હાંફણી (hyperventilation) : માનસિક કારણોસર (મનોજન્ય, psychogenic) શ્વાસ ચડવો તે. તેને શાસ્ત્રીય પરિભાષામાં અતિશ્વસન (hyperventilation) કહે છે. તેમાં હૃદય, ફેફસાં વગેરેનો કોઈ રોગ હોતો નથી. જો હૃદય કે શ્વાસનળીઓના રોગ (દા. ત., દમ) સાથે હાંફણી થાય તો તેનું નિદાન કરવું મુશ્કેલ બને છે. શ્વાસોચ્છવાસની ક્રિયા વખતે તકલીફ પડે કે અગવડ અનુભવાય તો તેને શ્વાસ ચડવો (breathlessness) અથવા દુ:શ્વસન (dyspnoea) કહે છે. જો શ્વાસોચ્છવાસનો દર વધે તો તેને ત્વરિત શ્વસન (tachypnoea) કહે છે.

દુ:શ્વસન-સમયે મોટે ભાગે ત્વરિત શ્વસન પણ થતું હોય છે. દુ:શ્વસન થવાનાં મુખ્ય કારણોમાં ટૂંકા સમયમાં ઘણો શારીરિક શ્રમ (કસરત), હવા પાતળી હોવી (ઊંચાઈ પર), પાંડુતા (anaemia) થવી, હૃદય કે શ્વસનમાર્ગનો રોગ, ફેફસાં પૂરેપૂરાં ફૂલી ન શકે તેવી સ્થિતિ (પેટ કે છાતીમાં પ્રવાહી ભરાવું) વગેરેનો સમાવેશ થાય છે; પરંતુ આવાં કોઈ પણ કારણની ગેરહાજરીમાં ફક્ત માનસિક કારણોસર ઝડપી અને છીછરો શ્વાસોચ્છવાસ થાય તો તેને હાંફણી કહે છે. તેના કારણે શરીરમાં ઉત્પન્ન થતા અંગારવાયુ (carbon dioxid, CO2) કરતાં વધુ પ્રમાણમાં CO2 શરીરની બહાર નીકળી જાય છે. તેને CO2 અતિનિકાલ (CO2 washout) કહે છે. તેથી લોહીમાં CO2નો આંશિક દાબ (આંશિક પ્રદમ, partial pressure) ઘટે છે. તેના કારણે આંગળીઓમાં ઝણઝણાટી જેવી પરાસંવેદના (paraesthesia) થાય છે, માથું ખાલી ખાલી લાગે છે અને છાતીની મધ્યમાં અસુખ (discomfort) લાગે છે. CO2 અતિનિકાલના કારણે શરીરમાં અતિક્ષારદવિકાર (alkalosis) થાય છે, જેને કારણે હાથપગની આંગળીઓ વળી જાય છે. તેને હસ્તપાદ સતતસંકોચન (corpopedal spasm) કહે છે. આ તકલીફોને કારણે દર્દી વધુ સચિંત (anxious) બને છે અને મનોવિકારી અતિશ્વસન (હાંફણી) વધુ તીવ્ર બને છે. ઊંઘમાં ભાગ્યે જ આવી તકલીફ થાય છે. સામાન્ય રીતે તે આરામ કરવાની સ્થિતિમાં થાય છે, તણાવકારી સંજોગોમાં તે થઈ આવે છે અને કસરત કરવાથી શમે છે.

સારણી : મનોજન્ય અતિશ્વસન (હાંફણી) સૂચવતા ઘટકો

1. ઊંડો શ્વાસ લેવામાં મુશ્કેલી.
2. આરામમાં પણ વારંવાર નિ:શ્વાસ મૂકવો કે અનિયમિતપણે શ્વસનકાર્ય (ઝડપી કે સામાન્ય ગતિવાળું) થવું.
3. ફેફસાના રોગની ગેરહાજરીમાં લાંબો સમય શ્વાસ રોકવામાં મુશ્કેલી થવી.
4. શ્વસનમાપન(spirometry)ની કસોટીમાં સતત અલગ અલગ પરિણામ.
5. મધ્યમ તીવ્રતાની હાંફણીમાં પણ વધુ પડતી તકલીફ.
6. આંગળીઓમાં પરાસંવેદના (paraesthesia); દા. ત., ઝણઝણાટી થવી.
7. સામાન્ય શ્વસન(tidal ventilation)ના અંતેની આરામની સ્થિતિમાં CO2 4.5 %થી વધુ હોય.

તેના નિદાનમાં સારણીમાં દર્શાવેલા મુદ્દાઓના આધારે કરાતું ગુણાંકન ઉપયોગી બને છે. ધમનીમાંના લોહીમાં ઑક્સિજનનો આંશિક દાબ (PO2) સામાન્ય સ્તરે અને CO2નો આંશિક દાબ (PCO2) ઓછો જોવા મળે છે અને અતિક્ષારદવિકાર (alkalosis) થાય છે. આ નિદાનસૂચક છે અને તેના વડે અન્ય શારીરિક રોગો (દા. ત., ફેફસી જલશોફ – pulmonary oedema, ફેફસી ગુલ્મ-સ્થાનાંતરતા –  pulmonary embolism, ઉગ્ર અને તીવ્ર દમ, દીર્ઘકાલી રોધજન્ય ફેફસીરોગ – chronic obstructive pulmonary disease – COPDમાં થઈ આવેલો ચેપજન્ય હુમલો, ન્યુમોનિયા, ચયાપચયી અતિઅમ્લવિકાર  metabolic acidosis વગેરે)થી અલગ પાડીને નિદાન કરી શકાય છે. આ ઉપરાંત દર્દીનું વૃત્તાંત, શારીરિક તપાસમાં જોવા મળતાં ચિહનો, છાતીનું ઍક્સ-રે-ચિત્રણ, હૃદયનો વીજાલેખ (ECG) તથા અન્ય કસોટીઓ પણ નિદાન ભેદ કરવામાં ઉપયોગી રહે છે. તાત્કાલિક હુમલા સમયે દર્દીને એક જ પાત્રમાં શ્વાસોચ્છવાસ કરવાનું (દા. ત., પોતાનાં મોં આગળ લાવેલા હાથના ખોબામાં) કહેવાય છે, જેથી તેમાં CO2નું પ્રમાણ વધવાથી દર્દીના શરીરમાંથી CO2નો નિકાલ ઘટે છે અને PCO2 (CO2નો આંશિક દાબ) વધે છે. સાથે સાથે દર્દીને કોઈ મોટો રોગ નથી તેવી હૈયાધારણ અપાય છે અને તેની ચિંતા-અજંપો ઘટાડાય છે. તેને કસરત અથવા શિથિલનની પ્રક્રિયા શીખવીને પણ રાહત અપાય છે.

શિલીન નં. શુક્લ