સંવત

કાલગણના માટેનું જરૂરી અંગ. કાલગણના એ ઇતિહાસની કરોડરજ્જુ છે. રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ઘટનાઓ તત્કાલીન પ્રચલિત સંવતોનાં વર્ષોમાં આપવામાં આવતી. એને આધારે તે તે ઘટનાનો પૂર્વાપર સંબંધ સાંકળી શકાય છે. સાથે સાથે એ ઘટનાનો ચોક્કસ સમય પણ નિશ્ચિત કરી શકાય છે. ભારતીય ઇતિહાસના લાંબા કાલ દરમિયાન જુદા જુદા સમયે જુદા જુદા સંવતો પ્રચલિત હતા.

ઐતિહાસિક કાલના આરંભમાં જ્યારે કોઈ સંવત પ્રયોજાતો ન હતો ત્યારે ઘટનાનો સમય તત્કાલીન રાજાઓના રાજ્યકાલનાં વર્ષોમાં આપવામાં આવતો. મૌર્યકાલમાં કોઈ સળંગ સંવત પ્રયોજાતો ન હતો. મૌર્ય સમ્રાટ અશોકના અભિલેખોમાં ઘટનાઓનો સમય એના રાજ્યકાલનાં વર્ષોમાં આપ્યો છે. શૃંગકાલીન બેસનગર સ્તંભલેખમાં રાજા કૌત્સીપુત્ર ભાગભદ્રના રાજ્યકાલના ચૌદમા વર્ષે તક્ષશિલાના યવનદૂત હેલિયોદોરસે વાસુદેવનો ગરુડસ્તંભ કરાવ્યાનું જણાવ્યું છે. સાતવાહન વંશના ગુફાલેખોમાં પણ સમયનિર્દેશ તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષોમાં કરવામાં આવ્યો છે; જેમકે, ગૌતમીપુત્ર શાતકર્ણિના સંવત્સર (વર્ષ) 18 અને વર્ષ 24નો તેમજ વાસિષ્ઠીપુત્ર પુળુમાવિના સંવત્સર (વર્ષ) 7, 19, 22 અને 24નો ઉલ્લેખ. હૂણ રાજા તોરમાણ અને મિહિરકુલના સમયના લેખો, વિદર્ભનો વાકાટક વંશનાં દાનશાસનો અને પલ્લવ વંશનાં દાનશાસનોમાં રાજ્યકાલનાં વર્ષો આપેલાં છે. વિદેશી રાજવંશો પૈકી ભારતીય યવન વંશના લેખોમાં જે સમયનિર્દેશ મળે છે એમાં પણ રાજ્યકાલનાં વર્ષ પ્રયોજાયાં છે.

ભારતમાં સળંગ સંવતનો નિશ્ચિત પ્રયોગ અનુમૌર્યકાલ (ઈ. પૂ. 185થી ઈ.સ. 319) દરમિયાન થયો. શક, પહ્લવો અને કુષાણોના કેટલાક અભિલેખોમાં સંવતનાં વર્ષો સાથે પહ્લવોએ અપનાવેલાં મેકેડોનિયન મહિનાઓનાં નામ આપેલાં છે. શક પહ્લવ વંશના અભિલેખોમાં વર્ષ 3થી 80 અને પશ્ચિમી કાર્દમક ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં વર્ષ 6થી વર્ષ 337 મળે છે. પરંતુ આમાંના કોઈ વંશના અભિલેખોમાં સંવતનું નામ આપેલું નથી. રાજકીય સંબંધો, લિપિનો મરોડ વગેરે પરથી એ વર્ષોના સંવતો વિશે વિદ્વાનોએ પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે. સંવતના નામનો સહુપ્રથમ નિર્દેશ ‘કૃત’ નામે સંવતનો મળે છે.

ભારતના પ્રાચીન સંવતોમાં વિક્રમ સંવત અને શક સંવત જેવા કેટલાક સંવત હજુ પણ પ્રચલિત છે. કલચુરિ અને ગુપ્ત સંવત જેવા સંવતો સદંતર લુપ્ત થઈ ગયા છે, જ્યારે કલિયુગ, બુદ્ધનિર્વાણ અને વીરનિર્વાણ સંવત જેવા સંવતો ઘણા વહેલા શરૂ થયા હોવા છતાં એ સંવતોનો પ્રયોગ અનેક સૈકાઓ બાદ શરૂ થયો હોવાનું જણાય છે.

અમલી સન : આ સન એ વિલાયતી સનનું રૂપાંતર છે. તફાવત માત્ર એટલો જ છે કે અમલી સનના વર્ષનો આરંભ ભાદ્રપદ માસની શુક્લ દ્વાદશીથી થાય છે, જ્યારે વિલાયતી સનનું વર્ષ કન્યાસંક્રાન્તિથી શરૂ થાય છે. ઓરિસાના રાજા ઇન્દ્રદ્યુમ્નનો જન્મદિવસ ભાદ્રપદ સુદિ 12ના દિવસે હતો. આથી આ સનનો આરંભ પખવાડિયાની અધવચ્ચેથી ગણવામાં આવ્યો છે. આ સનમાં 592-93 ઉમેરવાથી ઈ.સ. અને 649-50 ઉમેરવાથી વિક્રમ સંવત આવે છે. ઓરિસાના વેપારીઓ અને કાયસ્થોમાં આ સન હજુ પ્રચલિત છે.

અંશુવર્માનો સંવત : નેપાળમાં અંશુવર્માનો સંવત પ્રચલિત થયો તે પૂર્વે અહીં શક સંવત પ્રયોજાતો હતો. અંશુવર્માનું રાજ્યારોહણ શક સં. 501માં થયું ત્યારે એના સમયમાં વર્ષ 1થી શરૂ કરીને નવો સંવત ગણવામાં આવ્યો. આ સંવતને કેટલાક વિદ્વાનોએ હર્ષ સંવત માન્યો હતો; પરંતુ અંશુવર્માનો સંવત હર્ષ સંવતથી જુદો હતો અને થોડો વહેલો શરૂ થયો હતો. અંશુવર્માના અભિલેખોમાં વર્ષ 34થી 45 હર્ષ સંવતનાં હોય તો એ રાજા ઈ.સ. 651 સુધી રાજ્ય કરતો ગણાય. જ્યારે યુ-અન-શ્ર્વાંગે ઈ.સ. 637માં એનો ઉલ્લેખ ભૂતપૂર્વ રાજા તરીકે કર્યો છે. આથી આ સંવત અંશુવર્માના રાજ્યના વર્ષ 1થી અર્થાx શક 501(ઈ.સ. 579)થી શરૂ થયો જણાય છે. એ અંશુવર્માનો સંવત કહી શકાય. શક સંવતના વર્ષમાંથી 500 બાદ કરતાં આ સંવતનાં વર્ષ આવે. આથી એનો આરંભ શક 501(ઈ.સ. 579)માં થયો ગણાય. એનાં વર્ષ 34થી 153ના લેખ મળ્યા છે. અંશુવર્માના વર્ષ 34, 39 અને 45ના, જિષ્ણુગુપ્તનો વર્ષ 48નો, શિવદેવ 2જાના વર્ષ 119 અને 143ના અને જયદેવ પરચક્રકામનો વર્ષ 153નો લેખ આ સંવતના ગણાય.

આગુપ્તાયિક સંવત : ઈ. સ.ની 7મી સદીના મધ્યમાં દખ્ખણમાં એક નવો સંવત પ્રયોજાયો, જે આગુપ્તાયિક સંવત તરીકે ઓળખાયો. રાષ્ટ્રકૂટ રાજા દેજ્જ મહારાજના ગોકાક તામ્રપત્રમાં ‘आगुप्तायिकानां रा‍ज्ञां अष्टासु वर्षशतेषु पञ्चचत्वारिंशदग्रेषु गतेषु’ – ‘આગુપ્તાયિક રાજાઓનાં 845 વર્ષ પસાર થયાં ત્યારે’ એવો ઉલ્લેખ આવે છે. લિપિના મરોડ પરથી આ દાનશાસન ઈ. સ.ની 7મી સદીના મધ્યનું લાગે છે. દેજ્જ મહારાજ ચાલુક્ય રાજા પુલકેશી 2જાના મૃત્યુ (ઈ.સ. 642) અને વિક્રમાદિત્ય 1લાના રાજ્યારોહણ (ઈ.સ. 655) વચ્ચેના ગાળા દરમિયાન બેલગામ પ્રદેશમાં રાજ્ય કરતો હોવાનું જણાય છે. આ સંવત ઘણું કરીને ઈ.સ. 645 પહેલાં 845 વર્ષ પર એટલે કે, ઈ. પૂ. 200માં શરૂ થયો ગણાય. ભારતમાં ઈ. પૂ. 57 પહેલાં કોઈ સંવત વાસ્તવમાં પ્રચલિત થયો હોય એવું ભાગ્યે જ સંભવે. આથી આ સંવત દેજ્જ મહારાજના સમયમાં (7મી સદીમાં) 845 વર્ષ પહેલાંની કોઈ ઘટનાની સ્મૃતિમાં શરૂ કરાયો હોય તેમ જણાય છે. દેજ્જ મહારાજના દરબારના કોઈ જ્યોતિષીએ ઊભી કરેલી આગુપ્તાયિક શાસનની સ્થાનિક અનુશ્રુતિ પર પણ આધારિત આ સંવત હોય.

આર્મેનિયન સંવત : આ સંવતનો પ્રસાર કરનાર આર્મેનિયન લોકોનો પ્રદેશ આર્મેનિયા કાળા સમુદ્રની દક્ષિણે અને ઈરાનની ઉત્તર-પશ્ચિમે આવેલો છે. આર્મેનિયન લોકોએ પ્રયોજેલ સંવત ‘આર્મેનિયન સંવત’ તરીકે ઓળખાય છે.

આ સંવતનો આરંભ 11મી જુલાઈ, ઈ.સ. 552થી થયેલો મનાય છે. વ્યવહારમાં આર્મેનિયન લોકોએ ઇજિપ્તના જૂના સંવતનાં અનિશ્ચિત વર્ષોનો પ્રયોગ કર્યો, પરંતુ ધાર્મિક રીતે તો જુલિયન કૅલેન્ડરનાં વર્ષો મુજબ તેઓ ગણતરી કરતા. એ અનુસાર દર ચોથું વર્ષ 366 દિવસનું હોય છે. આથી તહેવારો બધી જ ઋતુઓમાં અને વ્યવહારમાં એક જ વખતે આવે છે. આર્મેનિયન લોકો યુરોપિયનો સાથેના વ્યવહારમાં આર્મેનિયન સંવત અને જુલિયન કૅલેન્ડરનાં વર્ષોનો પ્રયોગ કરતા.

આ સંવતના મહિના તેમજ દિવસ જુદી રીતે ગણાતા, પરંતુ અહીં પ્રયોજાયેલી મિતિઓ તો ઈસવી સનનાં મહિના અને તારીખો પ્રમાણે ગણાતી. ઈસવી સન અને આ સંવત વચ્ચેનો તફાવત 552નો રહે છે. એટલે કે આ સંવતના વર્ષમાં 552 ઉમેરવાથી ઈસવી સનનો આંકડો મેળવી શકાય છે.

ઇલાહી સન : મુઘલ બાદશાહ અકબરે દીન-એ-ઇલાહી નામે નવા ધર્મની સ્થાપના કર્યા પછી ‘ઇલાહી સન’ નામે નવો સન શરૂ કર્યો. એ પહેલાં એના રાજ્યમાં હિજરી સન પ્રચલિત હતો. અબ્દુલ કાદિર બદાયૂનીએ પોતાની કૃતિ मुंतखबुत्तवारीख​માં જણાવ્યા અનુસાર બાદશાહ અકબરે હિજરી સનના સ્થાને ‘તારીખ-ઇ-ઇલાહી’ નામે નવો સંવત પ્રવર્તાવ્યો. એનો આરંભ બાદશાહના રાજ્યારોહણના વર્ષ 1(ઈ.સ. 1556)થી ગણવામાં આવ્યો. હકીકતમાં અકબરે પોતાના રાજ્યકાલના વર્ષ 29(ઈ.સ. 1584)માં આ સંવત પ્રચલિત કર્યો. એ સમયે હિજરી સન 992 (ઈ.સ. 1584) ચાલતો હતો. અકબરનું રાજ્યારોહણ હિજરી સન 963, રોજ 2; રબી ઉસ્સાની (ઈ.સ. 1556, 14 ફેબ્રુઆરી) એ પછી 26 દિવસે–હિજરી સન 963, રબી ઉસ્સાની, રોજ 28 (ઈ.સ. 1556, 11 માર્ચ) જરથોસ્તી વર્ષનો પહેલો મહિનો ફરવરદીન શરૂ થયો હતો. તે દિવસથી ઇલાહી સનનો પહેલો મહિનો ગણવામાં આવ્યો. આ સનમાં કોઈ મહિના 29 દિવસના, કોઈ 30 દિવસના, કોઈ 31 દિવસના અને એક મહિનો 32 દિવસનો ગણાતો. એ રીતે ઇલાહી સનનું વર્ષ કુલ 365 દિવસનું થતું. વળી દર ચોથે વર્ષે 1 દિવસ ઉમેરવામાં આવતો. ઇલાહી સનના બાર મહિનાનાં નામ નીચે પ્રમાણે છે : 1. ફરવરદીન, 2. ઉર્દિબહિશ્ત, 3. ખુર્દાદ, 4. તીર, 5. અમરદાદ્, 6. શહરેવર, 7. મેહર, 8. આવાં (આવ્વાન્), 9. આજ.ર (आदर​), 10. દે, 11. બહમન્, 12. અસ્ફંદિઆરમદ.

આ નામ જરથોસ્તી સનના મહિનાઓનાં નામ પ્રમાણે છે.

1થી 32 રોજનાં નામ આ પ્રમાણે છે : 1. અહુરમજ્દ, 2. બહમન્, 3. ઉર્દિબહિશ્ત, 4. શહરેવર, 5. સ્પંદારમદ્, 6. ખુર્દાદ, 7. મુરદાદ્ (અમરદાદ), 8. દેપાદર, 9. આઝર (આદર), 10. આવાં (આવ્વાન્), 11. ખુરશેદ, 12. માહ (મ્હોર), 13. તીર, 14. ગોશ, 15. દેપમેહર, 16. મેહર, 17. સરોશ, 18. રશ્નહ, 19. ફરવરદીન, 20. બેહરામ, 21. રામ, 22. ગોવાદ, 23. દેપદીન, 24. દીન, 25. અર્દ, 26. આસ્તાદ, 27. આસ્માન્, 28, જમિઆદ, 29. મેહરેસ્પંદ, 30. અનેરાં, 31. રોજ, 32. શબ. આમાં 30 સુધીનાં નામ ઈરાનીઓના રોજનાં હતાં. અંતિમ બે નામ નવાં રખાયાં છે.

ઇલાહી સન અકબર અને જહાંગીરના શાસન દરમિયાન પ્રચલિત રહ્યો. શાહજહાંએ એને સ્થાને હિજરી સન ચાલુ કર્યો અને ઇલાહી સન લુપ્ત થયો.

ઈસવી સન : બ્રિટિશ સત્તાના અમલ દરમિયાન ઈસવી સન ભારતમાં પ્રચલિત થયો. એનો આરંભ રોમ શહેરની સ્થાપનાના 754મા વર્ષની પહેલી જાન્યુઆરીથી થયેલો મનાય છે. આ સંવત જેમની સાથે સંકળાયેલો છે તે ઈસુ ખ્રિસ્તનો જન્મ ત્યારે રોમની સ્થાપનાના 753મા વર્ષની 25મી ડિસેમ્બરે થયેલો માનવામાં આવેલો. રોમના ડાયોનિસિયસ ઑક્સિગુઅસ નામે ખ્રિસ્તી પાદરીએ પોતાના સંપ્રદાય માટે ઈસુ ખ્રિસ્તનો સંવત શરૂ કરવાનો વિચાર કર્યો ને ઈસુ ખ્રિસ્તના જન્મનું વર્ષ શોધવા માંડ્યું. એ બનાવ એને ઑલિમ્પિઅડ સંવત 194ના 4થા વર્ષે અને રોમ નગરની સ્થાપનાના સંવતના વર્ષ 753માં થયાનું જણાયું. ત્યારે એના મતે ઈસુના જન્મને 527 વર્ષ થઈ ચૂક્યાં હતાં. ઈસવી સનનો આરંભ ઈસુ ખ્રિસ્તના જન્મવર્ષથી થયો હોય એ રીતે ગણાયો. અર્વાચીન સંશોધનના પરિણામે એમનો જન્મ ઈ. સ.ના વર્ષ 1ની પહેલાં (4) કે (8) વર્ષ વહેલો, પ્રાય: ઈ. પૂ. 4ની 5મી એપ્રિલ ને શુક્રવારે થયેલો એમ પ્રતિપાદિત થયું.

કાલગણનાવિદો ઈ. પૂ. 1લી સદી અને ઈ.સ.ની 1લી સદી વચ્ચે શૂન્ય વર્ષનો સ્વીકાર કરતા નથી.

ડાયોનિસિયસના સમયમાં (6ઠ્ઠી સદીમાં) ઈ. સ.ના વર્ષનો આરંભ 25મી માર્ચથી થતો. મૂળ રોમન વર્ષમાં માર્ચ મહિનો પહેલો ગણાતો. પાંચમા માસનું નામ ‘કિંક્ટિલિસ’ (પંચમ) હતું, તેને બદલે જુલિયસે ‘જુલાઈ’ રાખ્યું. 6ઠ્ઠા માસનું નામ ‘સેક્સ્ટાઇલિસ’ (ષષ્ઠ) હતું, તેને બદલે ઑગસ્ટસે ‘ઑગસ્ટ’ રાખ્યું. સપ્ટેમ્બર, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં સાત, આઠ, નવ અને દશનો મૂળ અર્થ જળવાઈ રહ્યો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી આગળ જતાં ઉમેરાયા.

ઇંગ્લૅન્ડમાં 7મી સદીથી નાતાલના દિવસ(25મી ડિસેમ્બર)થી વર્ષનો આરંભ ગણાતો. 12મી સદીથી ત્યાં પણ એ 25મી માર્ચથી ગણાયો. ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં 8મી સદીથી તથા બીજા ઘણા ખ્રિસ્તી દેશોમાં ઈ.સ. 1000થી તે પ્રચલિત બન્યો. સ્પેનના ઘણાખરા ભાગોમાં ઈ.સ.ની 14મી સદીથી અને ગ્રીસમાં 15મી સદી પછીથી આ સંવત પ્રયોજાવા લાગ્યો. ફ્રાન્સમાં વર્ષનો આરંભ ઈ.સ. 1663થી 1લી જાન્યુઆરીએ ગણાતો. 1752માં પોપ ગ્રેગોરીએ વર્ષનો આરંભ 1લી જાન્યુઆરીથી ગણવાનું ફરમાવ્યું. ત્યારથી વહેલામોડા બધા ખ્રિસ્તી દેશોમાં વર્ષનો આરંભ એ દિવસથી ગણાયો.

