સંપાદન (સાહિત્ય)

સાહિત્યસામગ્રીની પસંદગી સાથે સંકળાયેલી એક મહત્ત્વની પ્રવૃત્તિ. ‘સંપાદન’ શબ્દ સંસ્કૃતનો છે, પણ એની સંકલ્પના અંગ્રેજી ‘Editing’ શબ્દમાંથી લીધી છે. સંસ્કૃતમાં संपादन​ શબ્દ છેક વૈદિક સાહિત્યમાં પ્રયોજાયો છે. તે પછી સંસ્કૃત પ્રશિષ્ટ સાહિત્યમાં પણ તે શબ્દ પ્રયોજાતો રહ્યો છે; પરંતુ સંસ્કૃતમાં संपादन​ શબ્દનો અર્થ ‘પૂર્ણ કરવું’, ‘મેળવવું’ એવો છે, જે આજે ગુજરાતીમાં ‘પ્રેમ સંપાદન કરવો’ જેવા ઉક્તિપ્રયોગમાં કે ‘જમીન-સંપાદન’ જેવા વહીવટી શબ્દપ્રયોગમાં મૂળ અર્થમાં ટકી રહ્યો છે. પણ ‘editing’ના અર્થમાં એ અંગ્રેજો અને અંગ્રેજી ભાષાના સંપર્ક પછી આપણે ત્યાં વપરાતો થયો છે. અન્ય ભારતીય ભાષાઓમાં, ખાસ કરીને સંસ્કૃતમાંથી ઊતરી આવેલી અન્ય ભારતીય ભાષાઓમાં પણ ‘editing’ના અર્થમાં ‘સંપાદન’ શબ્દ અંગ્રેજીના અને અંગ્રેજોના સંપર્ક પછી વપરાતો થયો છે. કોઈ સાહિત્યકૃતિને પ્રકાશનયોગ્ય બનાવવા માટે પ્રાપ્ત સામગ્રીમાંથી કોઈ નિર્ધારિત પ્રયોજનને અનુલક્ષીને દૃષ્ટિપૂર્વક અને વિવેકપૂર્વક કરવામાં આવતા સ્વીકાર કે પરિહારની પ્રક્રિયાને ‘સંપાદનપ્રક્રિયા’ કહેવામાં આવે છે.

સંપાદનપ્રક્રિયાનાં ઘટકતત્ત્વો નીચે મુજબ છે :

(1) પ્રયોજન, (2) આયોજન, (3) સામગ્રીનું એકત્રીકરણ, (4) સામગ્રીનું પરીક્ષણ, (5) પસંદગી, (6) કાપકૂપ-સંમાર્જન, (7) ગોઠવણી, (8) પ્રસ્તાવના અને વિવરણ.

આ તત્ત્વો વિશે ટૂંકમાં જોઈએ :

(1) પ્રયોજન : ‘સંપાદન’માં પ્રયોજનનું ઘણું મહત્ત્વ છે. કોઈ ગ્રંથકૃતિને શા માટે પ્રકાશનયોગ્ય બનાવવી છે, કયા વાચકવર્ગ માટે એને પ્રકાશનયોગ્ય બનાવવી છે તે મુદ્દો અત્યંત અગત્યનો છે. સંપાદનની સમગ્ર પ્રક્રિયાનું પરિરૂપ (design) આ પ્રયોજન પર આધારિત હોય છે.

(2) આયોજન : સંપાદનનું પ્રયોજન નિયત થયા પછી એ પ્રયોજન સિદ્ધ કરવા માટેનું આયોજન કરી શકાય છે. સંપાદન માટે જરૂરી પાઠ્યસામગ્રીની યાદી કરી, આ સામગ્રી ક્યાંથી ઉપલબ્ધ થઈ શકે એમ છે એની વિગત નક્કી કરવામાં આવે છે. કેટલા સમયમાં સંપાદનકાર્ય પૂરું કરવાનું છે એનું સમયપત્રક વિચારવામાં આવે છે. સંપાદિત ગ્રંથનાં પ્રકાશન અને વિતરણનું આયોજન પણ કરવાનું હોય છે. આ સમગ્ર કાર્ય માટેનાં નાણાં મેળવવા અંગેની વિચારણા પણ આયોજનનો એક ભાગ બને છે.

(3) સામગ્રીનું એકત્રીકરણ : પ્રયોજન અંગે સ્પષ્ટ થવાની સાથે જ સંપાદનપ્રક્રિયાનો આરંભ થઈ શકે. આમાં પ્રથમ પગથિયું સામગ્રીના એકત્રીકરણનું આવે. જે ગ્રંથનું સંપાદન હાથ ધરવામાં આવ્યું હોય તેને માટેની મૂળભૂત પાઠ્યસામગ્રી અને અન્ય સહાયક સામગ્રી એકઠી કરવી પડે છે.

(4) સામગ્રીનું પરીક્ષણ : સામગ્રીના એકત્રીકરણ પછીનો તબક્કો સામગ્રીના પરીક્ષણનો આવે છે. આ પરીક્ષણ પરથી સામગ્રીની આધારભૂતતા અંગે નિર્ણય થઈ શકે છે.

(5) પસંદગી : સામગ્રીની આધારભૂતતા નક્કી થઈ ગયા પછી અગત્યનો તબક્કો પસંદગીનો આવે છે. જે સામગ્રી મળી હોય તે બધી આધારભૂત હોઈ શકે, પણ બધી જ ખપની ન હોઈ શકે; ઉચિત પસંદગીમાં ઉચ્ચ સહૃદયતા ને સૂક્ષ્મ વિવેક પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

(6) કાપકૂપ અને સંમાર્જન : જે તે ગ્રંથની સામગ્રી હસ્તપ્રતના સ્વરૂપમાં હોય તો એના એ જ સ્વરૂપે છાપી શકાતી નથી હોતી; સંપાદન દરમિયાન એમાં જરૂર પડ્યે સુધારાવધારા કે કાપકૂપ કરવાનાં પણ થાય છે. સંપાદન કરનાર કરતાં ગ્રંથકર્તા ઉત્કૃષ્ટ કોટિનો સર્જક હોય તોપણ સંપાદનકર્મમાં જો કાપકૂપની અનિવાર્યતા સંપાદન કરનારને પ્રતીતિ થઈ હોય તો ભાવકોને પણ એની પ્રતીતિ થાય તે ઇચ્છનીય છે. ભાવકોને તો, સંપાદક દ્વારા કાપકૂપ દૃષ્ટિપૂર્વક અને વિવેકપૂર્વક કરવામાં આવી છે એવી પ્રતીતિ થવી જોઈએ.

(7) ગોઠવણી : પસંદગી પછીનો, સંપાદનનો મહત્ત્વનો તબક્કો ‘ગોઠવણી’નો છે. પસંદ કરેલી સામગ્રીની યોગ્ય ગોઠવણી પણ સંપાદનની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

(8) પ્રસ્તાવના અને વિવરણ : ગોઠવણી પછી સંપાદનનાં બે અંગો આવે છે તે છે પ્રસ્તાવના અને વિવરણ. પ્રસ્તાવનામાંથી સમગ્ર સંપાદનપ્રક્રિયાનો નકશો મળી રહે છે. સંપાદન કરનાર પોતાના પ્રયોજન અંગે સ્પષ્ટ ન હોય તો સંપાદન ધૂંધળું બની જાય. પ્રસ્તાવનામાં સંપાદનપદ્ધતિનું વિશદ વર્ણન અપાય છે.

