કલ્યાણ મંડપ કે અમન મંદિર

January, 2006

કલ્યાણ મંડપ કે અમન મંદિર : ખૂબ જ અલંકૃત સ્તંભયુક્ત મંડપ. દક્ષિણ ભારતમાં મંદિરસ્થાપત્ય સ્વતંત્ર પદ્ધતિએ વિકાસ પામ્યું છે. પરિણામે ત્યાંનું મંદિરવિધાન ઉત્તર ભારત કરતાં જુદું તરી આવે છે. મંદિરની અતિ વિસ્તૃત પૂજાવિધિઓને કારણે તેમાં દેવતાગાર, સભાગૃહ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં કેટલાક નવા જોડાયેલા ભાગોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આવા ભાગોમાં નોંધપાત્ર અમન-દેવતાગાર સહગામી ‘પ્રિયતમ કે પ્રિયતમા – દેવ કે દેવી’ માટે કલ્યાણ મંડપનો ઉમેરો થયો. તેમાં દેવદેવીઓના વિધિપુર:સરના વિવાહ માટે વેદિકા કે ઉન્નત સ્થાન બનાવેલું હોય છે.

મુખ્ય મંદિરની ઉત્તરે અમન મંદિર કે કલ્યાણ મંડપ પૂર્વાભિમુખ હોય છે. દક્ષિણ ભારતમાં સાધારણ રીતે મોટાં અને અગત્યનાં દેવમંદિરોને અમન મંદિર હોય છે. અમન મંદિરમાં તે તે દેવની પત્ની-દેવીની મૂર્તિ મૂકવામાં આવે છે; જેમ કે શિવમંદિરની બાજુની અમનની નાની દેરીમાં દેવી પાર્વતીની મૂર્તિ, વૈષ્ણવ મંદિરની બાજુની દેરીમાં લક્ષ્મીની મૂર્તિ. ઘણાં મોટાં મંદિરોમાં કલ્યાણ મંડપ કે અમન મંદિર ઉપરાંત બીજાં પણ નાનાં નાનાં મંદિરો કરવામાં આવે છે. આ મંદિરોમાં મુખ્યત્વે તે તે દેવોના પરિવાર અથવા તે તે દેવના વાહનની મૂર્તિ મૂકવામાં આવે છે અથવા તે દેવના કોઈ મુખ્ય કે આશ્ચર્યકારક અવતારની મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી હોય છે. ગૌણ દેવોનાં નાનાં નાનાં મંદિરો ઉપરાંત દરેક મોટા મંદિરના પટાંગણમાં એક કે વધારે મંડપો સ્તંભયુક્ત કરવામાં આવે છે. આ મંડપો સામાન્ય રીતે સુશોભિત બનાવવામાં આવે છે. એમાં મોટા મંદિરના મુખ્ય દેવ સાથે સંકળાયેલા ઉત્સવો કે સમારંભો થાય છે. આ સમારંભોમાં કેટલીક ધાર્મિક વિધિ થાય છે, જેમ કે દેવ-દેવીનો વિવાહ પ્રતિવર્ષ કરવામાં આવે છે. બીજા મંડપોમાં ધાર્મિક પ્રવચનો કે કથા થાય છે. ઓસરી કે સ્તંભયુક્ત પરસાળના ભાગનો ઉપયોગ ધર્મોપદેશક બ્રાહ્મણો કે મંદિરની યાત્રાએ આવેલા યાત્રાળુઓ કરે છે.

કલ્યાણ મંડપ મુખ્ય મંદિર કરતાં નાનો હોય છે, પણ કેટલીક વાર મુખ્ય મંદિર કરતાં અમન મંદિર વધારે અલંકૃત હોય છે.

 આને દક્ષિણ ભારતમાં ‘સ્તૂપી’ કહેવામાં આવે છે. આ સ્તૂપી ઉપર સામાન્ય રીતે સોનાનો ઢોળ ચડાવેલા પતરાનો કળશ હોય છે. અમન મંદિરનું છાપરું અર્ધનળાકાર કરવામાં આવે છે. આ અર્ધનળાકાર છાપરું મંદિરના દરવાજા કે ગોપુરમની ટોચ જેવું દેખાય છે. છતાં આ છાપરાનો સામાન્ય દેખાવ બૌદ્ધ ચૈતન્યની યાદ આપે છે. તેથી અમન મંદિરનું છાપરું મુખ્ય મંદિર કરતાં જુદું પડે છે. આ અપવાદ સિવાય બંને મંદિરની રચના અને સુશોભન સરખાં હોય છે. અમન મંદિરનો સન્મુખ ભાગ અને તેનો આગળનો પ્રવેશખંડ સપાટ છતવાળો હોય છે.

પ્રાકારના ઈશાન કોણમાં કલ્યાણ મંડપ હોય છે. આ મંડપનો ઉપયોગ મંદિર સાથે સંકળાયેલા મુખ્ય તહેવારો વખતે કરવામાં આવે છે. આ મંડપમાં જુદાં જુદાં શિલ્પાંકનો કંડારેલાં હોય છે, જેમ કે રામાયણમાં આવતા રામના જીવનના વિવિધ પ્રસંગો. વૈવિધ્ય ધરાવતી શિલ્પાકૃતિઓથી કલ્યાણ મંડપ વધારે સુશોભિત અને અલંકૃત જણાય છે.

પ્રિયબાળાબહેન શાહ