સંત મલૂકદાસ (. 1574, કડા, અલાહાબાદ, ઉત્તરપ્રદેશ; . 1682) : મધ્યયુગીન હિંદી સંત કવિ. તેમના પિતાનું નામ સુંદરદાસ ખત્રી હતું. બાળપણથી જ તેમનામાં દૈવી પ્રેમ અને સંન્યાસ માટેની ઇચ્છાનાં લક્ષણો જોવા મળતાં હતાં. તેઓ કાવ્યની ‘નિર્ગુણ શાખા’ના મુખ્ય સંત છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્ય, અહિંસા, કરુણા અને ક્ષમા તેમના કાવ્યના પુનરાવર્તિત વિષયવસ્તુ છે.

તેમણે બ્રહ્મને અદ્વૈત, સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સનાતન તરીકે વર્ણવ્યા છે. તેઓ સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત હતા. તેમણે તેમનાં લખાણો દ્વારા જુદા જુદા સંપ્રદાયો વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો. તેઓ કવિ તરીકે ઉચ્ચ સ્થાન ધરાવતા ન હતા, પરંતુ અન્ય સંતોની જેમ તેમણે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર તેમના વિચારોની અભિવ્યક્તિ તેમનાં લખાણો દ્વારા કરી. તેઓ વાસ્તવમાં યોગી હતા અને મોક્ષના ઉપાય તરીકે તેમના ગ્રંથ ‘જ્ઞાનબોધ’માં યોગ વિશે પણ તેમણે ઉપદેશ આપ્યો છે.

તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે : ‘જ્ઞાનબોધ’, ‘જ્ઞાનપરોછી’, ‘ભક્તિ-વિવેક’, ‘ભક્ત-બછાવલી’, ‘રતનખાણ’, ‘વ્રજલીલા’, ‘રામાવતારલીલા’, ‘વિભયવિભૂતિ’, ‘ધ્રુવચરિત’, ‘સુખસાગર’ અને ‘બારહખડી’.

તેમના જીવનકાળમાં તેમણે જગન્નાથજી, પુરુષોત્તમ ક્ષેત્ર અને કાલપી તથા દિલ્હી જેવાં સ્થળોનું પર્યટન કર્યું હતું. પર્યટનમાં મળેલા અનુભવોને એમની કાવ્યવાણીમાં ગૂંથીને તેમણે બ્રહ્મના સૂક્ષ્મ સ્વરૂપને, તેની સર્વવ્યાપકતાને સરળ ભાષા અને માર્મિક ષ્ટાંતો દ્વારા લોકગમ્ય બનાવ્યાં છે.

તેમનાં માતા-પિતા કે શિક્ષણ વિશે કોઈ આધારભૂત માહિતી સાંપડતી નથી. એમ કહેવાય છે કે તેમના પિતાનો ઊની કામળા વેચવાનો વ્યવસાય હતો. મલૂકદાસને વૈરાગ્યભાવથી મુક્તિ અપાવવા તેમના પિતાએ તેમને પારિવારિક વ્યવસાયમાં પરોવ્યા. મલૂકદાસ અતિ પરગજુ સ્વભાવના હોઈ અર્ધા કામળાનું વેચાણ કર્યું, અર્ધા ગરીબોને વહેંચી દીધા.

તેમના ગુરુ વિશે પણ વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. આચાર્ય ક્ષિતિમોહન અને અયોધ્યાસિંહ ઉપાધ્યાયના મતે દ્રવિડ દેશના મહાત્મા વિઠ્ઠલદાસ તેમના ગુરુ હતા. ડૉ. પીતાંબરદાસ બડવાલના કહેવા પ્રમાણે તેઓ મુરારસ્વામીના શિષ્ય હતા. ‘પરિચઉ’ના લેખક સથુરાદાસના મતે તેમણે દેવનાથના પુત્ર પુરુષોત્તમ પાસેથી દીક્ષા લીધાનું કહેવાય છે.

મહાવીરસિંહ ચૌહાણ