કલીમ અબૂતાલિબ (જ. ?; અ. 1651, કાશ્મીર) : મુઘલ દરબારનો ઈરાની કવિ. તેનું કવિનામ કલીમ હતું. તે હમદાનમાં જન્મ્યો હતો અને થોડો સમય કાશાનમાં પણ રહ્યો હતો. શીરાઝમાં શિક્ષણ પ્રાપ્ત કરી કલીમ જહાંગીરના સમયમાં 1617માં ભારતમાં આવ્યો, અને પાછો ઈરાન જતો રહ્યો. બીજી વાર આવ્યો, તે પછી શાહજહાંએ તેને 1634માં રાજકવિપદ આપ્યું. ખુશ થઈને તેને સોનાથી તોળાવી સોનું આપી દીધું. કલીમ કાશ્મીરમાં 1651માં અવસાન પામ્યો. કલીમ ખૂબ સંતોષી, સંસ્કારી અને મધુરભાષી હતો.

કવિ કલીમે ફારસી કાવ્યના દરેક પ્રકારમાં કવિતા લખી છે. તેની ગઝલો ઉત્તમ કક્ષાની છે. તેણે ગઝલમાં નવીન વિષય અને વિચારોનો ઉમેરો કર્યો. કલીમની કૃતિઓમાં એક કાવ્યસંગ્રહ, ‘મસ્નવી ઝફરનામએ શાહજહાન’ અને ‘શાહનામાએ કલીમ’ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