સંપાદકનું વિવરણ તેના સંપાદનના ઍક્સ-રેની ગરજ સારે છે. વિવરણમાં સંપાદિત કૃતિનાં રસસ્થાનો ઉદ્ઘાટિત કરવામાં આવે છે, સંદર્ભો સ્પષ્ટ કરવામાં આવે છે, શબ્દોના અર્થ અલગ શબ્દકોશ રૂપે આપવાને બદલે વિવરણમાં પણ આપી શકાય છે.

વિવરણ સંપાદનનો ઉપયોગ કરનારની સાહિત્યરુચિ ને સૌંદર્યદૃષ્ટિ કેળવવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે.

વિવરણ એક ભોમિયાની જેમ આંગળી ચીંધી સંપાદિત કૃતિનાં રહસ્યસ્થાનો – રસસ્થાનો સ્પષ્ટ કરે છે.

કેટલીક વાર કૃતિનાં સૌંદર્ય અને રહસ્ય વિશે સ્થાનવાર ટુકડે ટુકડે કહેવાને બદલે ઉપોદ્ઘાત રૂપે એકસાથે કહી દેવામાં આવે છે. આ પણ વિવરણનું જ એક રૂપ હોય છે, પણ તે કેટલીક વાર વિદ્વદ્ભોગ્ય હોય એટલું લોકભોગ્ય ન હોય તેમ બને છે. એટલે વાસ્તવમાં સળંગ ઉપોદ્ઘાતને બદલે સ્થાનવાર વિવરણ સંપાદનકર્મને માટે વિશેષ ઉપકારકને તેથી આવકાર્ય નીવડતું હોય છે.

સંપાદનનું મહત્ત્વ : સાહિત્ય એ કોઈ પણ સંસ્કારી પ્રજાનો મૂલ્યવાન વારસો છે. દરેક પેઢી પોતાને મળેલો આ વારસો વધારે સમૃદ્ધ કરી, પોતાની પછીની પેઢીને આપે છે. સંપાદનપ્રવૃત્તિ દ્વારા કોઈ પણ પ્રજા પોતાનો સાહિત્યવારસો ટકાવી શકે છે. એ અર્થમાં સંપાદનપ્રવૃત્તિ એ પ્રજાને સંસ્કારિતાનો પ્રાણવાયુ પૂરો પાડનારી પ્રવૃત્તિ છે.

પ્રજાનો સામાન્ય વર્ગ સંસ્કારી ને સુશિક્ષિત હોય તોપણ હસ્તપ્રતોમાં સચવાયેલા ગ્રંથોનો અભ્યાસ કરે કે કરી શકે, ઠેરઠેર ભમી લોકસાહિત્યનું પાન કરી શકે કે કોઈ સર્જક કે સાહિત્યપ્રકારના વિપુલ સર્જનરાશિ સાથે બાથ ભીડી શકે કે પોતાની ભાષામાં સર્જાયેલા વિપુલ સાહિત્યમાંથી વિદ્યાર્થીઓને યોગ્ય સાહિત્યસામગ્રી પસંદ કરી આપે એ શક્ય બનતું નથી. આ બધું શક્ય બને છે સંપાદનને કારણે.

સંપાદક : સંપાદનપ્રવૃત્તિની સૂત્રધાર વ્યક્તિ છે સંપાદક. સંપાદકમાં કેટલાક ગુણો એના ક્ષેત્રવિશેષને (જેમ કે, પાઠસમીક્ષા, લોકસાહિત્ય, સંચયલક્ષી સંપાદન વગેરેને) અનુલક્ષીને હોવા જોઈએ, પણ કેટલાક ગુણો સામાન્ય છે, જે સંપાદક માત્રમાં હોવા જોઈએ.

પોતે જેનો આનંદ માણ્યો છે તે સાર્વજનિક બને, સૌ એ આનંદમાં સહભાગી થાય એવી વૃત્તિ દરેકમાં ભલે ન હોય, પણ એ વૃત્તિ છેક વિરલ પણ નથી. મકરંદ દવેની કાવ્યપંક્તિ યાદ કરીએ તો

‘ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ, ને ગમતાંનો કરીએ ગુલાલ.’

આ ભાવના – ગમતું હોય તેને પોતા પૂરતું ન રાખતાં ‘ગમતું’ સૌમાં વહેંચી દેવું, સૌને એનો આસ્વાદ કરાવવો એ ઋષિપ્રકૃતિ છે. સાચો સંપાદક આવો ઋષિપ્રકૃતિવાળો મનુષ્ય છે. પોતે જેનો ભરપૂર આનંદ લૂંટ્યો તે આનંદ એ સૌમાં વહેંચી દેવા માગે છે. ‘ગમતાંનો કરીએ ગુલાલ’ એ પંક્તિખંડ, સંપાદન માટે ઘણો મહત્ત્વનો છે. સંપાદક પોતાને જે ગમ્યું છે, પોતાને જેણે આનંદ આપ્યો છે તે સાહિત્યકૃતિ એના એ જ રૂપે સમાજને ધરી દેતો નથી. એ પોતાને જે ગમ્યું છે તેનો ગુલાલ કરી સમાજને એના રંગે રંગી દે છે. સાહિત્યકૃતિને એ સંસ્કારે છે, સ્થાને સ્થાને એ એનાં અર્થઘટનો કરે છે, કૃતિનાં રહસ્યો છતાં કરે છે અને એ રીતે જોઈએ તો સંપાદન ‘ગમતાંનો ગુલાલ કરવાની’ વૃત્તિ અને પ્રવૃત્તિ છે. સાહિત્યકૃતિને ગુલાલનું રૂપ આપવાની વૃત્તિ અને એ વૃત્તિને ચરિતાર્થ કરવાની શક્તિ સંપાદકમાં હોવી જોઈએ. સંપાદકે સંપાદકે જે ફેર પડે છે એ આ વૃત્તિ અને શક્તિના ઓછાવત્તાપણાને કારણે ખાસ પડતો હોય છે.

સંપાદક મધુકરવૃત્તિવાળો હોવો જોઈએ. જ્યાંત્યાંથી સૌંદર્યનું સારતત્ત્વ શોધી એનો આસ્વાદ કરવો એનું નામ મધુકરવૃત્તિ. મધુકરવૃત્તિ એ સૌંદર્યની શોધની વૃત્તિ છે.

પરિષ્કૃત રુચિ એ સૌંદર્યદૃષ્ટિની પૂર્વશરત છે. રુચિ પરિષ્કૃત ન હોય તો સૌંદર્યદૃષ્ટિ વિકસવાની શક્યતા હોતી નથી. એટલે પરિષ્કૃત રુચિવાળો સંપાદક પરિષ્કૃત સૌંદર્યદૃષ્ટિવાળો પણ હોવાનો.

