સંત પ્રાણનાથજી (. 1618, જામનગર; . 1695, પન્ના, બુંદેલખંડ) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સંત દેવચંદ્રજીના પટ્ટ શિષ્ય. પિતા કેશવ ઠક્કર, માતા ધનબાઈ, જ્ઞાતિ લોહાણા. તેમનું બાળપણનું નામ મહેરાજ હતું. ઈ. સ. 1631માં દીક્ષા લઈ ‘પ્રાણનાથ’ નામ ધારણ કર્યું. તેઓ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા. ઉત્તર ભારતમાં આ સંપ્રદાયનો પ્રચાર કરવામાં તેમનું પ્રદાન ઘણું મહત્ત્વનું છે. તેમણે હિંદુ તથા ઇસ્લામ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતોમાં રહેલી એકતા દર્શાવીને મુઘલ શહેનશાહ ઔરંગઝેબની ધર્માંધ નીતિને પડકારી હતી. આ સંપ્રદાયનો ગ્રંથ ‘કુલજમ સ્વરૂપ સાહેબ’ નામે જાણીતો છે. તેમાં પ્રાણનાથની વાણી સંગૃહીત કરવામાં આવી છે.

સંત પ્રાણનાથજી

તેમણે હિંદુ-મુસ્લિમ એકતાની હિમાયત કરી તથા અસ્પૃશ્યતાનિવારણ માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા. પ્રણામી સંપ્રદાયમાં મૂર્તિપૂજાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મૂર્તિને બદલે ‘કુલજમ સ્વરૂપ સાહેબ’ની પ્રતિષ્ઠા કરીને એનું પૂજન તથા પઠન કરવામાં આવે છે. પ્રાણનાથજીના પ્રયાસોથી પાટીદાર, કાયસ્થ, મોઢ વાણિયા, રાજપૂત, સુથાર, કડિયા, દરજી વગેરે લોકો આ સંપ્રદાયના અનુયાયીઓ થયા હતા. આ સંપ્રદાયની સૂરતની ગાદી પ્રાણનાથથી શરૂ થઈ. તેમણે ‘ઇંદ્રાવતી’ના ઉપનામથી સ્ત્રીભાવે નિર્દોષ શૃંગારનાં પદ ગાયાં છે. તેમની કાવ્યરચનાઓમાં ‘રાસવર્ણન’, ‘ષડ્ઋતુવર્ણન’, ‘વિરહની બારમાસી’, ‘પ્રકાશ’, ‘કલશગ્રંથ’, ‘વૈરાટવર્ણન’ વગેરેનો સમાવેશ થાય છે. બુંદેલખંડના પન્નામાં તેમણે જીવતાં સમાધિ લીધી હતી.

જયકુમાર ર. શુક્લ