આ સંવતનું વર્ષ 365 (પ્લુત વર્ષમાં 366) દિવસોનું હોઈ સૌર ગણતરીનું છે. એના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વગેરે બાર મહિના છે. એમાં કેટલાક માસ 31 દિવસના (જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઑગસ્ટ, ઑક્ટોબર અને ડિસેમ્બર), તો બીજા કેટલાક માસ 30 દિવસના (એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર) છે. ફેબ્રુઆરી માસ સામાન્ય રીતે 28 દિવસનો હોય છે. આ રીતે વર્ષ 365 દિવસનું થાય છે. પરંતુ સૌર વર્ષ લગભગ 365¼ દિવસનું હોઈ દર ચાર વર્ષે ફેબ્રુઆરી માસમાં 29મો દિવસ ઉમેરવામાં આવે છે. આ વર્ષને પ્લુત વર્ષ (leap year) કહે છે. જે વર્ષની સંખ્યાને ચારથી ભાગતાં શેષ ન વધે તે વર્ષને પ્લુત વર્ષ ગણવામાં આવે છે. આ સનની તારીખ મધ્ય રાત્રિથી મધ્ય રાત્રિની ગણાય છે.

યુરોપિયનોના વસવાટ તથા શાસન દ્વારા આ સંવત ધીમે ધીમે ભારતમાં પ્રચલિત થયો. ઈ.સ. 1818થી શરૂ થતા બ્રિટિશ શાસન દરમિયાન એ ગુજરાતમાં પણ પ્રચલિત બન્યો. આ સનના શતકોના રૂઢ ઉપયોગને લઈને અને એના આંતરરાષ્ટ્રીય પ્રસારને લઈને વ્યવહારમાં ઈસવી સનનો ઉપયોગ ઘણો વ્યાપક બન્યો છે.

ઈસવી સનના વર્ષ સૌર હોઈ એમાં ઋતુકાલ બરાબર જળવાય છે; પરંતુ એના મહિનાઓના આરંભ-અંત કૃત્રિમ હોઈ એમાં સૂર્યની સંક્રાંતિ કે ચંદ્રની કલાની વધઘટનો ખ્યાલ આવતો નથી. વળી એના મહિનાઓની તારીખોની સંખ્યાનો ક્રમ પણ અનિયમિત અને અટપટો છે. આથી વિશ્વપંચાંગ(world calendar)ની સૂચિત યોજનામાં એના અમુક મહિના સળંગ રીતે 30-30 દિવસના અને બાકીના મહિના સળંગ રીતે 31-31 દિવસના રાખવાની ભલામણ કરવામાં આવી છે.

કથિક સંવત : સાબરકાંઠા જિલ્લાના શામળાજી પાસે આવેલા દેવની મોરી નામે ગામ પાસે ઉત્ખનન કરતાં એક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો હતો. એના પેટાળમાંથી પ્રાપ્ત પથ્થરના એક દાબડા ઉપર કોતરેલા અભિલેખમાં ‘सप्तविंशत्यधिके कथिकनृपाणां समागतेब्दशते भाद्रपदपञ्चमीदिने नृपतौ श्रीरुद्रसेने च​’ – ‘રાજા રુદ્રસેનના રાજ્યકાલ દરમિયાન કથિક રાજાઓના 127મા વર્ષે’ એવો ઉલ્લેખ છે. આ કથિક રાજાઓનો સંવત કોઈ નવો જ સંવત હતો કે કોઈ પ્રચલિત સંવતના પર્યાય તરીકે પ્રયોજાયેલો હતો એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. અભિલેખમાં જણાવેલી મિતિમાં રુદ્રસેન રાજાનો ઉલ્લેખ હોઈ પહેલાં આ રુદ્રસેનને પશ્ચિમી કાર્દમક ક્ષત્રપ રાજા રુદ્રસેન 1લો (શક સં. 121થી 144) માનવામાં આવેલો અને કથિક રાજાઓના 127મા વર્ષને શક સંવતનું માનવામાં આવેલું. જોકે આભિલેખિક, લિપિવિદ્યાકીય અને પુરાવસ્તુના પુરાવાઓથી કથિક રાજાઓના 127મા વર્ષને શક સંવતનું માની શકાય નહિ. કેટલાક વિદ્વાનો આ મિતિને કલચુરિ સંવતની ગણાવે છે અને રુદ્રસેનને કાર્દમક ક્ષત્રપ રુદ્રસેન 3જો (ઈ.સ. 348થી 380) માને છે. જો આ વર્ષને કલચુરિ સંવતનું માનવામાં આવે તો કથિક રાજાઓનું 127મું વર્ષ ઈ.સ. 376–77 બરાબર આવે. કોઈ વિદ્વાન આ વર્ષને અજ્ઞાત સંવતનું અને રાજાને કથિક વંશનો માનવાનું સૂચન કરે છે. પરંતુ આ સ્તૂપનાં ખંડિયેરોમાં ક્ષત્રપ રાજાઓના અનેક સિક્કા મળ્યા હોઈ આ રાજા ક્ષત્રપ રુદ્રસેન 3જો હોવાનું સંભવિત છે. ક્ષત્રપ કાલ દરમિયાન કલચુરિ સંવત માત્ર દક્ષિણ ગુજરાતમાં જ પ્રયોજાયો હોઈ કથિક રાજાઓનું 127મું વર્ષ કલચુરિ સંવતનું ન હોય. આથી આ રાજા રુદ્રસેન ક્ષત્રપ રુદ્રસેન 3જો હોય અને કથિક સંવત એક જુદો જ સંવત હોવાનું જણાય છે. આ રીતે જોતાં કથિક સંવતનું આરંભવર્ષ ઈ.સ. 220 અને 250ની વચ્ચે હોઈ શકે.

કથિક રાજાઓ પંજાબના કઠકો કે કાઠીઓ હોય એમ માનવામાં આવે છે. દેવની મોરીમાં આવીને વસેલ બૌદ્ધ સંઘ પંજાબના કથિકોના રાજ્યમાંથી આવ્યો હોય અને આ સંઘે અહીં કથિક રાજાઓના સંવતનો પ્રયોગ કર્યો હોય એ વિશેષ સંભવે છે. આ સંવતનો પ્રયોગ બીજે કોઈ સ્થળે મળ્યો નથી.

કલચુરિચેદિ સંવત : ત્રિપુરી(જબલપુર)ની આસપાસના ચેદિ દેશના કલચુરિ વંશના રાજાઓના અભિલેખોમાં જે સળંગ સંવત પ્રયોજાયો છે તેને આ વંશના કેટલાક લેખોમાં ‘કલચુરિ સંવત’ અને બીજા કેટલાક લેખોમાં ‘ચેદિ સંવત’ તરીકે ઓળખાવ્યો છે. કલચુરિ-ચેદિ સંવતના અભિલેખોમાં વર્ષ 722થી 969નો નિર્દેશ છે. એ અગાઉના લેખોમાં કલચુરિ કે ચેદિ સંવતના નામનો નિર્દેશ મળતો નથી.

દક્ષિણ ગુજરાતના ત્રૈકૂટક રાજાઓનાં દાનશાસનો (સં. 207-245), મહાસામંત સંગમસિંહનું દાનશાસન (વર્ષ-292), કટચ્ચુરિ રાજાનું દાનશાસન (સં. 361), ગુર્જર-નૃપતિ વંશના રાજાઓનાં દાનશાસનો (સં. 380-486), સેન્દ્રક રાજાનું દાનશાસન (સં. 406) અને નવસારીના ચાલુક્યોનાં દાનશાસનો(સં. 421-490)માં નામનિર્દેશ વિનાનો જે સંવત પ્રયોજાયો છે તે કલચુરિ સંવત હોવાનું જણાય છે. આ સંવત એ સમય દરમિયાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નિકટવર્તી ભાગમાં પણ પ્રચલિત હતો.

કલચુરિ સંવત એની ત્રીજી, ચોથી અને પાંચમી સદી દરમિયાન દક્ષિણ ગુજરાત અને એના સમીપના પ્રદેશોમાં રાષ્ટ્રકૂટોના સમયમાં શક સંવતનો પ્રયોગ થતાં કલચુરિ સંવત અહીંથી લુપ્ત થયો, પરંતુ ઉત્તરકાલીન રાજ્યનો વિસ્તાર થતાં એ વિંધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પ્રચલિત થયો. કલચુરિ રાજ્યમાં એ એની 8મી સદીથી 10મી સદી સુધી પ્રયોજાયો, ત્યારે એ રાજવંશના નામ પરથી ‘કલચુરિ સંવત’ તરીકે અને પ્રદેશના નામ પરથી ‘ચેદિ સંવત’ તરીકે ઓળખાયો.

ચેદિ દેશના કલચુરિ વંશના કેટલાક લેખોમાં ઘણી મિતિઓ કલચુરિ-ચેદિ સંવતનાં વર્ષોમાં અને કેટલીક મિતિઓ વિક્રમ સંવતનાં વર્ષોમાં આપવામાં આવી છે. એ પરથી આ સંવતનો આરંભ ઈ. સ. ત્રીજી સદીના મધ્યમાં થયો હોવાનું સ્પષ્ટ થયું. આ સંવતના આરંભ વિશે સૌપ્રથમ પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ તુલનાત્મક અભ્યાસ પરથી આ સંવતનો આરંભ ઈ.સ. 244-45ના અરસામાં થયો હોવાનું જણાવ્યું. પછીના સમયના કલચુરિ સંવતના લેખોમાં અલ્હણદેવી (વર્ષ 907) અને એના પિતામહ ઉદયાદિત્ય(ઈ.સ. 1050-1100ની વચ્ચે)ના સમયની તુલના ઉપરથી હૉલે આ સંવતનો આરંભ ઈ.સ. 250માં અને કનિંગહેમે ઈ.સ. 249માં થયો હોવાનું પ્રતિપાદિત કર્યું. કલચુરિ સંવતના લેખોની મિતિઓની વિગતોની ગણતરી કરીને ડૉ. કિલહૉર્ને આ સંવતનું વર્ષ 1 ઈ.સ. 249-50 હોવાનું જણાવ્યું. વારની વિગતો પરથી એનાં વર્ષ પ્રાય: ભાદ્રપદાદિ અને સંભવત: આશ્ર્વિનાદિ તેમજ એના માસ પૂર્ણિમાન્ત હોવાનું નિશ્ચિત કર્યું. ડૉ. મિરાશીએ આ સંવતની મિતિઓનો વધુ અભ્યાસ કરીને જણાવ્યું કે એનાં વર્ષ કાર્તિકાદિ છે. આ સંવતનાં વર્ષ પ્રાય: ગત ગણાતાં હોઈ પ્રાચીન અભિલેખોમાંના કલચુરિ સંવતના ગત વર્ષમાં 249-50 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે. એનાં વર્ષ કાર્તિકાદિ હોવાથી કલચુરિ સંવત અને કાર્તિકાદિ વિક્રમ સંવતના વર્ષની વચ્ચે હંમેશાં 306 વર્ષનો તફાવત રહે છે. આથી કલચુરિ સંવતના વર્ષમાં 31મી ડિસેમ્બર સુધી અર્થાx એના પહેલા બે-ત્રણ મહિના દરમિયાન 249 અને 1લી જાન્યુઆરીથી અર્થાx બાકીના નવદસ મહિના દરમિયાન 250 ઉમેરવાથી ઈસવી સનનું વર્ષ આવે.

ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીના મત પ્રમાણે આ સંવત આભીરોએ શરૂ કર્યો હતો. ડૉ. ફ્લીટે આ સંવત આભીર રાજા ઈશ્વરસેને શરૂ કર્યો હોવાનું સૂચવ્યું. આ રાજાનો વર્ષ 9નો લેખ નાશિકમાંથી મળ્યો છે. ડૉ. મિરાશીએ પણ આ મતને સમર્થન આપતાં જણાવ્યું કે ઈશ્વરસેન પુરાણોમાં જણાવેલા આભીર રાજવંશનો સ્થાપક હશે ને ત્રૈકૂટકો શરૂઆતમાં આ રાજાના સામંત હતા. આથી આભીર રાજાઓએ આ સંવત શરૂ કર્યો હોય અને દક્ષિણ ગુજરાતમાં 1થી 5 સદીઓ સુધી પ્રચલિત રહ્યો હોય.

આ સંવત એની 10મી સદી પછી લુપ્ત થઈ ગયો.

કલિયુગ સંવત : જ્યોતિષના ગ્રંથો અને પંચાંગોમાં કલિયુગ સંવતનાં વર્ષ પ્રયોજાય છે. એનો આરંભ ઈ. પૂ. 3102માં થયો મનાય છે; પરંતુ આ સંવતના ઉલ્લેખ ઈ.સ.ની આરંભની સદીઓથી થયા છે. કલિયુગ સંવત અને શક સંવતનાં વર્ષો વચ્ચે 3179 વર્ષનો તફાવત છે. આથી કલિયુગ સંવતના વર્ષમાંથી પહેલા નવ-દસ મહિના દરમિયાન 3101 અને છેલ્લા બે-ત્રણ મહિના દરમિયાન 3100 બાદ કરવાથી ઈસવી સનનું વર્ષ આવે છે.

બાદામીના ચાલુક્ય રાજા પુલકેશી 2જાના ઐહોળે શિલાલેખમાં મહાભારત યુદ્ધનું વર્ષ 3735 અને શક સં. 556 જણાવેલ છે. આ બે વર્ષ વચ્ચે 3179 વર્ષનો તફાવત રહે છે. કલિયુગ સંવત અને મહાભારત યુદ્ધ સંવત અહીં એક જ મનાયા છે. મહાભારત યુદ્ધ સમાપ્ત થતાં તરત જ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો ગણાયો. આથી એને યુધિષ્ઠિર સંવત પણ કહે છે.

આ સંવતનો પ્રયોગ અભિલેખોમાં ક્યારેક જ જોવા મળે છે. ગોવાના કદમ્બ રાજાઓના ઈ.સ. 1167થી ઈ.સ. 1247 સુધીના કેટલાક અભિલેખોમાં કલિયુગ સંવત આપેલો છે. મુઘલ કાલ દરમિયાન પેટલાદની વાવના શિલાલેખમાં વિક્રમ સંવતના વર્ષની સાથે કલિયુગ સંવતનું વર્ષ આપેલું છે : ‘नंदांकाद्रियुगान्मिते कलिगते 4799 श्रीविक्रमार्क प्रभोरब्दं पंचशराद्रिभु 1755 परिमिते वर्षे…..’

કૂચબિહાર સંવત : કૂચબિહાર (ઉ. બંગાળ) રાજ્યમાં આ સંવત પ્રચલિત હતો. ઈ.સ. 1510માં કોચ રાજ્યની સ્થાપના ચંદને કરી એની યાદગીરીમાં તે શરૂ થયો ગણાય છે. બંગાળી સનનું વર્ષ 914 (ઈ.સ. 1507-08) એ આ સંવતનું વર્ષ 1 ગણવામાં આવ્યું છે. આ સંવત કૂચબિહાર અને એની આસપાસના ભુતાન, આસામ, કચર અને મણિપુરમાં પ્રચલિત હતો. કૂચબિહારનાં ઘણાં લખાણોમાં આ સંવત પ્રયોજાતો હતો. શક સંવત અને બંગાળી સનની સાથે એનો પ્રયોગ થતો. હાલ આ સંવત લુપ્ત થઈ ગયો છે.

કોલ્લમ સંવત : આ સંવત કેરળ રાજ્યમાં તથા તામિલનાડુ રાજ્યના નજીકના પ્રદેશોમાં  કન્યાકુમારી અને તિરુનેલવેલી જિલ્લામાં સૈકાઓથી પ્રચલિત છે. એને તમિળ ભાષામાં ‘કોલ્લમ આંડુ’ (પશ્ચિમી વર્ષ) અને સંસ્કૃતમાં ‘કોલંબ સંવત’ કહે છે.

મલબારના લોકો એને ‘પરશુરામનો સંવત’ કહે છે ને એને 1000 વર્ષનું ચક્ર માને છે. આ અનુસાર એનાં વર્ષ 1થી 1000 ગણાય છે. એ ચક્ર પૂરું થયા પછી ફરી પહેલા વર્ષથી ચાલુ થાય છે. આમ અત્યારે એનું ચોથું ચક્ર ચાલે છે; પરંતુ 1825 ઈ.સ. પછી પણ એનાં 1000 વર્ષ પૂરાં થયાં હોવા છતાં 1001, 1002 એમ સળંગ સંખ્યા ચાલુ રહી છે. આથી ‘પરશુરામ સંવત’ના ચક્રની આ વાત યોગ્ય જણાતી નથી.

આ સંવતનો સહુથી જૂનો અભિલેખ વર્ષ 149નો મળ્યો છે. વીર રવિવર્માના ત્રિવેન્દ્રમ્ શિલાલેખમાં કલિયુગ સંવતના વર્તમાન વર્ષ 4702 અને કોલ્લમ સંવતનું વર્ષ 776 આપ્યું છે. એ પરથી એ બે સંવત વચ્ચે 3925 વર્ષનો તફાવત હોવાનું જણાય છે.

કોલ્લમ સંવતના ઉલ્લેખવાળા અભિલેખોમાં આપેલાં વર્ષ, સંક્રાંતિ, દિવસ, વાર વગેરેની વિગતોની ગણતરી પરથી ડૉ. કિલહૉર્ને કોલ્લમ સંવતનું આરંભવર્ષ ઈ.સ. 824-25 જણાવ્યું. આ સંવતનાં વર્ષ સૌર અને વર્તમાન છે. કેરળના ઉત્તર ભાગમાં આ વર્ષ કન્યા સંક્રાન્તિથી શરૂ થાય છે, જે લગભગ ભાદ્રપદ(સપ્ટેમ્બર)માં આવે છે ને એના દક્ષિણ ભાગમાં તથા તિરુનેલવેલી જિલ્લામાં એ સિંહ સંક્રાન્તિથી શરૂ થાય છે, જે લગભગ શ્રાવણ(ઑગસ્ટ)માં આવે છે. ઉત્તરમાં એના માસ કન્યા, તુલા, વૃશ્ચિક વગેરે રાશિ-સંક્રાન્તિઓના નામે ઓળખાય છે. દક્ષિણમાં મહિનાઓ ચાંદ્ર માસના તમિળ નામે ઓળખાય છે; જેમ કે, અવની, પુરત્તસી, ઐપ્પસી, કાર્ત્તિકઈ, માર્ગલી, તાઈ, માસી, પાનગુની, ચિત્તિરઈ, વૈકાસી, આની અને આડી. કોલ્લમ સંવતમાં 31મી ડિસેમ્બર સુધી અર્થાx પહેલા ત્રણ-ચાર મહિના દરમિયાન 824 અને એ પછી આઠ-નવ માસ દરમિયાન 825 ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે.

કોલ્લમ સંવત શહેરની સ્થાપનાની યાદગીરીમાં શરૂ થયો હોવાનું મનાય છે; પરંતુ આ સંવત ઈ.સ. 824-25માં શરૂ થયો, જ્યારે કોલ્લમ શહેરના ઉલ્લેખ 7મી સદી સુધીના મળે છે. આથી આ સંવત એ શહેરના પુનર્નિર્માણના સમયે શરૂ થયો હોવાનો સંભવ છે.