સૌંદર્યની શોધ અને પરખની દૃષ્ટિએ સંપાદક મધુકરવૃત્તિવાળો હોય એ આવકાર્ય છે. ભાવકોને ઉત્તમતાનો અર્ઘ્ય આપવાની દૃષ્ટિએ તે શબરીવૃત્તિવાળો પણ હોવો જોઈએ. શબરીએ જેમ બોર ચાખી ચાખીને મીઠાં બોર જ રામને આરોગાવવાની ભાવના રાખી હતી, એમ સારો સંપાદક પણ સારી-નબળી તમામ સાહિત્યસામગ્રીનું આસ્વાદન-અધ્યયન કરી એમાંથી જે ઉત્તમ હોય તે ભાવકોને આપવાની ભાવના રાખતો હોય છે. એની આવી શબરીવૃત્તિને એની સુરુચિપૂર્ણ સૌંદર્યદૃષ્ટિની મોટી સહાય મળે છે અને તેથી જ તેના દ્વારા સાહિત્યરસિક ભાવકોને ઉત્તમ સંપાદન મળી રહે છે.

સંપાદન : કલા કે શાસ્ત્ર ? : ‘સંપાદનકલા’ શબ્દ, સંપાદનશાસ્ત્ર કરતાં વિશેષ પ્રયોજાય છે. પાઠસમીક્ષાલક્ષી સંપાદન કલા નહિ, શાસ્ત્ર છે. એમાં કલાની રુચિ અને સૌંદર્યદૃષ્ટિ અનુસ્યૂત છે  જેમ સાહિત્ય-વિવેચનમાં છે; પરંતુ દોર તો શાસ્ત્રના હાથમાં જ હોય છે, હોવો જોઈએ.

ચયનલક્ષી, કૃતિસંક્ષેપલક્ષી અને પાઠ્યપુસ્તકલક્ષી સંપાદનોમાં કોઈ શાસ્ત્રીય અને ચોક્કસ નિયમોને અડવાશૈલીએ વળગી રહીને સંપાદન થઈ શકતું નથી.

ચયનલક્ષી અને પાઠ્યપુસ્તકલક્ષી સંપાદનોમાં સામાન્ય રીતે કળાની દૃષ્ટિએ ઉત્તમ સામગ્રી પસંદ કરવાની હોય છે. અહીં સંપાદકની સૌંદર્યદૃષ્ટિ જેટલી વધુ ઉત્કૃષ્ટ અને પરિષ્કૃત એટલું સંપાદન વધુ ઉત્તમ થાય એવું કહી શકાય.

આ સમગ્ર ચર્ચા પરથી એટલું કહી શકાય કે સંપાદન કેવળ શાસ્ત્ર નથી તેમ કેવળ કલા પણ નથી. પાઠસમીક્ષાલક્ષી અને લોકસાહિત્યના સંપાદનમાં કળાની તુલનામાં શાસ્ત્રની આણ વધુ પ્રવર્તતી લાગે અને ચયનલક્ષી તેમજ સંક્ષેપલક્ષી સંપાદનોમાં કળા સરસાઈ ભોગવતી લાગે એમ બને. સંપાદનમાં શાસ્ત્ર અને કળા બેયની સક્રિયતા હોય છે. તેથી તો સંપાદનને કલાયુક્ત શાસ્ત્ર કે શાસ્ત્રયુક્ત કલા તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

સંપાદનનાં ક્ષેત્રો : સાહિત્યનાં અનેકવિધ ક્ષેત્રોમાં સંપાદનપ્રવૃત્તિને અવકાશ છે. જે તે ક્ષેત્રના સંપાદનમાં કેટલાંક તત્ત્વો સમાન રૂપે રહેતાં હોવા છતાં જે તે ક્ષેત્રના સંપાદનના પ્રશ્નો કેટલીક રીતે જુદા પણ હોય છે. સંપાદનપદ્ધતિ, સજ્જતા, સાધનો વગેરેમાં પણ કેટલોક ફેર પડતો હોય છે. તેથી જ એક ક્ષેત્રમાં સંપાદનનાં ઊંચાં શિખરો સર કરનાર સંપાદક બીજા ક્ષેત્રમાં એ જ સંપાદનપ્રતિભાથી ધારી સિદ્ધિ ન મેળવી શકે એમ પણ બને. બહુમુખી પ્રતિભાવાળા સંપાદકની વાત અલગ છે. એ કદાચ બધાં ક્ષેત્રોમાં અમુક કક્ષા સિદ્ધ કરી પોતાની શક્તિસિદ્ધિ તો દાખવી જ શકે, પરંતુ બધાં માટે આમ કરવું સહેલું કે શક્ય નથી હોતું.

સંપાદનનાં મુખ્ય ક્ષેત્રો નીચે મુજબ છે :

(1) પાઠસમીક્ષાલક્ષી સંપાદન, (2) લોકસાહિત્યનું સંપાદન, (3) ચયનલક્ષી સંપાદન, (4) સંક્ષેપલક્ષી સંપાદન અને (5) પાઠ્યપુસ્તકલક્ષી સંપાદન.

ઉપર્યુક્ત પ્રકારો વિશે જોઈએ.

1. પાઠ્યસમીક્ષાલક્ષી સંપાદન : ‘Edit’ના વિવિધ અર્થોમાં પ્રાચીન હસ્તપ્રતમાં રહેલા સાહિત્યને પ્રકાશનયોગ્ય બનાવવું એવો પણ એક અર્થ છે. હસ્તપ્રતોમાં મળતા વિવિધ પાઠોની સમીક્ષા કરી, કર્તાને અભિપ્રેત એવા પાઠનું નિર્ધારણ કરવું તે પાઠસમીક્ષાનું કાર્યક્ષેત્ર છે. મૂળપાઠ ઓછામાં ઓછું કૃતિનો પ્રાચીનતમ પાઠ નિર્ધારિત કરી આપવા થતી સંપાદનપ્રક્રિયા પાઠસમીક્ષાલક્ષી સંપાદન (textual editing) કહેવાય છે. સંપાદનનાં તમામ ક્ષેત્રોમાં શાસ્ત્રીય સંપાદનનો વધુમાં વધુ અવકાશ આ ક્ષેત્રે છે. પાઠસમીક્ષાના નિયમો રચી શકાયા છે અને એ રીતે એનું શાસ્ત્ર બન્યું છે. હસ્તપ્રતો એકત્રિત કરવી, એની તુલના કરવી, પાઠાંતરો નોંધવાં, હસ્તપ્રતોનું વંશવૃક્ષ બનાવવું, વંશવૃક્ષના આધારે આદ્યપ્રત નક્કી કરવી, વંશવૃક્ષ ન રચી શકાતું હોય એ સંજોગોમાં વિવિધ પાઠોની સમીક્ષા કરી, ઇષ્ટગ્રાહી (eclectic) પદ્ધતિથી પાઠપસંદગી કરવી, અપપાઠને પરિશોધિત કરી, મૂળપાઠ સુધી પહોંચવા પ્રયત્ન કરવો પાઠસમીક્ષાલક્ષી સંપાદનના આ બધા તબક્કાઓ અંગેના ચોક્કસ નિયમો રચાયા છે, ચોક્કસ નિયમોને આધારે ચોક્કસ પદ્ધતિઓનું નિર્માણ થયું છે. આ શાસ્ત્ર ઠીકઠીક વિકસ્યું છે. હવે કમ્પ્યૂટર પણ આ પ્રકારના સંપાદનમાં સહાયભૂત થઈ રહ્યું છે.

