કલ્બ : બૌદ્ધિક ક્રિયાઓના આધારરૂપ અંતઃકરણનો ભાગ. સૂફીઓ એક ઉચ્ચતર આત્માનો સ્વીકાર કરે છે અને તેના ત્રણ વિભાગ કરે છે : કલ્બ, રૂહ અને સિર્ર. કલ્બનો અંતઃકરણની બુદ્ધિ સાથે યોગ છે. સૂફીઓ અનુસાર કલ્બ સ્થૂળ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચે રહેલું છે. દૃશ્યમાન જગતમાં અભિવ્યક્ત થનારા પરમાત્માવિષયક જ્ઞાનને તે બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીને અંતરની સૂક્ષ્મ ઇંદ્રિયોને તેની જાણ કરે છે. સૂફીઓનું કહેવું છે કે આ (કલ્બ) રૂહ અને નફ્સ(પ્રાણ)ની વચ્ચે આવેલ છે. તે કુપ્રવૃત્તિઓ અને સુપ્રવૃત્તિઓનું યુદ્ધક્ષેત્ર બની રહેલું હોય છે. એક બાજુ તે પરમાત્માને લગતા જ્ઞાન માટે ખુલ્લું રહે છે તો બીજી બાજુ ઇંદ્રિયો-જનિત વાસનાઓનો પણ પ્રવેશ થવા દે છે.

પ્રવીણચંદ્ર પરીખ