સંપુતાની, કોસુ (જ. 3 જાન્યુઆરી 1930, કોડિહાલ્લી, તા. ડોડ્ડાબલ્લાપુર, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ બાંધકામ વિભાગમાંથી સિવિલ એન્જિનિયર તરીકે સેવાનિવૃત્ત થયા પછી ‘મેઘા’ અને ‘ભાવના’ના સહ-સંપાદક રહ્યા. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે.
‘ગોરવય્યા’ (1967); ‘નાગરી નારી’ (1984); ‘બુડુ બુદિકે સંતન્ના’ (1985) બાળગીતસંગ્રહો છે. ‘મહામહિમ મરુલસિડ્ડા’ (1977); ‘સંતના કાન્તે’ (1990); ‘સંપુતેનય ભક્તિસંપુટ’ (1995) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘દેવરુ કન્નુ બિટ્ટાગા’ (1976); ‘હોસા હિરન’ (1977); ‘ટૅક્સી ભૂત’ (1982); ‘સાર્વભૌમ શિવાજી’ (1987) તેમનાં જાણીતાં નાટકો છે.
તેઓ પોએટ્સ ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન; કન્નડ સાહિત્ય પરિષદ; ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના સભ્ય રહેલા. તેમણે ચિત્રપટ અને રંગમંચના લેખક તરીકે પણ કામગીરી કરી છે.
બળદેવભાઈ કનીજિયા