2. લોકસાહિત્યનું સંપાદન :

(ક) લોકસાહિત્યની વિભાવના : ઓગણીસમી સદીમાં પશ્ચિમમાંથી આપણે ત્યાં વિવિધ વિદ્યાશાખાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરવાનું વલણ કેળવાયું. તેમાં એક વિદ્યાશાખા તે લોકવિદ્યા. લોકવિદ્યામાં, માનવસભ્યતાનો વિકાસ થયા પહેલાંના જે આદિમ અંશો માનવજીવનમાં સચવાઈ રહ્યા હોય તેમનો અભ્યાસ કરવાનું ઉદ્દિષ્ટ હોય છે.

લોકસાહિત્ય તળપદી ભાષામાં તળપદા સંસ્કાર મૂર્ત કરતું, અજ્ઞાત કર્તૃત્વવાળું અને લોકમાનસ તેમજ લોકોર્મિનું સર્જન હોય છે. આ સાહિત્ય પેઢી-દર-પેઢી સામાન્ય રીતે મુખપરંપરાથી ઊતરતું આવતું હોય છે. લોકસાહિત્ય સંઘોર્મિસર્જન હોઈ એક જ કૃતિનાં એક જ પ્રદેશમાં તેમજ જુદા જુદા પ્રદેશોમાં પાઠાન્તરો પણ મળતાં હોય છે.

લોકસાહિત્યનાં સ્વરૂપોને બે ભાગમાં વહેંચી શકાય : (1) કથ્ય અને (2) ગેય.

કથ્ય સ્વરૂપોમાં નીચેનાં સ્વરૂપોનો સમાવેશ થાય છે :

(1) લોકકથા, (2) લોકનાટ્ય, (3) ટુચકા-દૃષ્ટાંતો અને (4) રૂઢિપ્રયોગો તથા કહેવતો.

ગેય સ્વરૂપો આ મુજબ છે : (1) લોકગીત, (2) કથાગીત, (3) ઉખાણાં, દુહા, સુભાષિત વગેરે.

(ખ) લોકસાહિત્યનું સંપાદન : લોકસાહિત્યની સામગ્રી એટલી વિપુલ અને એવી વેરવિખેર હોય છે કે એના નાનકડા અંશને સ્પર્શવાનું પણ એકલદોકલ વ્યક્તિ માટે ઘણું અઘરું બની જાય છે. લોકસાહિત્યના સંપાદનમાં પહેલું અને અગત્યનું કામ સામગ્રીના એકત્રીકરણનું છે. આ સામગ્રીનું એકત્રીકરણ ગ્રંથાલયોમાંથી કે પત્રવ્યવહારથી થઈ શકતું નથી. સંપાદકે સાહિત્યના મૂળ સ્રોત સુધી – લોકો સુધી જવું પડે છે. ફિલ્મની ભાષામાં કહીએ તો સંપાદનનાં અન્ય ક્ષેત્રોમાં ‘ઇનડોર શૂટિંગ’ કરવાનું હોય છે, જ્યારે લોકસાહિત્યનું સંપાદન ‘આઉટડોર શૂટિંગ’ પ્રકારનું હોય છે. પણ આ ‘આઉટડોર શૂટિંગ’-ક્ષેત્રકાર્ય લોકસાહિત્યના સંપાદનની આધારશિલા છે.

પહેલાંના સમયની દૃષ્ટિએ આજના સમયમાં લોકસાહિત્યના સંગ્રહ માટેનું ક્ષેત્રકાર્ય પ્રમાણમાં સરળ બન્યું છે. વાહનવ્યવહારનાં સાધનો વધ્યાં છે; ટેપરેકર્ડર અને વીડિયો કૅમેરા, કમ્પ્યૂટર, સીડી જેવાં દૃશ્યશ્રાવ્ય સાધનો પણ સુલભ બન્યાં છે. પરિણામે સામગ્રીને યથાતથ સ્વરૂપમાં નોંધવાનું શક્ય બન્યું છે.

લોકસાહિત્યના સંશોધન-સંપાદન માટે મૂળભૂત રસ ઉપરાંત પદ્ધતિસરની તાલીમ પણ આવદૃશ્યક છે.

લોકગીતના પ્રમાણમાં લોકવાર્તાનું સંપાદન વધુ મુશ્કેલ હોય છે. લોકગીતમાં મળતા તમામ પાઠો પ્રમાણમાં સરળતાથી નોંધી શકાય. જે તે લોકગીત જે તે પ્રદેશમાં જે રીતે ગવાતું હોય તે જ રીતે ટેપરેકર્ડરની સહાયથી નોંધી શકાય. વીડિયો રેકર્ડિંગની મદદથી હવે તો ગીતસમયની ક્રિયા કે વિધિનું દૃશ્યાંકન પણ થઈ શકે છે. લોકગીત સમૂહ પાસેથી પણ સાંભળી શકાય છે. લોકવાર્તામાં સામાન્ય રીતે કોઈ કથકની પસંદગી કરવામાં આવે છે. લોકવાર્તા રસલક્ષી સાહિત્યસ્વરૂપ હોઈ તેની કહેણીની કળા ખૂબ મહત્ત્વની હોય છે. વાર્તા માંડવી ને જમાવવી એ મોટી કળા છે અને આવી કળા બધાંને માટે સહજ નથી. આ લોકવાર્તાની રજૂઆતકળા કેટલાકને કુદરતી બક્ષિસની રીતે મળી હોય છે. એવાંઓ પાસેથી જો તે સાંભળીએ તો એમાં એના જ પોતાના વ્યક્તિલક્ષી અંશોયે અનેક આવે. પરિણામે એ લોકસાહિત્યની કૃતિ રહીનેય લોકસાહિત્યની સામગ્રી પર આધારિત વ્યક્તિલક્ષી સર્જન પણ બની રહે. મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ કે ‘સોરઠી બહારવટિયા’ના ખંડોમાં રજૂ કરેલી વાર્તાઓને એક અર્થમાં મેઘાણીનાં સ્વતંત્ર સર્જનો રૂપેય ઘટાવી શકાય. વળી વાર્તાની રંગદર્શી જમાવટ કરનારા કથકો ખાસ કરીને ભાટચારણો કે બારોટો કેટલાંક તૈયાર વર્ણનોનો જુદી જુદી વાર્તાઓમાં ઉપયોગ કરતા હોય છે. સ્ત્રીનાં, ઘોડાનાં, યુદ્ધનાં, વર્ષાનાં પરંપરાગત એકસરખાં વર્ણનો અને એ જ રીતે પરંપરાગત એકસરખા અલંકારો પણ તેમની કહેણીમાં વણાતા રહેતા હોય છે. આવી સ્થિતિમાં લોકવાર્તાનો મૂળ પાઠ મેળવવાનું મુશ્કેલ બની જાય છે. જો કોઈ સીધાસાદા પ્રતિભાહીન કથકને પસંદ કરવામાં આવે તો રસદૃષ્ટિએ આવદૃશ્યક એવા પ્રસંગો એ ચૂકી જાય અથવા જે રીતે રજૂ કરવા જોઈએ તે રીતે ન કરી શકે. આવી પરિસ્થિતિમાં લોકવાર્તાનું નિશ્ચિત રસાત્મક રૂપ આપવાનું મુશ્કેલ બની જાય. આથી લોકવાર્તાનું સંપાદન શી રીતે વધુ શાસ્ત્રીય થઈ શકે તે ગંભીરતાથી વિચારવું જરૂરી બને છે. એમ લાગે છે કે લોકવાર્તાના જે તે પ્રદેશના રસદૃષ્ટિએ વાર્તા બહેલાવીને રજૂ કરી જાણનારા તમામ કથકો પાસેથી વાર્તાઓ ધ્વનિમુદ્રિત કરવી જોઈએ. એ જ રીતે વાર્તા જેમને કંઠસ્થ હોય એવા નીવડેલા કથકો પાસેથી પણ એ વાર્તાના પાઠ મેળવવા જોઈએ. આ બધા પાઠોનો તુલનાત્મક અભ્યાસ કરી વધુ લોકસ્વીકૃતિ પામેલા પાઠને મૂળભૂત ભાષામાં સંપાદિત કરવો જોઈએ.

