સંદેશ : અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય નગરોમાંથી પ્રગટ થતું ગુજરાતનું જૂનું દૈનિક. અમદાવાદમાં પ્રથમ દૈનિક વર્તમાનપત્ર નંદલાલ ચુનીલાલ બોડીવાળાએ 1921માં શરૂ કર્યું. એ વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય મહાસભાનું વાર્ષિક અધિવેશન મળ્યું, તે નિમિત્તે તેમણે ‘સ્વરાજ્ય’ નામે દૈનિક પત્રનો આરંભ કર્યો. ખર્ચને પહોંચી નહિ વળતાં તેમણે થોડા જ સમયમાં તેને સાપ્તાહિક બનાવ્યું. તે દર બુધવારે પ્રગટ કરાતું, તેથી લોકો તેને ‘બુધવારિયું’ કહેતા. જોકે એ સાપ્તાહિક પણ ટકી શક્યું નહિ. પણ તેથી પાછા પડ્યા વિના નંદલાલે તા. 28 ઑગસ્ટ, 1923થી ‘સંદેશ’ નામે દૈનિક પત્રનો આરંભ કર્યો. સાંજના આ દૈનિકમાં ચાર પાનાં રહેતાં. મૂલ્ય એક પૈસો હતું. તંત્રીપદે પુષ્કરરાય સાકરલાલ દેસાઈ હતા. આ પછી ધીરે ધીરે ‘સંદેશે’ સ્થિરતા મેળવી અને પ્રગતિના પંથે આગળ વધ્યું. 2006 સુધીમાં તે અમદાવાદ ઉપરાંત ભાવનગર, રાજકોટ, વડોદરા અને સૂરતથી સ્થાનિક આવૃત્તિઓ સાથે મહિનાના 30 દિવસની 30 રંગીન પૂર્તિઓ પ્રગટ કરતું થયું.
1854માં મુંબઈથી શરૂ થયેલા ‘સમશેર બહાદુર’ નામના વર્તમાનપત્રે થોડા જ સમયમાં અમદાવાદ સ્થળાંતર કરેલું તે 1860માં ‘અમદાવાદ સમાચાર’ સાથે જોડાઈ ગયું. ‘અમદાવાદ સમાચાર’ની સ્થાપના 1860માં સમરથલાલ જેઠલાલ વૈદ્ય તથા ચિમનલાલ મોદીએ કરેલી. પણ, તેની દશાયે સારી નહોતી. અંતે 1937માં તે ‘સંદેશ’માં વિલીન થઈ ગયું. 1943માં 27મી માર્ચે નંદલાલે ‘સંદેશ લિમિટેડ’ નામે સાર્વજનિક કંપનીની સ્થાપના કરી. નંદલાલ પક્ષાઘાતથી પંગુ બની ગયા પછી પણ ‘સંદેશ’નું સંચાલન સંભાળ્યું. ‘ગુજરાત સમાચાર’, ‘જનસત્તા’ તથા ‘પ્રભાત’ જેવાં હરીફ દૈનિકો સામે તેને ટકાવ્યું. તેમના પછી ‘સંદેશ’નો વહીવટ ચિમનલાલ સોમાભાઈ પટેલ પાસે આવ્યો. તેમણે ‘સંદેશ’નો વિસ્તાર કર્યો. તેમના પછી તેમના પુત્ર ફાલ્ગુનભાઈ પટેલે સંચાલન સંભાળ્યું. માતા લીલાવતીએ પણ તેના સંપાદનમાં સાથ આપ્યો. વચગાળામાં ‘ગુજરાતી પંચ’ નામનું સાપ્તાહિક 1943માં 13મી સપ્ટેમ્બરે ‘સંદેશ’માં જોડાઈ ગયું.