ગંગ સંવત : કલિંગનગર(હાલનું શ્રીકુલમ્ પાસેનું મુખલિંગમ્-ગંજામ જિ.)ના પૂર્વી ગંગ વંશના રાજાઓનાં દાનપત્રોમાં ‘ગાંગેય સંવત’નો ઉલ્લેખ મળે છે. આ સંવતની સૌથી પ્રથમ મિતિ એ વંશના રાજા ઇન્દ્રવર્માના વર્ષ 39ના જીરજીંગી તામ્રપત્રમાં મળે છે. એ રાજા 6ઠ્ઠી સદીના આરંભમાં રાજ્ય કરતો હતો. એના વંશની સત્તા ઈ.સ.ની 9મી સદી સુધી ચાલી અને ત્યાં સુધી આ ગાંગેય સંવત પ્રચલિત રહ્યો. વજ્રહસ્ત 3જા(ઈ.સ. 1038માં રાજ્યાભિષેક)ના સમયથી પૂર્વી ગંગ વંશની સત્તાનો અસ્ત થયો ને ત્યાં માયસોરના ચક્રવર્તી ગંગ વંશની સત્તા પ્રવર્તી. નવા શાસન દરમિયાન ગંગ સંવતની સાથે શક સંવત પ્રયોજાવા લાગ્યો ને 11મી સદીમાં ગંગ સંવતનો પ્રયોગ બંધ થયો. રાજા દેવેન્દ્રવર્માના ગંગ સંવતના વર્ષ 520નાં તામ્રપત્રો અને એના પિતા અનન્તવર્માના શક 917(ઈ.સ. 995)નાં મન્દાસા તામ્રપત્રો કદમ્બાધિપતિ ભીમખેડીના પુત્ર ધર્મખેડીને લગતાં છે. બંને તામ્રપત્રોમાં નિર્દિષ્ટ રાજા અનન્તવર્મા એક જ હોવાનું જણાય છે. આ રાજા ગંગ સંવત 520 કરતાં થોડો વહેલો થયો હોઈ ગંગ સંવત (995-520 = ઈ.સ. 475) ઈ.સ. 475 પછી થોડાં વર્ષોમાં શરૂ થયો હોવાનું પ્રતીત થાય છે. ડૉ. આર. સુબ્બા રાવે ઈ.સ. 494-95નું વર્ષ આરંભ-વર્ષ હોવાનું દર્શાવ્યું. જે. સી. ઘોષે ગંગ અભિલેખોની મિતિઓની ગણતરી પરથી આ સંવત ઈ. સ. 496માં શરૂ થયો હોવાનું જણાવ્યું. ડૉ. બી. વી. કૃષ્ણરાવે શક 419, અમાન્ત ભાદ્રપદ વદિ 13(ઈ.સ. 497)માં શરૂ થયો હોવાનું સૂચવ્યું. વા. વિ. મિરાશીએ શક વર્ષ 420, ચૈત્ર સુદિ 1ના દિવસે (ઈ.સ. 498, 14 માર્ચ) ગંગ સંવતનો આરંભ દર્શાવ્યો. સોમેશ્વર શર્માએ શક 426-27 (ઈ.સ. 504-505) અને ર. ચ. મજુમદારે 6ઠ્ઠી સદીની ત્રીજી પચીસીમાં આ સંવતનો આરંભ થયો હોવાનું જણાવ્યું. આમ ગંગ સંવત ઈ.સ. 496-498 વચ્ચે શરૂ થયો; છતાં નિશ્ચિત આરંભવર્ષ દર્શાવવું મુશ્કેલ છે.

ગુપ્તવલભી સંવત : મગધના ગુપ્ત સમ્રાટોના અભિલેખોમાં પ્રયોજાયેલા સંવતનાં વર્ષોને गुप्तकाल​, गुप्तवर्ष​, गुप्तप्रकाल​, गौप्त​, गुप्तानां काल, गुप्तानां वर्ष​, गुप्तनृपराजभुक्त​ તરીકે ઓળખાવ્યાં છે. એનાં વર્ષ 61થી 224નો નિર્દેશ મળે છે. આ સંવત ગુપ્ત સમ્રાટોના સામંતોએ તેમજ તે બંનેના કેટલાક ઉત્તરાધિકારીઓએ પણ પ્રયોજ્યો છે. ગુપ્ત કાલ દરમિયાન આ સંવત ઉત્તર ભારતના ઘણા પ્રદેશોમાં તેમજ ઓરિસા, બંગાળ અને આસામમાં પણ પ્રચલિત હતો.

ચંદ્રગુપ્ત 2જાના મથુરા સ્તંભલેખમાં એ રાજાના રાજ્યકાલના વર્ષ 5માં આ સંવતનું વર્ષ 61મું ચાલતું હોવાનું જણાવ્યું છે. આ પરથી ચંદ્રગુપ્ત 2જાનું રાજ્યારોહણ ગુપ્ત સંવત 57માં થયું હોવાનું જણાય છે. ગુપ્ત વંશમાં એની પહેલાં શ્રીગુપ્ત, ઘટોત્કચગુપ્ત, ચંદ્રગુપ્ત 1લો, સમુદ્રગુપ્ત અને રામગુપ્ત – એ રાજાઓ થયા. એ પૈકી પહેલા બે માત્ર ‘મહારાજ’ હતા જ્યારે પછીના ત્રણ ‘મહારાજાધિરાજ’ હતા. આથી આ સંવત ચંદ્રગુપ્ત 2જાના પિતામહ અને સમુદ્રગુપ્તના પિતા ચંદ્રગુપ્ત 1લાના રાજ્યકાલથી શરૂ થયો જણાય છે. અલબેરૂનીના મતે ગુપ્ત સંવત શક સંવત પછી 241 વર્ષે શરૂ થયો. ગુપ્ત સંવતનાં વર્ષ ચૈત્રાદિ હતાં. એ રીતે ગણતાં ગુપ્ત સંવત 1 = શક વર્ષ 242 (ઈ. સ. 320-21) આવે. આ સંવતના વર્ષમાં 31મી ડિસેમ્બર સુધી અર્થાx વર્ષના આરંભના નવ-દસ મહિના દરમિયાન 319 અને બાકીના બે- ત્રણ મહિના દરમિયાન 320 ઉમેરવાથી ઈસવી સનનું વર્ષ આવે. આ સંવતના માસ પૂર્ણિમાન્ત હતા.

ચંદ્રગુપ્ત 2જાએ ઈ.સ. 400ના અરસામાં માળવા જીત્યું અને થોડા સમયમાં ગુજરાત પર પણ ગુપ્ત સામ્રાજ્યનું શાસન પ્રવર્ત્યું. જૂનાગઢ પાસે ગિરનાર પર સ્કંદગુપ્તના સમયનો ગુપ્ત સંવત 136, 137 અને 138(ઈ.સ. 455-457)નો લેખ કોતરાયો છે.

સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્ત સામ્રાજ્યનું શાસન શિથિલ થયું ને ગુજરાતમાં મૈત્રક વંશનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. આ વંશનાં એકસોથી વધુ દાનશાસન મળ્યાં છે. એમાં વર્ષ 183થી 447ની મિતિઓ આપવામાં આવી છે. આ વર્ષો સાથે એના સંવતનું નામ જણાવ્યું નથી.

મૈત્રક વંશનું સૌથી વહેલું દાનશાસન એ વંશના ત્રીજા રાજા દ્રોણસિંહનું છે. આથી આ સંવત મૈત્રક વંશના સ્થાપકે શરૂ કર્યો હોઈ શકે નહિ.  એટલે કે મૈત્રક રાજ્યે આ સંવત અગાઉના રાજ્યમાંથી અપનાવ્યો હોવો જોઈએ અને એ ગુપ્ત સંવત હોવાનું જણાય છે.

ગુજરાતમાં અનુમૈત્રક કાલ અને સોલંકી કાલના સૌરાષ્ટ્રના કેટલાક અભિલેખોમાં ‘વલભી સંવત’ નામે સંવત પ્રયોજાયો છે. સંવતના નામનિર્દેશવાળી મિતિઓ વલભી સં. 500થી 945ની છે. અલબેરૂનીએ ગુપ્ત અને વલભી સંવત બંનેને જુદા ગણાવ્યા છે; તેમ છતાં એ બંનેનો આરંભ એક જ વર્ષે થયો હોવાનું જણાવ્યું છે. ગુપ્ત સંવતની ઉત્પત્તિ વિશે એ જણાવે છે : ‘લોકો કહે છે કે ગુપ્તો દુષ્ટ અને જોરાવર હતા ને જ્યારે તેઓનો અંત આવ્યો ત્યારે આ સંવત શરૂ થયો. એમાંનો છેલ્લો રાજા વલભ હતો એમ જણાય છે.’ જોકે વલભીના વંશનો સ્થાપક વલભ નહોતો, એ ગુપ્ત વંશનો નહોતો ને ગુપ્ત સંવતનો આરંભ ગુપ્ત રાજાઓના રાજ્યના અંતથી નહિ પણ ઉદયથી થયો હતો. ગુપ્ત સંવત ઉત્તર ભારતમાં બે-ત્રણ સૈકા સુધી જ પ્રચલિત રહ્યો. પછી ગુજરાતમાં વલભીના મૈત્રક રાજ્યમાં એના પાંચમા શતક સુધી ચાલુ રહ્યો ને એ રાજ્યના અંત પછી પણ થોડા પ્રમાણમાં છેક એના દસમા સૈકા સુધી પ્રચલિત રહ્યો; પણ ત્યારે ગુપ્ત રાજ્યની વાત સાવ વિસારે પડી ગયેલી ને આ સંવત વલભીના રાજ્યમાં પ્રચલિત હોવાની જ સ્મૃતિ રહેલી. આથી આ સંવત ગુજરાતમાં મૈત્રકોના કાલ દરમિયાન કે પછીના સમયમાં ‘વલભી સંવત’ તરીકે ઓળખાયો લાગે છે.

મૈત્રકોનાં દાનશાસનોમાં આ સંવતની ઘણી મિતિઓ આપેલી છે. એમાં તિથિ સાથે વાર આપ્યો ન હોવાથી એના વર્ષના આરંભ અને માસના અંતનો નિર્ણય કરવા માટે સૂર્યગ્રહણના નિર્દેશવાળી એક અને અધિક માસના નિર્દેશવાળી ત્રણ તિથિઓ પર આધાર રાખવો પડે છે. આ ચાર મિતિઓની ગણતરી પરથી ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ મૈત્રક દાનશાસનોમાં વપરાયેલા સંવતનાં વર્ષ કાર્તિકાદિ અને એના માસ પૂર્ણિમાન્ત હોવાનું જણાવ્યું. અધિક માસ બ્રહ્મસિદ્ધાંતમાં દર્શાવેલી મધ્યમ માનની પદ્ધતિએ ગણાતા ને માસનાં નામ મેષાદિ પદ્ધતિએ અપાતાં.

વલભી સંવતનાં વર્ષ કાર્તિકાદિ હતાં; જ્યારે ગુપ્ત સંવતનાં વર્ષ ચૈત્રાદિ હતાં. આમ વલભી સંવત એ ગુપ્ત સંવતનું વર્ષઆરંભની પદ્ધતિના ફેરવાળું સ્વરૂપ છે.

વલભી સંવતનાં વર્ષ અને કાર્તિકાદિ વિક્રમ સંવતનાં વર્ષ વચ્ચે 375 વર્ષનો એકસરખો તફાવત રહે છે. વલભી સંવતની બરાબરનું વિક્રમ સંવતનું વર્ષ કાઢવા માટે વલભી સંવતનાં વર્ષોમાં 375 ઉમેરવા પડે છે. વલભી સંવતની બરાબરનું ઈસવી સનનું વર્ષ શોધવા માટે વલભી સંવતના વર્ષમાં કાર્તિક સુદિ 1થી 31મી ડિસેમ્બર સુધી, અર્થાx, એના પહેલા બે-ત્રણ મહિના દરમિયાન 318 અને 1લી જાન્યુઆરીથી આસોની અમાસ સુધી, અર્થાx, બાકીના નવ-દસ મહિના દરમિયાન 319 ઉમેરવાથી ઈસવી સનનું વર્ષ આવે.

અનુમૈત્રક કાલ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના સૈન્ધવ રાજ્યમાં ગુપ્ત સંવત પ્રયોજાતો હતો. એનાં વર્ષ ચૈત્રાદિ હતાં. સુરાષ્ટ્રના લેખોની જે જે મિતિઓ ગુપ્ત સંવત અનુસાર આપવામાં આવી હોય તેમાં હંમેશાં ઉત્તર ભારતની ચૈત્રાદિ વર્ષની પદ્ધતિ અને જે મિતિઓ વલભી સંવત અનુસાર આપવામાં આવી હોય તેમાં હંમેશાં કાર્તિકાદિ વર્ષની પદ્ધતિ પ્રચલિત હતી.

સોલંકી કાલ દરમિયાન વલભી સંવતના પ્રયોગવાળી થોડીક મિતિઓ ઉપલબ્ધ થાય છે. એ મિતિઓની ચકાસણી પરથી માલૂમ પડે છે કે આ સમય દરમિયાન પણ કાર્તિકાદિ વર્ષ અને પૂર્ણિમાંત માસની પદ્ધતિ પ્રચલિત રહી. સોલંકી કાલના અંત પછી અર્થાx ઈ.સ.ના 13મા સૈકા પછી વલભી સંવત સમૂળો લુપ્ત થયો.

ગ્રહપરિવૃત્તિ સંવત્સર : આ સંવત્સર 90 વર્ષનું એક ચક્ર છે. એનો આરંભ વર્તમાન કલિયુગ સંવત 3079(ઈ. પૂ. 24)માં થયો મનાય છે; પરંતુ એની પ્રાચીનતાના કોઈ પુરાવા મળ્યા નથી. વર્તમાન કલિયુગ સંવતમાં 72 ઉમેરી 90 વડે ભાગતાં જે શેષ વધે તે વર્તમાન સંવત્સર હોય છે. એમાં સપ્તર્ષિ સંવતનાં વર્ષોની જેમ શતકના અંક છોડી દેવામાં આવે છે ને 90 વર્ષ પૂરાં થતાં ફરી 1થી ગણવામાં આવે છે. આ સંવત ઘણું કરીને તામિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં પ્રચલિત છે. આ સંવત્સર પણ જ્યોતિષીઓએ ઉપજાવી કાઢેલો છે.

ચાલુક્યવિક્રમ સંવત : કલ્યાણ(દખ્ખણ)ના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાએ પોતાના રાજ્યમાં શક સંવતના સ્થાને પોતાના રાજ્યાભિષેકના વર્ષથી પોતાના નામનો નવો સંવત ચલાવ્યો. આ સંવત એના વંશજોએ ચાલુ રાખ્યો. દખ્ખણના કેટલાક અભિલેખોમાં એને ‘વીરવિક્રમકાલ’, ‘વિક્રમકાલ’, ‘વિક્રમવર્ષ’ કહેવામાં આવ્યો છે. ઉત્તર ભારતના પ્રાચીન વિક્રમકાલથી જુદો બતાવવા એને કેટલાક અભિલેખોમાં ‘श्रीमच्चालुक्यविक्रमकाल’ અને ‘श्रीमच्चालुक्यविक्रमवर्ष​’ તરીકે ઓળખાવ્યો છે.

ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય 6ઠ્ઠાના સમયના યેવૂર ગામમાંથી મળેલ શિલાલેખમાં ચાલુક્ય-વિક્રમ સંવતનું વર્ષ 2, પિંગલ સંવત્સર, શ્રાવણ સુદિ 15, રવિવાર, ચંદ્રગ્રહણ (6 ઑગસ્ટ, ઈ.સ. 1077) લખેલ છે. દક્ષિણી બાર્હસ્પત્ય ચક્ર અનુસાર પિંગલ સંવત્સર શક સં. 999માં આવે છે. આથી ગત શક સંવત અને વર્તમાન ચાલુક્ય-વિક્રમ સંવત વચ્ચેનું અંતર 997 આવે. આ સંવતનું વર્ષ 1 = શક વર્ષ 998 (ઈ.સ. 1076-77) આવે. એના વર્ષમાં 1076-1077 ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે. આ સંવતની મિતિઓની ગણતરી કરતાં જણાય છે કે એનું વર્ષ 1 કોઈમાં શક વર્ષ 997 (ઈ.સ. 1075-76), કોઈમાં 998 (ઈ.સ. 1076-77), કોઈમાં શક વર્ષ 999 (ઈ.સ. 1077-78), તો કોઈમાં શક વર્ષ 1000 (ઈ.સ. 1078-79) બરાબર આવે છે. આનું કારણ એ જણાય છે કે વિક્રમાદિત્ય પોતાના મોટાભાઈ સોમેશ્વર 2જાનો પરાભવ કરી સત્તારૂઢ થયો ત્યારે એની સત્તા એના રાજ્યના જુદા જુદા ભાગોમાં જુદા જુદા સમયે ધારણ કરવામાં આવી હશે અને એથી એના સંવતનો આરંભ જુદા જુદા ભાગોમાં શક વર્ષ 997થી 1000 દરમિયાન જુદા જુદા વર્ષે થયેલો મનાયો હશે. સોમેશ્વર 2જાએ ઈ. સ. 1076ના સપ્ટેમ્બરની 1લી સુધી રાજ્ય કર્યું હોવાનું જણાય છે. આથી ચાલુક્ય-વિક્રમ સંવતના વર્ષમાં 1076-77 ઉમેરવાથી ઈસવી સનનું વર્ષ આવે.

ફ્લીટની ગણતરી અનુસાર વિક્રમાદિત્ય 6ઠ્ઠાના રાજ્યનું પ્રથમ વર્ષ, અર્થાx, ચાલુક્ય-વિક્રમ સંવતનું 1લું વર્ષ નલ કે અનલ સંવત્સરમાં ચૈત્ર સુદિ 1ના દિવસે (9 માર્ચ, ઈ.સ. 1076) શરૂ થયું.

આ સંવતનાં વર્ષ ચૈત્રાદિ હતાં ને વર્ષનો આરંભ શક વર્ષ 998, ચૈત્ર સુદિ 1(9મી માર્ચ, ઈ.સ. 1076)થી થયો. કલ્યાણના ચાલુક્ય રાજ્યનો 12મી સદીના છેલ્લા ચરણમાં અંત આવ્યો અને આ સંવત સોએક વર્ષમાં લુપ્ત થયો. આ સંવતનો અંતિમ અભિલેખ ચાલુક્ય-વિક્રમ સંવત 94નો મળે છે.

જરથોસ્તી સન : ઈરાનથી ભારત આવી વસેલા પારસીઓમાં જરથોસ્તી સન પ્રચલિત છે. એને ‘પારસી સન’ પણ કહે છે. ઈરાનમાં સામાન્ય રીતે તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષ પ્રયોજાતાં. ત્યાં સાસાની વંશના અમલ (ઈ.સ. 236-641) દરમિયાન જરથોસ્તી ધર્મની જાહોજલાલી હતી. એ પછી આરબોના આક્રમણને લીધે ધર્મ પર આપત્તિ આવી. આ વંશના અંતિમ બાદશાહ યઝ્દગર્દના રાજ્યારોહણ(16 જૂન, ઈ.સ. 622)ના વર્ષથી આ યઝ્દગર્દી (જરથોસ્તી) સંવત શરૂ થયો હોવાનું જણાય છે.