3. ચયનલક્ષી સંપાદન : કોઈ ભાષાના સમગ્ર સાહિત્યમાંથી કે કોઈ કર્તાના સમગ્ર સાહિત્યમાંથી ઉત્તમ કે અને વિશિષ્ટ યા વિલક્ષણ કૃતિઓ પસંદ કરવામાં આવે ત્યારે ‘ચયનલક્ષી સંપાદન’ થયું કહેવાય. અલબત્ત, આમાં પછી જુદા જુદા દૃષ્ટિકોણ અને અભિગમો રાખીને ચયન કરવામાં આવે છે, તેથી ચયનના જુદા જુદા પ્રકારો જોવા મળે છે. આ સર્વમાં સમગ્ર સાહિત્યમાંથી નવનીત રૂપે ઉત્તમ અંશો સારવી-તારવીને આપવાનો ઉપક્રમ સૌથી આગળ તરી આવે છે.

આ પ્રકારના સંપાદનમાં કૃતિઓનો સંચય – સંગ્રહ સંપાદકની પોતાની દૃષ્ટિએ, આત્મલક્ષી ધોરણે થતો હોઈ, એમાં સંચય  સંગ્રહ કરનારનાં રસરુચિ મુખ્ય ભાગ ભજવતાં હોય એ સ્પષ્ટ છે. આવા સંચયોનું વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવું કસોટીરૂપ બની રહે છે.

સંપાદક સાહિત્યના કોઈ સ્વરૂપ, વિષય કે કર્તાની બહુસંખ્ય કૃતિઓમાંથી પસાર થઈ, પોતાના પ્રયોજનને અનુરૂપ કૃતિઓ પસંદ કરે છે ત્યારે તેના મનમાં એક ચોક્કસ પ્રકારની મુલવણી-તારવણીની પ્રક્રિયા પણ થતી હોય છે.

સંપાદક આત્મલક્ષી ધોરણે અંગત રસરુચિ અનુસાર કૃતિઓ પસંદ કરે છે તે ખરું, પણ આ પસંદગીમાં સમદૃષ્ટિલક્ષી સહૃદયતા ને સુરુચિનાં ધોરણો એ કામે લગાડે છે. એટલે આવાં સંપાદનોમાં કશાં ધોરણો જ નથી હોતાં એમ કહેવામાં આત્યંતિકતા છે. વળી આ પ્રકારનાં સંપાદનોનું વસ્તુલક્ષી મૂલ્યાંકન થઈ શકતું નથી એ વાત પણ સર્વથા સાચી નથી. આવાં સંપાદનોને સંપાદકે સ્વીકારેલા પ્રયોજનના ઉપલક્ષ્યમાં અવદૃશ્ય તપાસી શકાય. એ જ રીતે પસંદ કરેલી કૃતિઓને પણ સહૃદયતા ને સુરુચિના ધોરણે જોઈ શકાય. સહૃદયતા ને સુરુચિમાં વ્યક્તિ વ્યક્તિએ તફાવત પડતો હોવા છતાં એમાં કેટલુંક સર્વસ્પર્શી સામાન્ય તત્ત્વ જોવા મળે છે. પરિષ્કૃત રસરુચિવાળા એક સંપાદકનું કાર્ય એ જ કક્ષાના અન્ય સહૃદયો પોતાનાં પરિષ્કૃત રસરુચિનાં ધોરણોથી તપાસે તો કેટલાક સર્વસાધારણ નિષ્કર્ષો અવદૃશ્ય નીકળી શકે.

કોઈ કર્તાનું સર્જન વિપુલ હોય ત્યારે એ સર્જક ગમે તેટલો ઊંચી કોટિનો હોય તોપણ તેની તમામ રચનાઓ એક જ કક્ષાની – ઊંચા પ્રકારની હોય એ સંભવિત નથી. કોઈ પણ ઉત્તમ સર્જકની રચનાઓમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણેય પ્રકારની રચનાઓ મળતી હોય છે. સર્જક પોતાની મોટાભાગની રચનાઓમાં જે કૌવત દાખવે છે તેના આધારે કર્તાની ઊંચાઈ નક્કી કરવાની હોય છે. મોટા સર્જકની તમામ રચનાઓ ગ્રંથસ્થ કરવાનું દસ્તાવેજી મૂલ્ય પણ હોઈ શકે છે. એનું મૂલ્યાંકન તો અમુક કૃતિઓમાં એણે બતાવેલી સર્જકતાની કક્ષાના આધારે જ કરવામાં આવે છે. આ અમુક કૃતિઓમાં રહેલી ઊંચી સર્જકતાનો સ્પષ્ટ નકશો બનાવી આપવાનું કામ સંપાદકનું છે. આ કામ એણે સર્જકની કૃતિઓની મદદથી જ કરવાનું હોય છે. જે તે સર્જકની શક્તિને વધુમાં વધુ ન્યાય મળે, એની શક્તિઓની તમામ રેખાઓ ઊપસી આવે એ પ્રકારે ચયન-સંપાદન કરવાની જવાબદારી સંપાદકની હોય છે.

આવાં સંપાદનોથી વાચકોની બહુ મોટી સેવા થાય છે. ગમે તેવો રસપિપાસુ વાચક પણ, પોતાને અત્યંત પ્રિય સર્જકની રચનાઓ બાદ કરતાં, બધા સર્જકોની બધી રચનાઓ વાંચી શકે એ શક્ય હોતું નથી. એટલે આવાં સંપાદનો દ્વારા ભાવક આ ઉત્તમ સર્જકોને – કહો કે સર્જકોના ઉત્તમાંશને પહોંચી-પામી શકે છે. કોઈ સર્જકની કેટલીક ઉત્તમ રચનાઓ વાંચ્યા પછી એ તે સર્જકની અન્ય રચનાઓ વાંચવા પ્રેરાય તેમ પણ બને. સંપાદકે જે તે ચોક્કસ વાચકવર્ગને નજર સમક્ષ રાખીને તેનું ચયનસંપાદન કરવું જોઈએ. તેનું ચયન-સંપાદન વાચકનિરપેક્ષ ન રહી શકે. સર્જન स्वान्त​: सुखाय​ થઈ શકે, પણ સંપાદન તો સ્વાન્ત: સુખાય કર્યું હોય તોયે વાચકનિરપેક્ષ ન થઈ શકે. તેથી કરીને પોતાના સમયના વાચકની રુચિ વિકસિત ન હોય તો, સંપાદકે એવા વાચકની કક્ષાએ ઊતરીનેય સંપાદન કરવાનું એમ સમજવાનું નથી. સંપાદક જો વાચકની રુચિને સંતોષે છે તો એને વિકસિત પણ કરી શકે છે. અલબત્ત, કોઈ પણ સંપાદક પોતાના સમયના વાચકની ભાવક તરીકેની પહોંચથી છેક જ ઊફરો રહીને ચાલી શકે નહિ.

