કલ્લિનાથ (પંદરમી સદી) : સંગીતકાર. વિજયનગરના રાજા પ્રતાપદેવના આશ્રયે પંડિત કલ્લિનાથે એ રાજાની આજ્ઞાનુસાર સંસ્કૃત ક્લિષ્ટ ગ્રંથ ‘સંગીતરત્નાકર’ પર ટીકા લખી તે ગ્રંથની દુર્બોધતા ટાળી તેનું સુગમ સંપાદન કર્યું. રાજા પ્રતાપદેવનું વિજયનગરમાં શાસન 1456થી 1477 સુધી હતું. કલ્લિનાથના જન્મ, મરણ કે ચરિત્ર વિશે વિશેષ માહિતી પ્રાપ્ય નથી. આથી આ રાજાના રાજ્યકાળને જ તેમના જીવનકાળ સાથે સાંકળી શકાય. કલ્લિનાથને ‘ચતુર’ નામની પદવીથી વિભૂષિત કરાયા હતા અને તેથી તે ચતુર કલ્લિનાથ તરીકે ઓળખાય છે. તે સંગીતવિદ્યાના પંડિત હતા અને ‘સંગીતરત્નાકર’ની ટીકા ઉપરાંત તેમણે સંગીત વિશે બીજા ગ્રંથો લખ્યા હશે એવી માન્યતા છે.

કૃષ્ણવદન જેટલી