આ સંવતના વર્ષમાં 630-31 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. એનાં વર્ષ સૌર છે. એમાં 30-30 દિવસના બાર માસ ગણવામાં આવે છે. બાર માસનાં નામ આ પ્રમાણે છે : 1. ફરવરદીન, 2. અરદી બેહેસ્ત, 3. ખોરદાદ, 4. તીર, 5. અમરદાદ, 6. શહેરેવર, 7. મહેર, 8. આવાં, 9. આદર, 10. દેહે, 11. બહમન અને 12. સ્પંદારમંદ. એના રોજનાં પણ દરેકનાં અલગ અલગ નામ છે :

1. અમરદાદ, 2. દેપ આદર, 3. આદર, 4. આવાં, 5. ખોરશેદ, 6. મોહેર, 7. તીર, 8. ગોશ, 9. દેપમેહેર, 10. મેહેર, 11. સરોશ, 12. રશ્નહ, 13. ફરવરદીન, 14. બહેરામ, 15. રામ, 16. ગોવાદ, 17. દેપદીન, 18. દીન, 19. આશીશવંધ, 20. આસ્નાદ, 21. આસ્માન, 22. જમીઆદ, 23. માહેસ્પંદ, 24. અનેરાં, 25. હોરમઝ્દ, 26. બેહમન, 27. અર્દી બેહસ્ત, 28. શેહેરેવર, 29. અશફંદાર્મદ અને 30. ખોરદાદ.

છેલ્લા મહિનાના 30મા રોજ પછી પાંચ ગાથાના દિવસ ઉમેરવામાં આવે છે. એ રીતે કુલ 365 દિવસનું વર્ષ થાય છે; છતાં મહિનાના દિવસની સંખ્યા એકસરખી રહે છે. સૌર વર્ષ ખરેખર 365.25 દિવસનું હોય છે અને આથી દર 120 વર્ષે 1 માસ ઉમેરવામાં આવે છે. આ અધિક માસને ‘કબીસા’ કહે છે.

નવા વર્ષની ગણતરી બાબતમાં મતભેદ થવાથી જરથોસ્તી ધર્મ મુખ્ય ત્રણ સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો : 1. શહેનશાહી, 2. કદમી અને 3. ફસલી.

જરથોસ્તીઓ પોતાનું વર્ષ 365 દિવસનું ગણે છે. બાકીના પાંચ કલાક, 48 મિનિટ અને 49 સેકન્ડને તેઓ ગણતરીમાં લેતા નથી. પ્રાચીન ઈરાનના શહેનશાહ દર 120 વર્ષને અંતે ‘કબીસો’ (અધિક માસ) કરીને પોતાનું પંચાંગ મેળવી લેતા હતા. ઈ.સ. 1730માં હિંદુસ્તાનના પારસીઓએ પ્રથમ વાર જ પોતાનું નવું વર્ષ ઈરાનના જરથોસ્તીઓ કરતાં એક મહિનો મોડું શરૂ કરે છે, એ વાત જાણી. વર્ષની આ ગણતરીને કારણે જરથોસ્તીઓમાં જે મતભેદ ઊભા થયા એ ‘કબીસાના કલહ’ને નામે ઓળખાવ્યા છે. આ મતભેદને કારણે જ જરથોસ્તી ધર્મમાં ત્રણ પંથ પડી ગયા. ‘કબીસા’ની પદ્ધતિને અપનાવનારા ‘શહેનશાહી’ કહેવાયા. શહેનશાહી પંથીઓ ‘રસમી’ એટલે કે રસમ-રૂઢિ પ્રમાણે ચાલનારા પણ કહેવાય છે. સૂર્યની ગણતરી પ્રમાણે વર્ષની શરૂઆત કરનાર જરથોસ્તીઓ ‘ફસલી’ કહેવાય છે અને તેઓ પોતાનું નવું વર્ષ ‘જમશેદી નવરોઝ’થી શરૂ થયેલું ગણે છે. જેમણે જુનવાણી પદ્ધતિનો સ્વીકાર ન કર્યો અને વર્ષની ગણતરીની બાબતમાં નવું કદમ ભર્યું તેઓ ‘કદમી’ કહેવાય છે.

કદમીઓ શહેનશાહીઓ કરતાં પોતાનું વર્ષ એક માસ વહેલું ગણે છે. કદમીઓનું નવું વર્ષ 19મી ઑગસ્ટથી શરૂ થાય છે, જ્યારે શહેનશાહીઓનું 19મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. શહેનશાહીઓના મતે દર 120 વર્ષે એક અધિક માસ ગણાતો. તેઓ પર્શિયાના સામ્રાજ્યના અંત પછી ખોરાસાનમાં રહ્યા ત્યારે એક માસ અધિક આવ્યો હતો; પરંતુ તેઓ ભારતમાં આવ્યા ત્યારે આ અધિક માસ ગણવાની પદ્ધતિ પારસીઓમાં પ્રચલિત નહોતી. આથી કદમીઓના પંચાંગમાં શહેનશાહીઓનું વર્ષ એક માસ પાછળ છે. કદમીઓના મતે પારસી પંચાંગમાં અધિક માસ ગણાતો નહિ.

યઝ્દગર્દી સનના ઉલ્લેખો આભિલેખિક અને સાહિત્યિક સ્રોતોમાંથી ઉપલબ્ધ થાય છે. તેમાંથી યઝ્દગર્દી સનના વર્ષ, મહિના અને રોજનાં નામ મળે છે. અંકલેશ્વરમાં આવેલા પારસી દોખમાના લેખમાં યઝ્દગર્દી સન 886, રોજ 12, માહ 11નો ઉલ્લેખ છે.

રેવાયતો, જૂની હસ્તપ્રતોમાં, દોખમા ઉપર, વસિયતનામામાંથી યઝ્દગર્દી સનના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.

ત્રિપુરા સન : ત્રિપુરા રાજ્યમાં પ્રચલિત ત્રિપુરા સન એ બંગાળી સનનું રૂપાંતર છે. પણ એમાં વર્ષની સંખ્યા બંગાબ્દ કરતાં 3 વર્ષ આગળ હોય છે; દા.ત., બંગાબ્દ 1357 (ઈ.સ. 1950-51) હોય ત્યારે ત્રિપુરા સનનું વર્ષ 1360 હોય છે. આથી આ સનમાં 590-91 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. આ ત્રણ વર્ષનો તફાવત કોઈ કૃત્રિમ સુધારાને કારણે અથવા હિજરી 1074ના સૌર રૂપાંતરને કારણે હશે.

નેવારી સંવત : નેપાળમાં નવમી સદીમાં એક નવો સંવત પ્રચલિત થયો એને ‘નેવારી (નેપાલી) સંવત’ કહે છે.

નેપાળની ‘વંશાવલી’માંની નોંધ અનુસાર બીજા ઠાકુરી વંશના રાજા જયદેવમલ્લે નેવારી સંવત ચલાવ્યો; પરંતુ એ રાજા ઘણો મોડો થયો. ખરેખર આ સંવત રાઘવદેવ નામે રાજાએ તિબેટી હકૂમતમાંથી મળેલી મુક્તિની યાદગીરીમાં શરૂ કર્યો હોવાનું જણાય છે. રાઘવદેવ પ્રથમ ઠાકુરી વંશના રાજા જયદેવનો પૂર્વજ હતો.

નેપાળમાંથી મળેલ દામોદર ભટ્ટરચિત ‘નવરત્નમ્’ ગ્રંથની હસ્તપ્રતની પુષ્પિકામાં લેખનસંવત શક 1607, માર્ગશિર વદિ અષ્ટમી, મઘા નક્ષત્ર, સોમવાર અને નેવારી સંવત 806 આપેલ છે. એ અનુસાર શક સંવત અને નેવારી સંવત વચ્ચેનું અંતર 801 આવે.

નેવારી સંવત અને વિક્રમ સંવત વચ્ચે 937 વર્ષનું અને નેવારી સંવત તથા શક સંવત વચ્ચે 801 વર્ષનું અંતર રહેલું છે. અભિલેખો અને હસ્તપ્રતોમાં મળતી આ સંવતની મિતિઓની ગણતરી પરથી કિલહૉર્ને આ સંવતનો આરંભ ચૈત્રાદિ વિ. સં. 936ની કાર્તિક સુદિ 1થી અર્થાx ઈ.સ. 879ના ઑક્ટોબરની 20મીથી થયો હોવાનું નિશ્ચિત કર્યું. એનાં વર્ષ સામાન્ય રીતે ગત છે. નેવારી સંવતના ગત વર્ષમાં 878-79 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે. એનાં વર્ષ કાર્તિકાદિ અને માસ અમાન્ત છે.

આ સંવત નેપાળમાં છેક 18મી સદી સુધી પ્રચલિત હતો. ઈ.સ. 1768માં ત્યાં ગોરખાઓની સત્તા પ્રવર્તી ત્યારથી એને બદલે પાછો શક સંવત પ્રચલિત થયો છે; છતાં હસ્તપ્રતલેખનમાં એનો પ્રયોગ થોડે અંશે ચાલુ છે.

પુડુવૈપ્પુ સંવત : કોચીન (કેરળ રાજ્ય) પ્રદેશમાં પુડુવૈપ્પુ નામે સંવત પ્રચલિત હતો. ઈ.સ. 1341માં કોચીનની ઉત્તરમાં એક 13 માઈલ લાંબો અને એક માઈલ પહોળો બીપીન નામે ટાપુ સમુદ્રમાંથી બહાર નીકળ્યો અને ત્યાં નવી વસાહત સ્થપાઈ. એની સ્મૃતિમાં આ સંવત પ્રચલિત થયો. ‘પુડુવૈપ્પુ’ મલયાળમ્ ભાષાનો શબ્દ છે. એનો અર્થ પુડુ = નવી, વેપ = વસાહત એવો થાય છે. કોચીન રાજ્ય અને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે જે સંધિ થઈ તેને લગતો કરાર પાંચ તાંબાનાં પતરાં પર કોતરેલો છે. એમાં પુડુવૈપ્પુ સંવત 322, 14 મીનમ્ અર્થાx મીન સંક્રાન્તિનો 14મો દિવસ (ઈ.સ. 1663, 22 માર્ચ) જણાવેલ છે. આ સંવતના માસ સૌર હતા અને સૂર્યની રાશિ-સંક્રાન્તિથી એ ઓળખાતા. હાલ આ સંવત લુપ્ત થયો છે.

ફસલી સન : મુસ્લિમ રાજ્યોમાં હિજરી સન પ્રચલિત હતો; પરંતુ એનાં ચાંદ્ર વર્ષ અને ઋતુઓ વચ્ચે મેળ રહેતો ન હોવાથી રવી અને ખરીફ ફસલ નિશ્ચિત માસમાં વસૂલ કરવામાં ઘણી અગવડ પડતી. આથી મુઘલ બાદશાહ અકબરે હિજરી સનનાં વર્ષોને સૌર બનાવી એને ફસલી સનનું સ્વરૂપ આપ્યું. આ સુધારો હિજરી સન 971(ઈ.સ. 1563)માં કરવામાં આવ્યો. ત્યારથી આ ફસલી સન અને ઈ.સ.ના વર્ષ વચ્ચે 592-93નો એકધારો તફાવત રહે છે. આ સન હિજરી સનનું સૌર રૂપાંતર છે. તે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પ્રચલિત થઈ, અકબરની સત્તા વિસ્તરતાં બંગાળા વગેરે બીજા પ્રદેશોમાં પ્રચલિત થઈ. આ બધા પ્રદેશોમાં આ સંવતનાં વર્ષ આશ્ર્વિનાદિ અને માસ પૂર્ણિમાંત ગણાતાં. શાહજહાંના સમયમાં આ સન દક્ષિણ ભારતમાં પ્રચલિત થઈ ત્યારે હિજરી સનનું વર્ષ 1046 (ઈ.સ. 1626) ચાલતું હતું. આથી આ ફસલી સન અને ઈ.સ.ના વર્ષ વચ્ચે અહીં તફાવત 590-91 વર્ષનો થયો. મહારાષ્ટ્રમાં એનાં વર્ષ શાહૂર સનનાં વર્ષોની જેમ સૂર્ય મૃગશિર નક્ષત્રમાં પ્રવેશે ત્યારે (5મી અને 7મી જૂન વચ્ચે) શરૂ થાય છે અને મહિનાઓનાં નામ મુહર્રમ વગેરે છે. તામિલનાડુમાં આ સનનો આરંભ પહેલાં આડી (કર્ક) માસમાં અર્થાx સૌર શ્રાવણમાં (જૂન-જુલાઈ) થતો. લગભગ ઈ.સ. 1800થી એનાં વર્ષ 13મી જુલાઈથી અને ઈ.સ. 1855થી એ 1લી જુલાઈથી ગણાય છે.

બલાલી અને પરગણાતી સન : બંગાળના કેટલાક ભાગમાં ઉત્તર મધ્યકાલ દરમિયાન બલાલી સન અને પરગણાતી સન નામે બે સંવત પ્રચલિત હતા. બલાલી સન ઈ.સ. 1199માં અને પરગણાતી સન ઈ.સ. 1202-1203 કે 1201-1202માં શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

આ બંને સંવત લક્ષ્મણસેન સંવતનાં રૂપાંતર જેવાં છે. લક્ષ્મણસેને ઈ.સ. 1200ના અરસામાં બંગાળા ગુમાવ્યું હતું. એ ભૂતકાળની ઘટનાને અનુલક્ષીને આગળ જતાં પશ્ચિમ બંગાળમાં આ સંવત પ્રચલિત થયા લાગે છે.

બંગાળી સન : આ સનને ‘બંગાબ્દ’ પણ કહે છે. આ સંવત ફસલી સનનું રૂપાંતર છે. બંગાળી સનનો આરંભ મેષ સંક્રાન્તિ એટલે સૌર વૈશાખથી શરૂ થાય છે. એના માસ સૌર છે. માસ સંક્રાન્તિના દિવસ પછીના દિવસે શરૂ થાય છે. ‘બંગાબ્દ’માં 593-94 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે અને 650-51 ઉમેરવાથી વિક્રમ સંવતનું વર્ષ આવે. મુઘલકાલ પહેલાંના બંગાળાના અભિલેખોમાં આ સંવત પ્રયોજાયો હોવાનું જણાય છે.

બંગાળી સનવાળી બે હસ્તપ્રતોમાંની એકમાં શક 1638 (ઈ.સ. 1716), બંગાળી સન (સાલ) 1124 અને બીજીમાં શક 1711 (ઈ.સ. 1789), બંગાળી સન 1195નો ઉલ્લેખ છે. એમાંની પ્રથમ હસ્તપ્રત મુજબ ઈ.સ. અને બંગાળી સન વચ્ચેનું અંતર 592-93નું જ્યારે બીજી હસ્તપ્રતમાં એ બે સંવત વચ્ચેનું અંતર 594-95 આવે છે.

બાર્હસ્પત્ય (સંવત્સરચક્ર  12 વર્ષનું) : બૃહસ્પતિનો ગ્રહ પોતાનું પરિક્રમણ 12 સૌર વર્ષે પૂરું કરે છે. એમાં એ દરેક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી 12 બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પણ પ્રચલિત થયું. બૃહસ્પતિ જ્યારે જે નક્ષત્રમાં ઉદય પામે છે ત્યારે તે નક્ષત્ર પરથી તેને તે તે ચાંદ્ર માસનું નામ આપવામાં આવે છે. કૃત્તિકા કે રોહિણી ઉપરથી મહાકાર્ત્તિક, મૃગશિર કે આર્દ્રા પરથી મહામાર્ગશીર્ષ, પુનર્વસુ કે પુષ્ય પરથી મહાપૌષ, આશ્લેષા કે મઘા પરથી મહામાઘ, પૂર્વાફાલ્ગુની-ઉત્તરાફાલ્ગુની કે હસ્ત પરથી મહાફાલ્ગુની, ચિત્રા કે સ્વાતિ પરથી મહાચૈત્ર, વિશાખા કે અનુરાધા પરથી વૈશાખ, જ્યેષ્ઠા કે મૂળ નક્ષત્ર પરથી મહાજ્યેષ્ઠ, પૂર્વાષાઢા કે ઉત્તરાષાઢા પરથી મહાષાઢ, શ્રવણ કે ધનિષ્ઠા પરથી મહાશ્રાવણ, શતભિષા, પૂર્વા ભાદ્રપદા કે ઉત્તર ભાદ્રપદા પરથી મહાભાદ્રપદ, રેવતી, અશ્ર્વિની કે ભરણી પરથી મહાશ્વયુજ સંવત્સર કહેવામાં આવે છે. ઘણી વાર ચાંદ્ર માસની પહેલાં ‘મહા’ શબ્દ ઉમેરાય છે. બાર સૌર વર્ષ દરમિયાન ગુરુ 11 વાર ઉદય પામે છે, માટે 12 સૌર વર્ષમાં એક બાર્હસ્પત્ય સંવત્સરનો ક્ષય થાય છે.

પરિવ્રાજક મહારાજ હસ્તીના ગુપ્ત સંવત 163(ઈ.સ. 482-83)ના દાનશાસનમાં ‘મહાશ્વયુજ સંવત્સર’નો, કદંબ રાજા મૃગેશ વર્માના (5મી સદી) વર્ષ 3ના દાનપત્રમાં ‘પૌષ સંવત્સર’નો, રાજા હસ્તીના ગુ. સં. 191(ઈ.સ. 510-11)ના દાનપત્રમાં ‘મહાચૈત્ર સંવત્સર’નો, રાજા સંક્ષોભના ગુ. સં. 209(ઈ.સ. 528-29)ના તામ્રપત્રમાં ‘મહાશ્વયુજ સંવત્સર’નો અને હસ્તીના સમયના ભૌમરા સ્તંભલેખમાં ‘મહામાઘ સંવત્સર’નો ઉલ્લેખ આવે છે. આ સંવત્સર 12 વર્ષના બાર્હસ્પત્ય સંવત્સરચક્રનો છે.

આ સંવત્સરચક્ર પાંચમી-સાતમી સદી દરમિયાન પ્રચલિત હતું. એ પછી સામાન્ય વ્યવહારમાં લુપ્ત થઈ ગયું. છતાં દેશના કેટલાક ભાગમાં પંચાંગોમાં હજી પ્રચલિત રહ્યું છે.

