સંદેશક રાસ (ચૌદમી સદી)

January, 2007

સંદેશક રાસ (ચૌદમી સદી) : અબ્દુર રહેમાન નામના મુસ્લિમ કવિ દ્વારા ઉત્તર ગૌર્જર અપભ્રંશકાળમાં, ચારણી ડિંગળની પૂર્વભૂમિકારૂપ ‘અવહ’ પ્રકારની અપભ્રંશ ભાષામાં રચાયેલી વિપ્રલંભ શૃંગારની એક વિશિષ્ટ કાવ્યકૃતિ.

મૂળમાં તો તાળી કે દાંડિયાના તાલ સાથે રાસ રમાતા ને ખેલાતા. પછી આ રાસ રમતાં જેનું ગાન થાય તેવી રચના પણ ‘રાસ’ કહેવાવા લાગી. અપભ્રંશકાળમાં કેટલાક ગેય છંદો ‘રાસક’ નામે ઓળખાતા હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને પણ ‘રાસ’ કહેવાની પરંપરા ઊભી થઈ, જે પાછળથી ગુજરાતીમાં પણ ઊતરી આવી. અપભ્રંશ મહાકાવ્યના અને અન્ય ગેય દીર્ઘકાવ્યોના અનુસરણમાં કથનતત્ત્વ ઉમેરાતાં એ કથનાત્મક પદ્ય-રચનાઓનો પ્રકાર બની ગયો. આ સ્વરૂપ-પરંપરામાં આ કૃતિ રચાઈ હોવાથી એ ‘રાસ’ સંજ્ઞાથી ઓળખાવાઈ છે.

કૃતિની ત્રીજી-ચોથી ગાથામાં કવિએ આપેલા સ્વપરિચય અનુસાર કવિ અબ્દુર રહેમાન પશ્ચિમ દિશામાં આવેલ મ્લેચ્છ દેશના અરદ્દ (આરબ) પ્રાન્તમાં વસતા વણકર મીરસેનનો પુત્ર હતો અને તે પ્રાકૃત ગીતરચનામાં કુશળ હતો. તેણે આ ‘સંદેશક રાસ’ની રચના કરી છે. આથી વિશેષ આ કવિનો કોઈ પરિચય ઉપલબ્ધ નથી.

આ કૃતિ પર ઈ. સ. 1409માં જૈન સાધુ લક્ષ્મીચંદ્રે સંસ્કૃત ટીકા રચી છે; એ જોતાં આ કૃતિ ઈ. સ. 1409 પહેલાં રચાઈ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. શ્રી કે. કા. શાસ્ત્રી આ કવિ હેમચંદ્રાચાર્યના સમયમાં થયા હોવાની સંભાવના સ્વીકારે છે.

કાલિદાસકૃત ‘મેઘદૂત’ના અનુસરણ જેવું આ એક દૂતકાવ્ય છે, તો સાથે કાવ્યના ઉત્તરાર્ધમાં આવતા ઋતુવર્ણનને કારણે એ ઋતુકાવ્ય પણ બન્યું છે. એમ સંસ્કૃત કાવ્યપ્રણાલી અનુસાર દૂતકાવ્ય અને ઋતુકાવ્યની લાક્ષણિકતાઓ અહીં જોવા મળે છે.

223 કડીના આ કાવ્યનું વસ્તુ આ પ્રમાણે છે : વિજયનગરમાં નિવાસ કરતી વિરહિણી નાયિકાનો પતિ વ્યવસાય અર્થે ખંભાત જઈને રહ્યો છે. પ્રણયવિહ્વળ નાયિકા પોતાના પતિના તીવ્ર વિરહથી પીડાય છે. મુલતાનનો એક પથિક મુલતાનથી ખંભાત જવા નીકળ્યો છે. વિજયનગર આવતાં આ પથિક નાયિકાના નિવાસ પાસેથી પસાર થઈ રહ્યો છે. તેના ઉપર નાયિકાની નજર પડતાં એ પથિકને રોકે છે. એની સાથેની વાતચીતમાં આ પથિક ખંભાત જઈ રહ્યો હોવાની નાયિકાને જાણ થતાં એ પોતાના પતિ માટેનો સંદેશો લઈ જવા એને વીનવે છે. સંદેશામાં એ પોતાની વિરહવ્યથા વિસ્તારથી વર્ણવે છે. આ પહેલાં કવિ આંસુ સારતી, પ્રિયતમની વાટ જોતી, દીર્ઘ નિસાસા નાખતી એવી વિરહપીડિત નાયિકાની અવદશાને વર્ણવે છે. એની વિરહવ્યથાનું વર્ણન ભાવનિરૂપણની દૃષ્ટિએ નોંધપાત્ર બન્યું છે. પથિક પણ સ્વમુખે ખંભાતનગરીનું રસિક વર્ણન કરે છે. નાયિકાનો સંદેશો લઈને નીકળેલો પથિક જેવો નાયિકાની દૃષ્ટિ બહાર થાય છે તેવામાં જ નાયિકાને દીર્ઘ વિરહકાળ પછી આવતો પોતાનો સ્વામી નજરે પડે છે. આમ વિપ્રલંભ શૃંગારમાં ગતિ કરતું કાવ્ય અંતમાં મિલન-શૃંગારમાં સમાપ્ત થાય છે.

કાવ્યના આરંભમાં 17 પ્રાકૃત આર્યાઓ કવિએ પ્રયોજી છે. એમાં ‘જેણે આ સમગ્ર પૃથ્વી, આકાશ ને નક્ષત્રો સર્જ્યાં તે સૌનું કલ્યાણ કરો’ એવી મંગલ પ્રાર્થના કરાઈ છે. કોઈ ચોક્કસ ઇષ્ટદેવની સ્તુતિ અહીં નથી. 22 કડી સુધીનો કાવ્યાંશ પ્રાસ્તાવિક છે. 23થી 127 કડીમાં મૂળ વિષયનું નિરૂપણ છે. 128મી કડીથી છયે ઋતુઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ને અંતે નાયકના આગમન સાથે નાયિકાને પ્રફુલ્લિત થતી કવિ દર્શાવે છે.

ભાષા, છંદ, વર્ણન, અલંકરણ, ભાવનિરૂપણ અને રસનિષ્પત્તિની દૃષ્ટિએ આખી કૃતિ કાવ્યસ્પર્શવાળી બની છે.

ધર્મના કશાય વળગણ વિનાનું આવું રસિક કાવ્ય પ્રાક્-નરસિંહયુગના આરંભના તબક્કામાં એક મુસ્લિમ કવિની કલમે રચાયેલું મળે છે એ સાહિત્યની એક નોંધપાત્ર ઘટના છે.

કાન્તિભાઈ શાહ