સંપાદકની પોતાના પ્રત્યેની વફાદારીની વાત સંકુલ છે, પણ સાચી છે. જે સર્જકે એની રચનાઓ દ્વારા પોતાના હૃદયના તાર ઝણઝણાવ્યા હોય તે સર્જકની રચનાઓ સંપાદિત કરવા જ એણે પ્રવૃત્ત થવું જોઈએ. કોઈ ધંધાદારી હેતુસર કે સંપાદક તરીકેની પ્રતિષ્ઠા રળવા એ પોતાને અપીલ નહિ કરી શકનાર સર્જકની કૃતિઓ સંપાદિત કરવા જાય તો એમાં સપ્રાણતા ન આવે એમ પણ બને. જે કૃતિ એને પોતાને ન રુચે તે કૃતિ કેવળ વાચકોને ધ્યાનમાં રાખી એણે પસંદ ન કરવી જોઈએ. આવી પસંદગી સંપાદનને એકંદરે નબળું પાડે છે. ઉત્તમ સંપાદનમાંથી તો સંપાદકની સહૃદયતાની સુગંધ આવતી હોય છે.

સારાં સંપાદનોની ઉપકારકતા સ્વયંસ્પષ્ટ છે. પોતાની ભાષાનું સાહિત્ય એ કોઈ પણ પ્રજાનો મૂલ્યવાન સાંસ્કૃતિક વારસો છે; પણ ભૌતિક વારસાની જેમ, આ વારસો પૂરેપૂરો લેવાનું કે પછીની પેઢીને પૂરેપૂરો આપવાનું શક્ય નથી. ગ્રંથજાળવણીનાં – ગ્રંથસંરક્ષણનાં સાધનો વધવાથી સાહિત્યનો આ વારસો જાળવવાનું હવે એટલું બધું અઘરું નથી; પણ આ વારસો આપવો એટલે માત્ર હાથબદલો નહિ પણ એક પેઢીના લોહીમાંથી બીજી પેઢીનાં લોહીમાં સાહિત્યનો રસરંગ સંક્રાંત કરવો તે. આમ કરવા માટે સમગ્ર સાહિત્યરાશિમાંથી નવનીત રૂપે, અર્ક રૂપે કેટલીક ઉત્તમ રચનાઓ તારવી આપવી પડે છે. ભવિષ્યની પેઢીઓના ઘડતરમાં, એમનાં રસરુચિ પરિષ્કૃત કરવામાં આ પ્રકારનાં સંપાદનોનો ફાળો ઘણો મોટો હોય છે. જાતે સર્જન કર્યા સિવાય પ્રજાની સાહિત્યસેવા કરવા માગતી કોઈ પણ વ્યક્તિ આવાં સંપાદનો દ્વારા પ્રજાની મૂલ્યવાન સેવા કરી શકે.

ચયનલક્ષી સંપાદનના પરિરૂપ (design) અંગે કેટલાંક ધોરણો નિશ્ચિત કરી શકાય. આ પ્રકારના સંપાદનની પ્રસ્તાવના એકદમ વિસ્તૃત હોવી જોઈએ. પોતાની સંપાદનપદ્ધતિ અંગે સંપાદકે સવિસ્તર નિવેદન કરવું જોઈએ. સંપાદનનું પ્રયોજન, સંપાદન માટે તપાસેલી સામગ્રી, સંપાદિત કૃતિઓની પસંદગીનાં કારણો વગેરે બાબતો સંપાદકે સ્પષ્ટ કરવી જોઈએ. સામાન્ય રીતે કોઈ કર્તાની શ્રેષ્ઠ કૃતિઓનું ચયન હોય તો કર્તાની સાહિત્યસાધનાનો આલેખ સંપાદકો આપતા હોય છે, એ જ રીતે કોઈ સાહિત્યસ્વરૂપને અનુલક્ષીને સંપાદન કરવામાં આવ્યું હોય તો એ સાહિત્યસ્વરૂપનો આવદૃશ્યક પરિચય કરાવવામાં આવે છે અને એના વિકાસનો નકશો પણ રજૂ કરવામાં આવે છે. આમ કરવામાં કશું ખોટું નથી, બલકે, તે ઇચ્છવાયોગ્ય છે. તે સાથે જ સંપાદનપ્રક્રિયા ને પદ્ધતિ વિશે પણ વિગતે વાત થવી જોઈએ. વળી સંપાદકે જે તે સંપાદન માટે પોતે વાંચેલી તમામ કૃતિઓની સૂચિ પરિશિષ્ટ રૂપે આપવી જોઈએ. આમ કરવાથી સંપાદનપ્રક્રિયા પૂરેપૂરી સ્પષ્ટ થશે અને સંપાદકની નિષ્ઠા અને એણે લીધેલા પરિશ્રમનો વાસ્તવિક ખ્યાલ આવશે. સૂચિ આપવાથી લંબાણ થાય અને કોઈ ખાનગી પ્રકાશક એ માટે તૈયાર ન થાય એવી દલીલ થઈ શકે. આમાં તથ્ય હોય તોય આ વ્યવહારુ મુદ્દો થયો. સંપાદનમાં જો ઉત્તમ રચનાઓ સંગૃહીત થઈ હોય તો વ્યવહારુ દૃષ્ટિએ પણ એના વેચાણ આદિના પ્રશ્નો નડે નહિ. મુખ્ય વાત સંપાદનપદ્ધતિની યોગ્યસાચી પરિપાટી ઊભી કરવાની છે. પાઠાંતરો આપવાથી લંબાણ થાય છે જ, પણ તેથી પાઠસમીક્ષાગત સંપાદનોમાં પાઠાંતરો આપવાનું બંધ થઈ શકે નહિ. એ જ વાત અહીં પણ લાગુ પડે છે. વળી આવાં સંપાદનોમાં કર્તાપરિચય, સ્વરૂપપરિચય ઉપયોગી છે; પણ સંપાદનપ્રક્રિયાનાં એ અનિવાર્ય અંગો નથી.

4. સંક્ષેપલક્ષી સંપાદન : કોઈ સાહિત્યકૃતિનો સંક્ષેપ કરવાની પ્રક્રિયાને સાહિત્યિક સંપાદન ગણવા – ન ગણવા અંગે મતભેદને અવકાશ છે, પરંતુ કોઈ સાહિત્યકૃતિમાંથી શું રાખવું શું છોડવું એ નક્કી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં સાહિત્યિક સંપાદનની ભૂમિકા ઊભી થાય છે. એટલે સંક્ષેપીકરણને સંપાદનનો એક પ્રકાર ગણવાનું સયુક્તિક લાગે છે. ‘ગાગરમાં સાગર’ સમાવવા જેવું આ કામ સંપાદકની કસોટી કરે એવું છે. આમાં માત્ર કથાસાર આપી દેવાનો નથી હોતો, મૂળ કૃતિના સૌંદર્યની પણ યોગ્ય રીતે ઝાંખી કરાવવાની હોય છે.