બાર્હસ્પત્ય (સંવત્સરચક્ર : – 60 વર્ષનું) : બૃહસ્પતિ (ગુરુનો ગ્રહ) એકેક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે ને બાર વર્ષે એક પરિક્રમણ પૂરું કરે છે. એના એક એક રાશિ-સંક્રમણના સમયને બાર્હસ્પત્ય સંવત્સર (વર્ષ) ગણવામાં આવે છે ને એવા દરેક સંવત્સરને જુદું જુદું નામ આપવામાં આવે છે. આવા 60 સંવત્સરોનું એક ચક્ર ગણાય છે ને એ પૂરું થતાં ફરી એ 60 નામોનું પુનરાવર્તન થાય છે. બાર્હસ્પત્ય સંવત્સર સૌર વર્ષ કરતાં લગભગ 4 દિવસ જેટલો ટૂંકો હોવાથી 85 સૌર વર્ષમાં એક સંવત્સરનો લોપ થાય છે.

ઉત્તર ભારતમાં આ સંવત્સરચક્રનો આરંભ વિજય સંવત્સરથી ગણાય છે. ખરી રીતે સંવત્સરનો આરંભ બાર્હસ્પત્ય સંક્રાન્તિ પ્રમાણે ગણાવો જોઈએ, પણ વ્યવહારમાં સૌર વર્ષના આરંભે જે સંવત્સર ચાલતો હોય તે આખા સૌર વર્ષનો ગણાય છે. આથી અમુક વર્ષે એક સંવત્સરનો ક્ષય થાય છે. 60 સંવત્સરોનાં નામ નીચે પ્રમાણે છે : 1. પ્રભવ, 2. વિભવ, 3. શુક્લ, 4. પ્રમોદ, 5. પ્રજાપતિ, 6. અંગિરા, 7. શ્રીમુખ, 8. ભાવ, 9. યુવા, 10. ધાતા, 11. ઈશ્વર, 12. બહુધાન્ય, 13. પ્રમાથી, 14. વિક્રમ, 15. વૃષ, 16. ચિત્રભાનુ, 17. સુભાનુ, 18. તારણ, 19. પાર્થિવ, 20. વ્યય, 21. સર્વજિx, 22. સર્વધારી, 23. વિરોધી, 24. વિકૃતિ, 25. ખર, 26. નંદન, 27. વિજય, 28. જય, 29. મન્મથ, 30. દુર્મુખ, 31. હેમલંબ, 32. વિલંબી, 33. વિકારી, 34. શાર્વરી, 35. પ્લવ, 36. શુભકૃx, 37. શોભન, 38. ક્રોધી, 39. વિશ્વાવસુ, 40. પરાભવ, 41. પ્લવંગ, 42. કીલક, 43. સૌમ્ય, 44. સાધારણ, 45. વિરોધકૃત, 46. પરિધાવી, 47. પ્રમાદી, 48. આનંદ, 49. રાક્ષસ, 50. અનલ, 51. પિંગલ, 52. કાલયુક્ત, 53. સિદ્ધાર્થી, 54. રૌદ્ર, 55. દુર્મતિ, 56. દુંદુભિ, 57. રુધિરોદ્ગારી, 58. રક્તાક્ષ, 59. ક્રોધન અને 60. ક્ષય.

વરાહમિહિરે કલિયુગનું પહેલું વર્ષ વિજય સંવત્સર માન્યું છે, પરંતુ ‘જ્યોતિષતત્ત્વ’ અનુસાર પ્રથમ વર્ષ પ્રભવ સંવત્સર છે.

દક્ષિણ ભારતમાં બાર્હસ્પત્ય સંવત્સર વધુ પ્રમાણમાં પ્રચલિત છે; પરંતુ ત્યાં ગણાતા સંવત્સર ખરેખર બાર્હસ્પત્ય સંવત્સર નથી. ત્યાં સૌર વર્ષને ‘બાર્હસ્પત્ય’ નામ આપીને ‘બાર્હસ્પત્ય સંવત્સર’ માની લેવામાં આવે છે. આથી એમાં સંવત્સરનો ક્ષય થતો નથી. ત્યાં સંવત્સર-ચક્રનો આરંભ પ્રભવ સંવત્સરથી ગણાય છે, જે ઉત્તર ભારતના વિજયાદિ સંવત્સરોમાં 35મો સંવત્સર છે. ઉત્તર ભારતના અભિલેખોમાં આ સંવત્સરોનો ઉલ્લેખ ક્યારેક આવે છે, જ્યારે દક્ષિણ ભારતનાં અભિલેખો અને હસ્તપ્રતોમાં સંવત્સરો વારંવાર પ્રયોજાય છે. નાગાર્જુનીકોંડા(આંધ્ર પ્રદેશ)ના 3જી-4થી સદીના બે અભિલેખોમાં વિજય સંવત્સરનો ઉલ્લેખ આવે છે. પંચાંગોમાં પણ વિક્રમ અને શક સંવતના વર્ષ સાથે સંવત્સરનું નામ આપેલું હોય છે.

બુદ્ધનિર્વાણ સંવત : બૌદ્ધોમાં બુદ્ધના નિર્વાણથી જે સંવત મનાયો એ ‘બુદ્ધનિર્વાણ સંવત’ કહેવાયો. બૌદ્ધ ગ્રંથોની હસ્તપ્રતો અને શિલાલેખોમાં આ સંવત મળે છે. બુદ્ધનું પરિનિર્વાણ કયા વર્ષે થયું એનો નિર્ણય થઈ શકતો નથી. સિલોન (શ્રીલંકા), બર્મા, સિયામ(થાઇલૅન્ડ)માં બુદ્ધનિર્વાણ ઈ. પૂ. 544માં થયું હોવાનું મનાય છે. ચીનની અનુશ્રુતિમાં એનો સમય ઈ. પૂ. 638માં મુકાય છે. ફા-હ્યાન ઈ. પૂ. 1097માં ગણે છે. યુ-અન-શ્વાંગે જણાવ્યા અનુસાર બુદ્ધનિર્વાણથી 100મા વર્ષે સમ્રાટ અશોકનું રાજ્ય દૂર દૂર ફેલાયેલું હતું. ડૉ. બ્યૂહ્લરે ઈ. પૂ. 483-82 અને 472-71 વચ્ચે, પ્રો. કર્ને ઈ. પૂ. 388, ફર્ગ્યુસને 481માં, જન. કનિંગહામે 478માં, મૅક્સમ્યૂલરે 477માં, વાર્નેટે 483માં, ફ્લીટે 420માં, વી. એ. સ્મીથે 487 કે 486માં નિર્વાણ થયું હોવાનું જણાવે છે. કૅન્ટોનની પરંપરામાં બુદ્ધનું નિર્વાણ ઈ. પૂ. 486માં થયું. અર્વાચીન વિદ્વાનો એનો સમય ઈ. પૂ. 483નો મૂકે છે.

ભાટિક સંવત : ભાટિક સંવત રાજસ્થાનના જેસલમેર પ્રદેશના કેટલાક મધ્યકાલીન અભિલેખોમાં પ્રયોજાયો છે. જેસલમેરના વિષ્ણુમંદિરના શિલાલેખમાં વિ. સં. 1494 (ઈ. સ. 1437-38) અને ભાટિક સં. 813 (વર્તમાન), માઘ શુદિ 6, શુક્ર, અશ્ર્વિની નક્ષત્રનો ઉલ્લેખ છે. અહીંના એક મહાદેવના મંદિરમાંના શિલાલેખમાં ભાટિક સંવત 993, ઉત્તરાયણ માર્ગશીર્ષ અને વિ. સં. 1673 (ગત) અને શક સં. 1538ની મિતિ આપેલી છે. પહેલી મિતિએ અંગ્રેજી તારીખ 31 જાન્યુ., ઈ.સ. 1438 અને બીજી મિતિએ 28 ડિસે., ઈ.સ. 1616 આવે. આથી ભાટિક સંવત અને ઈસવીસન વચ્ચે 624-25 કે 623-24નો તફાવત આવે.

જેના નામ પરથી જેસલમેરના રાજાઓ ‘ભાટી’ કહેવાતા તે આ રાજાઓના પૂર્વજ ભટ્ટી કે ભટ્ટીકે આ સંવતની સ્થાપના કરી હતી. જોકે આ સંવતનો નિર્દેશ એના 500 વર્ષ પહેલાં ક્યાંય મળતો નથી.

ભાટિક સંવતના ઉલ્લેખોવાળા શિલાલેખો વર્ષ 534થી 993ના મળ્યા છે :

1. ભાટિક સંવત 534, કાર્ત્તિક વદિ 2, સોમ(ઈ. સ. 1157, 7 ઑક્ટો.)નો લોધ્રવા શિલાલેખ.

2. ગોવર્ધન ઉપરનો (જેસલમેરથી 10 માઈલ દૂર) ભાટિક સંવત 539, ભાદ્રપદ સુદિ 10, રવિવાર(ઈ. સ. 1163, 11 ઑગસ્ટ)નો શિલાલેખ.

3. ગોગાકી તલાઈ(જેસલમેરથી 5 માઈલ દૂર)ના ભાટિક સં. 685, આષાઢ વદિ 3, ગુરુ(26 જૂન, ઈ.સ. 1309)ના ત્રણ સ્મૃતિસ્તંભ લેખ.

4. જેસલમેર કિલ્લાની તળેટીમાં વિ. સં. 1418, ભાટિક સં. 738, માર્ગશીર્ષ વદિ 11, બુધ(24 નવે., ઈ.સ. 1361)ના ત્રણ સ્મૃતિ-શિલાલેખ.

5. જેસલમેર કિલ્લામાં કૂવાની પાસેના સ્તંભ ઉપરનો વિ. સં. 1494, ભાટિક સં. 813, માઘ સુદિ 6, શુક્રવાર(31 જાન્યુ., ઈ.સ. 1438)નો અભિલેખ.

6. જેસલમેર કિલ્લામાં લક્ષ્મીકાંત મંદિરમાંનો વિ. સં. 1494, ભાટિક સં. 813, માઘ સુદિ 6, શુક્ર(31 જાન્યુ., ઈ.સ. 1438)નો શિલાલેખ.

7. જેસલમેર દુર્ગમાં વ્યાસોંકી બેઠકની દીવાલ પરનો વિ. સં. 1494, ભાટિક સં. 813, માઘ સુદિ 10, બુધ(5 ફેબ્રુ., ઈ.સ. 1438)નો શિલાલેખ.

8. જેસલમેરથી એક માઈલ દૂર ઈસરલાલજીના તળાવ પાસે સ્તંભ ઉપરનો વિ. સં. 1673, શક 1538, ભાટિક સં. 993, માઘ સુદિ 5, શુક્ર(31 જાન્યુ., ઈ.સ. 1617)નો અભિલેખ.

આ શિલાલેખોની મિતિઓની ગણતરી પરથી પણ ભાટિક સંવતનું આરંભવર્ષ 624-25 કે 623-24 હોવાનું જણાય છે. આ સંવતનો પ્રયોગ જેસલમેરના પ્રદેશમાં ઈ. સ.ની 12મીથી 17મી સદી સુધી ચાલુ રહ્યો. એ પછી એ લુપ્ત થયો.

આ સંવતની ઉત્પત્તિ વિશે જણાય છે કે અરબોએ 8મી સદીમાં સિંધ જીત્યું ત્યારે ત્યાં પ્રચલિત થયેલી હિજરી સન આગળ જતાં નજીકના જેસલમેર પ્રદેશમાં પણ પ્રચલિત થઈ, પરંતુ ત્યાં એનાં વર્ષ સૌર ગણવામાં આવ્યાં. હિજરી સનના આરંભવર્ષ ઈ.સ. 622-23ને પાયારૂપ ગણી સૌરવર્ષની પદ્ધતિ અનુસાર વર્ષ 1થી ગણતરી કરી. એને કારણે ઈ.સ. અને ભાટિક સંવતમાં 622ને બદલે 623-24 કે 624-25 એમ બે વર્ષનો તફાવત હિજરી વર્ષના સંદર્ભમાં રહે છે.

ભૌમકર સંવત : ઓરિસામાં ભૌમ વંશના અઢાર રાજાઓએ લગભગ બસો વર્ષ રાજ્ય કર્યું. પ્રથમ રાજાના રાજ્યકાલના પ્રથમ વર્ષથી શરૂ કરી છેલ્લાં રાણી ધર્મમહાદેવી(અંતિમ શાસક)નું રાજ્ય ભૌમકર સંવતના 200મા વર્ષ પછી તરત પૂરું થયું. પૂરી કટક પ્રદેશમાં ભૌમકર રાજ્યની સત્તા 9મી-10મી સદીમાં પ્રવર્તી. એમના સ્થાને સોમવંશી રાજાઓ આવ્યા. એ પછી એમના સામંત રાજાઓએ પણ આ સંવત પ્રયોજ્યો.

આ સંવતનાં વર્ષોને કાલગણના અનુસાર તપાસતાં એનો આરંભ નવમી સદીના પૂર્વાર્ધમાં થયો હોવાનું જણાય છે. ભૌમકર વંશના પ્રથમ રાજા ક્ષેમંકરના રાજ્યના વર્ષ 1થી એ શરૂ થયો લાગે છે. રાજા શત્રુભંજના દસપલ્લ તામ્રપત્રમાં ભૌમકર સંવતનું વર્ષ 198, વિષુવ સંક્રાન્તિ, પંચમી અને રવિવાર, મૃગશિર નક્ષત્રનો ઉલ્લેખ છે. આ દિવસે ઈ. સ. 1029ના માર્ચની 23મી તારીખ આવે. આ પરથી ભૌમકર સંવતનો આરંભ ઈ.સ. 831માં થયો જણાય છે. આ સંવત બસો વર્ષ સુધી પ્રચારમાં રહ્યો અને પછી લુપ્ત થયો.

મગી સન : આ સન બંગલા દેશના ચિત્તાગોંગ પ્રદેશમાં પ્રચલિત છે. આરાકાનના રાજાએ ઈ.સ.ની 9મી સદીમાં ચિત્તાગોંગ જિલ્લો જીતી લીધો અને 1666માં મુઘલોના રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યો. ત્યાં સુધી આ પ્રદેશમાં આરાકાનીઓ જેને બંગલા દેશમાં ‘મગ’ કહેતા હતા, તેમનું શાસન હતું. આ મગોના નામ પરથી ‘મગી સન’ તરીકે પ્રચલિત થઈ.

મગી સન બંગાળી સનને મળતી સન છે. પરંતુ એ 45 વર્ષ પછી શરૂ થઈ ગણાય છે. બંગાળી સન 1317(ઈ.સ. 1950-51)માં મગી સનનું વર્ષ 1402 આવે છે. આ સનમાં 548-49 ઉમેરવાથી ઈસવી- સનનું વર્ષ આવે.

મલ્લ સન : પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાંના વિષ્ણુપુરના મલ્લ રાજાઓમાં પ્રચલિત થયેલ મલ્લ સન બંગાળી સન કરતાં 101 વર્ષ આગળ છે. આ તફાવત મલ્લ રાજાના તરંગને લઈને થયો હોય.

બંગાબ્દ 1357 (ઈ. સ. 1950-51) હોય ત્યારે આ સનનું વર્ષ 1458 ગણાય છે. આથી મલ્લ સનના વર્ષમાં 492-93 ઉમેરવાથી ઈસવી સનનું વર્ષ આવે.

મવલૂદી સન : આ સન માયસોરમાં ટીપૂ સુલતાને પ્રચલિત કરી હતી. એ ઈ. સ. 1783, 4થી મે, હિજરી સન 1117, શક 1705, શોભન સંવત્સરના દિવસે ગાદીએ આવ્યો. પહેલાં આ સુલતાને સંવત્સરના શોભન વગેરે નામોને બદલે હિબ્રૂ ભાષાની ‘અબજદ’ પદ્ધતિએ હિબ્રૂ કક્કાના અરબી અક્ષરોને 1, 2, 3 વગેરે સંખ્યાઓના સંકેત બનાવી નવી અબતસ પદ્ધતિએ ઉપજાવેલાં નવાં નામ દાખલ કર્યાં. એ જ પદ્ધતિએ એણે મહિનાઓનાં પણ નવાં નામ ઉપજાવ્યાં. અબતસ પદ્ધતિનાં વર્ષનાં નામ ટીપૂના સિક્કાઓ પર પ્રયોજાયાં છે.

હિજરી સનનું 1200મું વર્ષ પૂરું થતાં (23 ઑક્ટો., ઈ. સ. 1786માં) ટીપૂ સુલતાને નવી સન પ્રચલિત કરી. હિજરી સન મુહમ્મદ પેગંબરની હિજરત(ઈ.સ. 622)થી ગણાતી, એને બદલે પેગંબરના જન્મ(ઈ. સ. 572)થી એણે નવી સન ગણાવી અને એમાં ચાંદ્ર વર્ષને બદલે ચાંદ્ર-સૌર વર્ષ રખાવ્યાં. આ નવી સનનું નામ ‘મવલૂદી સન’ છે. આ સનના વર્ષમાં 572-73 ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. શક વર્ષ 1709(ઈ. સ. 1787-88)માં પ્લવંગ સંવત્સર (41) ચાલતો હતો. એને ‘શા’ નામ આપી મવલૂદી સનનું વર્ષ 1215 ગણવામાં આવ્યું.

ટીપૂ સુલતાને બાર્હસ્પત્ય સંવત્સર ચક્રનાં વર્ષો અપનાવ્યાં અને એને સ્વયં નિશ્ચિત કરેલાં નામ આપ્યાં. આમ એના રાજ્યકાલનાં પહેલાં ચાર વર્ષ(સંવત્સર)નાં નામ શોભન (37), ક્રોધિન્ (38), વિશ્વાવસુ (39) અને પરાભવ(40)ના સ્થાને ઝેકી, અઝલ, જલવ અને દલવ એવાં આપ્યાં. મોડી લિપિના મરાઠી દસ્તાવેજમાં આ પ્રમાણે મિતિ આપી છે : ‘ચ 14, માહે તકી, સાલ સાહર, સન 1221’. મવલૂદી સન અને અબતસ પદ્ધતિ અનુસાર વર્ષ સાહિર-સાહર (સંવત્સર નં. 47), શક સં. 1715 (ઈ.સ. 1793-94) અને પ્રમાદિન્ સંવત્સર (47) સાથે બંધ બેસે છે અને તકી એ ત્રીજો મહિનો જ્યેષ્ઠ છે.

માલવગણ  વિક્રમ સંવત : ઉત્તર ભારતના ઘણા પ્રદેશોમાં તેમજ ગુજરાતમાં વિક્રમ સંવત સદીઓથી પ્રચલિત છે. આ સંવત હાલ પ્રવર્તમાન છે, એ પરથી એ ઈ. પૂ. 57માં શરૂ થયો હોવાનું જણાય છે. અનુશ્રુતિ અનુસાર આ સંવત ઉજ્જૈનના પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યે શકોને હરાવી શરૂ કરેલો મનાય છે.

ભારતીય અભિલેખોમાં અને હસ્તપ્રતોમાં આ સંવતનો નિર્દેશ ‘વિક્રમ સંવત’, ‘વિક્રમાદિત્ય સંવત’, ‘વિક્રમ કાલ’, ‘વિક્રમાદિત્યોત્પાદિત સંવત્સર’, ‘વિક્રમ સંવત્સર’ એવાં જુદાં જુદાં નામો દ્વારા થયો છે. આ સંવત નવમી સદી પહેલાં મળતો નથી. વિક્રમ કાલનો નિર્દેશ સહુ પ્રથમ ચાહમાન રાજા ચંડમહાસેનના ધોલપુર (રાજસ્થાન) શિલાલેખમાં મળે છે. એમાં વિક્રમ સંવત 898(ઈ. સ. 841)નો નિર્દેશ છે. આથી આ સંવત 9મી સદી પહેલાં બીજા કોઈ નામે ઓળખાતો હશે.

