સંલગ્નીકરણ (agglutination) : વિવિધ રોગોના નિદાન માટે વપરાતી કસોટી.

આ કસોટીમાં કણમય પ્રતિજન અને પ્રતિદ્રવ્ય વચ્ચે પ્રક્રિયા થાય છે. પ્રતિજન પર બે કરતાં વધારે પ્રતિજન-નિર્ણાયક (antigenic determinant) હોય છે, જેના દ્વારા તે પ્રતિદ્રવ્ય સાથે બંધાય છે અને પ્રતિદ્રવ્ય પર પણ ઓછામાં ઓછાં બે સ્થાન (site) હોય છે, જેનાથી તે પ્રતિજન સાથે બંધાઈ શકે. જો પ્રતિજન અને પ્રતિદ્રવ્ય વિશિષ્ટ (specific) હોય તો પ્રતિજન અને પ્રતિદ્રવ્ય બંધાય છે. આ પ્રક્રિયાને સંલગ્નીકરણ કહેવામાં આવે છે.

સંલગ્નીકરણ-કસોટી બે રીતે થઈ શકે :

(1) પ્રત્યક્ષ સંલગ્નીકરણ

(2) પરોક્ષ સંલગ્નીકરણ

(1) પ્રત્યક્ષ કસોટીમાં રક્તકણો, જીવાણુ કે ફૂગ પ્રતિજન તરીકે કાર્ય કરે છે. આ કસોટી માટે ટ્યૂબ અથવા પ્લાસ્ટિક માઇક્રોટાઇટર પ્લેટનો ઉપયોગ થાય છે. આ કસોટીથી પ્રતિદ્રવ્ય કે પ્રતિજનની હાજરી અને પ્રમાણ જાણી શકાય છે. પ્રતિદ્રવ્યનું પ્રમાણ જાણવું હોય તો પ્રતિદ્રવ્યને મંદ કરી અલગ અલગ પ્રમાણમાં જુદી જુદી ટ્યૂબ કે પ્લેટમાં ઉમેરવામાં આવે છે અને છેલ્લું મંદ કરેલા પ્રતિદ્રવ્યનું પ્રમાણ જેમાં સંલગ્નીકરણ થયેલું હોય તે શોધવામાં આવે છે. આ જ રીતે પ્રતિજનનું પ્રમાણ જાણવું હોય તો પ્રતિજનને મંદ કરીને વાપરવામાં આવે છે.

(2) પરોક્ષ સંલગ્નીકરણ-કસોટીમાં પ્રતિજન કણમય ન હોય તોપણ પ્રતિદ્રવ્ય સાથે સંલગ્નીકરણ થઈ શકે છે. આ કસોટીમાં પ્રતિજનનું બેન્ટોનાઇટ ક્લે (bentonite clay) અથવા લેટેક્સ સ્ફિયર(latex sphere)ના કણો સાથે અધિશોષણ કરવામાં આવે છે. (આ દરેક કણ જીવાણુના / વ્યાસ જેટલો હોય છે.) અને ત્યારબાદ પ્રતિદ્રવ્ય ઉમેરવામાં આવે છે. આ રીતથી પ્રતિદ્રવ્યની શોધ થઈ શકે છે અને પ્રમાણ પણ જાણી શકાય છે. આ કસોટીથી પ્રતિજનની શોધ કરવા માટે પ્રતિદ્રવ્યનું ઉપર દર્શાવેલા પદાર્થોના કણોમાં અધિશોષણ કરીને પ્રતિજન ઉમેરવામાં આવે છે.

જ્યારે સંલગ્નીકરણ-કસોટી દરમિયાન રક્તકણો ઝૂમખામાં એકત્રિત થાય છે ત્યારે તેને રક્ત-સંલગ્નીકરણ કહેવામાં આવે છે. આવી કસોટી રુધિરજૂથ નક્કી કરવા માટે વપરાય છે.

અમુક પ્રકારના વિષાણુઓ જેવા કે મીઝલ્સ (measles), મમ્પ્સ (mumps), ઇન્ફ્લુએન્ઝા (influenza) રક્ત-સંલગ્નીકરણ કરી શકે છે. આવા રોગો ઉત્પન્ન કરતા વિષાણુઓનાં પ્રતિદ્રવ્યો હાજર હોય ત્યારે રક્ત- સંલગ્નીકરણ અટકે છે. રક્ત-સંલગ્નીકરણનો અટકાવ જોઈ શકીએ તો ઇન્ફ્લુએન્ઝા, મીઝલ્સ, મમ્પ્સ જેવા રોગોનું નિદાન થઈ શકે. રક્ત-સંલગ્નીકરણ અને રક્ત-સંલગ્નીકરણ અટકાવ-કસોટીથી વિષાણુઓનું પ્રમાણ પણ જાણી શકાય છે.

વિવિધ પ્રકારની સંલગ્નીકરણ-કસોટીઓ વિવિધ સંદર્ભમાં અગત્યની છે.

પ્રત્યક્ષ સંલગ્નીકરણ કસોટી ટાઇફૉઇડ, ટ્યૂલરીમિયા (Tularemia), ટાયફસ ફીવર, રોકી માઉન્ટન સ્પોટેડ ફીવર, બ્રુસેલોસિસ અને હેલ્મિન્થ(Helminth)થી થતા ચેપના નિદાન માટે ઉપયોગી છે.

પરોક્ષ સંલગ્નીકરણ-કસોટી સ્ત્રી ગર્ભવતી છે કે કેમ તે નક્કી કરવામાં વપરાય છે. જો સ્ત્રી ગર્ભવતી હોય તો તેનાં પેશાબ અને લોહીમાં ‘હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન (HCG) અંત:સ્રાવ ગર્ભ રહ્યાના શરૂઆતના સમયમાં જોવા મળે છે, જેની શોધ પરોક્ષ કસોટી દ્વારા થઈ શકે. તદુપરાંત આ કસોટી દ્વારા ઔષધિઓનું પરીક્ષણ થઈ શકે છે. રક્ત-સંલગ્નીકરણ-કસોટી રુધિર-પ્રકાર નક્કી કરવામાં અને ઇન્ફેક્શિયસ મૉનોન્યુક્લિયોરિસ અને અન્ય વિષાણુથી થતા રોગોના નિદાન માટે ઉપયોગી છે.

નીલા મ. ઉપાધ્યાય