સંપૂર્ણ કાચમય કણરચના (Holohyaline texture)

January, 2007

સંપૂર્ણ કાચમય કણરચના (Holohyaline texture) : કુદરતી કાચમય દ્રવ્યથી બનેલી કણરચના. જે ખડકમાંનાં ઘટકો સંપૂર્ણપણે કાચમય દ્રવ્યથી બનેલાં હોય એવા ખડકમાંની ખનિજગોઠવણીને સંપૂર્ણ કાચમય કણરચના કહે છે. લાવા કે મૅગ્મા દ્રવ ત્વરિત ઠંડું પડી જવાથી સ્ફટિકો કે સ્ફટિકકણો બનવા માટે અવકાશ રહેતો નથી. કુદરતમાં મળતા ખડકો પૈકી આ પ્રકારની કણરચનાવાળા ખડકોનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે. લાવામાંથી તૈયાર થતો ઑબ્સિડિયન આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. કેટલીક ડાઇક કે સિલ જેવાં અંતર્ભેદકોમાં પણ ક્યારેક આ પ્રકારની કણરચના વિકસેલી જોવા મળે છે; જેમ કે, પિચસ્ટોન. બેસાલ્ટ પ્રકારની ડાઇકની ઠંડા પડવાની ક્રિયા દરમિયાન તેના જુદા જુદા વિભાગોમાં અસર કરતા જુદા જુદા સંજોગો હેઠળ ક્રમબદ્ધ જુદી જુદી કણરચનાઓ વિકસે છે; પ્રાદેશિક ખડકસંપર્ક નજીક, સંપૂર્ણ કાચમય (ટેકીલાઇટ), કેન્દ્રભાગમાં સંપૂર્ણ સ્ફટિકમયથી સૂક્ષ્મ દાણાદાર, જ્યારે કિનારી અને કેન્દ્ર વચ્ચેના મધ્યવર્તી ભાગમાં મધ્યમ સ્ફટિકમયથી કાચમય સુધીની કણરચના વિકસતી હોય છે.

ગિરીશભાઈ પંડ્યા