કલિંગ પ્રજા : કલિંગ પ્રદેશમાં નિવાસ કરતી પ્રજા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આ પ્રજાના ઉલ્લેખો અંગ અને બંગ સાથે કરવામાં આવેલ છે. મહાભારત અને પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે બલિ રાજાના પાંચ પુત્રો પૈકી કલિંગના નામ પરથી પ્રદેશ અને પ્રજા કલિંગ તરીકે ઓળખાયાં. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં આ પ્રજાનો રંગ ‘શ્યામ’ કરવા સૂચના આપી છે. ચીની યાત્રિક યુઅન-શ્વાંગ તેની નોંધોમાં આ પ્રજાની વાણી સ્પષ્ટ અને ઝડપી હોવાનું જણાવી તે પ્રજા આચારવિચારમાં મધ્ય ભારતની પ્રજાથી જુદી તરી આવતી હોવાનું જણાવે છે.
ચીનુભાઈ નાયક