‘સંદેશ’નો આરંભ અતિ સામાન્ય હતો. રાયપુરમાં જળોવાળી પોળના નાકે આર્યસમાજ મંદિરના નીચલા ભાગમાં કાર્યાલયની સઘળી વ્યવસ્થા એક જૂનું ટેબલ, પતરાંની બેત્રણ ખુરશીઓ અને ચોકમાં મુદ્રણયંત્ર સમાવિષ્ટ હતાં. સ્થાનિક સમાચારો મોટો ભાગ રોકતા. બીજા સમાચારો મુંબઈનાં છાપાંમાંથી સંપાદિત કરાતા. સ્વાતંત્ર્ય-આંદોલનમાં ગાંધીજીના પ્રવેશથી પ્રજાની નવાજૂની જાણવાની ઇચ્છા તીવ્ર બનતી જતી હતી. દાંડીકૂચ, ગાંધીજીની લંડન-યાત્રા, ગોળમેજી પરિષદ આદિના સમાચારો જાણવા આતુરતા રહેતી. ‘સંદેશે’ એ.પી. (એસોસિયેટેડ પ્રેસ) અને ‘ફ્રી પ્રેસ’ જેવી સમાચાર-સંસ્થાઓની સેવાનો લાભ લીધો. 1934માં સારંગપુરમાં ઘાસીરામની પોળના નાકે નંદલાલે પત્નીના નામે નવું ભવન ‘સરસ્વતી ભવન’ બંધાવી સંદેશનું કાર્યાલય ત્યાં ખસેડેલું. ન્યૂઝપ્રિન્ટના મોટા-ભારે વીંટા પર ઝડપી છપાઈ માટે રોટરી મુદ્રણયંત્ર વસાવ્યું. હવે ‘સંદેશ’ માટે સુવર્ણયુગ બેઠો. ઘીકાંટા, પીત્તળિયા બંબા પાસે વિશાળ ભૂમિખંડ ઉપર સંદેશનું નવું વિશાળ ભવન બાંધવામાં આવ્યું. 1948ના ઑગસ્ટ મહિનામાં ‘સંદેશે’ નવા ભવનમાં પ્રસ્થાન કર્યું. વચગાળામાં નંદલાલ બોડીવાળાએ ગુજરાતનું પહેલું અંગ્રેજી દૈનિક પત્ર ‘સ્ટાર’ શરૂ કર્યું. આ પત્ર પણ ટક્યું નહિ. ‘સંદેશ’ સંસ્થાએ સાંજનું દૈનિક ‘સેવક’ પણ શરૂ કરેલું. તે વર્ષો સુધી લોકપ્રિય રહ્યું. ઉપરાંત ‘સ્ત્રી’, ‘બાલસંદેશ’, ‘ધર્મસંદેશ’, ‘ચિત્રસંદેશ’, ‘આરામ’, ડિટેક્ટિવ ગ્રંથમાળા, બાળકોની ગ્રંથમાળા, આર્થિક ગ્રંથમાળા આદિ વિવિધ પ્રકાશનોની પ્રવૃત્તિ કરી. સ્વ. હરિહર ભટ્ટ સંપાદિત ‘સંદેશ પ્રત્યક્ષ પંચાંગ’ દેશભરમાં આદરપાત્ર બન્યું.
સ્પર્ધા વધતાં તથા સ્વાસ્થ્ય કથળતાં નંદલાલ માટે ‘સંદેશ’નું સંચાલન પ્રભાવક રૂપે કરવાનું શક્ય બન્યું નહિ. ફેલાવો ઘટીને 18,000 નકલોનો થઈ ગયો. આ સંજોગોમાં તેમણે સંચાલન છોડી દીધું. ‘સંદેશ’ ચિમનલાલ પટેલે લઈ લીધું. તેમણે ઝડપથી વિસ્તરણનાં પગલાં લીધાં. 1985માં વડોદરાથી સ્વતંત્ર આવૃત્તિનો આરંભ કર્યો. 1989માં સૂરત તથા 1990માં રાજકોટ આવૃત્તિઓ આવી. 1998માં ભાવનગરથી પણ સ્થાનિક આવૃત્તિનું પ્રકાશન આરંભ્યું. ટૂંક સમયમાં અમેરિકી આવૃત્તિ શરૂ કરવામાં આવી. 2000માં બોડકદેવ વિસ્તારમાં નવા મોકળા ભવનમાં નવાં સંયંત્રો સાથે ‘સંદેશે’ નવા યુગમાં પગરણ માંડ્યાં.
બળવંતરાય શાહ
દિનેશ દેસાઈ
બંસીધર શુક્લ