કલ્યાણ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કલ્યાણ થાટમાંથી રચાયેલ તેનો આશ્રય રાગ. ભારતના વિખ્યાત સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેજીએ માત્ર દસ થાટમાં ઉત્તર ભારતીય સંગીતના રાગોનું વર્ગીકરણ કર્યું છે. થાટ અથવા મેળનો અર્થ સ્વરોની કોમલ તીવ્રતાનો ઉપયોગ કરીને બનાવેલી એક નિશ્ચિત સ્વરરચના. દરેક જનક થાટને એટલે કે મેળને એમણે એ જ રાગનું નામ આપ્યું છે, જેથી તેને સહેલાઈથી સમજી શકાય છે.
દસ થાટમાં કલ્યાણ થાટનો સમાવેશ થાય છે. એમાં એક વિકૃત સ્વર એટલે કે મધ્યમ તીવ્ર અને બીજા બધા સ્વર શુદ્ધ હોય છે. મધ્યમ સ્વરની બાબતમાં મતભેદ છે. કારણ કે યમન કલ્યાણમાં બંને મધ્યમ – શુદ્ધ તેમજ તીવ્ર – લેવાની પ્રથા છે, એટલે કે કલ્યાણ થાટમાં બંને મધ્યમ પણ લેવાય છે. આમ છતાં અધિકતર કિસ્સામાં તીવ્ર મધ્યમ વધારે ઉપયોગમાં લેવાય છે અને શુદ્ધ મધ્યમનો ઉપયોગ ઓછો થાય છે.
સ્વરોની કોમલ તીવ્રતાને લઈને બનાવેલી સ્વરરચનામાં જ સ્વરસંખ્યા, વાદી-સંવાદી સ્વર, સ્વરોની પ્રધાનતા-દુર્બલતા એમ અલગ અલગ પ્રકારનાં પરિવર્તનો કરીને દરેક થાટમાંથી વિવિધ પ્રકારનાં રાગ-રાગિણીઓનું નિર્માણ થાય છે. પંડિત ભાતખંડેજીના મત પ્રમાણે આ રીતે રાગવર્ગીકરણ થતાં કલ્યાણ થાટમાં નીચેનાં રાગ-રાગિણીઓનો સમાવેશ થાય છે : (1) કલ્યાણ (2) યમન કલ્યાણ (3) શુદ્ધ કલ્યાણ (4) ભુપાલી (5) હમીર (6) કેદાર (7) કામોદ (8) છાયાનટ (9) શ્યામકલ્યાણ (10) હિંડોલ (11) ગૌડસારંગ (12) માલશ્રી (13) યમની (14) ચંદ્રકાંત અને (15) જૈત કલ્યાણ.
કલ્યાણ રાગની રચના પોતાના જ નામના થાટમાંથી એટલે કલ્યાણમાંથી થયેલી માનવામાં આવે છે. તેથી તેને આશ્રય રાગ કહી શકાય. આમાં તીવ્ર મધ્યમ અને અન્ય સ્વરો શુદ્ધ લેવામાં આવે છે.
प्रथम प्रहर निशि गाइये ग-नि को कर संवाद
जाति संपूर्ण तीवर मध्यम यमन आश्रय राग ।
રાગનો મુખ્ય સ્વર એટલે કે વાદી સ્વર ગંધાર એટલે ग અને સંવાદી સ્વર નિષાદ એટલે नि માનવામાં આવે છે. કલ્યાણ રાગ રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાય છે.
કલ્યાણ રાગની વિશેષતાઓ : (1) યવનોએ આ રાગને યમન અથવા ઇમન કહેવાનું શરૂ કર્યું. પરંતુ આનું પ્રાચીન નામ કલ્યાણ છે અને એટલે જ આ રાગનાં બે નામ થયાં – યમન અને કલ્યાણ. બંનેને એક કરવાથી નવો રાગ યમન કલ્યાણ થયો, જેમાં બંને મધ્યમનો પ્રયોગ કરવામાં આવે છે. આમાં શુદ્ધ મધ્યમ માત્ર અવરોહમાં બે ગંધાર વચ્ચે કરવામાં આવે છે.
જેમ કે, ની રે ગ મ પ, પ મ ગ મ રે, ની રે સા.
(2) કલ્યાણ રાગનું ચલન અધિકતર મન્દ્ર ની થી આરંભ થાય છે તેમજ તીવ્ર મધ્યમથી તારસપ્તક તરફ જતાં પંચમ છોડવામાં આવે છે. દા.ત., ની રે ગ મ ધ ની સાl. એટલે જ તેનો આરોહ બે પ્રકારથી લખી શકાય. બંને પ્રકારમાં મધ્યમ તીવ્ર અને જાતિ સંપૂર્ણ-સંપૂર્ણ માનવામાં આવે છે.
(3) કલ્યાણના ઘણા પ્રકાર છે. શુદ્ધ કલ્યાણ, પૂરિયા કલ્યાણ, જૈત કલ્યાણ, રાજ કલ્યાણ, શુભ કલ્યાણ, દુર્ગા કલ્યાણ, હેમ કલ્યાણ, ગોરખ કલ્યાણ વગેરે. આનાથી સ્પષ્ટ થાય છે કે કલ્યાણ શુદ્ધ અને પ્રાચીન નામ છે.
(4) આ રાગમાં ની રે – પ રે સ્વરસમૂહ વારંવાર પ્રયોગમાં આવે છે.
(5) કલ્યાણ થાટના નામ પરથી થયેલો મુખ્ય રાગ એટલે આશ્રય રાગ.
(6) રાગની પ્રકૃતિ ગંભીર છે. તેમાં બડા ખ્યાલ, છોટા ખ્યાલ, તરાના, ધ્રુપદ, મજીતખાની અને રજાખાની ગતો એવા ગાયનવાદનના બધા જ પ્રકાર આવી શકે છે.
(7) રાગનું ચલ ત્રણે સપ્તકમાં થાય છે. (ત્રણે સપ્તકમાં ગવાય છે.)
(8) ન્યાસ સ્વર : સા, રે, ગ, પ, ની.
(9) સમપ્રાકૃતિક અથવા મળતો રાગ યમન કલ્યાણ કહેવાય.
કલ્યાણ : ની રે ગ મ પ, ધ મ ગ રે ગ રે ની રે સા.
યમન કલ્યાણ : ની રે ગ મ પ, પ મ ગ મ ગ રે, ની રે સા.
મંદાકિની અરવિંદ શેવડે