર સરખા ભાગે મેળવનાર બ્રિટિશ અર્થશાસ્ત્રી. સમગ્ર શિક્ષણ ઇંગ્લૅન્ડમાં. ત્યાંની ઑક્સફર્ડ યુનિવર્સિટીની બેલીઓલ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધા બાદ 1926માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સમાં અધ્યાપનકાર્યની શરૂઆત કરી (1926–1935). 1935–1938 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફેલો તરીકે સેવાઓ આપી. 1938–1946 દરમિયાન મૅન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પોલિટિકલ ઇકૉનૉમીની ચૅર પર અધ્યાપનકાર્ય કર્યું. 1946માં ઑક્સફર્ડની નેસફિલ્ડ કૉલેજમાં ફેલો તરીકે જોડાયા અને 1952–1965ના ગાળા દરમિયાન ફરી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ડ્રુમાડ પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમીના પદ પર સેવાઓ આપી અને ત્યાંથી નિવૃત્ત થયા.

જે. આર. હિક્સ (સર)

પ્રો. આલ્ફ્રેડ માર્શલે તુષ્ટિગુણ વિશ્લેષણના આધારે માંગના નિયમની રજૂઆત કરી હતી. આ વિશ્લેષણ બે મુખ્ય ધારણાઓના સંદર્ભમાં કરવામાં આવેલું : (1) ગ્રાહકને વસ્તુના ઉપભોગમાંથી મળતો તુષ્ટિગુણ કાલ્પનિક એકમો વડે માપી શકાય છે. (2) વસ્તુના ઉપભોગમાંથી ગ્રાહકને જે તુષ્ટિગુણ મળે છે તેનો ગાણિતિક સરવાળો કરી શકાય છે. આ પ્રકારની વિશ્લેષણપદ્ધતિને અર્થશાસ્ત્રમાં ‘ગુણવાચક વિશ્લેષણપદ્ધતિ’ (cardinal utility analysis) તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ તુષ્ટિગુણ એ આત્મલક્ષી અને ભાવાત્મક ખ્યાલ હોવાથી તે માપી શકાય નહિ આ કારણસર જે. આર. હિક્સે તેની આકરી ટીકા કરી હતી અને તેની અવેજીમાં ક્રમવાચક (ordinal) માપપદ્ધતિ પર રચાયેલ તટસ્થ રેખા અથવા સમતૃપ્તિ વક્રરેખા વિશ્લેષણ રજૂ કરી માંગના વિશ્લેષણનું સુધારેલું પુન:કથન પ્રસ્તુત કર્યું છે, જે અર્થશાસ્ત્રમાં તેમનું શકવર્તી યોગદાન ગણવામાં આવે છે.

જે. આર. હિક્સે કરેલા વિશ્લેષણમાં ગાણિતિક સૂત્રો અને સમીકરણોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના મતે પણ ગુણક અને ગતિવર્ધનની પ્રક્રિયાઓમાંથી વ્યાપારચક્રોનો ઊગમ થતો હોય છે.

તેમણે કરેલ વિપુલ ગ્રંથસર્જનમાં ‘થિયરી ઑવ્ વેજીસ’ (1932), ‘વૅલ્યૂ ઍન્ડ કૅપિટલ’ (1934), ‘ટૅક્સેશન ઑવ્ વૉરવેલ્થ’ (1941), ‘સ્ટૅન્ડર્ડ્સ ઑવ્ લોકલ એક્સ્પેન્ડિચર’ (1943), ‘ઇન્સિડન્સ ઑવ્ લોકલ રેટ્સ’ (1945), ‘એ કૉન્ટ્રિબ્યૂશન ટુ ધ થિયરી ઑવ્ ધ ટ્રેડ સાઇકલ’ (1950), ‘અ રિવિઝન ઑવ્ ડિમાન્ડ થિયરી’ (1956) તથા ‘એસેઝ ઇન વર્લ્ડ ઇકૉનૉમી’ (1959) નોંધપાત્ર છે.

1972ના નોબેલ પુરસ્કારમાં જૉન આર. હિક્સના સહભાગી હતા અમેરિકન અર્થશાસ્ત્રી કેનેથ જે. ઍરો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે