સંદૂષણ-જૈવ (bio-cumulative pollution)

January, 2007

સંદૂષણજૈવ (bio-cumulative pollution) : વાતાવરણના અવિઘટનીય પ્રદૂષકો કાળક્રમે મનુષ્ય અગર ઉચ્ચકક્ષાનાં પ્રાણીઓના જૈવ-તંત્રમાં પ્રવેશી સંચિત દૂષણ પેદા કરે તેવી પરિસ્થિતિ. તેના સંભવિત પ્રાદુર્ભાવનો માર્ગ આ મુજબ છે : જ્યારે વાતાવરણમાં રહેલો પ્રદૂષક અવિઘટનીય અને વસારાગી (લીપોક્લિક – લિપિડ માટેનું આકર્ષણ ધરાવતા) હોય ત્યારે સંદૂષણ થાય છે.

પ્રદૂષકો વસારાગી હોવાથી જમીન કે પાણીમાંથી તેઓ જીવાણુમાં અને અન્ય સુવિકસિત કોષકેન્દ્રવાળા સૂક્ષ્મજીવોના લિપિડમાં દાખલ થાય છે.

જ્યારે પોષણકડીમાં નિમ્ન સ્થાને રહેલા સૂક્ષ્મજીવો તેનાથી ઊંચા સ્તરના જીવો દ્વારા ક્રમશ: ખોરાકમાં લેવાય છે ત્યારે પ્રદૂષક વિઘટિત થતો નથી અને બહાર પણ નીકળતો નથી અને તેનું પ્રમાણ વધતું જાય છે; તેથી આવા પ્રદૂષકો સજીવોમાં ઘનીભૂત થાય છે અને ક્રમશ: તેમનાથી ઊંચા સ્તરનાં સજીવોમાં દાખલ થાય છે. પોષણકડીમાં સજીવનું સ્થાન ઊંચું જતું જાય તેટલું પ્રદૂષકનું ઘનીભૂત થવાનું પ્રમાણ વધે. આમ ધીરે ધીરે પોષણકડીમાં સૌથી ઊંચા સ્તરે રહેલા સજીવમાં પ્રદૂષકનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે તે વાતાવરણમાં રહેલા પ્રમાણ કરતાં ઓછામાં ઓછું 104થી 106 ગણું વધારે થઈ જાય છે.

આવી અસર ઉત્પન્ન કરનાર પ્રદૂષકો મુખ્યત્વે જંતુનાશકો હોય છે. જંતુનાશકોનો અનિયંત્રિત ઉપયોગ મનુષ્યોને આ પરિસ્થિતિ તરફ લઈ જાય છે. આલ્ડ્રીન, ક્લોરડેન અને ડી.ડી.ટી. જેવા પેસ્ટિસાઇડ 15 વર્ષથી વધુ સમય સુધી, હેપ્ટાક્લોર 14 વર્ષથી વધુ સમય સુધી જ અને પેરાથાયોન 16 વર્ષથી વધુ સમય સુધી જમીન અને પાણીમાં વિઘટિત થયા વિના રહે છે અને સજીવોની અંદર જઈને સંદૂષણ કરે છે.

સંદૂષણ સજીવો માટે હાનિકારક છે. આ અસર માંસભક્ષક પ્રાણી અને પક્ષીમાં વધુ જોવા મળે છે. સંદૂષણને કારણે પ્રાણીઓ કમજોર અને નબળાં બને છે અને તેમની પ્રજનનશક્તિ ઘટી જાય છે અથવા લુપ્ત થઈ જાય છે. આ અસરને કારણે પ્રાણીઓનું મૃત્યુ પણ થઈ શકે છે.

મનુષ્યો પણ આ પોષણકડીનો ભાગ છે અને તેઓ પણ તેમનો ખોરાક પોષણકડીના ભાગરૂપ વિવિધ સજીવોમાંથી મેળવે છે. તેથી માંસભક્ષી પ્રાણીઓ (કે જે પોષણકડીમાં સૌથી ઊંચા સ્તરે છે) કરતાં મનુષ્યોમાં પ્રદૂષકનું પ્રમાણ ઓછું હોય છે.

સંદૂષણ દર્શાવતી આકૃતિ

તે છતાં અમેરિકનો કે જેઓ પ્રદૂષકોના સીધા સંસર્ગમાં ન હતા તેમનામાં 4થી 6 પીપીએમ ડી.ડી.ટી. અને અન્ય પ્રદૂષકોનું પ્રમાણ જોવા મળ્યું છે. જોકે પ્રદૂષકનું આટલું પ્રમાણ જોખમી નથી. પણ ધીરે ધીરે આ પ્રમાણ જો વધે તો જોખમી બની શકે; તેથી આવાં જંતુનાશકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટે એવાં જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ કે જે ચાલુ ઋતુમાં જ વિઘટિત થઈ શકે. હાલમાં જંતુનાશક તરીકે ક્લોરિનીકરણ પામેલા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જંતુનાશકો ઝડપથી વિઘટન પામે છે.

ન. મ. ઉપાધ્યાય