કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર

January, 2006

કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર : સામાજિક કલ્યાણના સંદર્ભમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની પદ્ધતિની આર્થિક કાર્યક્ષમતા તથા આર્થિક નીતિઓની સમીક્ષા કરતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખા. તે મુખ્યત્વે ત્રણ બાબતોને સ્પર્શે છે : આર્થિક કાર્યક્ષમતાની વ્યાખ્યા કરવી; જુદી જુદી આર્થિક પદ્ધતિમાં થતી સાધનફાળવણીની કાર્યક્ષમતાની મુલવણી કરવી; તથા સામાજિક-આર્થિક કલ્યાણમાં સુધારો સૂચવતી શરતો નિર્ધારિત કરવી. અર્થશાસ્ત્રની સંલગ્ન શાખા તરીકે વીસમી સદીમાં તેનો વિકાસ થયો છે અને સામાજિક કલ્યાણના સંદર્ભમાં વૈકલ્પિક આર્થિક વ્યવસ્થાઓનું નિરૂપણ કરતા સિદ્ધાંતોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે.

કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ગ્રાહકના અધિક સંતોષ જેવી કેટલીક પાયાની વિભાવનાઓ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ઓગણીસમી સદીમાં રજૂ કરી હતી, તેમ છતાં આર્થિક સિદ્ધાંતની સુવ્યાખ્યાયિત શાખા તરીકે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ઉદય બ્રિટિશ અર્થશાસ્ત્રી એ. સી. (આર્થર સેસિલ) પિગૂના ‘વેલ્થ ઍન્ડ વેલ્ફેર’ (1912) અને તે પછીના સંવર્ધિત ‘ધી ઈકોનૉમિક્સ ઑવ્ વેલ્ફેર’ (1932) ગ્રંથોના પ્રકાશનથી થયો છે.

આદર્શમૂલક (normative) વિશ્લેષણ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો ભાગ છે તે ધારણા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ મૂળભૂત રીતે સ્વીકારેલી હોવાથી આર્થિક નીતિવિષયક માર્ગદર્શન આપવાની બાબત અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો ભાગ છે કે નહિ તેનું નિરૂપણ તેમને મતે પ્રસ્તુત ન હતું. અર્થશાસ્ત્ર એ રાજ્યના વ્યવહારની એક શાખા છે એવું તેમનું મંતવ્ય હતું અને તેથી તેમણે અર્થશાસ્ત્રને ‘રાજકીય અર્થશાસ્ત્ર’ (political economy) એવી અર્થપૂર્ણ સંજ્ઞા આપી હતી. પરંતુ 1932માં પ્રો. લિયોનેલ રૉબિન્સનો ‘ઍન એસે ઑન ધી નેચર ઍન્ડ સિગ્નિફિકન્સ ઑવ્ ઈકોનૉમિક સાયન્સ’ નામનો ગ્રંથ પ્રકાશિત થયો, જેમાં તેમણે અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન (positive science) છે, તુષ્ટિગુણ અને તેથી કલ્યાણ એ આત્મલક્ષી વિભાવના હોવાથી તે માપી શકાય નહિ, તેમજ તુષ્ટિગુણની આંતરવૈયક્તિક સરખામણી (inter-personal comparison) અશાસ્ત્રીય અભિગમ છે તેવી વિચારસરણી ભારપૂર્વક રજૂ કરી. આ વિચારસરણી સ્વીકારીએ તો કોઈ પણ આર્થિક નીતિના અમલને કારણે તુષ્ટિગુણ એટલે કે કલ્યાણમાં થતી વધઘટને પણ માપી શકાય નહિ અને તેમ થતાં તુષ્ટિગુણની આંતરવૈયક્તિક સરખામણી પર રચાયેલા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના અસ્તિત્વને કોઈ વૈજ્ઞાનિક આધાર રહેતો નથી તેમ સ્વીકારવું પડશે. પરંતુ 1929ની વિશ્વમહામંદીએ ઊભી કરેલી પરિસ્થિતિને લીધે નીતિવિષયક વિચારસરણી અંગે જે પડકાર ઊભો થયો તેમાંથી 1936માં પ્રો. કેઇન્સનો ‘ધી જનરલ થિયરી ઑવ્ એમ્પ્લૉયમેન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ નામનો શકવર્તી ગ્રંથ મળ્યો. તેને લીધે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રને એક નવી દિશા પ્રાપ્ત થઈ. મહામંદી જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા પ્રકારની આર્થિક નીતિ રાજ્ય માટે ઇષ્ટ ગણાય, મુક્ત બજાર તંત્ર કે સ્વૈરવિહાર પર આધારિત અર્થવ્યવસ્થા કેટલે અંશે ‘આદર્શ’ છે, પૂર્ણ રોજગારી સિદ્ધ કરવા માટે મૂડીરોકાણ ક્ષેત્રે રાજ્ય કઈ ભૂમિકા અદા કરી શકે તેવી – અગાઉ ઉપેક્ષિત રહેલી અનેક બાબતો પર અર્થશાસ્ત્રીઓએ ચિંતન કર્યું. 1938માં અર્થશાસ્ત્રી પ્રો. હેરાડે એવું મંતવ્ય રજૂ કર્યું કે સમાજના કલ્યાણમાં વધારો કરી શકે તેવી નીતિવિષયક ભલામણ કરવાનું અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની બહારનું ગણવામાં આવે તો સમાજશાસ્ત્ર તરીકે તે બિનઉપયોગી બનશે. પ્રો. કાલ્ડોરે પણ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અંગેના નવા ર્દષ્ટિકોણને ટેકો આપ્યો, પરંતુ ઉત્પાદનવ્યવસ્થા પર આર્થિક નીતિની જે અસરો સંભવે છે તેટલા પૂરતું જ વિશ્લેષણ અર્થશાસ્ત્રે હાથ ધરવું જોઈએ, આવકની વહેંચણી પર તેની થતી અસરોનું વિશ્લેષણ તેના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવું જોઈએ તેવું કાલ્ડોરનું મંતવ્ય છે. કોઈ પણ આર્થિક નીતિની સામાજિક ઇષ્ટતા નક્કી કરવાના માપદંડ કે કસોટીરૂપે તેમણે ‘વળતરના સિદ્ધાંત’નું પ્રતિપાદન કર્યું છે. તેમાં સ્વીકારી લેવામાં આવ્યું છે કે દરેક આર્થિક નીતિના અમલથી સમાજના કેટલાક ઘટકોને લાભ થતો હોય ત્યારે બીજા ઘટકોને ગેરલાભ થાય તેવી સંભાવના નકારી શકાય નહિ અને જો તેમ થાય તો લાભ મેળવતા ઘટકોએ ગેરલાભ ભોગવતા ઘટકોને તેમને થતા ગેરલાભ જેટલું વળતર ચૂકવવું જોઈએ અને તેમ કર્યા પછી પણ જો લાભ મેળવતા ઘટકોને આર્થિક કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થયાની અનુભૂતિ થતી હોય તો નવી આર્થિક નીતિ ઇષ્ટ ગણવી જોઈએ. પ્રો. લિટલના મંતવ્ય મુજબ સામાજિક કલ્યાણના સંદર્ભમાં આર્થિક નીતિની મુલવણી કરતી વેળાએ તે કયાં જીવનમૂલ્યો પર આધારિત છે તેની સ્પષ્ટતા અર્થશાસ્ત્રીઓએ કરવી જોઈએ. લિટલના મંતવ્ય મુજબ માત્ર ઉત્પાદનવ્યવસ્થા અંગે જ નહિ પરંતુ આવકની વહેંચણીના સ્વરૂપ અંગે પણ અર્થશાસ્ત્રીઓએ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ.