રાજસ્થાન અને માળવામાં અગાઉના અભિલેખોમાં ‘કૃત’ અને ‘માલવગણ’ નામે સંવતનો નિર્દેશ આવે છે. એમાં કૃત સંવતનાં વર્ષ 282થી 481 અને માલવગણ સંવતનાં વર્ષ 461થી 936નાં મળ્યાં છે.

‘કૃત’, ‘માલવગણ’ અને ‘વિક્રમ’ સંવતના નામે ઓળખાતો સંવત એક જ હોવાનું જણાય છે. આ સંવત એના ત્રીજાથી પાંચમા સૈકા દરમિયાન ‘કૃત’ નામે ઓળખાતો, પાંચમા અને છઠ્ઠા સૈકા દરમિયાન ‘માલવગણ’ નામે ઓળખાતો. આઠમા શતકમાં એ ક્યારેક માલવદેશના રાજા કે રાજાઓના નામે ઓળખાતો, દસમા સૈકા સુધી એ ક્યારેક માલવદેશના નામે પણ ઓળખાતો. જોકે નવમા સૈકાથી ‘વિક્રમ’, ‘વિક્રમાદિત્ય’ કે ‘વિક્રમાર્ક’ના નામે ઓળખાવા લાગ્યો. ‘કૃત’ના અર્થ જુદા જુદા કરવામાં આવે છે : કાલગણનાવિદોએ બનાવેલો, કૃત નામે રાજાનો, કૃત નામે ગણમુખ્યનો  માલવગણના વડાનો, કૃતયુગ(સત્યયુગ)નો.

માલવ પ્રજા સિકંદરની ચડાઈના સમયે (ઈ. પૂ. 325) પંજાબમાં રાવીના કિનારે વસતી હતી, જ્યારે પાંચમી સદીથી એ દશપુર(મંદસોર)ની આસપાસ વસી લાગે છે. સાતમી સદીથી અવંતિ-આકર પ્રદેશ ‘માલવ’ (માળવા) નામે ઓળખાયો. અગાઉ બીજીથી ચોથી સદી દરમિયાન માલવ પ્રજા રાજસ્થાનમાં વસતી હોવાનું જણાય છે. આ પરથી માલવ પ્રજા પહેલાં પંજાબમાં રહેતી હોય ને પછી ત્યાંથી સ્થળાંતર કરી રાજસ્થાન થઈ છેવટે અવંતિ-આકર પ્રદેશમાં વસી હોય એવું જણાય છે. પાંચમી સદીથી આ સંવત સાથે માલવ પ્રજાનું, માલવગણનું, માલવ રાજાઓ કે માલવ દેશનું નામ સંકળાયું હતું. પાંચમી સદી પહેલાં આ સંવત કયા નામે પ્રયોજાયો એ વિશે વિદ્વાનોમાં મતભેદો છે.

ઘણા વિદ્વાનો એવું મન્તવ્ય ધરાવે છે કે આ સંવત અને શક-પહ્લવ રાજાઓના અભિલેખોમાં પ્રયોજાયેલો સંવત એક જ છે. કૃત નામ વિદેશી પ્રજાનું છે. શક-પહ્લવ રાજાઓના અભિલેખોમાં એનાં વર્ષ 72થી મળ્યાં છે. આથી આ રાજાઓએ આ સંવત પહ્લવ રાજ્યમાંથી અપનાવ્યો હશે અને પહ્લવ રાજ્યમાં ઈ. પૂ. 1લી સદીમાં વોનોન નામે પ્રતાપી રાજા હતો, જેના રાજ્યકાલથી આ સંવતનો આરંભ થયો હોવાનું જણાય છે. પહ્લવ દેશથી આવેલા શક-પહ્લવ રાજાઓએ પંજાબમાં આ સંવત પ્રચલિત કર્યો, ત્યારે ત્યાં વસતા માલવોએ પછી એને રાજસ્થાન અને માળવામાં પ્રચલિત કર્યો. રાજસ્થાનમાંથી ઉત્તર પ્રદેશ અને બિહાર ગયેલા મૌખરિઓએ આ સંવતનો પ્રસાર ત્યાં કર્યો. ગુર્જર-પ્રતીહારોએ એને ઉત્તર ભારતના વિશાળ રાજ્યમાં વિસ્તાર્યો. આગળ જતાં માલવ પ્રજા અને એના ગણતંત્રની સ્મૃતિ લુપ્ત થતાં એ સંવત માલવદેશ અને એના રાજાનો ગણાયો ને છેવટે ઉજ્જૈનના લોકપ્રિય રાજા વિક્રમાદિત્યનું નામ એની સાથે જોડાયું. શક-ક્ષત્રપો પાસેથી માળવા જીતી લેનાર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ઉજ્જૈનનો પ્રસિદ્ધ રાજા હતો. એ શકારિ વિક્રમાદિત્ય તરીકે ઓળખાતો. નવમી સદીથી ઉજ્જૈનનો આ વિક્રમાદિત્ય વિક્રમ સંવતનો પ્રવર્તક મનાયો અને સંવત વિક્રમ સંવતના નામે ઓળખાયો.

ડૉ. રાજબલિ પાંડેએ ભારતીય અનુશ્રુતિને સ્વીકારી અલગ મંતવ્ય રજૂ કર્યું. જૈન અનુશ્રુતિ મુજબ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યે શકોને હાંકી કાઢી અવંતિ દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કર્યો, ત્યારે એ વિજયની સ્મૃતિમાં આ સંવત શરૂ કરવામાં આવ્યો. ગણતંત્રમાં ગણમુખ્ય કરતાં સમસ્ત ગણનું મહત્ત્વ રહેલું હોઈ એ સંવત માલવગણના નામે ઓળખાયો. આ વિજય વડે સુખ અને સમૃદ્ધિનો કાલ શરૂ થયો હોઈ આરંભમાં એને આલંકારિક રીતે કૃત (સત્ય) કાલ (યુગ) ગણવામાં આવ્યો. અવંતિમાં ફરી પાછું શકોનું શાસન પ્રવર્ત્યું ને એ લાંબો સમય ચાલુ રહ્યું. આથી આગળ જતાં ‘કૃત’ નામ લુપ્ત થયું, પણ ‘માલવગણ’ નામ ચાલુ રહ્યું. ગુપ્ત સમ્રાટોએ ગણતંત્રોનો નાશ કર્યો ને માલવદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું ત્યારે માલવ પ્રજાએ આ પ્રાચીન સંવત ચાલુ રાખ્યો. આઠમી-નવમી સદીમાં ભારતીય પ્રજામાં ગણતંત્રની વિભાવના સમૂળી ભુલાઈ ગઈ ને રાજતંત્રમાં વ્યક્તિનો મહિમા પ્રવર્ત્યો ત્યારે માલવગણના સ્થાને માલવ પ્રજાના ગણમુખ્ય વિક્રમાદિત્યનું નામ પ્રચલિત થયું ને માલવગણ સંવત વિક્રમાદિત્યને નામે ઓળખાયો.

વિક્રમ સંવતનાં વર્ષ ઉત્તર ભારતમાં ચૈત્રાદિ અને ગુજરાતમાં કાર્તિકાદિ ગણાય છે. વિક્રમ સંવતના ચૈત્રાદિ વર્ષ અને ઈસવી સનના વર્ષ વચ્ચે ચૈત્ર સુદ 1થી 31મી ડિસેમ્બર સુધી, અર્થાx, ચૈત્રાદિ વર્ષના પહેલા નવ-દસ મહિના દરમિયાન 57 વર્ષનો તફાવત રહે છે અને 1લી જાન્યુઆરીથી પૂર્ણિમાન્ત ચૈત્ર (અમાન્ત ફાગણ) વદિ 15 સુધી એ બંને વચ્ચેનો તફાવત 56 વર્ષનો રહે છે. એટલે કે વિક્રમ સંવતમાંથી 57-56 બાદ કરવાથી ઈ.સ.નું વર્ષ આવે.

ગુજરાતમાં વિક્રમ સંવતનું વર્ષ કાર્તિકાદિ છે. આથી આરંભના બે-ત્રણ મહિના દરમિયાન, અર્થાx, કાર્તિક સુદિ 1થી 31મી ડિસેમ્બર સુધી વિક્રમ સંવતના વર્ષમાંથી 57 બાદ કરતાં ઈસવી સનનું વર્ષ આવે છે. જ્યારે પછીના નવ-દસ મહિના દરમિયાન, અર્થાx, 1લી જાન્યુઆરીથી આસોના અંત સુધી વિક્રમ સંવતના વર્ષમાંથી 56 બાદ કરતાં ઈસવી સનનું વર્ષ આવે છે.

વિક્રમ સંવતના માસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં અમાસાન્ત ગણાય છે. કચ્છ, હાલાર વગેરે પ્રદેશમાં આષાઢાદિ વર્ષ પ્રચલિત હતાં. એ ચૈત્રાદિ વર્ષ કરતાં ત્રણ મહિના મોડું અને કાર્તિકાદિ વર્ષ કરતાં ચાર મહિના વહેલું શરૂ થાય છે.

સોલંકી કાલથી વિક્રમ સંવતનો પ્રયોગ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારથી માંડી અત્યાર સુધી ગુજરાતમાં વિક્રમ સંવત જ વ્યાપક રીતે પ્રચલિત રહેલો છે. બ્રિટિશ કાલ દરમિયાન લોકવ્યવહારમાં ઈસવી સન પ્રચલિત થતાં વિક્રમ સંવતનો પ્રયોગ મર્યાદિત થતો જાય છે, છતાં ધાર્મિક પ્રસંગોએ એનું મહત્ત્વ ચાલુ રહ્યું છે.

યુધિષ્ઠિર સંવત : મહાભારત યુદ્ધ અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કલિયુગના આરંભ પછી 653 વર્ષે થયો હોવાનો મત વધુ પ્રચલિત છે. વરાહમિહિર યુધિષ્ઠિરના રાજ્યનો આરંભ શક કાલ પહેલાં 25-26 વર્ષે થયો હોવાનું જણાવે છે તેમજ ‘રાજતરંગિણી’માં કલ્હણ પણ કુરુઓ અને પાંડવો કલિયુગનાં 653 વર્ષ વીત્યાં પછી થયા હોવાનું સ્પષ્ટ છે. આ પરથી આ સંવતનો આરંભ કલિયુગ સંવતના આરંભ પછી 653 વર્ષે, અર્થાx, ઈ. પૂ. 2449માં થયો ગણાય. એ ગણતરીએ આ સંવતના વર્ષમાંથી 2447-48 બાદ કરવાથી ઈસવી સનનું વર્ષ આવે.

પુરાણોમાં પરીક્ષિતના જન્મ અને મહાપદ્મનંદના રાજ્યાભિષેક વચ્ચે 1050 (કે 1015 કે 1115 કે 1500) વર્ષનો ગાળો હોવાનું જણાવ્યું છે. પરીક્ષિતનો જન્મ મહાભારત યુદ્ધ પછી થોડા માસમાં થયો હતો ને મહાપદ્મનો રાજ્યાભિષેક ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યારોહણ (લગ. ઈ. પૂ. 323) પહેલાં થોડા દશકો પર થયો હતો. એ ગણતરીએ મહાભારત યુદ્ધ ઈ. પૂ. 1400, 1500 કે 1900થી વહેલું થયું ન હોઈ શકે. પાર્જિટર પુરાણોની વંશાવલી અનુસાર મહાભારત યુદ્ધનો સમય લગભગ ઈ. પૂ. 950 મૂકે છે. આમ મહાભારત યુદ્ધ કે યુધિષ્ઠિરના રાજ્યાભિષેકનો નિશ્ચિત સમય તારવવો મુશ્કેલ છે.

રાજ્યાભિષેક સંવત : આ સંવતને ‘રાજ્યાભિષેક શક’ કે ‘રાજ શક’ કહેવામાં આવતો. અહીં શકનો અર્થ સંવત (વર્ષ) છે. મરાઠા રાજ્યના સ્થાપક શિવાજીના રાજ્યાભિષેકની સ્મૃતિમાં આ સંવત પ્રચલિત થયો. શિવાજીનો રાજ્યાભિષેક શક સંવત 1596ની જ્યેષ્ઠ સુદિ 13 અર્થાx 6ઠ્ઠી જૂન, ઈ.સ. 1674ના રોજ થયો હતો. એનાં વર્ષ ‘વર્તમાન’ હતાં અને એનો આરંભ જ્યેષ્ઠ સુદિ 13થી થતો. આ સંવત મરાઠા રાજ્યમાં કેટલાંક વર્ષ સુધી પ્રચલિત રહ્યો અને પછી લુપ્ત થઈ ગયો.

રાષ્ટ્રીય પંચાંગ : ભારતમાં હાલ કાલગણનાની અનેક જુદી જુદી પદ્ધતિઓ પ્રચલિત છે. એ બધી પદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ કરી સમગ્ર દેશ માટે એક શુદ્ધ અને એકસરખી પદ્ધતિ સૂચવવા માટે ભારત સરકારે 1952માં અધ્યાપક મેઘનાદ સહાના પ્રમુખપદે ‘પંચાંગ-સુધારા સમિતિ’ નીમી હતી. એનો અહેવાલ 1954માં સરકારને સુપરત કરવામાં આવ્યો અને આ નવી યોજનાનો અમલ 1957ની 22મી માર્ચને શુક્રવારથી થયો. આ પદ્ધતિની કાલગણનાને ‘રાષ્ટ્રીય પંચાંગ’ કહે છે.

એમાં સંવત તરીકે શક સંવત, માસ તરીકે સૌર માસ અને દિવસ તરીકે દિનાંક અપનાવવામાં આવ્યા છે. એનું વર્ષ વસંતસંપાત દર્શાવતા મેષ સંક્રાન્તિના દિવસ 21મી માર્ચ પછીના દિવસે 22મી માર્ચથી થાય છે. પછીના પાંચ માસ 31-31 દિવસના ને છેલ્લા છ માસ 30-30 દિવસના ગણાય છે. પહેલા માસને સામાન્ય વર્ષોમાં 30 દિવસનો અને પ્લુત વર્ષમાં 31 દિવસનો ગણવામાં આવે છે. મહિના સૌર હોવા છતાં એને ચાંદ્ર માસનાં નામ આપવામાં આવ્યાં છે. આ મહિના ચંદ્રની કલાની વધઘટ દર્શાવતા નથી. માસનાં નામ ચૈત્ર, વૈશાખ વગેરે રાખવામાં આવ્યાં છે. પ્લુત વર્ષે પહેલો માસ 1 દિવસ વહેલો શરૂ કરવામાં આવે છે. દિવસના આરંભ-અંત મધ્યરાત્રિથી મધ્યરાત્રિના ગણાય છે.

રાષ્ટ્રીય પંચાંગનો ઉપયોગ સરકારે પત્રવ્યવહારમાં અને આકાશવાણીમાં ઈસવી સનની સાથે સાથે કરવા માંડ્યો છે. આથી કૅલેન્ડરો તથા પંચાંગોમાં એનો સમાવેશ કરવામાં આવે છે; પરંતુ આ પદ્ધતિ લોકોમાં પ્રચલિત થઈ નથી. સમસ્ત દેશમાં કાલગણનાની એકસરખી પદ્ધતિ લોકોમાં પ્રચલિત થાય એ હેતુ આવકાર્ય છે; પરંતુ ભારતનાં લગભગ બધાં જ ધાર્મિક વ્રતો અને તહેવારો ચાંદ્ર માસની તિથિ પ્રમાણે ગણાય છે; આથી એ માટે ચાંદ્ર માસવાળા પંચાંગની જરૂર ચાલુ રહે છે ને લૌકિક વ્યવહારમાં ઈસવી સનનો પ્રયોગ લાંબા કાળથી ઘણો રૂઢ થયો હોઈ તેમજ વધતા જતા આંતરરાષ્ટ્રીય વ્યવહારને લીધે એનો ઉપયોગ દિનપ્રતિદિન વધતો જતો હોઈ, અનેક પ્રદેશોની ભિન્ન ભિન્ન પરંપરાના મિશ્રણવાળી આ નવી પદ્ધતિ લોકવ્યવહારમાં ભાગ્યે જ પ્રચલિત થાય તેમ છે.

લક્ષ્મણસેન સંવત : આ સંવત બંગાળ, દક્ષિણ બિહાર અને મિથિલા(ઉ. બિહાર)ના પ્રદેશોમાં પ્રચલિત હતો ને હાલ મિથિલામાં થોડા પ્રમાણમાં ચાલુ રહ્યો છે. આ સંવતને ‘લક્ષ્મણ સંવત’ કે ‘લ.સં.’ કહે છે. આ સંવત બંગાળના સેન વંશના રાજા લક્ષ્મણસેન સાથે સંકળાયેલો છે. એ રાજા લગભગ ઈ.સ. 1179થી 1206 સુધી રાજ્ય કરતો હતો. આ સંવતના વર્ષ 51, 74 અને 83ના લેખ ગયા પ્રદેશ(દ. બિહાર)માંથી મળ્યા છે. વર્ષ 74ની મિતિ સાથે આપેલ વાર ઈ.સ. 1253માં બંધ બેસે છે. આથી આ સંવતનાં વર્ષ આરંભમાં ઈ.સ. 1179ના અરસામાં સેનવંશી રાજા લક્ષ્મણસેનના રાજ્યારોહણથી ગણાતાં હોવાનું સ્પષ્ટ થાય છે.

(1) અબુલ ફઝલે (16મી સદી) ‘અકબરનામા’માં જણાવ્યું છે કે બંગ(બંગાળ)માં લક્ષ્મણસેનના રાજ્યના પ્રારંભથી આ સંવત ગણાય છે. એ સમયથી આજ સુધી 465 વર્ષ થયાં છે. એ સમયે શક સંવતનું 1506 અને વિક્રમ સંવતનાં 1641 વર્ષ વ્યતીત થયાં હતાં. (2) ડૉ. રાજેન્દ્રલાલ મિત્રે ‘સ્મૃતિતત્ત્વામૃત’ નામના ગ્રંથની હસ્તપ્રતની પુષ્પિકામાં ‘લ. સં. 505 શાકે 1546’ લખેલ છે. (3) નેપાળમાંથી મળેલ ‘નરપતિજયચર્યા ટીકા’ (સ્વરોદયદીપિકા) ગ્રંથની હસ્તપ્રતના અંતે ‘શાકે 1536 અને લ. સં. 494’ લખેલ છે.

