હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus)

February, 2009

હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus) (જ. 25 ઑક્ટોબર 1931, હૅમ્બર્ગ, જર્મની) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ ક્લાઉઝ હાસૅલ્માન તથા સ્યુકુરો માનાબેને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ જ્યૉર્જ્યો પારિસીને પરમાણુઓથી ગ્રહો સુધીના પરિમાણની ભૌતિક પ્રણાલીઓમાં અવ્યવસ્થા અને ઉચ્ચાવચ(વધઘટ)ની પરસ્પર ક્રિયાની શોધ માટે પ્રાપ્ત થયો હતો.

ક્લાઉઝ હાસૅલ્માન

હાસૅલ્માનના પિતા અર્થશાસ્ત્રી, પત્રકાર તથા પ્રકાશક હતા. તેમના કુટુંબે 1934માં નાઝી શાસનથી બચવા માટે હૅમ્બર્ગ, જર્મનીથી ઇંગ્લૅન્ડ સ્થળાંતર કર્યું અને અહીં હાસૅલ્માન શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1949માં તેઓ પાછા હૅમ્બર્ગ ગયા અને યાંત્રિક ઇજનેરીમાં એક વર્ષ શિક્ષણ લીધું. ત્યારબાદ 1950 તેઓ ભૌતિકશાસ્ત્ર તથા ગણિતશાસ્ત્રના અભ્યાસાર્થે યુનિવર્સિટી ઑવ્ હૅમ્બર્ગમાં જોડાયા. 1957માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ગોટિન્ગન અને મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફ્લુઇડ ડાઇનેમિક્સમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

હાસૅલ્માને હવામાન ગતિશાસ્ત્ર, પ્રસંભાવ્ય ક્રિયાઓ (stochastic processes) સમુદ્રતરંગો, સુદૂર સંવેદનો વગેરે ક્ષેત્રોમાં સંશોધનો પ્રકાશિત કર્યાં છે. સમુદ્રવિજ્ઞાનમાં તેઓ પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. હવામાન બદલાવ(climate change)ના ક્ષેત્રે તેમણે મહત્વનાં સંશોધનો કર્યાં છે. અને તેમને આ ક્ષેત્રે સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 1971માં તેમને અમેરિકન મિટિયોરોલૉજિકલ સોસાયટી તરફથી ચંદ્રક તથા 1997માં રૉયલ મિટિયોરોલૉજિકલ સોસાયટી તરફથી સાયમન્સ મેમોરિયલ ચંદ્રક પ્રાપ્ત થયા છે.

પૂરવી ઝવેરી