પ્રો. બર્ગસને તેમના ‘સામાજિક કલ્યાણ વિધેય’(social welfare function)ની વિભાવના દ્વારા સામાજિક સમતૃપ્તિની રેખાનો નિર્દેશ કર્યો છે. આ વિભાવના મુજબ સામાજિક કલ્યાણની એક જ રેખાનાં જુદાં જુદાં બિંદુઓ પર સમાજનું હલનચલન થશે ત્યાં સુધી કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં વધારો થતાં બીજાના કલ્યાણમાં ઘટાડો થવા છતાં સમગ્ર સામાજિક કલ્યાણ-સપાટીમાં કોઈ ફેરફાર થશે નહિ. આનો અર્થ એ થાય કે સામાજિક કલ્યાણની જુદી જુદી સપાટી દર્શાવતી રેખાઓ તુલનાત્મક રીતે કલ્યાણની અધિક કે અલ્પ માત્રાનો નિર્દેશ કરશે.

સામાન્ય રીતે આદર્શમૂલક અભ્યાસ તરીકે લેખાતા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિના કલ્યાણની જ વાત થાય તો તે આદર્શમૂલક જ હોય એવું જરૂરી નથી. દા.ત., જો સુખને કલ્યાણના પર્યાય તરીકે સ્વીકારવામાં આવે તો વ્યક્તિના પસંદગીના ક્ષેત્રનો થતો વધારો વ્યક્તિના કલ્યાણમાં વધારો કરે છે એવું કથન મૂલ્ય (value) કરતાં હકીકત (fact) પર આધારિત બને છે.

પ્રો. પિગૂ માને છે કે નાણાંના માપદંડ દ્વારા માપી શકાય તેવા જ કલ્યાણનો વિચાર અર્થશાસ્ત્રમાં થવો જોઈએ, નાણાંના માધ્યમ વિના સર્જાતું માનવકલ્યાણ અર્થશાસ્ત્રના ક્ષેત્ર બહારનું છે.

સૂક્ષ્મ રીતે વિચારીએ તો આધુનિક કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની પાયાની વિભાવનાઓ પર રચાયેલા છે. એટલું જ નહિ પરંતુ તેના માળખા પર પણ શિષ્ટ અર્થશાસ્ત્રીઓના અભિગમની છાપ દેખાઈ આવે છે. તફાવત આટલો જ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનાં લખાણોમાં વિશ્લેષણ અને આર્થિક નીતિવિષયક બાબતો અતૂટ રીતે વણી લેવામાં આવેલ છે જ્યારે આધુનિક કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વિજ્ઞાન અને વ્યવહારલક્ષી નીતિશાસ્ત્ર વચ્ચેના સહસંબંધો પર ખુલ્લી રીતે, અલાયદો ભાર મૂકવામાં આવ્યો છે. સામાજિક કલ્યાણ એ હકીકતમાં બંને વચ્ચેનો સેતુ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

હેમન્તકુમાર શાહ