ઉપરનાં ત્રણે પ્રમાણોના આધાર પર શક સંવત અને લક્ષ્મણસેન સંવત વચ્ચેનો તફાવત 1041 આવે છે. પરંતુ મિથિલામાં આ સંવત શક વર્ષ 1028(ઈ.સ. 1106)માં શરૂ થયો એવા ઉલ્લેખો મળે છે. (1) તિરહુતના રાજા શિવસિંહદેવના બનાવટી તામ્રપત્રમાં લ.સં. 293 શ્રાવણ સુદિ 7, ગુરુવાર, સન 807 (?), સંવત 1455, શાકે 1321 લખેલ છે. અહીં શક સંવત અને લક્ષ્મણસેન સંવત વચ્ચેનું અંતર 1028 આવે છે. (2) ‘દ્વિજપત્રિકા’(ઈ.સ. 1893, 15 માર્ચ)માં લખ્યું છે, ‘બલ્લાલસેન પછી એમના પુત્ર લક્ષ્મણસેને શક સંવત 1028માં બંગાળના સિંહાસન પર બેસી પોતાનો નવો શક (સંવત) ચલાવ્યો. એ ઘણો લાંબો સમય ચાલ્યો અને હાલ મિથિલામાં કોઈ કોઈ સ્થળે પ્રયોજાય છે.’ (3) ઈ.સ. 1778માં ડૉ. રાજેન્દ્રલાલ મિત્રે જણાવ્યા અનુસાર તિરહુતના પંડિતો એનો પ્રારંભ માઘ શુક્લ 1થી માને છે. એનો પ્રારંભ ઈ.સ. 1106ના જાન્યુઆરી(વિ.સં. 1162 = શક સં. 1027)થી થવો જોઈએ. પછીનાં ત્રણ પ્રમાણોથી શક સંવત અને લક્ષ્મણસેન સંવત વચ્ચેનું અંતર 1028 આવે છે. મિથિલાનાં પંચાંગોમાં વિક્રમ, શક અને લક્ષ્મણસેન સંવત – એ ત્રણેય લખવામાં આવે છે; પરંતુ એમાં શક સંવત અને લક્ષ્મણસેન સંવત વચ્ચે 1026-27, 1027-28, 1029-30 કે 1030-31 એમ જુદું જુદું અંતર આવે છે. આમ, હાલ આ સંવત ઈ.સ. 1104થી 1109 દરમિયાન શરૂ થયો મનાય છે.

ડૉ. કિલહૉર્ને એક શિલાલેખ અને પાંચ હસ્તપ્રતોની પુષ્પિકામાં આપેલી લક્ષ્મણસેન સંવતની મિતિઓની ગણતરી પરથી તારણ કાઢ્યું કે ગત શક સં. 1028, માર્ગશિર સુદિ 1 (ઈ.સ. 1106, 29 ઑક્ટોબર)ના દિવસને આ સંવતનો પ્રથમ આરંભ દિવસ માનીને ગણતરી કરતાં 6માંથી 5 તિથિઓમાં વાર તિથિ સાથે બંધ બેસે છે; જ્યારે ગત શક સંવત 1041 અમાન્ત કાર્તિક સુદિ 1 (ઈ.સ. 1119, 7 ઑક્ટોબર)ના દિવસને આ સંવતનો પ્રથમ દિવસ માનીને ગણતરી કરવામાં આવે તો છએ તિથિઓના વાર બંધ બેસે છે. આ ગણતરી અનુસાર લક્ષ્મણસેન સંવતમાં 1040-41 ઉમેરવાથી ગત શક સંવત, 1175-76 ઉમેરવાથી ગત ચૈત્રાદિ વિક્રમ સંવત અને 1118-19 ઉમેરવાથી ઈસવી સન આવે છે. ઈ.સ. 1119ના આરંભની મિતિઓમાં એનાં વર્ષ કાર્તિકાદિ ગણાતાં એમ જણાય છે. હાલ એનાં વર્ષ માઘ શુક્લ 1થી શરૂ થાય છે અને એના માસ અમાન્ત છે.

ડૉ. આર. સી. મજુમદારના મન્તવ્ય અનુસાર લક્ષ્મણસેન કે સેન વંશના કોઈ રાજાએ ખરેખર આવો કોઈ સંવત શરૂ કર્યો નહોતો. બખત્યાર ખલજીએ ઈ.સ. 1200ના અરસામાં લક્ષ્મણસેનને ઉત્તર બંગાળમાંથી નસાડી મૂક્યો અને ત્યારપછી દક્ષિણ બિહારમાં લક્ષ્મણસેનના ગત રાજ્યના નામે સંવત પ્રવર્ત્યો; ને મુસ્લિમોએ દક્ષિણ બિહાર સર કર્યું ત્યારે ત્યાંના લોકોએ ઉત્તર બિહારમાં સ્થળાંતર કરી એ સંવત ત્યાં પ્રચલિત કર્યો. મૂળમાં આ સંવત લક્ષ્મણસેનના રાજ્યારોહણ(ઈ.સ. 1179)થી ગણાતો, તેને બદલે હવે એ એના જન્મવર્ષ(ઈ.સ. 1119)થી ગણાવા લાગ્યો; ને આગળ જતાં એનાથી પણ થોડો વહેલો (ઈ.સ. 1108) શરૂ થયેલો ગણાયો.

વિલાયતી સન : બંગાળ અને ઓરિસામાં જે ફસલી સન પ્રચલિત થઈ તે ‘વિલાયતી સન’ તરીકે ઓળખાઈ. એનાં વર્ષ તથા એના માસ સૌર છે ને મહિના ચૈત્રાદિ નામે ઓળખાય છે. એનો આરંભ સૌર આશ્ર્વિનથી અર્થાx સૂર્યની કન્યાસંક્રાન્તિથી થાય છે. વિલાયતી સનના વર્ષમાં 592-93 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે અને 649-50 ઉમેરવાથી વિક્રમ સંવત આવે છે. બંગાળ અને ઓરિસાના કેટલાક ભાગોમાં આ સન ચાલુ છે.

વીરનિર્વાણ સંવત : જૈનોના 24મા તીર્થંકર મહાવીરના નિર્વાણથી શરૂ થયેલા સંવતને ‘વીરનિર્વાણ સંવત’ કહે છે. એનો પ્રયોગ જૈન ગ્રંથોમાં અને અભિલેખોમાં મળે છે. અનુશ્રુતિ પ્રમાણે વીરનિર્વાણ વિ. સં. પૂર્વે 470 અને શક સં. પૂર્વે 605 વર્ષે ઈ. પૂ. 527માં થયો મનાય છે. શ્વેતાંબર મેરુતુંગાચાર્યે ‘વિચારશ્રેણિ’માં વીરનિર્વાણ સંવત અને વિ. સં. વચ્ચેનું અંતર 470 બતાવ્યું છે. વિ.સં.માં 470, શક સં.માં 605 અને ઈ.સ.માં 570 ઉમેરવાથી વીરનિર્વાણ સંવત આવે.

કેટલાક દિગંબર લેખકોએ શક રાજાને વિક્રમાર્ક સમજી વીરનિર્વાણ વિ. સં. પૂર્વે 605 વર્ષે અર્થાx ઈ. પૂ. 662માં થયાનું જણાવ્યું છે. કોઈ દિગંબર લેખકોએ આ વીરનિર્વાણ શક સંવત 9795 કે 14793 વર્ષ પહેલાં થયો હોવાનું લખ્યું છે.

અર્વાચીન સંશોધન અનુસાર મહાવીર સ્વામીના નિર્વાણનો સમય ગણવામાં આગળ જતાં 60 વર્ષ વધારે ગણાયાં છે ને એથી વીરનિર્વાણ ખરી રીતે ઈ. પૂ. 467માં થયો હતો. આ અનુસાર પ્રાચીન મિતિઓ ઈ. પૂ. 467 પ્રમાણે અને ઉત્તરકાલીન મિતિઓ ઈ. પૂ. 527 પ્રમાણે બંધ બેસે.

વીર બલ્લાલ સંવત : માયસોરના હોયસળ વંશના પ્રતાપી રાજા વીર બલ્લાલ 2જાએ ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય 6ઠ્ઠાના અનુકરણમાં પોતાના નામનો નવો સંવત પ્રવર્તાવ્યો. આ સંવત શક વર્ષ 1114 (વર્તમાન, વિરોધકૃત સંવત્સર)  ઈ.સ. 1191-92માં શરૂ થયો, જ્યારે એ રાજાએ પોતાની સત્તાવાર સ્વતંત્રતા પ્રાપ્ત કરી.

શક સંવત : શક સંવત દખ્ખણમાં તથા દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં સૈકાઓથી પ્રચલિત છે. ભારતીય જ્યોતિષમાં શક સંવતનાં વર્ષ પ્રયોજાય છે. રાષ્ટ્રીય પંચાંગમાં પણ આ સંવતને અપનાવવામાં આવ્યો છે. શક સંવત પ્રતિષ્ઠાનપુર(પૈઠણ)ના રાજા શાલિવાહને ઉજ્જૈનના રાજા વિક્રમને હરાવી શરૂ કરેલો, એવી અનુશ્રુતિ છે. જ્યોતિષમાં એનાં વર્ષ શાલિવાહનકૃત શક સંવત તરીકે આપવામાં આવે છે. જોકે શાલિવાહન રાજાનું નામ એ સંવતના છેક 12મા સૈકાથી સંકળાયેલું મળે છે. અભિલેખોમાં શાલિવાહનનું નામ વહેલામાં વહેલું યાદવરાજા કૃષ્ણના તાસગાંવ તામ્રપત્રમાં અને સાહિત્યમાં સોમરાજકૃત ‘ઉદભટકાવ્ય’(કન્નડ રચના)માં (શક 1144) મળ્યું છે. આ પહેલાં શાલિવાહનના નામનો નિર્દેશ મળતો નથી. સંસ્કૃત સાહિત્યમાં આ સંવત સાથે શક સંવતનું નામ જોડાયેલું સૌપ્રથમ શક સં. 427(ઈ.સ. 505)માં મળે છે અને વર્ષ 500થી 1128 સુધીના અભિલેખોમાં શક કાલ કે શક સંવતનો ઉલ્લેખ આવે છે. એમાં આ સંવત માટે ઘણી વાર ટ્ટઇંઙદ્દચ્ઇંઝ્, ટ્ટઇંઙદ્દચ્દરૂજ્રઋજાદઠહ્રઇં ઠ્ઠદ્વઞ્રૂઠ્ઠજ્ર, ટ્ટઇંઙદ્દચ્દરૂ ઠ્ઠદ્વઞ્રૂઠ્ઠજ્ર, ટ્ટઇંઙદ્દચ્ ઠ્ઠદ્વઞ્રૂઠ્ઠજ્ર, ટ્ટઇં ઠ્ઠદ્વઞ્રૂન્, ટ્ટઇંઞ્ઠગ્, ટ્ટઇંઇંઝ્, ટ્ટઇંઇંઝ્ઠ્ઠદ્વઞ્રૂઠ્ઠજ્ર, ટ્ટઇં અને ટ્ટઇં શબ્દોનો પ્રયોગ થયો છે.

આ ઉપરથી જણાય છે કે ઈ.સ. 500થી ઈ.સ. 1340 સુધી આ સંવત કોઈ શક રાજાના રાજ્યાભિષેકથી ચાલ્યો કે કોઈ શક રાજાએ અથવા શકોએ ચલાવ્યો અને એ સમયે શાલિવાહનનું નામ એની સાથે જોડાયું નથી.

ભારતના પ્રાચીન અભિલેખોમાં કુષાણ સંવતના લેખ વર્ષ 3થી 80 સુધીના મળે છે. ક્ષહરાત ક્ષત્રપોના લેખ વર્ષ 41થી 46ના છે અને કાર્દમક ક્ષત્રપ રાજાઓના લેખ વર્ષ 6થી 337ના મળે છે. આ બધાં રાજ્યોના અભિલેખોમાં સંવતનું નામ આપવામાં આવ્યું નથી. આ પૈકી કાર્દમક ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં આપેલાં વર્ષ શક સંવતનાં છે, એવું લગભગ બધા વિદ્વાનો સ્વીકારે છે. અગાઉ આ સંવતનાં વર્ષ 52થી 312 મળ્યાં હતાં. આથી ક્ષહરાત ક્ષત્રપોના અભિલેખોનાં વર્ષ 41થી 46 શક સંવતનાં મનાતાં. ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાન કાર્દમક ક્ષત્રપ ચાષ્ટનનો પુરોગામી હોઈ એ બંધ બેસતું હતું. પરંતુ તાજેતરમાં ચાષ્ટનના સમયના વર્ષ 6 અને 11ના અભિલેખોની શોધ થતાં ક્ષહરાત ક્ષત્રપોના અભિલેખોનાં વર્ષ આ સંવતનાં ન હોય અને ઘણું કરીને રાજ્યકાલનાં હોય એવું નિશ્ચિત થયું. આ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ શક જાતિના હોય એમ જણાય છે. આથી તેઓએ પ્રયોજેલો સંવત અને પછીનો શક સંવત એક હોવાનું જણાય છે.

કુષાણ વંશના સમ્રાટ કનિષ્ક 1લાના સમયથી જે સંવત પ્રચલિત થયો એ વિશે કેટલાક વિદ્વાનો એમ માને છે કે કનિષ્ક 1લો ઈ.સ. 120માં ગાદીએ આવ્યો ને એના વંશના લેખોમાં પ્રયોજાયેલ સંવત શક સંવત કરતા જુદો જ સંવત છે. કેટલાક વિદ્વાનો કનિષ્ક 1લો ઈ.સ. 78માં ગાદીએ આવ્યો ને શક સંવત એના રાજ્યકાલથી શરૂ થયો એવું માને છે. કુષાણો શક જાતિથી ભિન્ન જાતિના હતા; પરંતુ તેઓના રાજ્યમાં શરૂ થયેલા સંવત શક જાતિના પશ્ચિમી ક્ષત્રપ રાજાઓએ ત્રણ શતકો જેટલા લાંબા કાલ સુધી પ્રચલિત રાખ્યો તેથી મૂળમાં કુષાણોનો હોવા છતાં આ સંવત આગળ જતાં શકોના સંવત તરીકે ઓળખાયો.

કાર્દમક ક્ષત્રપ ચાષ્ટનના સમયના વર્ષ 6 અને 11ના અભિલેખો શોધાતાં કુષાણ વંશના લેખો શક સંવતના માની શકાય નહિ. કનિષ્કે પોતાનો સંવત શરૂ કર્યો હોવાનો કોઈ ઉલ્લેખ મળતો નથી. કનિષ્કના વંશજોએ એના રાજ્યકાલનાં વર્ષોની સંખ્યા સળંગ ચાલુ રાખતાં એની હયાતી પછી સળંગ નવો સંવત થયો હોવાનો સંભવ છે. જૈન અનુશ્રુતિ પ્રમાણે શકોએ ઉજ્જૈનમાં વિક્રમાદિત્યના વંશજને મારીને 135 વર્ષે પોતાનો નવો સંવત શરૂ કર્યો હતો. ચાષ્ટન ઉજ્જૈનનો શક રાજા હતો. આથી એણે અને એના વંશજોએ વાપરેલો સંવત એના રાજ્યકાલથી શરૂ થયો હોય એ તદ્દન સંભવિત છે. આમ, આ સંવત ઉજ્જૈનમાં શરૂ થયો અને પશ્ચિમ ભારતમાં 300થી વધુ વર્ષ સુધી પ્રચલિત રહ્યો ત્યારે આ પ્રદેશનો પ્રચલિત સંવત એ જ હતો એથી એના નામનો નિર્દેશ કરવાની જરૂર નહોતી. આ સંવત આગળ જતાં ગુજરાતમાં લુપ્ત થયો ને પછી દખ્ખણમાં પ્રચલિત થયો. ડૉ. મિરાશીના સૂચન અનુસાર મહિષ દેશના શક રાજા માનના સમયમાં શક સંવત દક્ષિણમાં પ્રચલિત થયો. શક વર્ષ 465થી એ દખ્ખણના પ્રાચીન ચાલુક્યોના અભિલેખોમાં પ્રયોજાયો છે. પછી રાષ્ટ્રકૂટોએ અને એ પછીના વંશોએ ત્યાં એ સંવત ચાલુ રાખ્યો.

આગળ જતાં શક રાજાઓ સાથેનો સંબંધ ભુલાઈ જતાં, દખ્ખણના પ્રતિષ્ઠાનપુરના લોકપ્રિય પ્રાચીન રાજા શાલિવાહનનું નામ આ સંવત સાથે સાંકળી દેવામાં આવ્યું ને ત્યારથી એનાં વર્ષ શાલિવાહન-કૃત શક તરીકે ઓળખાય છે.

આ સંવત ઉજ્જૈનમાં શરૂ થયો અને વિક્રમ સંવત પછી 135 વર્ષે પ્રચલિત થયો. ઉજ્જૈન ભારતીય જ્યોતિષનું મુખ્ય કેન્દ્ર હતું. આથી ભારતીય જ્યોતિષીઓએ આ સંવતને અપનાવી લીધો. વળી જૈન લેખકોનો પણ એ માનીતો સંવત બન્યો. રાષ્ટ્રીય પંચાંગમાં પણ આ સંવત અપનાવાયો છે.

શક સંવતનાં વર્ષ ચૈત્રાદિ ગણાય છે. એના માસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં તથા દક્ષિણ ભારતમાં અમાન્ત છે.

ચૈત્રાદિ વિક્રમ સંવતના વર્ષ કરતાં શક સંવતનું વર્ષ 135 વર્ષ મોડું હોય છે. આથી વિક્રમ સંવતના ચૈત્રાદિ વર્ષમાંથી 135 બાદ કરતાં શક વર્ષ આવે છે. શક વર્ષ અને ઈ.સ.નાં વર્ષ વચ્ચેનો તફાવત કાઢવો હોય તો ચૈત્ર સુદ 1થી 31મી ડિસેમ્બર સુધી શક વર્ષમાં 78 અને 1લી જાન્યુઆરીથી ફાગણની અમાસ સુધી શક વર્ષમાં 79 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે.

શાહૂર (સૂર) સન : આ સંવત બીજાપુરના આદિલશાહી રાજ્યમાં પ્રચલિત હતો. એ હિજરી સનનું રૂપાંતર છે. એને ‘અરબી સન’ કે ‘મૃગ સાલ’ પણ કહે છે.

‘શાહૂર’ (કે ‘શુહૂર’) એ નામ અરબી શબ્દ ‘શહર’(મહિના)ના બહુવચનના રૂપમાંથી વ્યુત્પન્ન થયું લાગે છે. ‘સૂર’ એ પ્રાય: એના અરબી નામનું મરાઠી રૂપાંતર છે.

શાહૂર સનનાં વર્ષ તથા માસ સૌર છે. એના વર્ષમાં 599-600 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. આ સંવતનો આરંભ ઈ.સ. 1344ના મે માસની 15મીએ સૂર્ય મૃગશિર નક્ષત્રમાં હતો ત્યારે થયો હોવાનું જણાય છે. એનાં વર્ષ સૂર્ય મૃગ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે, અર્થાx, 5મી, 6ઠ્ઠી કે 7મી જૂને શરૂ થાય છે. એથી એને ‘મૃગ-સાલ’ કહે છે.