5. પાઠ્યપુસ્તકલક્ષી સંપાદન : પાઠ્યપુસ્તકલક્ષી સંપાદન આમ તો ચયનલક્ષી સંપાદનનો જ એક ભાગ ગણાય; આમ છતાં, એમાં સંપાદનનાં પરિપ્રેક્ષ્ય અને પ્રશ્નો અલગ પ્રકારના હોવાથી એની વિચારણા એક અલગ ક્ષેત્ર તરીકે કરવી જોઈએ.

બાળકને પોતાની માતૃભાષા પરભાષાની જેમ શીખવાની હોતી નથી. એ પહેલવહેલી વાર શાળાનાં પગથિયાં ચડે છે ત્યારે પણ એ માતૃબોલી – એની માતૃભાષા પૂરી સજ્જતાથી પ્રયોજી શકતું હોય છે. એનું શબ્દભંડોળ પણ યથાવદૃશ્યક વિકસિત થઈ ચૂક્યું હોય છે. અલબત્ત, એના પ્રશિષ્ટ વાગ્વ્યવહાર પર માતૃબોલીની ઠીક ઠીક અસર પડતી હોય છે. પોતાની શિષ્ટ માતૃભાષાના અનેક શબ્દોની જાણકારી મેળવવાનું તેને બાકી હોય છે. લિખિત રૂપે રહેલી શિષ્ટ ભાષાને અવગત કરવાનું અને તેને લિખિત રૂપે વ્યક્ત કરવાનું કૌશલ પ્રાપ્ત કરવાનું બાકી હોય છે. એટલે શાળાકક્ષાએ શિષ્ટ ભાષાના ઔપચારિક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ બાળકને પોતાની શિષ્ટ ભાષા આત્મસાત્ કરવાની પ્રવૃત્તિમાં સંડોવવાનો હોય છે. આ રીતે માતૃભાષાના (કોઈ પણ શિષ્ટ ભાષાના) ઔપચારિક શિક્ષણ દ્વારા ચાર પ્રકારનાં કૌશલ્યો ખીલવવાનાં હોય છે : (1) શ્રવણકૌશલ્ય (2) કથનકૌશલ્ય (3) વાચનકૌશલ્ય અને (4) લેખનકૌશલ્ય.

પ્રારંભનાં વર્ષોમાં બાળક પોતાની માતૃભાષાને ઉપર્યુક્ત કૌશલ્યોના સંદર્ભમાં શિષ્ટમાન્ય વ્યાકરણમાન્ય સ્વરૂપમાં પ્રયોજતો થાય તે જોવાનું હોય છે. માધ્યમિક કક્ષાથી વિદ્યાર્થીને સાહિત્યિક ભાષાના સંપર્કમાં મૂકવાનો હોય છે. એટલે આ કક્ષાથી પાઠ્યપુસ્તકનું સંપાદન સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં શરૂ થાય છે.

સાહિત્યિક ભાષા એટલે બોલચાલની-વ્યવહારની ભાષાનું ભદ્રવર્ગીય શિષ્ટ સત્ત્વશીલ ને રસલક્ષી રૂપ. આ રૂપવાળી ભાષાનો પરિચય વિવિધ સાહિત્યસ્વરૂપો દ્વારા મળી શકે છે. સાહિત્યનાં અનેક સ્વરૂપો અને અભિવ્યક્તિની અનેક તરેહો દ્વારા સાહિત્યિક ભાષાનાં સત્ત્વ-સૌંદર્ય પ્રગટ થાય છે. માતૃભાષાના ઉત્તમ સર્જકોની ઉત્તમ રચનાઓમાં આ રૂપ પૂર્ણ રૂપે પ્રગટ્યું હોય છે, તેથી માતૃભાષાના સાહિત્યની ઉત્તમ રચનાઓ વિષય અને સ્વરૂપના વૈવિધ્ય સાથે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાનું જરૂરી બને છે.

આમ, પાઠ્યપુસ્તકના સંપાદકે ભાષાશિક્ષણના હેતુઓ, મૂલ્યલક્ષી વિષયવસ્તુ અને પૃષ્ઠમર્યાદા – આ ત્રણેય પ્રકારનાં બંધનો સ્વીકારીને ચાલવાનું હોય છે. ભાષા અને વિષયવસ્તુમાં એક વિશેષ પ્રકારનું બંધન પણ એણે સ્વીકારવાનું હોય છે, અને આ બંધન તે રાજ્યની નીતિનું બંધન. આપણું રાજ્ય સમાનતા, સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદી સમાજરચનાને વરેલું છે. આ મૂળભૂત નીતિને મોળી પાડે તેવી કૃતિ અન્યથા ગમે તેટલી આકર્ષક હોય તોપણ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામી શકે નહિ. આ કારણે આજની સામાજિક જાગૃતિવાળી પરિસ્થિતિમાં જે તે જ્ઞાતિ કે જે તે વર્ગને અસહ્ય લાગવાનો સંભવ હોય તેવા કાલગ્રસ્ત સંદર્ભોવાળી કૃતિઓ પાઠ્યપુસ્તકો માટે પસંદ થઈ શકે નહિ. આ પરિસ્થિતિ સંપાદક માટે ઠીક ઠીક મૂંઝવનારી હોય છે.

પાઠ્યપુસ્તક માટે કૃતિઓ પસંદ કરવાની બીજી પણ એક મુશ્કેલી છે. પાઠ્યપુસ્તક માટે પસંદ થતી કૃતિઓ પાઠ્યપુસ્તકો માટે લખાયેલી હોતી નથી. સ્વતંત્ર હેતુસર લખાયેલી કૃતિઓને માતૃભાષાના શિક્ષણના ચોક્કસ હેતુઓ પાર પાડવામાં કામે લેવાની હોય છે. સ્વતંત્રપણે મુખ્યત્વે શુદ્ધ સાહિત્યિક ખ્યાલથી લખાયેલી કૃતિઓને જે તે શૈક્ષણિક ચુસ્ત માળખામાં બેસાડવાની હોય છે તેથી અમુક અમુક કૃતિઓ દ્વારા આ હેતુઓ પાર પડશે એવા અંદાજથી તે પસંદ કરવી પડે છે. આ અંદાજ કેટલીક રીતે સાચો પડે તો કેટલીક રીતે ખોટો પણ પડે. જોકે આનો એક ઉપાય પાઠ્યપુસ્તકની અજમાયશી આવૃત્તિ તૈયાર કરી, કેટલીક પસંદ કરેલી શાળાઓમાં એની યોગ્ય રીતે વિવેકપુર:સર અજમાયશ કરી જોવાનો છે. હવે આવા પ્રયોગો થાય પણ છે, પરંતુ પ્રયોગના ઉત્સાહવાળી શાળાઓ અને સુપાત્ર શિક્ષકોનું પ્રમાણ ઓછું હોવાને કારણે આનું જોઈએ તેવું પરિણામ નથી આવી શકતું. આમ છતાં એક ઉપાય તરીકે આ ચોક્કસ આવકાર્ય ને અસરકારક ઉપાય છે.

