હાસ્યવાયુ (laughing gas) (આયુર્વિજ્ઞાન) : શ્વાસમાં લેવાથી સ્વર્ગસુખાભાસ (euphoria) જેવી લાગણી થઈ આવે અને તેથી વ્યક્તિ ખૂબ હસવા માંડે તેવી સ્થિતિ સર્જતો વાયુ. તેનું રાસાયણિક નામ નાઇટ્રસ ઑક્સાઇડ છે અને તેનું બંધારણ N2O છે. સામાન્ય તાપમાને તે રંગવિહીન, નિર્જ્વલનશીલ (non-inflammable), ગમે તેવી મીઠી સુગંધ અને સ્વાદવાળો વાયુ છે. તે શસ્ત્રક્રિયા અને દંતવિદ્યામાં નિશ્ચેતક (બેભાન કરનાર) અને પીડાનાશક ઔષધ તરીકે વપરાય છે. તે ગતિસ્પર્ધા(race)માં મોટરકારના યંત્રના બળવર્ધન માટે ઑક્સિજનદાયી રસાયણ તરીકે પણ વપરાય છે.
અગાઉ દંતવિદો તેનો વ્યાપક ઉપયોગ કરતા હતા. દર્દીને આખા ચહેરાનું મહોરું પહેરાવીને નાક વાટે તેને શ્વાસમાં અપાતો. પાછળથી તે માટે અંત:શ્વસન માટે દ્વિકપાટી (bivalve) અંત:શ્વસનક ઉપકરણ પણ તૈયાર કરાયું હતું. હાલ તે માટે પ્રવાહમાપક (flowmeter) નામનું ઉપકરણ વપરાય છે. જ્યારે સતત પ્રવાહની પદ્ધતિ વપરાય ત્યારે તેને દૂર કરવાની પ્રક્રિયાનું પણ આયોજન કરાય છે. તે એક મંદ નિશ્ચેતક (mild anaesthetic) ઔષધ છે. સર્વાંગી નિશ્ચેતના (general anaesthesia) માટે તેને તથા ઑક્સિજનને 2 : 1ના યોગ્ય પ્રમાણમાં અપાય છે. તે સમયે તે સેવોફ્લ્યૂરેન કે ડેસફ્લ્યૂરેન જેવા વધુ અસરકારક નિશ્ચેતકોના વાહક તરીકેનું કાર્ય કરે છે.
તે એક વિસંગકારી (dissociative) ઔષધ છે અને તે પીડાનાશન, વિવ્યક્તિત્વીકરણ (depersonalization), વિયથાર્થીકરણ (derealization), સ્વર્ગસુખાભાસ (euphoria) અને દુરુચ્ચારણ (distortion of sound) કરે છે. વળી તેનાથી થોડાં અંધારાં આવે છે (dizziness) અને તે મનોભ્રમ (hallucinations) પણ સર્જે છે, તેથી તેનો અગાઉ મનોરંજન માટે ઉપયોગ થતો. હાલ તે થતું અટકાવવા તેની સાથે સલ્ફર ડાયૉક્સાઇડ કે તત્વસ્વરૂપી સલ્ફર ઉમેરવામાં આવે છે. ક્યારેક મનોરંજન માટે તેની સાથે એમાઇલ નાઇટ્રેટ પણ લેવાય છે. તે ક્યારેક ટેવ પાડે છે. તેના લાંબા સમયના સેવનથી વિટામિન બી–12ની ઊણપ થાય છે, જેમાં લોહીના કોષોનું ઉત્પાદન ઘટે, ચેતારુગ્ણતા (neuropathy) થાય, કાનમાં ઘંટડીનાદ (tinitus) થાય તથા હાથપગમાં ખાલી ચડે. સગર્ભા સ્ત્રીને તે અપાતું નથી, કેમ કે તે ગર્ભને નુકસાન કરે છે.
શિલીન નં. શુક્લ