આ સંવતનાં વર્ષ અંકોથી નહિ પણ અરબી શબ્દોનાં મરાઠી રૂપાંતરો દ્વારા દર્શાવાય છે :

અરબી નામ

મરાઠી રૂપાંતર

1 = અહદ અહદે, ઇહદે
2 = અસના ઇસન્ને
3 = સલસહ સલ્લીસ
4 = અરળા
5 = ખમસા ખમ્મસ
6 = સીત્તા સીમ
7 = સળા સબ્બા
8 = સમનીય સમ્માન
9 = તસા તિસ્સા
10 = અશર
11 = અહદ-અશર
12 = અસન અશર
13 = સલસહ અશર
20 = અસરીન
30 = સલાસીન સલ્લાસીન
40 = અરબૈન
50 = ખમસીન
60 = સીત્તીન સીત્તૈન
70 = સબીન સબ્બૈન
80 = સમનીન સમ્માનીન
90 = તિસૈન તિસ્સૈન
100 = મય મયા
200 = માતીન મયાતૈન
300 = સલસમય સલ્લાસમયા
400 = અર્બમય
1000 = અલ્ફ
10,000 = અશર અલ્ફ

શાહૂર સનની ઉત્પત્તિ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ સુલતાન મુહમ્મદ તુગલુકે (ઈ.સ. 1325-1351) દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડી ત્યારે રવી અને ખરીફ બંને ફસલો નિયત મહિનાઓમાં વસૂલ કરવા માટે એણે દખ્ખણમાં હિજરી સનનું આ સૌર રૂપાંતર પ્રચલિત કર્યું હોય એવું એના પ્રચલિત થયાના વર્ષ 1344 પરથી જણાય છે. આ સંવત દખ્ખણના મરાઠીભાષી પ્રદેશમાં પ્રચલિત હતો. હાલ એ ક્યારેક મરાઠી પંચાંગોમાં પ્રયોજાય છે.

ભરૂચના મખદુમપુરમાં આવેલ સૈયદ શરફૂદ્દીન મશહદી નામના સંતનો રોજો શુહૂર સન 819માં પૂર્ણ થયો એવો ઉલ્લેખ છે. આ સંવતના ઉલ્લેખો ઘણા થોડા પ્રમાણમાં મળે છે.

સપ્તર્ષિ (લૌકિક) સંવત : સપ્તર્ષિ સંવતને ‘લૌકિક કાલ’, ‘લૌકિક સંવત’, ‘શાસ્ત્ર સંવત’, ‘પહાડી સંવત’ કે ‘કચ્ચા સંવત’ કહે છે. ‘લોકકાલ’ તરીકે પણ પ્રચલિત છે. કાશ્મીરના કાંગ્રા જિલ્લા અને દક્ષિણ-પૂર્વ કાશ્મીરના પહાડી ઇલાકાઓમાં તે પ્રયોજાતો. શાસ્ત્રગ્રંથોમાં તથા જ્યોતિષનાં પંચાંગોમાં એ વપરાયો માટે એને ‘શાસ્ત્ર સંવત’ કહે છે. કાશ્મીર અને પંજાબના પહાડી પ્રદેશમાં પ્રચલિત હોવાથી એ ‘પહાડી સંવત’ તરીકે ઓળખાય છે. એના વર્ષની સંખ્યામાં શતકના અંક છોડીને માત્ર એકમ અને દશકના અંક લખાય છે. તેથી એને ‘કચ્ચા સંવત’ પણ કહે છે.

સપ્તર્ષિ નામે તારા દરેક નક્ષત્રમાં સો-સો વર્ષ રહે છે એમ માનીને 2700 વર્ષનું એક ચક્ર યોજવામાં આવ્યું છે. એમાં નક્ષત્રનું નામ આપવામાં આવતું નથી ને સામાન્ય રીતે વર્ષ 1થી 100 સુધી જ લખવામાં આવે છે. જ્યારે એ પછી શતકના અંક અધ્યાહાર રાખવામાં આવે છે. કલ્હણની રાજતરંગિણી(12મી સદી)માં લૌકિક સંવતના વર્ષ 24(વર્તમાન)માં શક સંવતનું વર્ષ 1070 (ગત) ચાલતું હોવાનું જણાવ્યું છે. આ વર્ષ 24 એ 4224 હોવાનું જણાય છે. આ અનુસાર લૌકિક સંવતના વર્તમાન વર્ષ અને શક સંવતના ગત વર્ષ વચ્ચે 3154 વર્ષનો તફાવત આવે છે. એટલે કે લૌકિક સંવતના વર્ષમાંથી 3154 બાદ કરતાં શક વર્ષ આવે. એમાં શતકની સંખ્યા અધ્યાહાર હોય તો એમાંથી 54 બાદ કરતાં કે 46 ઉમેરતાં શક વર્ષના છેલ્લા બે આંકડા આવે. વળી લૌકિક સંવત કલિયુગ સંવત 25માં શરૂ થયો એમ મનાય છે. એ રીતે પણ એનો આરંભ ઈ. પૂ. 3076(શક સંવત પહેલાં 3154 વર્ષ)માં ગણાય. લૌકિક સંવત 4224 = શક સં. 1070 = ઈ.સ. 1148-49 આવે. આથી લૌકિક સંવતના વર્ષના છેલ્લા બે અંકમાંથી 75-76 બાદ કરતાં કે એમાં 24-25 ઉમેરતાં ઈ.સ.ના વર્ષના છેલ્લા બે અંક આવે.

કાશ્મીરના પંચાંગોમાં અને હસ્તપ્રતોમાં સપ્તર્ષિ સંવતના વર્ષની પૂરી સંખ્યા આપવામાં આવે છે; જેમ કે, શક વર્ષ 1715, વિ.સં. 1850, સપ્તર્ષિ સંવતનું વર્ષ 4869. આ પરથી સપ્તર્ષિ સંવતનો આરંભ ઈ. પૂ. 3077માં થયો ગણાય. એમાં 2700 વર્ષનું એક ચક્ર પાછળથી ગણવામાં આવ્યું હોય તો ઈ. પૂ. 377માં તેનો આરંભ કહી શકાય. જોકે આ લૌકિક સંવત ઈ.સ.ની આરંભિક સદીઓ દરમિયાન પ્રચલિત થયો હોવાનું જણાય છે.

સપ્તર્ષિ સંવતનાં વર્ષ ચૈત્રાદિ છે ને એના માસ પૂર્ણિમાન્ત છે. એનાં વર્ષ ‘વર્તમાન’ છે. હાલ આ સંવતનો પ્રયોગ કાશ્મીર અને એની આસપાસના પહાડી પ્રદેશોમાં સીમિત થયો છે.

સિંહ સંવત : દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક અભિલેખોમાં સિંહ સંવતનો ઉલ્લેખ આવે છે. એમાં આ સંવતનું નામ ‘સિંહ સંવત’ જણાવ્યું છે. આ સંવતનાં વર્ષ 32, 60, 96 અને 151ની મિતિઓ મળી છે. એમાં સિંહ સંવતની સાથે વિક્રમ કે વલભી સંવતનું નામ આપેલું છે.

1. કુમારપાળના સમયના માંગરોળ શિલાલેખમાં વિ. સં. 1202 સાથે સિંહ સં. 32.

2. પ્રભાસપાટણના શિલાલેખમાં વલભી સંવત 850 (855) સાથે સિંહ સં. 60.

3. ભીમદેવ 2જાના તામ્રપત્રમાં વિ. સં. 1266 સાથે સિંહ સંવત 96.

4. અર્જુનદેવના સમયના સોમનાથ પાટણના શિલાલેખમાં હિજરી સન 662, વિ. સં. 1320 અને વલભી સંવત 945 સાથે સિંહ સં. 151.

સિંહ સંવતની મિતિઓ અને સાથે આપેલી વલભી તેમજ વિ. સં.ની મિતિઓનો તફાવત કાઢતાં જણાય છે કે સિંહ સં. વલભી સં. કરતાં 794-95 વર્ષ અને વિ. સં. કરતાં 1169-70 વર્ષ મોડો શરૂ થયો. એનાં વર્ષ ચૈત્રાદિ કે આષાઢાદિ હતાં. માસ અમાન્ત કે પૂર્ણિમાન્ત હતા એ નિશ્ચિત થઈ શકતું નથી. સિંહ સંવતના વર્ષમાં 1113-14 ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે.

આ સંવતની ઉત્પત્તિ વિશે જુદાં જુદાં સૂચનો થયાં છે. જેમ્સ ટોડે એને ‘શિવસિંહ સંવત’ કહ્યો છે અને દીવના ગોહિલ રાજા શિવસિંહે એ શરૂ કર્યો હોવાનું જણાવ્યું. જોકે આ નામ તથા રાજા માટે કોઈ પ્રમાણ મળતું નથી. શ્રી વલ્લભજી આચાર્યે સિંહ સંવત માંગરોળના ગૂહિલ રાજા સહજિગે શરૂ કર્યો હોવાનું સૂચવ્યું. આ સૂચનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના સ્થાનિક રાજાએ ચૌલુક્યોથી સ્વતંત્ર થઈ પોતાનો સંવત ચલાવ્યો. સહજિગના પુત્ર મૂલુકના સિંહ સં. 32ના માંગરોળના લેખમાં ચૌલુક્ય રાજા જયસિંહ અને કુમારપાલની પ્રશસ્તિ કરવામાં આવી છે. વજેશંકર ઓઝાએ આ સંવત પોરબંદરના લેખમાં જણાવેલ મંડલેશ્વર સિંહે શરૂ કર્યો હોવાનું સૂચવ્યું; પરંતુ મંડલેશ્વરનું નામ સામંતસિંહ હતું ને એનો સમય વિ. સં. 1315-1334 છે. ભગવાનલાલ ઇન્દ્રજીએ આ સંવત સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહદેવે સોરઠ જીતી એની યાદમાં ત્યાં પ્રવર્તાવ્યો હોવાનું સૂચવ્યું. જયસિંહદેવ સોરઠ જીત્યાનું મોટું પરાક્રમ અને એના નામમાં આવતા ‘સિંહ’ શબ્દને લઈને આ સૂચન સંભવિત લાગે છે. છતાં સિદ્ધરાજ જયસિંહે પ્રવર્તાવેલો આ સંવત સોરઠમાં સીમિત રહ્યો એનું કારણ જાણવું મુશ્કેલ છે. આ સંવત લગભગ 150 વર્ષ પછી લુપ્ત થયો.

હર્ષ સંવત : અરબ લેખક અલબેરુની વિક્રમ, શક, ગુપ્ત, વલભી સંવત ઉપરાંત હર્ષ સંવતનો પણ ઉલ્લેખ કરે છે. એના સમયમાં એ સંવત મથુરા-કનોજ પ્રદેશમાં વપરાતો.

આ હર્ષ કનોજનો ચક્રવર્તી સમ્રાટ હર્ષ છે. એનાં બે દાનપત્ર મળ્યાં છે : 1. બાંસખેડા તામ્રપત્ર વર્ષ 22નું અને 2. મધુવન તામ્રપત્ર વર્ષ 25નું. આ વર્ષ સ્પષ્ટત: એના રાજ્યકાલનાં છે. હર્ષના પ્રત્યક્ષ સંપર્કમાં આવેલા ચીની પ્રવાસી હ્યુ-એન-શ્ર્વાંગે હર્ષ વિશેની નોંધમાં હર્ષે પોતાનો સંવત શરૂ કર્યો હોવાનું જણાવ્યું નથી. અલબેરુનીના જણાવ્યા પ્રમાણે હર્ષ સંવત 11મી સદી સુધી પ્રચલિત હતો. આથી હર્ષના મૃત્યુ પછી એના સામંતોએ હર્ષના રાજ્યકાલનાં વર્ષોને સળંગ આગળ ચલાવી એના નામનો સંવત પ્રયોજ્યો હોવો જોઈએ.

ઉત્તરકાલીન ગુપ્ત વંશનો રાજા આદિત્યસેન જે હર્ષના સામંત માધવગુપ્તનો પુત્ર હતો તેના અભિલેખમાં આપેલું વર્ષ 66 તુલનાત્મક કાલગણનાના આધારે હર્ષ સંવતનું જણાયું છે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને મધ્ય પ્રદેશમાં મળેલાં વર્ષ 48, 73, 83, 183, 184, 207, 218, 258, 276, 298 અને 563ના અમુક અભિલેખોમાં આપેલાં વર્ષ પણ એ આધારે હર્ષ સંવતનાં હોવાનું જણાય છે.

હ્યુ-એન-શ્ર્વાંગ હર્ષનું રાજ્યારોહણ ઈ.સ. 642 પહેલાં 36 વર્ષે, અર્થાx, ઈ.સ. 606માં જણાવે છે. હ્યુ-એન-શ્ર્વાંગના જીવનચરિત અનુસાર ઈ.સ. 642માં એના રાજ્યારંભને 30 વર્ષ થયાં હતાં એટલે કે એનું રાજ્યારોહણ ઈ.સ. 612માં થયું હતું. આ 6 વર્ષના તફાવતનું કારણ એ લાગે છે કે હર્ષ થાણેશ્વરની ગાદીએ ઈ.સ. 606માં આવેલો, પરંતુ એ ચક્રવર્તી તરીકે કનોજમાં સત્તારૂઢ 6 વર્ષ પછી ઈ.સ. 612માં થયો હતો.

હર્ષ સંવતના આરંભની બાબતમાં અલબેરુનીએ નોંધ્યું છે, ‘મથુરા અને કનોજના નિવાસીઓના જણાવ્યા અનુસાર શ્રીહર્ષ અને વિક્રમાદિત્ય વચ્ચે 400 વર્ષનું અંતર છે, જ્યારે કાશ્મીરના પંચાંગમાં શ્રીહર્ષ વિક્રમાદિત્ય પછી 664 વર્ષે થયો.’ અલબેરુનીએ નોંધેલી કાશ્મીરના પંચાંગની પરંપરા ખરી ગણાય છે.

આ સંવતનાં વર્ષ ચૈત્રાદિ અને એના માસ પૂર્ણિમાન્ત લાગે છે. આ સંવત રાજસ્થાન-પંજાબમાં લગભગ 300 વર્ષ (ઈ.સ. 906 સુધી) અને થોડા પ્રમાણમાં છેક લગભગ પાંચસો-છસો વર્ષ (ઈ.સ. 1200 સુધી) પ્રચલિત રહ્યો ને પછી સદંતર લુપ્ત થઈ ગયો.

હિજરી સન : સિંધમાં અરબોની સત્તા 8મી સદીમાં અને પંજાબમાં 11મી સદીમાં સ્થપાઈ, ત્યારથી ત્યાં હિજરી સન પ્રચલિત થઈ. અભિલેખોમાં એનો નિર્દેશ મહમૂદ ગઝનવીના સમયથી (11મી સદી) મળે છે. એણે મહમૂદપુર(લાહોર)માં જે સિક્કા પડાવ્યા તેના પર આ સનનો ઉલ્લેખ છે.

હિજરી સન મુહમ્મદ પેગંબરે મક્કાથી મદીના કરેલી હિજરતની યાદગીરીમાં, પેગંબરની હયાતી બાદ ખલીફા ઉમર(ઈ.સ. 634644)ના સમયમાં હિજરી સન 17માં અરબસ્તાનમાં પ્રચલિત થઈ. હિજરતની ઘટના ઈ.સ. 622ના જુલાઈની 15મી તારીખે બની હતી.

હિજરી સનનાં વર્ષ શુદ્ધ ચાંદ્ર છે. એના બાર મહિનાનાં નામ આ પ્રમાણે છે :

1. મુહર્રર, 2. સફર, 3. રબીઉલ્ અવ્વલ, 4. રબીઉલ્ આખિર કે રબી ઉસ સાની, 5. જમાદૌલ અવ્વલ, 6. જમાદૌલ આખિર કે જમાદૌલ સાની, 7. રજબ, 8. શાબાન, 9. રમજાન, 10. શવ્વાલ, 11. જિલ્કાદ અને 12. જિલહિજ્જ. હિજરી સનના મહિના ચાંદ્ર છે ને એનો આરંભ સુદ બીજથી ગણવામાં આવે છે. રોજ સૂર્યાસ્તથી સૂર્યાસ્તનો ગણાય છે.

હિજરી સનનું ચાંદ્ર વર્ષ લગભગ 354 દિવસનું હોય છે. આથી એના મહિના એકાંતરે 30 અને 29 દિવસના ગણવામાં આવે છે. ચાંદ્ર વર્ષ ખરી રીતે 354 દિવસ ઉપર લગભગ 8 કલાક અને 48 મિનિટ જેટલું લાંબું હોઈ દર 30 વર્ષે 11 દિવસની ઘટ આવે છે. આથી દર 30 વર્ષ દરમિયાન વર્ષ 2, 5, 7 (કે 8), 10, 13, 15, 18 (કે 19), 21, 24, 26 (કે 27) અને 29ને પ્લુત વર્ષ ગણી એ વર્ષના છેલ્લા મહિનામાં 1 દિવસ વધારે ગણવામાં આવે છે. એટલે કે એ મહિનાને 29ને બદલે 30 દિવસનો ગણવામાં આવે છે.

હિજરી સનનું વર્ષ ચાંદ્ર હોવાથી સૌર વર્ષ કરતાં લગભગ 11 દિવસ જેટલું ટૂંકું છે, આથી 1300 સૌર વર્ષ દરમિયાન લગભગ 40 ચાંદ્ર વર્ષ વધારે આવે છે. હિજરી સન 1 ઈ.સ. 622માં હતું, હિજરી સન 500 ઈ.સ. 1100માં, હિજરી સન 1000 ઈ.સ. 1591માં અને હિજરી સન 1300 ઈ.સ. 1882માં. આમ હિજરી સન અને ઈસવી સન વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જાય છે. ઈ.સ. 1970માં હિજરી સન 1390 ચાલતી હતી, ત્યારે એનો તફાવત 580 વર્ષનો હતો. અર્થાx, હિજરી સનનાં 1390 વર્ષમાં એ તફાવત 621ને બદલે 580 થયો. આથી હિજરી સન અને ઈ.સ. વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જાય છે. આથી હિજરી સનની બરાબરનું ઈસવી સનનું વર્ષ કાઢવા માટે ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકીની અટપટી ગણતરી કરવી પડે. હિજરી સનનું વર્ષ ચાંદ્ર હોવાથી એમાં ઋતુઓનો મેળ મળતો નથી. એનો એ તહેવાર જુદી જુદી ઋતુમાં આવે છે.

ભારતમાં મુસ્લિમ રાજ્યોમાં તથા મુસ્લિમ લોકોમાં હિજરી સન પ્રચલિત રહી છે. અરબી-ફારસી અભિલેખોમાં લગભગ હંમેશાં આ સનનાં વર્ષ આપવામાં આવે છે. ક્યારેક સંસ્કૃત અભિલેખમાં પણ એનાં વર્ષ જોવા મળે છે; દા.ત., અર્જુનદેવનો વેરાવળ શિલાલેખ. એવી રીતે ભારતની બીજી ભાષાઓના અભિલેખોમાં પણ એનો પ્રાસંગિક ઉલ્લેખ આવે છે.

ભારતી શેલત