બીજો એક ઉપાય નીવડેલા સર્જકો પાસે પાઠ્યપુસ્તકો માટે જ ખાસ કૃતિઓ લખાવવી તે છે, પણ સર્જકો આનો પ્રતિસાદ કેવો આપે છે તેના પર આની સફળતાનો આધાર છે. આવા કેટલાક પ્રયત્નો થતા રહ્યા છે પણ તેમનાં ધાર્યાં પરિણામો આવતાં નથી.

પાઠ્યપુસ્તકોની સામગ્રી વિદ્યાર્થીઓ માટે હોઈ એની પસંદગીમાં બીજી પણ કેટલીક સાવધાનીઓ રાખવાનું આવદૃશ્યક હોય છે. કૃતિઓ કક્ષાનુરૂપ હોય એટલે કે જે તે કક્ષાના વિદ્યાર્થીઓની દૃષ્ટિએ અતિકઠિન કે અતિસરળ ન હોવી જોઈએ. એ જ રીતે ઉઘાડા શૃંગાર-નિરૂપણવાળી, ઘોર હતાશા વર્ણવતી, મૃત્યુનાં હબકાવી નાંખે એવાં વર્ણનોવાળી કૃતિઓ પણ પાઠ્યપુસ્તકો માટે અનુકૂળ નહિ રહેવાની. એનો અર્થ એવો પણ નથી કે જીવનની કઠોર વાસ્તવિકતાના સ્પર્શવાળી કૃતિઓ ચાલે જ નહિ; પણ એકંદરે સમગ્ર સંગ્રહની અસર જીવનશક્તિને પ્રેરે એવી, જિંદાદિલીને વિકસાવે એવી હોવી જોઈએ.

આ પ્રકારની સામગ્રીમાં સાત્ત્વિક જીવનમૂલ્યો વણાયેલાં જોઈએ એવો શિક્ષણકારોનો આગ્રહ હોય છે. શિક્ષણનો મૂળ ઉદ્દેશ જીવનઘડતરનો છે. ભાષાનાં પાઠ્યપુસ્તકો અન્ય વિષયનાં પાઠ્યપુસ્તકો કરતાં આ જવાબદારી વધુ સારી રીતે ઉપાડી શકે એમ માનવામાં આવે છે. એટલે અહીં પસંદ થતી સામગ્રીમાં જીવનઘડતર માટે આવદૃશ્યક મૂલ્યો પ્રતિબિંબિત થવાં જોઈએ એવો આગ્રહ સેવવામાં આવે છે. ભારતની નવી શિક્ષણનીતિમાં રાષ્ટ્રીય મૂલ્યો પર વિશેષ ભાર દેવાયો છે. બંધારણમાં વર્ણવાયેલી મૂળભૂત ફરજો તેમજ સ્વતંત્રતા, સમાનતા, પર્યાવરણસુરક્ષા, સામાજિક અવરોધોનું નિવારણ જેવાં નવાં રાષ્ટ્રીય મૂલ્યો પણ પાઠ્યપુસ્તકો દ્વારા દૃઢ થાય તેવો આગ્રહ સેવવામાં આવે છે.

સાત્ત્વિક જીવનમૂલ્યો પાઠ્યપુસ્તકોની કૃતિઓમાં પ્રતિબિંબિત થાય એવા આગ્રહમાં કશું અનૌચિત્ય નથી; પણ ગણી-ગણીને મૂલ્યો દાખલ કરવા જતાં, પરાણે દાખલ કરવા જતાં શિક્ષણને જ વિઘાતક એવા કેટલાક પ્રશ્નો ઊભા થઈ શકે એ ધ્યાનમાં રહેવું જોઈએ.

ઉત્તમ કૃતિઓમાં સાત્ત્વિક જીવનમૂલ્યો અનુસ્યૂત જ હોય છે, પણ આધુનિક સાહિત્ય નવાં જીવનમૂલ્યોનો પડઘો પાડતી કૃતિઓ રચવા તરફ બહુ ઉમળકો દાખવતું નથી. કશુંક પણ કૃતક લખવા સામે આજના સર્જકને પાયાનો વાંધો છે. પરિણામે નવાં સામાજિક રાષ્ટ્રીય મૂલ્યોનું પ્રતિબિંબ પાડતી હોય અને સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ હોય તેવી રચનાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી. ખાસ ફરમાશથી આવી કૃતિઓ રચવા સર્જકો તૈયાર થતા નથી ને થાય છે તો એવી કૃતિઓમાં કલાનો પ્રાણ ભાગ્યે જ ધબકતો વરતાય છે. આમ છતાં, શૈક્ષણિક મૂલ્યમાં નમતું મૂકવા તૈયાર ન થનાર શિક્ષણકાર સાહિત્યિક ગુણવત્તા સાથે બાંધછોડ કરીનેય આવી કૃતિઓ માટે આગ્રહ સેવે છે. પાઠ્યપુસ્તકોનું રાષ્ટ્રીયકરણ થયા પછી પાઠ્યપુસ્તકો તૈયાર કરનારી સંસ્થાઓ પણ રાષ્ટ્રીય નીતિ અનુસરવામાં પોતાનો ધર્મ સમજે છે. આને પરિણામે એક વિશિષ્ટ પરિસ્થિતિમાંથી ભારતમાં પાઠ્યપુસ્તકોની સંપાદનપ્રવૃત્તિ આજે પસાર થઈ રહી છે.

ઉપસંહાર : ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્યનાં પાઠસમીક્ષાલક્ષી સંપાદનોની પ્રવૃત્તિ પ્રમાણમાં મંદ પડી રહી છે. નવી પેઢીના અભ્યાસીઓમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટેનો ઉત્સાહ ઓછો દેખાય છે. લોકસાહિત્યના સંપાદન માટે સહાયરૂપ થાય તેવાં યાંત્રિક સાધનો સુલભ બન્યાં છે, પરંતુ નવી પેઢીમાં આ ક્ષેત્ર ખેડવાનો ઉત્સાહ દેખાતો નથી. પરિણામે પાઠસમીક્ષાલક્ષી સંપાદન તેમજ લોકસાહિત્યના સંપાદન અંગેના શાસ્ત્રીય જ્ઞાનની જાણકારી ઓછી થતી જાય છે. ગુજરાતીમાં ચયનલક્ષી સંપાદનો ઢગલાબંધ બહાર પડતાં રહે છે. પરંતુ એમાં પણ પરિષ્કૃત રસરુચિ અને નિરપેક્ષ વિવેકદૃષ્ટિથી થયેલાં ચયનોની સંખ્યા ઓછી હોય છે. ટૂંકમાં, ગુજરાતી સંપાદનપ્રવૃત્તિ એનું તેજ વધુ ને વધુ દાખવે એવી મજબૂત કામગીરી તરફ વળે એ આજની અપેક્ષા છે. તે અપેક્ષા સંપાદનક્ષેત્રના તપસ્વી ને તેજસ્વી, પરિષ્કૃત કાવ્યરુચિ ને વિવેકશક્તિવાળાં સ્વસ્થ સંપાદકોથી જ સંતોષાઈ શકે એ સ્પષ્ટ છે.

રતિલાલ બોરીસાગર